સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

શું ચીજ છે ? – રમેશ પારેખ

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ?

રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે ?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે ?

– રમેશ પારેખ

જ્યારે જ્યારે આ ગઝલ વાંચું છું ત્યારે એક ખાલીપો ધેરી વળે છે. ગોળ ચશ્માં… શેરમાં રમેશ પારેખે ઘડપણની એકલતા અને ખાલીપાને આબાદ ઝીલ્યા છે. જીવનમાંથી ધ્યેય ખૂટી જાય અને સમય કોકડું વળી જાય એ અવસ્થા કેમ કરી જીરવવી ? ઘડપણની જેમ જ, આ ગઝલમાં ખાલી પ્રશ્નો જ છે કોઈ ઉત્તર નથી. ઉત્તરો શોધવાની સતત મથામણને કારણે જ કદાચ ઘડપણને ઉત્તરાવસ્થા કહેતા હશે ?

4 Comments »

  1. Vihang Vyas said,

    October 18, 2006 @ 9:43 AM

    પ્રિય ધવલભાઈ, મારા પ્રિય કવિની ગઝલ હોય ને મારી દાદ ન હોય તે કેવી રીતે બને ! વિષય વૈવિધ્ય અપાર ભર્યુ છે આ છ અક્ષરનાં નામમાં. પીડાને કાગળ પર કંડારવી હોય તો પ્રથમ પીડાને અનુભવવી પડે, ત્યારેજ આવી શકેને આવા શબ્દો….” ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળીયા રમેશ….”
    આભાર………વિહંગ વ્યાસ.

  2. સુરેશ જાની said,

    October 18, 2006 @ 4:51 PM

    ઉત્તરો શોધવાની સતત મથામણને કારણે જ કદાચ ઘડપણને ઉત્તરાવસ્થા કહેતા હશે ?
    Well said.
    હવે જો કે નેટ પરનાં છાપાં બહુ સમય પસાર કરી આપે છે !! આ તો મનવન્તભાઇ, હરેશભાઇ, ડો. રાજેન્દ્ર ભાઇ અને મારા જેવી માટેની કવિતા છે. બ્લોગ ચલાવતી જુવાન પેઢીને અને આવી અદ્ ભૂત સગવડ પૂરી પાડનાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને લાખ લાખ સલામ.

  3. વિવેક said,

    October 21, 2006 @ 4:50 AM

    ર.પા.ના ખજાનામાંથી એક સુંદર રત્ન શોધી લાવવા બદલ અભિનંદન, ધવલ… દિલની અંદર માખણમાં છરી ગરી જાય એમ સોંસરવી ઉતરી જાય છે આ રચના…

  4. મીના છેડા said,

    October 25, 2006 @ 6:32 AM

    એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
    બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ?

    કવિ શ્રી રમેશ પારેખની આ રચના.. શું ચીજ છે? ખરે જ ચીજ છે.
    એકલી સાંજ, બગીચો ને બાંકડો, વૃધ્ધાવસ્થાનું ચિત્ર આ સિવાય શું હોઈ શકે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment