મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.
અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.
પંચમ શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

એકાદ વાર – પન્ના નાયક

આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે –
એકાદવાર
એકાદ રાત તો
બેડરૂમની…

– પન્ના નાયક

સાવ નાની અમથી બે જ લીટીની, સૉરી, દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. સ્ત્રીના જાતિગત સંસ્કાર એને સંબંધને મારા-તારાની પૌરુષી નજરે મૂલવવાને બદલે ‘આપણે’થી જ જોતાં શીખવે છે એટલે કવિતાની શરૂઆત ‘આપણે’થી થાય છે. જીવન આખું દીવાનખાનાની-દુનિયાની વાતોમાં જ વેડફાઈ ગયું. દીવાનખાનું પ્રતિક છે જાહેર વાતોનું જ્યારે બેડરૂમ અંગત વાતોનું પ્રતિક છે. કામસૂત્ર-ખજૂરાહોનો આ દેશ હોવા છતાં આપણે બેડરૂમમાં જઈએ છીએ ત્યારે ખિસ્સામાં ડ્રોઇંગરૂમ લઈ જવાનું ચૂકતા નથી પણ આપણા ડ્રોઇંગરૂમમાં બેડરૂમ ભૂલેચૂકે પણ આવી શકતો નથી. ‘આખી જિંદગી’ની અડોઅડ ‘એકાદ રાત’ મૂકીને કવયિત્રી કટાક્ષ બેવડાવે છે.

પહેલું વાક્ય આશ્ચર્યચિહ્ન સાથે સમાપ્ત થાય છે. આખી જિંદગી દુન્યવી બાબતોમાં સહિયારી વેડફી દીધી હોવાની પ્રતીતિના પેટથી જન્મેલું આશ્ચર્ય છે આ. પણ એ વાક્યમાં પુરુષનું પ્રાધાન્ય છે એટલે એ વાક્યને પૂરા થવાનુઉં સુખ તો સાંપડ્યુ છે જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…

Comments (8)

હું ગુલામ? – ઉમાશંકર જોશી

હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?!

-ઉમાશંકર જોશી

 

એક ક્લાસિક રચના….

Comments (5)

ગાલ્લું – પ્રિયકાન્ત મણિયાર

ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-
ચંદ્ર પડ્યો શું મોળો!

ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ !
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને-
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?

-પ્રિયકાન્ત મણિયાર

આ કાવ્ય એક અદભૂત શબ્દચિત્ર દોરે છે….સરકતા જતા સમયની ભાસતી નિરર્થકતા એક ઘેરી વેદનાનું દ્રશ્ય નિરૂપે છે….નકરા fatalism ની ચૂભતી અનુભૂતિ….

Comments (4)

પ્યાદું – કોન્સ્ટન્ટિન કવાફી (અનુ.: વિવેક મનહર ટેલર)

જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.

પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.

કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!

કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.

– કોન્સ્ટન્ટિન કવાફી
(અંગ્રેજી અનુ: રે ડાલ્વેન)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.

The Pawn

As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.

But he is saved from all perils
and he manages to reach the last line in time.

How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !

For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.

– C. P. Cavafy
(Translation by Rae Dalven)

Comments (8)

સખ્ય – સંજુ વાળા

દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.

ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ

તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન

તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ

મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ

ઝળઝળિયાં-ની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તન-મન કોળતા, વ્રેહે હૈયે દાઝ

ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત

– સંજુ વાળા

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફે કહ્યું હતું, ‘change is the only constant.’ આ અફર સાર્વત્રિક નિયમથી ગુજરાતી કવિતા પણ કેમ બચી શકે? સમયની સાથે-સાથે મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, સૉનેટ અને દોહા -જેવા કાવ્યપ્રકારો ક્રમશઃ લુપ્ત થઈ જઈ રહ્યાં છે. સંજુ વાળા દોહાની વિસરાતી જતી પ્રણાલિનો હાથ ઝાલીને દોસ્તીના દોહા લઈને આવ્યા છે. એક-એક દોહા ખૂબ ધીમે ધીમે મમળાવવા લાયક…

Comments (8)

તમારી યાદના સૂરજ- આદિલ મન્સૂરી

તમારી યાદના સૂરજ ઉપર છાઈ નથી શકતા,
કદી એકાન્તના પડછાયા લંબાઈ નથી શકતા.

નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.

નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.

પડ્યાં છે પીઠ પર જખ્મો; મુકું આરોપ કોના પર?
ઘણા મિત્રોનાં નામો છે જે લેવાઈ નથી શકતા.

ખુદા, એવાય લોકોની તરફ જોજે કે જેઓને,
જીવનમાં રસ નથી ને ઝેર પણ ખાઈ નથી શકતા.

સુખો તો કોઈ દી’ આવે અને વ્હેંચાઈ પણ જાયે,
પરંતુ એ દુઃખોનું શું જે વ્હેંચાઈ નથી શકતા.

પછી એ વાદળો તૂટી પડે છે દર્દના રણમાં,
સમી સાંજે સુરાલય પર જે ઘેરાઈ નથી શકતા.

ગઝલ સારી લખો છો આમ તો ‘આદિલ’ સદા કિંતુ,
કસર બસ એટલી છે કે તમે ગાઈ નથી શકતા.

– આદિલ મન્સૂરી

પરંપરાગત રચના છે પણ અમુક શેરમાંની ગહનતા જુઓ !!!! 1,2,5 અને 6 શેર ખાસ…. મક્તો આખી ગઝલનો મૂડ મારી નાખે છે….😀😀😀

Comments (7)

જોઈએ – દુષ્યન્તકુમાર (અનુ. ઉશનસ્)

થૈ ગઈ છે પીડ પર્વતશી – પીગળવી જોઈએ,
આ હિમાલયથી કોઈ ગંગા નીકળવી જોઈએ.

આજ આ દીવાલ, પડદા જેમ લાગી હાલવા,
પણ શરત એવી હતી, બુનિયાદ હલવી જોઈએ.

હર સડક પર, હર ગલીમાં, હર નગર, હર ગામમાં,
હાથને લ્હેરાવતી હર લાશ પળવી જોઈએ.

માત્ર હંગામો મચવવો, હેતુ એ મારો નથી,
મારી કોશિશ છે કે આ સૂરત બદલવી જોઈએ.

મારી છાતીમાં નહીં તો તારી છાતીમાં, ભલે;
ક્યાંક હો એ આગ, પણ આગ જલવી જોઈએ.

– દુષ્યન્તકુમાર
(અનુ. ઉશનસ્)

દુષ્યન્તકુમારની આ ગઝલ હકીકતમાં ગુજરાતી અનુવાદની મહોતાજ નથી કેમકે આપણી રગોમાં ગુજરાતી જો રક્તકણ બની વહે છે તો હિંદી શ્વેતકણ બનીને. પણ સાક્ષાત્ યુગપુરુષ ઉશનસ્ જેવા પરંપરાના કવિ ગઝલની ચેતનાથી સરાબોળ ભીંજાઈને આ રચનાનો અનુવાદ કરે ત્યારે અનુવાદની ગુણવત્તા કરતાં એનું ઐતિહાસિક મહત્ત્વ વધી જાય છે. ગઝલ તો સ્વયંસ્પષ્ટ જ છે પણ ઉશનસનો અનુવાદ આપણા માટે વધારાના પુરસ્કાર સમો છે…

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

– दुष्यन्त कुमार

Comments

ચણીબોર – મકરંદ દવે

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.

બોરમાં તે શું ? બોલતા જ્ઞાની,
આંખો મીંચી બેસતા ધ્યાની,
તોરીલા પણ કોઈ તોફાની
ડાળને વાળી, ડંખને ગાળી
ઝુકાવે ઝકઝોર.

પીળચટાં ને તૂરમતૂરાં,
કોઈ ચાખી લે ખટમધુરાં,
લાલ ટબા તો પારેખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
ચખણી ચારેકોર.

જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
અહીં અમારે ધરતી લાલી
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
ખેલતાં આઠે પ્હોર.

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.

– મકરંદ દવે

ક્ષણોમાં જીવવાની વાત કેવી ખૂબીથી આલેખાઈ છે !!! મૂઠીમાં દરિયાની રેતીને જેટલા વધુ જોરથી ભીંસીને પકડવા જઈશું તેટલી જ ત્વરાથી એ સરકી જશે….

Comments (4)

ઊંઘમાં બબડાટ – એડિથ મટિલ્ડા થોમસ (અનુ. વિવેક મનહર ટેલર)

“તને લાગે છે કે હું મરી ગયું છું?”
સફરજનના ઝાડે કહ્યું,
“કેમકે મારી કને એકે પાંદડું નથી બતાવવા માટે-
કેમકે હું છું ઝૂકેલ,
ને મારી ડાળો છે તૂટેલ,
અને શુષ્ક ભૂખરી શેવાળ મારા પર ફાલે!
પણ તોય મારા થડ અને ડાળમાં હું છું જીવંત;
આવતા મેની કૂંપળ
મેં ગોપવી છે ભીતર-
પણ મને દયા આવે છે મારા મૂળ નજીકના ઘાસની, જેનો આવી ઊભો છે અંત”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
ઝડપી ઘાસે કહ્યું,
“કેમકે હું થઈ ગયું છું ધડ-પત્તા વગર!
પણ આ ભૂમિગત
હું છું સહી સલામત
ઓઢીને બરફના જાડો ધાબળો માથા પર
હું બિલકુલ જીવંત છું, ફૂટવાને તૈયાર,
વસંત આ વર્ષની જ્યારે
નર્તંતી આવશે ત્યારે-
પણ મને આ ડાળ ને મૂળ વિનાના ફૂલની આવે છે દયા અપાર.”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
એક મૃદુ અવાજે કહ્યું,
“કેમકે ન ડાળ-ન મૂળ, કાંઈ ન મારી કને.
હું કદી મર્યું જ નહોતું,
પણ સંતાઈ રહ્યું’તું
એક દળદાર બીમાં જેને વાવ્યું તું પવને.
શિયાળાના લાંબા કલાકોમાં મેં પ્રતીક્ષા કરી છે ધૈર્યથી
તમે મને જોશો ફરી-
હું તમારા પર હસીશ વળી,
સેંકડો ફૂલોની આંખથી.

– એડિથ મટિલ્ડા થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
સતત હિમવર્ષાના કારણે બધું મૃતપ્રાય ભાસે છે. સૃષ્ટિ સમગ્ર પ્રગાઢ નિદ્રામાં છે અને કવયિત્રી આ નિદ્રામાં સફરજનના ઝાડ, ઘાસ અને ફૂલને પ્રલાપ કરતાં સાંભળે છે. વાત ઊંઘમાં થઈ રહી છે પણ વાત જાગૃતિની છે. રાતના કાળા રંગના પોતથી કવયિત્રી જિંદગીની ચાંદનીનું મજાનું ચિત્ર દોરી આપે છે. મૃત્યુ બાહ્ય શરીર માત્ર છે, જીવન ભીતરની ચેતના છે. પ્રથમ પંક્તિમાં આવતા પ્રશ્નથી લઈને આખાય ઘટનાચક્રમાં સતત પુનરુક્તિ નજરે ચડે છે. એક જ સવાલ દરેક અંતરાની શરૂઆતમાં પુનરાવર્તિત કરીને કવયિત્રી સામાની ખાતરીની ખાતરી આપે છે અને પછી એનું નિરસન કરે છે. સામાને તો એમ જ છે કે આ મરી પરવાર્યું છે. કવયિત્રીને સફરજનનું ઝાડ, ઝાડને ઘાસ અને ઘાસને ફૂલ મરી પરવાર્યા હોવાની પતીજ છે એટલે એ દરેક એકમેકની દયા ખાય છે પણ દરેક પોતે જાણે છે કે પોતાની અંદરની ચેતના મરી પરવારી નથી. આ સામાના મૃત્યુની ખાતરી, સામા પર દયા, અને સ્વકીય ચેતનાની પુનર્જાગૃતિની ખાતરીનું પુનરાવર્તન આ કવિતાનો આત્મા છે.

*
Talking in their sleep

“You think I am dead,”
The apple tree said,
“Because I have never a leaf to show—
Because I stoop,
And my branches droop,
And the dull gray mosses over me grow!
But I’m still alive in trunk and shoot;
The buds of next May
I fold away—
But I pity the withered grass at my root.”

“You think I am dead,”
The quick grass said,
“Because I have parted with stem and blade!
But under the ground
I am safe and sound
With the snow’s thick blanket over me laid.
I’m all alive, and ready to shoot,
Should the spring of the year
Come dancing here—
But I pity the flower without branch or root.”

“You think I am dead,”
A soft voice said,
“Because not a branch or root I own.
I never have died,
But close I hide
In a plumy seed that the wind has sown.
Patient I wait through the long winter hours;
You will see me again—
I shall laugh at you then,
Out of the eyes of a hundred flowers.”

– Edith Matilda Thomas

Comments (1)

કાગડો મરી ગયો – રમેશ પારેખ

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

– રમેશ પારેખ

રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…

Comments (7)

ગઝલ – દિલીપ રાવલ

હોઠોના સ્મિત સાથે આંખોમાં છે તળાવો,
તારામાં તારી સાથે કંઈ કેટલા બનાવો.

ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો.

સૂરજનું અસ્ત થાવું કોઈ તળાવ વચ્ચે,
હો સ્વપ્ન છો ને કિંતુ એક સાંજ ત્યાં વિતાવો.

આંસુ, વિરહ, વ્યથાઓ, સપનાં અને નિઃસાસા,
છે આપણી જ વાતો ને આપણા બનાવો.

છોને વસંત માણો, એક કામ પૂરું કરજો,
ફૂલોને પાનખરમાં જઈને તમે હસાવો.

– દિલીપ રાવલ

આજકાલ વાંચવા મળે છે એના કરતાં સાવ નોખો જ અંદાજે-બયાં લઈને આવતી ગઝલ… બધા જ શેર કેવા મજાના!

Comments (4)

વ્યક્તમધ્ય – જવાહર બક્ષી

જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ

મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ

કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ

ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ

પળભર મળ્યાં છે મેઘધનુ રંગ–રૂપ નાં
કાજળ ન આંજ હમણાં…આ પળમાં વહી જઈશ

– જવાહર બક્ષી

ગઝલનું શીર્ષક અત્યંત સૂચક છે- ભગવદ્દગીતાનો બીજો અધ્યાય – શ્લોક 28:-

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥ 2.28॥

All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when they are annihilated. So what need is there for lamentation?

Comments (3)

જન્મીલું મરણ – સિતાંશુ યશશ્ચંદ્ર

આ પૂનમ કેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રે
કે થીજેલી ભરતી જેવાં આ શિખરોનો સળવળશે કે શું લય હે રે

થીર માનીને અમે ટોચ પર પ્રભુનાં મંદિર ચણ્યાં હતાં રે
નદીઓના આ છેડાને તો અડગ પ્હાણના ગણ્યા હતા રે
હવે જોયું ને થાય
થાય કે હેલારે ઊંચકાયેલાં છલક્યાં જ જાણજો પય હે રે

મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં જો પ્રગટી પડશે તો?
તૂટે કળશ કમાડ ને ગર્ભાગાર છેક આને જડશે તો?
અધ્ધર અટકી રહેલા ધસમસ આકારોનો બદલાશે નિશ્ચય હે રે

પછી ઘૂઘવ્યા પહાડ-સાગર, ડૂબ્યાં કૂપ તળાવ નદી હો
ડૂબ્યો દરિયો ડૂબી ધરતી ડૂબી વીસેવીસ સદી હો
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
રે
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
આ પીતપર્ણ પર પોઢેલા એ, સાંભળજો, નવજાત શિશુનો
સ્મિતકલરવ અક્ષય હે રે

-સિતાંશુ યશશ્ચંદ્ર

અનિત્ય મધ્યે એક જ નિત્ય – જીવન…..

Comments

તૂટ, તૂટ, તૂટ – આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન (અનુ. વિવેક મનહર ટેલર)

તૂટ, તૂટ, તૂટ,
તારા ઠંડા ભૂખરા ખડકો પર, ઓ સાગર!
ને હું ઇચ્છું છું કે મારી જીભ ઉચ્ચારે
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર.

ઓહ, સારું છે કે પેલો માછીમારનો દીકરો
બૂમ પાડીને રમી રહ્યો છે બહેનની સાથે;
ઓહ, સારું છે કે ખારવો પેલો
ગાઈ રહ્યો છે ખાડીમાં હોડીના માથે.

અને આ આલિશાન જહાજો જઈ રહ્યાં છે
પોતપોતાના સ્વર્ગમાં ટેકરીની ઓથે.
અરે પરંતુ! અલોપ થયેલા હાથનો સ્પર્શ
અને ધ્વનિ એ અવાજનો જે થીજી ગયો છે!

તૂટ, તૂટ, તૂટ
જઈને તારી કરાડના પગ પર, ઓ સાગર!
પણ એ દિવસ જે મરી ચૂક્યો છે એની કૃપા
ફરી કદી પણ નહીં વરસશે મારા પર.

– આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

વિક્ટોરિયન યુગના રાજકવિ, અને જીવતેજીવ દંતકથા સમાન બહુમાન પામનાર ટેનિસનના પરમમિત્ર આર્થર હેન્રી હેલમ, જે માત્ર 22 વર્ષની કાચી વયે અવસાન પામ્યા એની યાદમાં જ લખાયેલ આ રચના ઉત્તમ શોકગીત છે.સરળ ભાષા, ઓછામાં ઓછા શબ્દો, હૃદયને સીધેસીધી સ્પર્શી જતી બાનીના તાણા સાથે સજીવ ચિત્રો, પ્રગાઢ સંવેદના, ગમગીન સંગીત અને અભિવ્યક્તિની સચ્ચાઈના વાણાથી વણાયેલ આ ગીતનું પોત આપણા દરેકની અનુભૂતિને ઢાંકી શકે એવું હોવાથી એ સમયાતીત બની રહે છે.

પોતાની વેદના એ પોતાની જ હોઈ શકે. વેદનાનો ‘સ્વ’ કદી ‘સર્વ’ બનતો નથી. સમય એક જ છે પણ બધાની પાસે પોતપોતાની ઘડિયાળ છે અને બધાનો સમય પોતપોતાની ઘડિયાળનેજ વશવર્તી ચાલે છે. આપણી જિંદગી થીજી ગઈ હોય ત્યારે પણ દુનિયાની ઘડિયાળના કાંટા અટકતા નથી. કોઈના જવાથી કાળની ગતિ અટકવાની નથી. માછીમારના છોકરાઓ રમવાનું કે ખારવાઓ હોડી હંકારવાનું કે જહાજો ખેપ ખેડવાનું છોડવાના નથી. દરિયાના મોજાં તો પહેલાં પણ કિનારા પરના પથ્થરો પર માથાં પટકી પટકીને તૂટતાં જ હતાં અને પછી પણ તૂટતાં જ રહેશે. સૃષ્ટિનું સત્ય તો એનું એ જ રહે છે, માત્ર આપણા દુઃખના ચશ્માંમાંથી દૃશ્ય બદલાયેલા નજરે ચડે છે, બસ!
*

Break, Break, Break

Break, break, break,
On thy cold gray stones, O Sea!
And I would that my tongue could utter
The thoughts that arise in me.

O, well for the fisherman’s boy,
That he shouts with his sister at play!
O, well for the sailor lad,
That he sings in his boat on the bay!

And the stately ships go on
To their haven under the hill;
But O for the touch of a vanish’d hand,
And the sound of a voice that is still!

Break, break, break
At the foot of thy crags, O Sea!
But the tender grace of a day that is dead
Will never come back to me.

– Alfred, Lord Tennyson

Comments (2)

ગઝલ – મંથન ડીસાકર

નજરો નમી નથી ને નયનમાં નમી નથી,
કોઈને એવી શુષ્ક યુવાની ગમી નથી.

આશાનો સૂર્ય એટલે રંગીન છે હજુ
અંતિમ ચરણ છે સાંજનું પણ આથમી નથી

બારી ઉઘાડવાની છે ઇચ્છા? ઊઘાડી દે,
તો શું થયું? ભલે ને હવા મોસમી નથી

કડવાશ પારખું છું મીઠા શબ્દમાં હવે
એવા અનુભવોની જીવનમાં કમી નથી

ઘટનાની જાણ મેં કરી તો એમણે પૂછ્યું
શું સનસનાટીવાળી કશી બાતમી નથી?

ચર્ચા તો મારા નામની થઈ જોરશોરથી
મારા સિવાય જાણે બીજો આદમી નથી

આશ્ચર્યમાં પડ્યા એ મને હસતો જોઈને
એને થયું કે ચોટ મને કારમી નથી.

આવે નહીં મિલનની એ સાચી મજા કદી,
તેં જ્યાં સુધી વિયોગની પીડા ખમી નથી

અંદાજ ભાવિનો શું મૂકો વર્તમાનમાં?
મારી દશા જે આજે છે તે કાયમી નથી.

– મંથન ડીસાકર

રાણીવાડા(રાજસ્થાન)થી એક પરિવાર ડીસા(ગુજરાત) આવ્યો અને આગમનના બે જ મહિનામાં નરેશ ગંગવાલનો જન્મ થયો. દોઢ દાયકાથી સુરતને નિવાસસ્થાન અને મંથન ડીસાકરને પોતાની કાયમી ઓળખ બનાવનાર આ કવિ સંતાન રાજસ્થાની પરિવારનું છે, MA અને BEdનો અભ્યાસ અંગ્રેજીમાં કર્યો છે અને કવિતા ગુજરાતીમાં કરે છે. ‘અભિનવ સાહિત્ય સભા’ જેવી નાનાવિધ સાહિત્યલક્ષી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ અવિનાભાવે સંકળાયેલા છે.

મત્લાના શેરમાં જ ‘નમી’નો શ્લેષ- ‘નમવું’ અને ‘ભીનાશ’ સ્પર્શી જાય છે. આજના 20-20ના સમયમાં કુલ નવ-નવ શેરની પ્રમાણમાં લાંબી લાગે એવી આ ગઝલ એટલા માટે ગમી જાય છે કે એકપણ શેર નબળા પડતા નથી. આખેઆખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે. ભાષાની સરળતા અને અભિવ્યક્તિની તાજગી સહજ સ્પર્શી જાય છે…

Comments (7)

તારી ગલી સુધી – હરિશ્ચંદ્ર જોશી

નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં
રસ્તા તો એનાં એ જ છે ચરણો નવાં નવાં

આ રેતના નગરમાં વિહ્વળ તમામ આંખ
મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં

જીવનને જરી જાણ્યું, ન જાણ્યું- પૂરું થતું
ડાઘુ તો એનાં એ જ છે મરણો નવાં નવાં

વાસંતી વસ્ત્ર ઓઢે કે પહેરે નવી હવા
વૃક્ષો તો એનાં એ જ છે પરણો નવાં નવાં

શ્રદ્ધાને સાચવી રહ્યું આંગળ યુગો પછીય
મંત્રો તો એનાં એ જ છે શ્રમણો નવાં નવાં

ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં

નીકળ્યો હરીશ પહોંચવા તારી ગલી સુધી
નક્શા તો એનાં એ જ છે ભ્રમણો નવાં નવાં

– હરિશ્ચંદ્ર જોશી

સહજ, સુંદર…

Comments (6)

મારો અનહદ સાથે નેહ ! – મકરંદ દવે

મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ. [ ગેહ = સ્થાન,થાનક ]

ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ.

– મકરંદ દવે

સાંઈકવિની લાક્ષણિક રચના… હું તો પ્રથમ પંક્તિથી જ ઘાયલ થઇ ગયો……

Comments (3)

એટલું નક્કી કરો – ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?

કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.

આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.

રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.

હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.

છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.

– ગૌરાંગ ઠાકર

Comments (10)

કવિ, પ્રેમી, બર્ડવૉચર – નિસીમ ઇઝેકિલ (અનુ.: વિવેક મનહર ટેલર)

કરવી ઉતાવળ સર્વદા ને સ્થિર ના રહેવું કદી
સ્ત્રીઓ કે પક્ષીઓના અભ્યાસુની છે એ રીત ક્યાં?
ઉત્તમ કવિઓ તો જુએ છે રાહ શબ્દોની સદા.
આ શોધ કંઈ નકરી મહેચ્છાઓની કસરત તો નથી
પણ સ્નેહ છે આરામ કરતો ટેકરી પર ધૈર્યથી
જોવાને હલચલ માત્ર શર્મિલી ને ભીરુ પાંખની,
કે જ્યાં સુધી જે જાણે છે કે ચાહ છે તેણીની એ
ના રાહ જોતી, સોંપી દેતી જાતને જોખમ લઈ –
આમાં કવિ પણ સિદ્ધ થાતી પામતા નૈતિકતાને
જે બોલે ના સહેજે જ્યાં લગ આત્મા ન એનો હચમચે.

ધીમી ગતિ આ, કો’ક રીતે લાગે છે, બહુ બોલકી.
જોવાને દુર્લભ પક્ષીઓ, આપે જવું પડશે પણે
સુમસાન ગલીઓમાં અને જ્યાં થઈ નદીઓ આ વહે
નજદીક મૂળની મૌન થઈ, કે ફર્શ કાળી દિલ તણી
જેવા જ આઘેના ને કાંટાળા કો’ કાંઠે-કાંઠે થઈ.
ને ત્યાં આ સ્ત્રીઓ જે નથી બસ, અસ્થિ મજ્જાની બની,
પણ તેજની કલ્પનકથા, અંધારું જેના કેન્દ્રમાં
એ હળવેથી ફરશે પરત, ને ચેતના જડતી ફરી
કવિઓને જેઓ વક્ર ને વ્યાકુળ ઉડાનોમાં હતા,
સાંભળશે જે બહેરા છે એ ને અંધ દૃષ્ટિ પામતા.

– નિસીમ ઇઝેકિલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પ્રસ્તુત રચનાનું શીર્ષક ‘પોએટ, લવર, બર્ડવૉચર’ શેક્સપિઅરના પ્રસિદ્ધ નાટક ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’માં થિસિયસ હિપોલિટાના સંવાદમાં આવતા ‘the lunatic, the lover and the poet’ની યાદ અપાવે છે. દસ દસ પંક્તિના બે ખંડનું બનેલું આ કાવ્ય આયંબિક પેન્ટામીટર છંદમાં લખાયું છે. નિસીમની પ્રાસરચના થોડી વિશિષ્ટ છે: ABBAA CDCDD. અનુવાદમાં હરિગીત છંદ પ્રયોજાયો છે અને પ્રાસવ્યવસ્થા મૂળને લગભગ સુસંગત રખાઈ છે. આશિક, પક્ષીપ્રેમી અને કવિ; પ્રેયસી, પક્ષી અને કવિતા – સતત એકમેકમાં ઓગળી જતા દેખાય છે. એક કલ્પન બીજામાં ને બીજું ત્રીજામાં એમ ત્રણેય ઉપમાઓ એકબીજામાં આવજાવ કરતી અનુભવાય છે, એ જ રીતે જે રીતે બે પ્રેમીઓ રતિક્રીડાની ચરમસીમાએ અદ્વૈત પ્રાપ્ત કરતા હોય. ચિત્તની સંપૂર્ણ શાંત અવસ્થા ત્રણેયના ધ્યેયપ્રાપ્તિની મુખ્ય શરત છે કેમકે સંપૂર્ણ શાંતિ હોય તો જ આત્મા હચમચે એનો અવાજ શ્રાવ્ય બને.

કિટ્સ કહેતા કે ઝાડને પાંદડાં આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. નિસીમની આ રચનામાં પણ કવિ કવિતા લખે છે એના કરતાં કવિતા કવિને લખે છે એ પ્રકારનો અભિગમ નજરે ચડે છે. આખી વાત અભ્યાસની અને ધીરગંભીરતાની છે. કવિ જો આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો દુર્લભ પક્ષી કે જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ કવિતા પણ સામે ચાલીને આવી મળશે. સાચી કવિતા ચમત્કારની એ ઊંચાઈ પર પહોંચે છે જ્યાં બહેરાઓ સાંભળી શકે છે ને આંધળાઓ જોઈ શકે છે.
*

Poet, Lover, Birdwatcher

To force the pace and never to be still
Is not the way of those who study birds
Or women. The best poets wait for words.
The hunt is not an exercise of will
But patient love relaxing on a hill
To note the movement of a timid wing;
Until the one who knows that she is loved
No longer waits but risks surrendering –
In this the poet finds his moral proved
Who never spoke before his spirit moved.

The slow movement seems, somehow, to say much more.
To watch the rarer birds, you have to go
Along deserted lanes and where the rivers flow
In silence near the source, or by a shore
Remote and thorny like the heart’s dark floor.
And there the women slowly turn around,
Not only flesh and bone but myths of light
With darkness at the core, and sense is found
By poets lost in crooked, restless flight,
The deaf can hear, the blind recover sight.

– Nissim Ezekiel

Comments (7)

(ઘર હતાં) – સુરેન ઠાકર ‘મેહુલ’

આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’

Comments (13)

ધારણા તૂટી પડી – સંજુ વાળા

સ્વપ્ન સોનેરી થવાની ધારણા તૂટી પડી
આંખ ખૂલી ગઈ તો છાની ધારણા તૂટી પડી

આપની હે સ્વપ્નજ્ઞાની ધારણા તૂટી પડી
માંગતા મળતી મઝાની ધારણા તૂટી પડી

આભ ગોરંભે ચડયું, સંકેત સૌ ડૂબી ગયા
‘ને ઉપરથી ખારવાની ધારણા તૂટી પડી

જોઈ લો, સંજોગ કેવા મૂડ બદલે છે નવા
મન હતું પણ માળવાની ધારણા તૂટી પડી

જીવતા માણસને જ્યાં ફોડાય છે શ્રીફળ ગણી
એ વધુ કઈ કરશે હાની ? ધારણા તૂટી પડી

શહેરી બત્તીઓનું ટોળું તેજના દરબારમાં
જઈ પહોંચ્યું તો દીવાની ધારણા તૂટી પડી

તથ્યની પડખે ઉછરતી વાયકા ચર્ચામાં છે
ત્યારથી સૌ સત્યતાની ધારણા તૂટી પડી

– સંજુ વાળા

અનુમાન બાંધવા એ મનુષ્યમાત્રનો સ્વભાવ છે અને અનુમાન પ્રમાણે જિંદગી વળાંક ન લે તો હતાશ થવું એય આપણો સ્વ-ભાવ છે. આપણા અખ્તિયારમાં હોય કે ન હોય, આપણે દરેક ચીજ માટે ધારણા તો બાંધી જ લેતા હોઈએ છીએ. કવિ આજ વાતને કેન્દ્રમાં રાખીને ભ્રમનિરસનની મજાની ગઝલ લઈ આવ્યા છે… અહીં ભલભલી ધારણા તૂટી પડતી નજરે ચડશે પણ સારી ગઝલ મળવાની ધારણા છેલ્લા શેર સુધી અડીખમ રહે છે…

Comments (3)

દ્રષ્ટિકોણ – અનિલ ચાવડા

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભવદ્દગીતા પર બેઠો તો સંયોગવશ બસ !
પંડિતો એમાંય ઊંડા અર્થ સંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારના ઈંડાં મૂકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સૂઝે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બૂઝે છે !

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પૂરે છે.

– અનિલ ચાવડા

જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ વધુને વધુ સરસ શેર આવતા જાય છે. અંગત રીતે મને પાંચમો શેર શિરમોર લાગ્યો…

Comments (8)

કવિતા પોતાને ઘરે ગઈ – વિજય નામ્બિસન (અનુ – ઉદયન ઠક્કર)

વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી
નાકા પરની દુકાને ગયાં
પાઉં ખરીદવા
દુકાનદારે પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’

પછી એલિઝાબેથ ઉમાન્ચેરી પોતાને ઘરે ગયાં

એલિઝાબેથ ઉમાન્ચેરી
મેજ સામે બેઠાં
કવિતા લખવા
કવિતાએ પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’
એલિઝાબેથ ઉમાન્ચેરી
બોલ્યાં, ‘હા’

પછી કવિતા પોતાને ઘરે ગઈ.

-વિજય નામ્બિસન
(અંગ્રેજીમાંથી અનુવાદ,ઉદયન ઠક્કર )

કાવ્યનો આસ્વાદ કવિ ઉદયન ઠક્કરના જ શબ્દોમાં :-

 

ફૂટબોલની રમતમાં સ્ટ્રાઈકર દડાને એક દિશામાં મોકલવાનો અભિનય કરીને બીજી દિશામાં મોકલે, અને અસાવધ પળે ગોલ ઝીંકી દે.સરળ લાગતી આ રચનામાં પણ એક શબ્દફેર વડે કવિતા સિદ્ધ કરાઈ છે.

કવિતાના પહેલા ખંડમાં,શેરીનો દુકાનદાર પૂછે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પોતાની શેરીમાં ઓળખાવાથી કંઈ ‘વિખ્યાત’ ન થવાય. તમે અને હું વિખ્યાત કવિઓ નથી,તોય પોતાની શેરીમાં તો જાણીતા છીએ.વળી દુકાનદારને રસ હોય ઘરાકને ખુશ કરવામાં. પાઉં લેવા આવેલી એલિઝાબેથને દુકાનદાર મસ્કો ચોપડે છે.વખાણ કોને ન ગમે? શિયાળની પ્રશંસા સાંભળીને પેલા કાગડાના મોંમાંથી પૂરી છૂટી ગઈ હતી. લિફ્ટમાં દાખલ થતાંવેંત અરીસામાં ચહેરો ન જુએ એવાને મેં તો હજી જોયો નથી.દુકાનદાર સાથેની વાતચીતથી એલિઝાબેથ પોતાને ‘ક્વીન એલિઝાબેથ’ માનતી થઈ જાય છે.

બીજો ખંડ આમ તો પહેલા જેવો જ છે.એલિઝાબેથ મેજ સામે બેઠી છે, કવિતા લખવા,ત્યાં નાનકડો ચમત્કાર થાય છે. કવિતા ખુદ બોલી પડે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પેલીના માથા પર હજી ‘વિખ્યાત’નું ભૂત સવાર છે, કહે છે,’હા,હા,હું જ!’ હવે બીજો ચમત્કાર થાય છે- કવિતા મોં ફેરવીને જતી રહે છે.

દરેક કવિતા એક નવો પડકાર છે,દરેક વેળા શૂન્યમાંથી સર્જન કરવું પડે છે.મોટા કવિને ગ્રેસના માર્ક મળતા નથી. જેના માથામાં રાઈ ભરાઈ જાય,જે નવું વાંચવાનું મૂકી દે,પ્રયોગો કરવાનું મૂકી દે,તેનો સાથ કવિતા મૂકી દે છે.દયારામનું પદ છે,’વૈષ્ણવ નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’ લાભશંકર ઠાકરે શબ્દફેરે કહ્યું,’કવિવર નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’

જે કવિતા માટે ખરું છે તે સર્વ ક્ષેત્રો માટે ખરું છે.કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુનને કાબાઓએ લૂંટી લીધો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોને ચિત્રપટ બનાવ્યું હતું,’રોકી.’ બોક્સિંગ ચેમ્પિયન બન્યા પછી મોજમજામાં પડી ગયેલો રોકી, એક નવાસવાના હાથે કુટાઈ જાય છે.

આ નાનકડી કવિતામાં (શીર્ષક સાથે) ૫૭ શબ્દો છે,જેમાંથી ૨૦ શબ્દો છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ ઉમાન્ચેરી.’ જ્યારે કવયિત્રી પોતે આટલી બધી જગા રોકે,ત્યારે કવિતા તો બહાર જ જતી રહેને!

-ઉદયન ઠક્કર

Comments (8)

સૉનેટ : ૧૮ -વિલિયમ શેક્સપિઅર (અનુ.: વિવેક મનહર ટેલર)

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે.

*
Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare

Comments (8)

પ્રેમમાં ઔદાર્ય – રતિલાલ ‘અનિલ’

સત્ય પણ ક્યારેક કડવું જોઈએ,
જાતની સાથે ઝગડવું જોઈએ !

બહારનાં સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઈએ !

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઈએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઈએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઈએ !

પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે !
આળ જેવું કૈંક ચડવું જોઈએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઈએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’
એક તક છે, કૈંક જડવું જોઈએ !

– રતિલાલ ‘અનિલ’

વિન્ટેજ વાઇન! અરૂપ ઈશ્વરની સામે માનવજાતને સામી કરીને કવિ જે રીતે સર્જનનો સંદેશ આપે છે એ કાબિલે-દાદ છે. રાહમાં કૈંક નડ્યું ન હોય તો મુસાફરી શા કામની? અને ભલેને ખાલીપો કેમ ન હોય, ખખડે નહીં તો એના હોવાપણાની જાણ શી રીતે થાય? મક્તાનો શેર પણ મજબૂત…

Comments (1)

(હાથમાં) – આદિલ મન્સૂરી

હોય શું બીજું તો ખાલી હાથમાં
ખાલીપો ખખડે સવાલી હાથમાં

હોઠ પર દરિયો ઘૂઘવતો પ્યાસનો
કાચની એક ખાલી પ્યાલી હાથમાં

ભાગ્યરેખા હાથથી સરકી ગઈ
રહી ગઈ બસ પાયમાલી હાથમાં

હાથમાં ફીકાશ વધતી જાય છે
ક્યાંથી આવે પાછી લાલી હાથમાં

હાથ એનો હાથતાલી દૈ ગયો
ને હવે પડઘાય તાલી હાથમાં

એક છાયા રાતભર ઘૂમે અહીં
ચાંદનીનો હાથ ઝાલી હાથમાં

– આદિલ મન્સૂરી

સરળ-સહજ-સુંદર…

Comments (2)

ગઝલ – વિરલ દેસાઈ

કાલ દીવાએ દારુ પીધો!
ખુદને પાછો સૂરજ કીધો!

એક અનાડી નાવે આવી,
દરિયો આખો માથે લીધો!

રસ્તાના પથ્થર હો છો ને,
આવે એને રસ્તો ચીંધો.

પાગલ, આવી ટેવ તને કાં?
વાંકી દુનિયા, ચાલે સીધો!

પક્ષી હો કે માણસ, ‘પાગલ’;
પાંખો આવી? વીંધો વીંધો!

– વિરલ દેસાઈ

કદી સાંભળવામાંય ન આવ્યું હોય એવા એક સાવ નાનકડા ગામ ‘કોઈન્તિયા’ના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી યુવાકવિ વિરલ રબારી (દેસાઈ) શરૂમાં ‘પાગલ કોઈન્તિયાલ્વિ’ તખલ્લુસ રાખીને ગઝલ લખતા હતા પણ સમયની સાથે તખલ્લુસ ખરી ગયું પણ એમના જ એક શેર –બાપ ગઝલ છે, માત ગઝલ છે; મારી આખી જાત ગઝલ છે-ની જેમ ગઝલ જીવન અને જીવન ગઝલ બની ગયું છે. કવિની ટૂંકી બહેરની એક મજાની ગઝલ આજે માણીએ…

Comments (2)

ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી (અનુ.: વિવેક મનહર ટેલર)

દરરોજ રાતે હું ફંફોસ્યા કરું છું
આકાશને મારી આંખ વડે,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.

પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરો જે હું જોઉં છું
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)

*
પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણાવાણાથી વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. મિલનની મીઠાઈ એકધારી ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે.

અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક હવે એકલો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક આકાશમાં તાકી રહે છે. આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને આકાશે મીટ માંડીને બેઠો છે તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે જોતી બેઠી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે. ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય.

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે.

*
Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.

I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.

When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.

I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

-Abu Bakr al-Turtushi
(Translation into Spanish by Emilio García Gómez)
(Translatiion from Spanish to English by Cola Franzen)

Comments (6)

નૂતન વર્ષાભિનંદન…

Comments (10)

ગીતાંજલિ: ૨૧ : – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ.: નગીનદાસ પારેખ)

અવ આ હોડી દઉં મુજ છોડી;
તીરે બેઠાં સમય વહ્યો બહુ, આવે શરમ ન થોડી

કુસુમ સકલને ખીલવી દઈને વસંત જો આ ચાલી,
શું કરવું મારે લઈને આ ખર્યાં કુસુમની થાળી?

જલ આ છલક-છલક છલકાતાં, મોજાં ઝોલે ચડતાં,
વિજન તરુને મૂળે મરમર મર્મર-પત્રો ખરતાં.

શૂન્યમને તું ક્યાં ભાળે છે, કંપન ઊઠ્યું જાગી,
આકાશે વાયુમાં સઘળે પારની બંસી વાગી.

– રવીન્દ્રનાથ ઠાકુર
(અનુ.: નગીનદાસ પારેખ)

*
હોડી કાંઠા પર ગમે એટલી સુરક્ષિત કેમ ન હોય, એનું ગંતવ્ય છે જળયાત્રા. માનવજીવન મળ્યાને સમય વીતી ગયો પણ હજી સુધી ધ્યેયપ્રાપ્તિ માટે, ઈશ્વરપ્રાપ્તિ માટે આપણે શરૂઆત જ કરી નથી. કાંઠો ન છોડી શકવાની નિર્માલ્યતા પર હવે તો શરમ પણ આવે છે. જીવનની વસંત પણ આવી, ફૂલોને ખીલવીને ચાલી પણ ગઈ. હવે હાથમાં પાનખરની ડાળી પકડીને, શક્યતાશૂન્ય ક્યાં લગ બેસી રહેવાનું? એકતરફ જળ હજીય છલકાઈ રહ્યાં છે, મોજાં પણ ઇજન આપી રહ્યાં છે તો બીજી તરફ નિર્જન વૃક્ષના પાંદડાંઓ હવે એક પછી એક ખરવાં માંડ્યાં છે. જાગવાની ખટઘડી આવી ચૂકી છે. હવે શૂન્યમનસ્ક બેસી રહેવાનું, અર્થહીનતામાં તાકવાનું છોડીને સામે પારથી વાગી રહેલી વાંસળીની ધૂન સાંભળવાનો સમય આવી ચૂક્યો છે… ઊઠ મનવા! હોડી તરતી મેલ ને સામે કાંઠે બંસીધર ભણી પ્રયાણ કરે…

*
XXI

I MUST LAUNCH out my boat. The languid hours pass by on the shore-Alas for me!

The spring has done its flowering and taken leave. And now with the burden of faded futile flowers I wait and linger.

The waves have become clamorous, and upon the bank in the shady lane the yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon! Do you not feel a thrill passing through the air with the notes of the far away song floating from the other shore?

– Rabindranath Tagore

Comments (3)

તમન્ના – ‘ગની’ દહીંવાળા

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું.

અમારી દ્રષ્ટિએ છે પાપ પડતીમાં પડી રહેવું,
પુન: વ્હાણે પ્રગટશું, સાંજનાં જો આથમી જાશું.

સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જો જો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું.

જીવનની ડાળ ઉપર પુષ્પ રૂપે ફોરશું, કિન્તુ;
મધુકર વૃત્તિઓની સામે કંટક પણ બની જાશું.

અમે ઓ રાહબર! આગળ ધપીશું તવ નજર રૂપે,
નથી કંઈ કાફલાની ધૂળ કે પાછળ રહી જાશું.

પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.

પતંગાની અગન લઈને ‘ગની’ કંઈ શોધીએ શાતા,
દીસે છે દૂર પેલી જ્યોતિ, ત્યાં જઈને બળી જાશું.

 

– ‘ગની’ દહીંવાળા

 

 

Comments (4)

સપનાં વસંતના – સુરેશ દલાલ

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં

આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.

માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.

– સુરેશ દલાલ

11 ઓક્ટોબરે કવિનો જન્મદિન ગયો. આ કાવ્ય એમનો લાક્ષણિક મિજાજ છતો કરે છે…..સમ્પૂર્ણ આશાવાદ….

Comments (2)

હાઇકુ – કોબાયાશી ઇસા (અનુ.: વિવેક મનહર ટેલર)

These sea slugs,
they just don’t seem
Japanese.

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

The crow
walks along there
as if it were tilling the field.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

Even with insects—
some can sing,
some can’t.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.

Don’t worry, spiders,
I keep house
casually.

ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

The snow is melting
and the village is flooded
with children.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

Mosquito at my ear—
does he think
I’m deaf?

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

પ્રાર્થતી વેળા
બુદ્ધને હરપળ
મારું મચ્છર.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

Fiftieth birthday:
From now on,
It’s all clear profit,
every sky.

પચાસમી વર્ષગાંઠે:
હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

Summer night–
even the stars
are whispering to each other.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી અનુ: 1-13: રોબર્ટ હાસ, 14: આર.એચ.બ્લિથ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે.

Comments (7)

(તારી રમત, મારી રમત) − ચિનુ મોદી

આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.

સાત સપનાં, એક સૂડો, પાંદડાનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.

પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.

વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.

શોધમાં ‘ઇર્શાદ’ છે, ચહેરા વગરનો આદમી,
જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.

− ચિનુ મોદી

Comments (2)

સાર નીકળ્યો – સાહિલ

ચાહતની પળ-વિપળનો ગજબ સાર નીકળ્યો,
નાનકડી કાંકરી નીચે ગિરનાર નીકળ્યો.

સઘળા ભરમનો ભાંગીને ભૂક્કો થઈ ગયો,
સૂરજની આગ-જડતીમાં અંધાર નીકળ્યો.

અવગણના કીધી જેમની મેં બાળકો ગણી,
એ બાળકોની બોલીમાં કિરતાર નીકળ્યો.

બે હાથ દ્વાર ભીડવા ઊંચા થયા અને,
પાંખો મળી તો આંખમાં સત્કાર નીકળ્યો.

સાથે ને સાથે તોય જાણે દૂર જોજનો,
પડછાયો મુજને ભેટવા લાચાર નીકળ્યો.

અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.

કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો.

-સાહિલ

સ-રસ રચના…

Comments (1)

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ – સંજુ વાળા

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ.

વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા,
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

–સંજુ વાળા

શું ન જડ્યું ? – સંબંધમાં ઉષ્મા ન જડવાની વાત છે ? કે પછી અગોચરની શોધમાં મરાયેલા વ્યર્થ ફાંફાની વાત છે ? ડહાપણ [ wisdom ] શોધતા માનવીની જ્ઞાનના આડબીડ જંગલે અટવાઈ પડવાની વાત છે ?

Comments (6)

રહેવા દે – હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

– હિતેન આનંદપરા

પહેલો અને ચોથો શેર મને આ ગઝલ મૂકવા ઉત્સાહિત કરી ગયા…..

Comments (11)

ઓઝિમન્ડિસ – પર્સી બિશ શેલી (અનુ.: વિવેક મનહર ટેલર)

(શિખરિણી)

હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સનયથી મોટો અને સાચો વિવેચક ન કોઈ થયો છે, ન થશે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા ૨૯ વર્ષની નાની વયે ગુડબાય કહી જનાર અમર મહાન બ્રિટિશ ગીતકવિ શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ગ્રીક નામ છે. ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો સૌથી વધુ શક્તિશાળી ફેરો હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. ’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે.

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley

Comments (6)

અવાજો – મનહર મોદી

અવાજો તો બધેથી આવવાના
હશે રસ્તા તો લોકો ચાલવાના

હૃદયનું હોય તો સમજાય, આ તો
સૂકી રેતીમાં દરિયા દાટવાના

ઘણા વર્ષોથી હુંયે કામમાં છું
બધા પડછાયા ઢગલે ઢાળવાના

ગણતરીના દિવસ બાકી બચ્યા છે
હવે વરસાદમાં શું વાવવાના ?

મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.

– મનહર મોદી

મનહર મોદી બ્રાન્ડ ગઝલ…

Comments (5)

ચાંદની – બાલમુકુન્દ દવે

શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!
કપૂર ધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપ આભલાં.
પલ પલ ખૂલે જ્યોત્સના કેરાં દલેદલ, મધ્યમાં
પ્રકટ પૃથિવીની ઊભી જાણે લસે નવપદ્મજા!
પૃથક ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.
દિવસ અજવાળે જે દીસે વિરૂપ, લજામણું
સ્વરૂપ પલટી તે તે ઊભું નવું સુહામણું!
જગસકલની ત્રાંબાકુંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!
ભવનભવને મેડી સૂતાં મીઠાં યુગલો પરે,
સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!
ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!
અશરીર છતાં આકારો લે મનોહર ઊતરે,
ગહન વીમલાં સૌન્દર્યો શા રહી રહી નીતરે!

– બાલમુકુન્દ દવે

આજે શરદપૂર્ણિમા. કાલે ચાંદનીપડવો. સહુને ઘારીમુબારક. અને લયસ્તરોના વાચકમિત્રો માટે ઘારી જેવી શરદપૂર્ણિમાની ચાંદની રેલાવતી આ કવિતા..

કવિનો કેમેરો કેવો કમાલ ફરે છે તે જુઓ… જીવનમાં અચાનક અને પૂરેપૂરું મળી જાય એની કિંમત રહેતી નથી. શરદઋતુની આ ચાંદની કદાચ એથી જ ધીરે ધીરે ગળાઈ-ચળાઈને, અર્થાત્ શુદ્ધ થઈને મોડી મોડી પણ પૂરબહાર ખીલે છે. ગળાયેલી ચાંદનીને કવિ કપૂરની સફેદી સાથે સરખાવે છે. આવી અદભુત ઉપમા આપણે ત્યાં ભાગ્યે જ જોવામાં આવી હશે. કપૂર એની આગવી સુગંધ ઉપરાંત સફેદી અને પારદર્શિતાના ગુણ ધરાવે છે. શુદ્ધ શ્વેત ચાંદની માટે આનાથી વધુ ઉપયુક્ત ઉપમા બીજી કઈ હોઈ શકે? વરસાદની મોસમ હવે પતી ગઈ છે એટલે આભમાં પવનની પાંખ પર સરકતાં વાદળો પણ સફેદ જ હોવાનાં.

કેમેરાનો લેન્સ હવે આખા બ્રહ્માંડને સમાવિષ્ટ કરી લે છે. ચાંદની જાણે વિશાળ પુષ્પ હોય એમ એની પંખડીઓ એક પછી એક ખુલતી જાય છે અને મધ્યમાં પૃથ્વી લક્ષ્મી સમી ઊભી ભાસે છે. આવા આ અપાર્થિવ અવસરે પાર્થિવ તત્ત્વો ચાંદનીમાં એકસમાન ન્હાઈને જાણે પરસ્પરમાં ઓગળી-વિલીને થઈ કળાત્મક કૃતિનું સર્જન કરે છે. દિવસના અજવાળામાં જે કદરૂપું ભાસે છે એ બધું પણ ચાંદનીમાં ધોવાઈને નવીન અને સોહામણું બની રહે છે. દુનિયા આખી તાંબાકુંડી ન હોય અને ચાંદ જાણે એમાં નહાવા ન આવતો હોય એમ ધીમે ધીમે આભથી સરી રહ્યો છે. અહીં કશું જ ઉતાવળે થતું નથી એનું કારણ ચાંદનીની શીતળતા અને શુભ્રતા છે. ઘરે ઘરે મેડી પર સૂતેલાં પ્રેમનિમગ્ન યુગલો પર નાનાં-બારીક છિદ્રોમાંથી જાણે ચાંદની નહીં પણ પ્રકૃતિની મમતા દ્રવી રહી છે. નદી-નાળાં, પર્વત-મેદાન-જંગલ – બધું રમણીય છે. પાંદડા પરની કીડી પણ કમનીય દેખાય એ ચાંદનીની કમાલ છે અને આ કમનીયતા આબાદ ઝીલી શકે એ કવિના કેમેરાની કમાલ છે. ચાંદનીનો પોતાનો નથી કોઈ દેહ, નથી આકાર પણ એ છતાં એ અવનવા આકાર લઈ અવનિ પર ઉતરે છે અને પરિશુદ્ધ પણ ગહન સૌંદર્યસૃષ્ટિની જનેતા બની રહે છે..

Comments (1)

ઢીંચણ પર માખી – રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ.
એની પર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે !
મને થાય છેઃ
ચોકની માટીમાં રગડપગડ આળોટું.
પણ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી ?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

એક તદ્દન સહજ-સામાન્ય ઘટનામાંથી કાવ્ય અને તે પણ આવું અદભૂત કરુણરસનું કાવ્ય માત્ર અને માત્ર રાવજી જ સર્જી શકે… હળવા ઉપાડ સાથે આરંભાતું કાવ્ય આગળ વધે છે તેમ ઘેરા વિષાદનો રંગ પકડે છે અને એક સાચા ‘જૉકર’ ની જેમ હસતા-હસાવતા રડાવી દે છે…..

Comments (3)

જોતો રહ્યો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એક મુંઝારો નિરંતર દેહમાં જોતો રહ્યો,
સાવ ભૂખ્યો ડાંસ અજગર દેહમાં જોતો રહ્યો.

બ્હાર શેરીમાં ભટકતો સાવ પાગલ શખ્સ એ,
આંખ જ્યાં મીંચું હું અકસર દેહમાં જોતો રહ્યો.

દેહ જો ના હોત એની થાત ઓળખ કઈ રીતે,
હું હંમેશાં દોસ્ત ઈશ્વર દેહમાં જોતો રહ્યો.

આમ ટીપું આમ મોટા રણ સમો લાગ્યા કરું,
રોજ સૂકાતો સમંદર દેહમાં જોતો રહ્યો.

દેહ છે ત્યાં લગ બધા સંબંધ ને સંસાર આ,
હું બધા પ્રશ્નો ને ઉત્તર દેહમાં જોતો રહ્યો.

કોણ આ મિસ્કીન થઈને ઠોકરો ખાતું ફરે,
માંહ્યલો સાબૂત સદ્ધર દેહમાં જોતો રહ્યો.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આત્મ-શોધની વાત છે….કવિ પોતાની મૂંઝવણો કાવ્યમાં મૂકીને આપણને વિચારમાં નાખી દે છે….ત્રીજો શેર ખાસ.

Comments (2)

નરાતાળ વા’-ના – સંજુ વાળા

કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના

પ્રગટવું હશે તેઓ પ્રગટી જવાના
ભલે સામે છેડે મથે લાખ વાના

ઊડી ગઈ જો કોયલ તો છોને ઊડી ગઈ
ઘણા અન્ય મિત્રો હશે ઝાડવાના

સપાટી ઉપર જેનું અંજળ હો આવ્યું
ઝરણમાં ડૂબી એ તરણ ઝાલવાના

હજુ કાં વીતકને કચકડે મઢે છે ?
હજુ યત્ન બાકી છે ઉગારવાના ?

ભવોભવનું ભાથું સ્મરણ એક-બે છે
અને એક – બે રંગ ઉમેરવાના

કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના

– સંજુ વાળા

હવામાં કિલ્લા ચણનાર શેખચલ્લીઓની પોતાની જ દુનિયા હોય છે. એને કશું કહી શકાય નહીં. અખો યાદ આવે:

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

આમ તો આખી જ ગઝલ મનનીય થઈ છે પણ આખરી શેર એક કવિની સાચી આત્મકથા છે.

Comments (3)

અજબ મિલાવટ કરી – જયન્ત પાઠક

અજબ મિલાવટ કરી
ચિતારે રંગ પ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.
ચિતારે રંગ પ્યાલીઓ ભરી….

જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….

લૂછતા વાદળ પોતે ઉઘડ્યા
ઈન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….

– જયન્ત પાઠક

સર્જનહારે સૃષ્ટિને કેવી કળાથી સર્જી છે એનો અદભુત ચિતાર આ ગીત આપે છે..

શાળામાં ભણવામાં આવતું ત્યારે જ આ ગીતના મજબૂત લયે દિલોદિમાગને કાયમી કેદમાં જકડી લીધા હતા. ગીત એમ જ મોઢે થઈ ગયું હતું. મારું ખૂબ જ પ્રિય ગીત પણ આજદિન સુધી લયસ્તરો પર જ નહોતું!

Comments (1)

વાદળો – અતુલ દવે

એની પણ જરૂર
વ્યથા વારતા હશે,
વાદળો કેમ આમ
આંસુ સારતા હશે !!!

– અતુલ દવે

આમ અછાંદસ પણ આમ છંદની ખાસ્સું લગોલગ અને લગભગ ગઝલના શેર જેવું જ નાનકડું કાવ્ય અતુલ દવે લઈ આવ્યા છે. વરસાદને કવિઓ હંમેશા નિતનવા આયામથી જોતા-પોંખતા આવ્યા છે. અહીં કવિની દૃષ્ટિથી વરસાદનું એક નવું મજાનું પરિમાણ રજૂ થયું છે…

Comments (8)

રાખ – રધુવીર ચૌધરી

તમે વિરોધ કરો છો, ત્યારે,
હું સાથે બલ્કે નજીક હોઉં છું.
સાચું બોલતા હો એ રીતે
ચતુરાઈથી વખાણો છો ત્યારે
સામે બલ્કે દૂર હોઉં છું.

જો કે સામે કે સાથે હોવાથી
કશો ફેર પડતો નથી
પ્રશ્ન તો હોવાનો છે
સામે કે સાથે
ડાબે કે જમણે
ક્યાં કોઈ કાયમી હોય છે ?
જતાં ડાબે એ વળતાં જમણે.

કોઈક વાર અથવા ઘણીવાર
આ ડાબા-જમણાના વિવાદમાં
વસ્તુ વિસારે પડાય છે,
પડછાયા પડદા બને છે.

અંધારી અશ્વની આંખને
દિશા આપે, પગને ગતિ
પણ પડછાયા વીંટળાય…

હું તમને સંબોધીને
વાત મારી કરું છું,
સંકોરું છું વિચારોના તણખા.

રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શિવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્ત્રોતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
પછી જે છે તે છે.

– રધુવીર ચૌધરી

ધારદાર કાવ્ય ! એકદમ સહજ શરૂઆત પછી તરત તત્વના મૂળરૂપના ચિંતનને કવિ પકડે છે, તેય વળી વાણીની ક્લિષ્ટતા વગર. ડાબું-જમણું ઇત્યાદિ દ્વંદ્વ છલનામાત્ર છે એ સ્થાપિત કરી ભાષાના સીમિત સામર્થ્ય તરફ ઈશારો કરી પંચમહાભૂત અને તેથી પણ પરેની શૂન્યતા તરફ કાવ્ય ગતિ કરે છે….ઘણુંબધું સ્પષ્ટ બોલ્યા વગર માત્ર રૂપકોથી જ ઈંગિત કરી દીધું છે. કવિને ભાવકના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ છે….

Comments (10)

પાનખર – આદિલ મન્સૂરી

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

– આદિલ મન્સૂરી

Comments (5)

ત્યારે – પંકજ વખારિયા

ભલે ત્યારે,
ઘડાવ હવે આભૂષણો
પરંતુ
ઘણી બૂમ પાડેલી તને
અને છેલ્લે નિ:શબ્દ ચિત્કાર પણ.
જેની લાશ ધીમે ધીમે સડીને
હવે સુવર્ણની થઈ રહી છે,
એ નદીએ
મારી ભીતરથી બહાર ફૂદીને
આપઘાત કરેલો
ત્યારે તું ક્યાં હતી ?

– પંકજ વખારિયા

સાવ નાનું અમથું બે જ વાક્યનું આ અછાંદસ બે ‘ત્યારે’ની વચ્ચે બુલેટ ટ્રેનની ઝડપથી વર્તમાન અને ભૂતકાળની મુસાફરી કરાવે છે. નાયિકા નાયકને ત્યજીને ચાલી નીકળે છે ત્યારે વિખૂટા પડવાની આ ક્ષણે નાયક એને રોકવા માટે ઘણી બૂમ-આજીજી કરે છે, પણ નાયિકા રોકાતી નથી… જેને શબ્દોની અસર નથી એના પર નિઃશબ્દ ચિત્કાર તો શું કામ કરવાના? પ્રણયવિચ્છેદની તીવ્રતા સર્જન સ્વરૂપે બહાર આવે છે… ભીતરની લાગણીની નદી કાગળ પર કવિતારૂપે ઉતરી આવે છે એને કવિ નદીની આત્મહત્યા ગણાવે છે… લાગણીનો ખરો પ્રાણ તો એ હૈયામાં હોય એ જ છે. સ્વથી સર્વ સુધી આવેલી લાગણી તો લાગણીની લાશ જ કહેવાય ને! કવિની ખ્યાતિ વધી રહી છે. લાગણીની લાશ આમ તો સડી રહી છે પણ ધીમે ધીમે એ સોનાની થઈ રહી છે અને હવે નાયિકાને આ પ્રસિદ્ધિ લલચાવી રહી છે. એ નાયકની જિંદગીમાં પરત ફરવાની ફિરાકમાં છે… પણ નાયક હવે મનથી દૂર ચાલ્યો ગયો છે, ભલે ને નાયિકા હવે નાયકની પ્રસિદ્ધિની વહેતી ગંગામાં હાથ ધોવા માંગતી કેમ ન હોય !

Comments (5)

(આહા) – જિગર જોષી ‘પ્રેમ’

ચડી કોને ચાનક? ચડ્યું તાન…? આહા!
ભુવન આખું જાણે કે લોબાન… આહા!

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા!
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા!

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા!
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા!

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા!

કોઈ પારકું થઈ, જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા!

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા!

‘ફૂલોએ કદી પણ ન મુરજાવું ક્યાંયે,’
– કર્યુ રાજવીએ આ ફરમાન… આહા!

નદી એક પાછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!

– જિગર જોશી ‘પ્રેમ’

અદભુત ગઝલ… રમતિયાળ મિજાજમાં ઊંડી વાત…

Comments (19)

(તમારાથી સુંદર) – સુલતાન લોખંડવાલા

છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?

અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર.

અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર,
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર.

તમે ધડકનોમાં વસાવ્યા અમોને,
હતું મન તમારું ઉતારાથી સુંદર.

– સુલતાન લોખંડવાલા

ચંદ રોજ પહેલાં જ જનાબ સુલતાન લોખંડવાલા જન્નતનશીન થયા. મારા કમનસીબે આ સમાચાર મળ્યા એ પહેલાં કદી એમની રચનાઓ સાથે રૂબરૂ થવાયું નહોતું. પણ આ ગઝલ વાંચતાવેંત આફરીન પોકારી જવાયું… કેટલા સરળ શબ્દો અને કેવી મજાની પેશકશ! કવિશ્રીને લયસ્તરો તરફથી નાનકડી શબ્દાંજલિ…

Comments (8)