જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !
વિવેક મનહર ટેલર

પ્રેમમાં ઔદાર્ય – રતિલાલ ‘અનિલ’

સત્ય પણ ક્યારેક કડવું જોઈએ,
જાતની સાથે ઝગડવું જોઈએ !

બહારનાં સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઈએ !

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઈએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઈએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઈએ !

પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે !
આળ જેવું કૈંક ચડવું જોઈએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઈએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’
એક તક છે, કૈંક જડવું જોઈએ !

– રતિલાલ ‘અનિલ’

વિન્ટેજ વાઇન! અરૂપ ઈશ્વરની સામે માનવજાતને સામી કરીને કવિ જે રીતે સર્જનનો સંદેશ આપે છે એ કાબિલે-દાદ છે. રાહમાં કૈંક નડ્યું ન હોય તો મુસાફરી શા કામની? અને ભલેને ખાલીપો કેમ ન હોય, ખખડે નહીં તો એના હોવાપણાની જાણ શી રીતે થાય? મક્તાનો શેર પણ મજબૂત…

1 Comment »

  1. સુરેશ જાની said,

    October 27, 2017 @ 8:38 AM

    ઘણા વખત પછી ‘અનિલ’નો સ્પર્શ થયો. એમનો મિજાજ વળી ઓર જ કાંઈ.
    ——————
    જો કે, એમના માટે આ બહુ લાંબી રચના છે. એ તો ‘ચાંદરણા’ – ગદ્ય હાઈકૂના માણસ. એક કાળે એમનાં ઘણાં ચાંદરણાં માણેલાં.
    ———–
    જીવનમાં શરાબ – નશો હોય તો જીવન સભર બની જાય. અહીં માનવજીવનની એ ગરિમાનું સરસ આલેખન છે. જો કે, એ પણ એટલું જ સત્ય છે કે, મોટા ભાગની માનવજાત જીવન સંગ્રામમાં ઝઝૂમવામાંથી જ ઊંચી આવતી હોતી નથી. એ મતલબનો શીઘ્ર અનુ -શેર. પિંગળ દોષ ક્ષમ્ય ગણશો.

    બે પાંદડાં વાળું મળ્યું જીવન ‘સુજાણ’
    એક તક છે, હાથ લંબાવી જોઈએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment