ગાલ્લું – પ્રિયકાન્ત મણિયાર
ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-
ચંદ્ર પડ્યો શું મોળો!
ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ !
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને-
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?
-પ્રિયકાન્ત મણિયાર
આ કાવ્ય એક અદભૂત શબ્દચિત્ર દોરે છે….સરકતા જતા સમયની ભાસતી નિરર્થકતા એક ઘેરી વેદનાનું દ્રશ્ય નિરૂપે છે….નકરા fatalism ની ચૂભતી અનુભૂતિ….
pragnaju vyas said,
November 27, 2017 @ 9:25 AM
ભવિષ્યનો શું ભાર લઈને-
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?
સ રસ
આપની વાત
નકરા ભાગ્યવાદ ની ચૂભતી અનુભૂતી…
આંખ નમ
યાદ આવે કરસનદાસ લુહારની રચના ગુંજે રાસબિહારી દેસાઈના સ્વર મા
ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ રામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે
પાનેતરમાં પાન ફફડતું, ઢોલ ઢબુકતો ઢીલો
ટોળે વળતાં વિદાયગીતો ચહેરો ઓઢી વીલો
ગીત ભરેલું ગાલ્લું દોડે
પાદર જાતાં સૂનું બચપણ પ્રેત બનીને વળગ્યું
તળાવડીને તીરે કોઈ ધ્રુસકે ધ્રુસકે સળગ્યું
ગીત ભરેલું ગાલ્લું દોડે
ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ રામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે
સાથે સંભળાય…Que Sera, Sera
સુરેશ જાની said,
November 27, 2017 @ 10:41 AM
ઘડપણનું વરવું પણ સચોટ શબ્દ ચિત્ર . રપા યાદ આવી ગયા…
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ?
——
પણ હવે જમાનાએ રૂખ બદલી છે. આભાર ઇન્ટરનેટનો – હવે સમય પસાર કરવો એ કોઈ સમસ્યા નથી. અમારી વયના લોકો થોડોક વળાંક લે, તો આખી દુનિયા આપણી સામે ખડી થઈ જાય – અને સાવ મફતમાં !
એના હિસાબે તો જીવી શું – મ્હાલી ‘ર્યા સીયં !
SARYU PARIKH said,
November 27, 2017 @ 7:26 PM
સરસ રચના અને પ્રજ્ઞાબહેન તરફ્થી બીજી કરસનદાસની ભાવુક રચના પણ મ્હાણવા મળી.
આનંદ…સરયૂ પરીખ.
વિવેક said,
November 28, 2017 @ 1:57 AM
સ-રસ રચના… પહેલી નજરે અછાંદસ લાગતી અ કવિતા હકીકતમાં કટાવ છંદમાં લખાયેલી છે અને કવિએ મોટાભાગની પંક્તિઓમાં પ્રાસરચના પણ જાળવી છે જેના કારણે કવિતાની રવાની પણ મજાની થઈ છે.