અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
હિમલ પંડ્યા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

તું નીરખને ! – ભગવતીકુમાર શર્મા

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

-ભગવતીકુમાર શર્મા

કવિશ્રીને ગુજરાત સાહિત્ય-રત્ન ગૌરવ એવોર્ડ તાજેતરમાં જ મળ્યો….

Comments (4)

પૂજારી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટના નાદે કાન ફૂટે મારા,
.              ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ પૂજારી,
.              અંગ મારું અભડાય:

.                          ન નૈવેદ્ય તારું આ!
.                          પૂજારી પાછો જા!

મંદિરના આ ભવ્ય મહાલો,
.              બંધન થાય મને;
ઓ રે, પૂજારી! તોડ દીવાલો,
.              પાષાણ કેમ ગમે?

.                          ન પ્રેમનું ચિહ્ન આ!
.                          પૂજારી પાછો જા!

એરણ સાથે અફાળે હથોડા
.              ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો:
.              (ને) નૈવેદ્ય તું ધરનાર?

.                          ખરી તો એની પૂજા!
.                          પૂજારી પાછો જા!

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે?
.              બહાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,
.              પ્રેમ નહીં, પથરા:

.                          ઓ તું જોને જરા!
.                          પૂજારી પાછો જા!

માળી કરે ફૂલ-મહેંકતી વાડી,
.              ફૂલને તું અડ કાં?
ફૂલને ધરે તું : સહવા એને
.              ટાઢ અને તડકા!

.                          આ તે પાપ કે પૂજા?
.                          પૂજારી પાછો જા!

ઓ રે, પૂજારી! આ મંદિર કાજે
.              મજૂર વ્હે પથરા;
લોહીનું પાણી તો થાય એનું
.              ને નામ ખાટે નવરા!

.                          અરે તું ના શરમા?
.                          પૂજારી પાછો જા!

ખેડૂતને અંગ માટી ભરાતી
.              અર્ધ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી
.              ઘંટ બજે ઘણમાં:

.                          પૂજારી સાચો આ!
.                          પૂજારી પાછો જા!

Comments (10)

હેમચંદ્રના દુહા (રૂપાંતર: વિવેક મનહર ટેલર)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ
*
હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.
*
અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.
*
પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.
*
સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ
*
વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !
*
સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.
*
એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!
*
મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર
*
ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.

– મૂળ દુહા ‘સિદ્ધ-હૈમ’માંથી
(રૂપાંતર: વિવેક મનહર ટેલર)

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિએ ‘સિદ્ધ-હેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકમાં આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

Comments (6)

જીવી લે ! – ડૉ. મનોજ જોશી ‘મન’

સમય બાથમાં લઈ ક્ષણે ક્ષણ જીવી લે,
જીવી લે ! કહું છું હજુ પણ જીવી લે !

હે બુદ્ધિજીવી ને વિચક્ષણ ! જીવી લે,
ન કર જિંદગીનું પરીક્ષણ ! જીવી લે.

બધા સ્વપ્નનું શ્રાધ્ધ કરજે વિધિવત્ !
કરી લાગણીઓનું તર્પણ જીવી લે.

સતત એક રસ્તે જવા આવવાનું !
લઈ શ્વાસ પાસેથી શિક્ષણ, જીવી લે !

દલીલો ને તર્કોને પડતા મૂકીને,
નથી જીવવા જેવું તો પણ જીવી લે !

– ડૉ. મનોજ જોશી ‘મન’

કેવી મજાની વિધાયક ગઝલ! બધા જ શેર સંતર્પક… કંઈ પણ થાય, જીવી લેવાનું છે અને જીવનમાં જીવ હોય એ રીતે જ જીવવાનું છે, મરતાં-મરતાં નહીં…

Comments (3)

(મન મીરાં ને તન રાધા ) – અબ્બાસઅલી તાઈ

મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે,
નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે.

ભીતરથી ભણકારા છૂટે વેણુના વંટોળ વછૂટે,
રોમરોમના થરથર કંપે માધવનું મન ઘેનલ ઘૂંટે.
વસંતવેલી અબિલગુલાલે રાસ રમે ને લૂમેઝૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.

ઝાંઝર મીરાં પગનું તારા કુંજગલીમાં ઝમતું ઝરણું,
રાધા વહેતી ધારા જેવી શોધે છે માધવનું શરણું.
ઝરણ શરણના વહેળા ફૂટ્યા ડૂસકે ડૂસકે ડૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.

– અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

વૃંદાવનની કુંજગલીઓમાં કવિનું મન મીરાં થઈને અને તન રાધા થઈને ફરી રહ્યું છે. એક મુસ્લિમ કવિનું આ કૃષ્ણગીત છે પણ આખ ગીતનું પિષ્ટપેષણ કરવાના બદલે મારું મન એક જ પંક્તિ પર અટકી ગયું છે. નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે. – ભઈ વાહ ! આનાથી ઊંડો ને ઉદાત્ત કૃષ્ણપ્રેમ બીજો કયો હોઈ શકે? ચંદ્રમાં શ્યામ વર્ણના ડાઘ છે એટલે કવિના તન-મનને એમાંય શ્રીકૃષ્ણ નજરે ચડે છે અને એથી જ કવિ ચંદ્રમાંથી પૃથ્વી પર ઉતરી આવતા એક-એક કિરણ કિરણને ચૂમી રહ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિની કેવી પરાકાષ્ઠા!

ડૉ. અબ્બાસઅલી તાઈ… મૂળ સોનાવાડી, ગણદેવીના. ચીખલીની કોલેજમાં અધ્યપક રહ્યા. સંખ્યાબંધ પુસ્તકો અને પુરસ્કારોથી નવાજિત. જન્મે મુસ્લિમ પણ કર્મે મીરાં… શ્રીકૃષ્ણ ઉપર એમણે પી.એચ.ડી. કર્યું ને ૫૦૦થીય વધુ પ્રવચનો આપ્યાં. પોતાના કૃષ્ણપ્રેમ વિશે એ પોતે કહે છે, “હું જન્મ તથા કર્મથી ઈસ્લામ ધર્મી મુસ્લિમ વ્યક્તિ છું. મારા આ સંશોધન (પી.એચ.ડી.) પછી હજારો લોકોએ મને આ પ્રશ્ન કર્યો, ‘આપે આ જ વિષય (કૃષણ) જ કેમ પસંદ કર્યો?’ પ્રત્યુત્તર સાફ હતો, હું ભારત ભૂમિનો પુત્ર છું, જેના સંસકર અને સંસ્કૃતિથી પ્રભાવિત હોવું સ્વાભાવિક છે. જેમ કવિ રસખાને કૃષ્ણ કવ્યો લખ્યાં, કર્નાટકના ચિત્રકાર અલ્લાબક્ષાખાંએ શ્રીકૃષ્નલીલાના બહુ ભાવવાહી સુંદર ચિત્રો બનાવ્યાં, મોટા મોટા મુસ્લિમ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદોએ પણ કહ્યું, – કૃષ્ણ વિના શું ગાવું? અલ્લામા ઇકબાલે પોતાના’મનસવી’ કાવ્યમાં શ્રીકૃષ્ણના ગુણગાન ગાયાં છે.”

Comments (9)

સ્વપ્નસ્થ આંખડી – આદિલ મન્સૂરી

ચોમેર મૃગજળોની દીવાલો ઊભી કરી,
જોઈ રહ્યો છે એને હવે પ્યાસો માનવી.

ખુરશી, પલંગ, મેજ, કલમ, ચાંદ, ચાંદની,
સઘળું ઉદાસ લાગે છે તારા ગયા પછી.

થોડા વધુ નજીક જો આવે આ તારલા,
પૃથ્વી તો પૃથ્વી સૂર્ય યે દેખાય ના પછી.

ડૂબી ગયા છે આંખમાં આંસુના સાગરો,
થીજી ગઈ છે દિલમાં ઉમંગોની ચાંદની.

હું છું કે જાણે ગ્રીષ્મની બળતી કોઈ બપોર,
તું છે કે જાણે પોષની પૂનમની ચાંદની.

સ્વપ્નાની સાથસાથ ગઈ મીઠી નીંદ પણ,
લૂંટી ગઈને કોઈને સ્વપ્નસ્થ આંખડી.

કોણે કહ્યું કે તંગ પડે છે ગઝલ-ધરા
પગ તોડી બેસી જાઓ તો દુનિયા છે સાંકડી.

-આદિલ મન્સૂરી

Comments (1)

ધૂળમાં – રમેશ પારેખ

દર્પણ-શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

ચહેરો તો ઠીક, એક જેવોતેવો ય
નથી પડછાયો સાચવી શકાયો
ભ્રમણાનો સૂર્ય તો ય એવો તપે
કે ફૂંક મારું એનો ય પડે છાંયો

મારા વગડાઉ હાથ ફંફોસે ફૂલ અને આંગળીઓ વીંધાતી શૂળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

એવો તો રોજરોજ બળતો અવકાશ લઈ
શેરીમાં વાયરા ફૂંકાયા
ઘરમાં હતા એ બધા ઝળહળતા આયના
પાણીની જેમ રે સુકાયા

કેવું થયું કે મને હું યે ન ઓળખું કે ઓળખે ન કોઈ ગોકુળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં.

– રમેશ પારેખ

વિરહને એક અલગ જ અંદાઝમાં ગવાયો છે…..મારુ જે કંઈ પણ છે તે તારું છે,તારા થાકી છે….એ સિવાય મારામાં કંઈ નથી…..

Comments (1)

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – જોન કીટ્સ (અનુ. વિવેક મનહર ટેલર)

(શિખરિણી)

પ્રવાસો કીધા છે કનકવરણા દેશ બહુના,
અને જોયા છે મેં મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેઝ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
મહાકવિ હૉમરના બે મહાકાવ્યો -ઑડિસી અને ઇલિયાડ-નો જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ કિટ્સના વાંચવામાં આવ્યો. કોઈ બહુ મોટી શોધ કે જીત હાંસિલ કરી હોય ત્યારે જે ‘પ્રથમ’ની ઉત્તેજના અનુભવાય એવી જ ઉત્તેજના હૉમરના ગોપિત રહસ્યો, કાવ્યકલાની બારીકી નજર સામે આવી ત્યારે હર્ષાવેશમાં કિટ્સે આ સૉનેટ રચ્યું. ચેપ્મેનનો હોમર વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. સૂર્યમાળાના અગોચર રહસ્ય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોની હકીકતની જેમ જ હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડે છે એ ઉત્તેજનાને કવિએ સફળતાપૂર્વક આલેખી છે.

કોર્ટેઝે સોળમી સદીમાં મેક્સિકો જીત્યું હતું અને બાલ્બોઆએ એની ચઢાઈ દરમિયાન પનામાના ડેરિયન પર્વત પરથી પહેલવહેલીવાર પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોયો હતો. પણ સોનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેઝને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વાત પણ કિટ્સે સૉનેટમાં બખૂબી વણી લીધી છે.

*
On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

Comments (4)

ભેટ – વિવેક મનહર ટેલર

“સોના-ચાંદી, હીરા-મોતી,
સ્વપ્ન કહે, તું કોના જોતી ?
આભ ચીરીને લાવું ગોતી
.                         જન્મદિને તારા”

એ ના બોલી એક હરફ પણ,
થોડી ઊંચકી, ઢાળી પાંપણ,
હૈયામાં શી થાય વિમાસણ
.                           એના ને મારા !

વીજ ઝબૂકે મેઘાડંબર,
એ ઝંખે છે આજ જીવનભર,
રેલાવી દઉં જન્મદિવસ પર
.                         ગીત તણી ધારા

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૨)

સામાન્યરીતે લયસ્તરો પર હું મારી પોતાની રચના જવલ્લે જ મૂકતો હોઉં છું પણ આજે એક ખાસ પ્રસંગના અંતર્ગત એક અંજનીગીત લયસ્તરોના ભાવક માટે…

ભેટ આપણે કાયમ રૂપિયાના ત્રાજવે જ તોલીએ છીએ પણ ક્યારેક એવું પણ બને કે આપણી કુંઠિત મટિરિયાલિસ્ટિક વિચારધારાના અંધારા મેઘાડંબર આકાશમાં સમજણની વીજળીનો મજાનો લિસોટો થાય અને આપણને સમજાઈ જાય કે જેની વર્ષગાંઠ છે એ વ્યક્તિ ખરેખર શું ઝંખે છે… જીવનસાથી પાસે કોઈ પ્રતિભા હોય તો વર્ષગાંઠ પર બીજો જીવનસાથી એ પ્રતિભાનો પમરાટ જ ઇચ્છે કે બીજું કંઈ? વર્ષગાંઠ પોતાની હોય પણ વિકાસ જીવનસાથીનો થાય એનાથી વધીને પ્રેમની કઈ સાબિતી હોઈ શકે? અને એનાથી વધુ કિંમતી ભેટ બીજી કઈ હોય શકે, કહો તો…

Comments (14)

છોડી દો – ડૉ. મનોજ જોશી ‘મન’

ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.

જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો

જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે,
ભાવ રાખો, અભાવ છોડી દો.

જો કિનારા સુધી જવા માટે
હો જરૂરી તો નાવ છોડી દો.

છે શરત એકમાત્ર મંઝિલની
બસ, સમયસર પડાવ છોડી દો.

– ડૉ. મનોજ જોશી ‘મન’

દરેકેદરેક શેર ચિરસ્મરણીય…  જિંદગી મોટાભાગના માટે બોજ બની રહે છે એનું કારણ તણાવની ધુંસરી ખભે ઉપોડીને ચાલ-ચાલ કરવાનો આપણો સ્વભાવ જ છે. તણાવ પડતો મૂકી શકાય તો જીવન આસાન અને આહલાદક બની રહે છે. દાવ છોડવાનો જ નથી… મેદાનમાં ઉતર્યા છીએ તો રમી તો લેવાનું જ છે પણ હાર-જીતનો બોજ માથે લેવાની જરૂર નથી.

 

Comments (6)

વહાવી દો – સુધીર પટેલ

અમે આંસુ છીએ, ચાહો અગર તો બસ વહાવી દો,
નહીંતર ચૂપ રહેશું જિન્દગીભર જો છુપાવી દો !

હયાતી છે અમારી તણખલા જેવી જ હળવી ફૂલ,
તમે માળો સજાવો કે હવામાં એ ઉડાવી દો !

અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !

અમે અંબર નથી કે આંબવામાં પણ પડે ફાંફાં,
અમે ધરતીના છોરું, હાથ દૈ હૈયે લગાવી દો !

અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ ‘સુધીર’?
જરા હળવું કરી કંઇ સ્મિત ચહેરા પર સજાવી દો !

– સુધીર પટેલ

સરળ અને હ્ર્દયસ્પર્શી….

Comments (5)

ટહુકો તું દોર – રવીન્દ્ર પારેખ

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

– રવીન્દ્ર પારેખ

Comments (2)

(નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ. વિવેક મનહર ટેલર)

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું, સ્થિર
જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ઇજિપ્ત)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
*
૧૦૦-૨૦૦ નહીં, ૧૦૦૦-૨૦૦૦ નહીં, ૩૫૦૦-૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્ત દેશના કોઈક ખૂણામાં કોઈક કવિ આ અમર પ્રેમ કાવ્ય લખી ગયો. ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ફોન-ટેલિવિઝન, ન ઇન્ટર્નેટ-ટપાલ – કમ્યુનિકેશનના કોઈપણ સાધન વિના અને શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં બીજા કોઈ પણ સાહિત્યની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા અને રચનામાં રહેલ કાવ્યતત્ત્વ કવિને સલામ કરવા માટે મજબૂર કરી દે એવું છે… આખી રચનામાં એક પણ શબ્દ વધારાનો નહીં. એક્પણ શબ્દ તમે કાઢી નહીં શકો… પ્રેમની તાકાતની આ અદભુત સ્તુતિ રૂંવાડા ખડા કરી દે છે…

*
(The Little sycamore)

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.

On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.

Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.

Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)

Comments

છેતરે – બાબુલાલ ચાવડા ‘આતુર’

કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.

આમ તો કહેવાય સગ્ગી આંખ પણ,
આંખ આ ઊભી બજારે છેતરે.

આ હૃદય પણ ક્યાં ભરોસાપાત્ર છે !
કોઈના એક જ ઇશારે છેતરે.

એક ઇચ્છા એવી પાળી છે અમે,
એને જ્યારે ફાવે ત્યારે છેતરે.

રાવ એની પણ કરો કોને તમે !
શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

વાત-ચીતમાં વપરાતી હોય એવી ચીલાચાલુ લાંબી-ટૂંકી રદીફ રાખીને ગઝલ લખવી બહુ કપરું નથી પણ અરુઢ રદીફ રાખીને એક-એક શેરમાંથી ધાર્યો અર્થ રદીફ સાથે હાથમાં હાથ મિલાવી ઉપજાવીને આખી ગઝલ સંઘેડાઉતાર આપવી કાચા-પોચા કવિનું કામ નથી. પ્રસ્તુત ગઝલમાં ‘છેતરે’ જેવી સમજણ પડે એ પહેલાં જ છેતરી જઈ શકે એવી રદીફ વાપરીને પણ કવિએ આવી કમાલ કરી છે.

Comments (14)

બળાત્કાર ભોગ્યાના સોરઠા – વિજય રાજ્યગુરુ

ખેડી નાંખી જાંઘને, રેલ્યા ઘોડાપૂર,
મારે રોમે રોમ, કોંટા ફૂટ્યા કારમા!

કોંટા ફૂટ્યા કારમા, છાતી માથે આગ,
ના એ નો’તા હાથ, બળબળતા સૂરજ હતા!

બળબળતા સૂરજ છતાં, ઢળી બપોરે સાંજ,
નો’તા તીણા દાંત, ચટકા કાળી નાગના!

ચટકા કાળીનાગના, ચટ્ક્યા આઠે પોર,
ફણગ્યા શ્વાસેશ્વાસ, લીલાં-લીલાં ચામઠાં!

લીલાં-લીલાં ચામઠાં, આપી ‘ગ્યા નઘરોળ,
તીણે રે દંતાળ, ખેડી નાંખી જાંઘને!

– વિજય રાજ્યગુરુ

આપણી ભાષામાં ‘બળાત્કાર’ જેવા વિષય પર આવું કોઈ કાવ્ય પણ લખાયું છે એવી જાણ જ એક આંચકો આપી જાય એવી છે. કવિતા થોડી મુખર છે પણ અવગણી શકાય એવી નથી. આવા વિષય પર પણ આવી વેદનાસિક્ત કવિતા લખનાર કવિને એમની હિંમત માટે શાબાશી આપ્યા વિના કેમ રહી શકાય?

સોરઠાની રચના જાણે કે એક કુંડાળું રચે છે અને જાણે કે આ કુંડાળામાં કમનસીબ સ્ત્રીનો જાણે કે પગ ન પડી ગયો હોય! દરેક સોરઠાનું ચોથું ચરણ આગામી સોરઠાના પહેલા ચરણ તરીકે આવે છે અને પહેલા સોરઠાનું પહેલું ચરણ આખરી સોરઠાનું આખરી ચરણ બનીને આ કુંડાળાને પૂર્ણ કરે છે.

સ્ત્રીનું અસ્તિત્વ એક ખેતર હોય અને એને માત્ર હળ નહીં, આખું ઘોડાપૂર રગદોળી નાખે તો કેવી અસહાયતા અને વેદના થાય! રોમેરોમ કાંટા ફૂટી નીકળ્યા છે. છાતીને રગદોળતા એ હાથ હાથ નહીં, સાક્ષાત્ સૂરજ હોય એમ છાતીમાં આગ લાગી છે. સૂરજ મધ્યાહ્ને બળતો હોય અને બપોરે જિંદગીની સાંજ ઢળી જવાની વાતમાં ખરી કવિતા સિદ્ધ થાય છે. કાળીનાગના ચટકા જેવા દાંતોથી ભરવામાં આવેલ નિર્મમ બચકા આઠે પહોર ચટકી રહ્યા છે. બળાત્કારની વેદના તે કેમ કરીને ઓસરે? લીલાં ચામઠાં માત્ર શરીરે જ નહીં, જાણે શ્વાસેશ્વાસમાં ફણગી આવ્યાં છે. જે બિંદુથી કવિતા શરૂ થાય છે એ જ બિંદુ પર આવીને કવિતા પૂરી થાય છે ત્યારે આપણી અંદર કંઈક મરી પરવાર્યું હોવાનો તીવ્ર અહેસાસ જરૂર થાય છે.

Comments (6)

તારો વિયોગ – જવાહર બક્ષી

તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે

તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સુઈ ગયું હશે

તારો વિયોગ ધુમ્ર થઈ આંખ ચોળશે
જયારે સુરજ નાં આવેલા સ્વપનોને બાળશે

તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકી ને થાકશે

તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે

– જવાહર બક્ષી

પરંપરાગત વિષય હોય છતાં શાયર દમદાર હોય તો કેવું સરસ સર્જન થઇ શકતું હોય છે !!

Comments (4)

ઠાલાં દીધાં છે મારા બારણાં – રમેશ પારેખ અને અનિલ જોશી

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી
[ સહિયારી રચના ]

એક મિત્રએ આ રચના વિષે વાતવાતમાં ઉલ્લેખ કરેલો તે યાદ આવતા આ રચના શોધી. મારા માટે સહિયારી રચના નવી વાત છે. ‘અમે બધાં’ ની જેમ કાવ્યમાં પણ આવા પ્રયોગ થયા છે તે નહોતી ખબર. બન્ને કવિ તો માતબર છે જ અને કાવ્ય પણ બળકટ છે.

[ આભાર – ‘ટહુકો.કૉમ ]

Comments (5)

બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ. વિવેક મનહર ટેલર)

કોનાં છે આ વન ? હું માનું, મને જાણ છે,
પણ એનું તો પણે ગામમાં, રહેઠાણ છે.
જોતો એના વન ભરાતાં હિમવર્ષાથી
મને થોભતો એ ક્યાં જોશે? એ અજાણ છે.

નાના મારા અશ્વને એ લાગશે વિચિત્ર નક્કી
ત્યાં જઈ થંભવું, જ્યાં નજીકમાં ઘર ના કોઈ
વન અને આ થીજી ગયેલા તળાવ વચ્ચે,
વર્ષ આખાની સૌથી કાળી સાંજ ઝળુંબતી.

જરા હલાવી ધુરા ઉપરની ઘંટડીઓને
ક્યાંક કશી કંઈ ભૂલ નથી ને? – એ પૂછે છે
હિમ-ફરફર ને હળવે વાતી મંદ હવાના
અવાજ સિવાય બીજા અહીં કો’ અવાજ ક્યાં છે?

વન છે કેવાં પ્યારાં-પ્યારાં, ગાઢ ને ઊંડા,
પણ મારે તો વચન દીધાં તે નિભાવવાના
અને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં
અને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં

– રૉબર્ટ ફ્રોસ્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
રૉબર્ટ ફ્રોસ્ટ. એક નહીં, બે નહીં, ચાર-ચાર વાર પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. ૪૦થી વધુ માનદ્ પદવીઓ. અનધિકૃત રીતે તેઓ અમેરિકાના રાજકવિ હતા. એક જીવંત પાઠશાળા બનીને જીવ્યા. સદીના શ્રેષ્ઠ અમેરિકન કવિ ગણાયા. કવિતામાં સંદિગ્ધતા એ ફ્રોસ્ટનો સિક્કો છે. એમની કવિતામાં હંમેશા એક પડની નીચેથી બીજું પડ નીકળે છે. એમની કવિતામાં પણ ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ પર ચાલવાની જ મજા છે. જે કવિતાને ફ્રૉસ્ટે ખુદ ‘યાદગીરી માટેની મારી શ્રેષ્ઠ બોલી’ ગણાવી છે, જવાહરલાલ નહેરુના તકિયા પાસે જે કવિતાની આખરી ચાર પંક્તિઓ એમના દેહાવસાનના સમયે પણ હાજર હતી, જે કવિતાનો અનુવાદ મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશી પણ કરી ચૂક્યા છે એ કવિતા આજે નવા અનુવાદ સાથે આપ સહુ માટે રજૂ કરું છું.

ઉમાશંકર જોશીનો અનુવાદ પણ જરૂર જોજો.

*
Stopping by Woods on a Snowy Evening

Whose woods these are I think I know.
His house is in the village though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.

My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.

He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.

The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

– Robert Frost

Comments (8)

પ્હોંચી – હર્ષ બ્રહ્મભટ્ટ

એક અફવા નગર સુધી પ્હોંચી,
કૈંક લાશો કબર સુધી પ્હોંચી.

ફાટી આંખે ઢળી પડી દ્વારે,
જે ખુશી મારા ઘર સુધી પ્હોંચી.

દર ગુમાવ્યાની જાણ ત્યારે થઈ,
જ્યારે કીડી શિખર સુધી પ્હોંચી !

બેખબર થઈ ગઈ ખબર પોતે,
જે ખબર બેખબર સુધી પ્હોંચી !

ક્યાંક ફસડાઈ ગઈ દુઆઓ તો,
બદદુઆઓ અસર સુધી પ્હોંચી !

– હર્ષ બ્રહ્મભટ્ટ

દરેકે-દરેક શેર પર વાહ-વાહ પોકારવાનું મન થાય એવી ગઝલો પ્રમાણમાં ઓછી જ જોવા મળે છે. એક-એક શેર પાણીદાર અને એક પણ શેર સમજૂતીના મહોતાજ નહીં. ‘ખબર’વાળા શેરમાં કવિએ શબ્દોની રમત કરીને જે અર્થ ઉપસાવ્યો છે એની કદર તો કોઈ બેકદર જ કરવી ચૂકી જાય…

Comments (2)

લાગણીવશ હાથમાંથી… – ચિનુ મોદી ‘ઈર્શાદ’

લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.

હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી,
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!

મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં,
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો.

આ રિયાસતમાં હવે ‘ઈર્શાદ’ શું વટ રાખવો?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાદ્યંત સુંદર ગઝલ…

Comments (5)

It is too clear – Joshu

It is too clear
and
so it is hard to see.
A dunce once searched for a fire with a
lighted lantern.
Had he known what fire was,
He could have cooked his rice
much sooner.

– Joshu

Translation – Paul Reps and Nyogen Senzaki

એ વધુ પડતું સુસ્પષ્ટ છે
અને
તેથી જ દ્રષ્ટિગોચર થવું અઘરું છે.
એક મૂઢ એકવાર અગ્નિ શોધવા નીકળ્યો’તો-
હાથમાં જલતું ફાનસ લઈને.
અગ્નિ શું છે તે એ જાણતો હોત
તો ક્યારનો એણે પોતાનો ભાત
રાંધી લીધો હોત.

– જોશુ

કેટલી ચોખ્ખી વાત છે !! માણસે ‘ભગવાન’ પરિક્લ્પનાના એટલા બધા ભાતભાતના પ્રતિકો રચી કાઢ્યા છે, એટલી બધી થીઅરી બનાવી કાઢી છે કે વહેતા નિર્ઝરના ખળખળાટમાં વ્યક્ત થતો ઈશ્વર એને અનુભવતો જ નથી….

Comments (1)

વાત નથી – હરીન્દ્ર દવે

તમારી આંખથી ખરતા સમયની વાત નથી,
નથી, આ સૂર્યમાં તરતા સમયની વાત નથી.

બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા,
ખુશીમાં ગુફતેગો કરતા સમયની વાત નથી.

સમય મળ્યો છે તો ચાલો સમય ભૂલી લઈએ,
ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી.

થયો છું એટલો પાગલ કે સાનભાન નથી,
છતાં આ વાત ઊછરતા સમયની વાત નથી.

એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ સુધી,
સવારસાંજમાં મરતા સમયની વાત નથી.

– હરીન્દ્ર દવે

સમયની વિભાવનાને લાગણીની ભીનાશથી ઝાંખેરી થઇ ગયેલી દ્રષ્ટિએ જોવાઈ છે……સમયને ફિલોસોફરની દ્રષ્ટિએ નહીં પણ મજનૂની દ્રષ્ટિ એ જોવાયો છે….

Comments (3)

(ઇત્તેફાક છે) – રઈશ મનીઆર

પીડા વિના બધું જ મહજ ઇત્તેફાક છે,
આ નિત નવી ગઝલની ઉપજ ઇત્તેફાક છે.

હોવું તમારું એ જ સનાતન ગઝલ, પ્રિયે!
યોગાનુયોગ શબ્દ… તરજ ઇત્તેફાક છે.

કેવળ છે ભ્રમ આ રાત દિ’ના ક્રમ વિશે અહીં…
અંધકાર છે અનાદિ… સૂરજ ઇત્તેફાક છે.

તારા પ્રકાશનું જ રૂપાંતર કર્યું છે મેં;
ના દૃષ્ટિ વ્યર્થ છે, ન સમજ ઇત્તેફાક છે.

ત્યારેય ઊંઘતા હતા, આજેય ઊંઘીએ…
આઝાદી ઉન્નતિ અને ધ્વજ ઇત્તેફાક છે.

હું, તું મળ્યાં એ શહેર, સમાજો ને સભ્યતા…
હા, દર્દનાક તોય સહજ ઇત્તેફાક છે.

– રઈશ મનીઆર

કવિશ્રી રઈશ મનીઆરને જન્મદિવસ પર ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

કવિના પ્રથમ સંગ્રહ ‘કાફિયા નગર’માંથી એક ગઝલ આજે આપ સહુ માટે… ઇત્તેફાક જેવી રદીફ પણ કવિએ કેવી સાંગોપાંગ નિભાવી જાણી છે! બધા જ શેર ઉત્તમ… સરળ ભાસતા શબ્દોના તાણા-વાણાથી કવિએ બારીકીનું પોત કેવું બખૂબી વણ્યું છે!

અંધકાર અનાદિ છે અને સૂરજ ઇત્તેફાક છે એ શેર વાંચતા જ તાઓ વિશેના પ્રવચનમાં ઓશોએ કહેલું વાક્ય યાદ આવી જાય: ‘Darkness is eternal, Light is a disturbance’

Comments (6)

આત્મષટક – આદિ શંકરાચાર્ય (અંગ્રેજી: સ્વામી વિવેકાનંદ) (ગુજરાતી : ગૌરાંગ ઠાકર)

मनौबुद्धिय् अंहकार चितानि नहम
न च श्रोत्रः जि्व्हे न च घ्रणा नेत्र
न च व्योम भुमिर न तेजो न वायु
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the mind, nor the intellect, nor the ego, nor the mind-stuff;
I am neither the body, nor the changes of the body;
I am neither the senses of hearing, taste, smell, or sight,
Nor am I the ether, the earth, the fire, the air;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

નથી હું અહંકાર મન બુધ્ધિ કે ચિત્ત
નથી કાન હું જીભ કે નાક આંખો
નથી વ્યોમ ભૂમિ અગન કે પવન હું
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न च प्राणसञ्ज्ञो न वै पञ्चवायुः
न वा सप्तधातुर्न वा पञ्चकोशः
न वाक्पाणिपादौ न चोपस्थपायू
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the Prâna, nor the five vital airs;
I am neither the materials of the body, nor the five sheaths;
Neither am I the organs of action, nor object of the senses;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન હું પ્રાણ કે ના હું છું પાંચ વાયુ
ન હું સાત ધાતુ ન હું પાંચ કોષો
ન વાણી, ગુદા, હાથ,પગ નહિ કે જનનાંગ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither aversion nor attachment, neither greed nor delusion;
Neither egotism nor envy, neither Dharma nor Moksha;
I am neither desire nor objects of desire;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને દ્વેષ કે રાગ નહિ લોભ કે મોહ
અને હું અભિમાન, ઇર્ષા વગરનો
ન મારે ધરમ, અર્થ નહિ કામ કે મોક્ષ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither sin nor virtue, neither pleasure nor pain;
Nor temple nor worship, nor pilgrimage nor scriptures,
Neither the act of enjoying, the enjoyable nor the enjoyer;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને સુખ અને દુખ નથી પુણ્ય કે પાપ
ન મારે તીરથ, મંત્ર, વેદો કે યજ્ઞો
હું ભોજન નહીં અન્ન કે ક્યાં છું ભોક્તા
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे मृत्युशंका न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म ।
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither death nor fear of death, nor caste;
Nor was I ever born, nor had I parents, friends, and relations;
I have neither Guru, nor disciple;I am Existence Absolute,
Knowledge Absolute, Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને મૃત્યુનો ભય નથી જાતિનો ભેદ
અહીંયા ન મારે પિતા માત કે જન્મ
ન મારે અહીં ભાઇ, ગુરુ,શિષ્ય કે મિત્ર
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

अहं निर्विकल्पो निराकाररूपो
विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
सदा मे समत्वं न मुक्तिर्न बन्धः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am untouched by the senses, I am neither Muktinor knowable;
I am without form, without limit, beyond space, beyond time;
I am in everything; I am the basis of the universe; everywhere am I.
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન સંકલ્પ મારે ને હું છું નિરાકાર
બધી ઇન્દ્રિયોમાં અને હું બધે છું
હું સમભાવ છું મારે નહિ મુક્તિ બંધન
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

– આદિ શંકરાચાર્ય
(અંગ્રેજી અનુવાદ- સ્વામી વિવેકાનંદ)
(ગુજરાતી પદ્યાનુવાદ – ગૌરાંગ ઠાકર)

આદિ શંકરાચાર્યના અમર આત્મષટક અથવા નિર્વાણષટકના છ શ્લોકનો ગૌરાંગ ઠાકરે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કર્યો છે જે કાબિલે-દાદ છે. સાછંદ પદ્યાનુવાદ એવો તો સરળ, સહજ અને સર્વાંગસંપૂર્ણ થયો છે કે એવું જ લાગે જાણે શંકરાચાર્યે જાતે ગુજરાતી ભાષામાં જ આત્મષટક લખ્યું ન હોય!

રસિકજનો માટે ખાસ vintage value ધરાવતો સ્વામી વિવેકાનંદે કરેલો અંગ્રેજી ભાવાનુવાદ પણ અહીં રજૂ કર્યો છે.

Comments (9)

ગઝલ – જુગલ દરજી ‘માસ્તર’

પ્રિન્ટર દિલે રાખી શકાતાં હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતાં હોત તો!

કૈં કેટલાયે સ્વાદ પારખવા મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.

જોઈ ગરીબીને તપેલી બોલી કે:
“આ પત્થરો બાફી શકાતા હોત તો!”

કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતાં હોત તો.

પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો!

-જુગલ દરજી ‘માસ્તર’

નવી વાત-નવા કલ્પન લઈને આવવાના અભરખામાં ક્યારેક કવિતાનું નિર્મમ ખૂન થઈ જતું હોય છે પણ સદનસીબે જુગલ દરજીની આ રચના એમાંથી સાંગોપાંગ અપવાદરૂપે તરી આવી છે. દિલમાં પ્રિન્ટર્સ હોય તો મનગમતા સ્મરણોની પ્રિન્ટ આપી-આપીને દિલ બહેલાવ્યે રાખવાની કેવી મજા આવે! સંબંધમાં જે વૈવિધ્ય છે એ બીજે ક્યાંય સંભવ નથીની હકીકત બે જ પંક્તિમાં કેવી સહજ રીતે કહી દેવાઈ છે! આંસુનું પૉસ્ટમૉર્ટમ કરવાની વાત પણ એવી જ અનૂઠી છે પણ વિશેષ ધ્યાન આખરી શેર પર આપજો, સાહેબ! જે પેઢીએ લ્યુના કે સ્કુટર વાપર્યા જ નથી એ પેઢીને પેટ્રોલના રિઝર્વ હોવાવાળા કલ્પનમાં ગડ જ પડવાની નથી, બાકીના લોકો શેરનું સૌંદર્ય અને બારીકી જોઈને વાહ-વાહ પોકાર્યા વિના નહીં રહી શકે.

Comments (12)

જરા નીકળો – મનોજ ખંડેરિયા

વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.

અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો

જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો

ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો

પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો

તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.

– મનોજ ખંડેરિયા

Comments (3)

જીવી રહ્યા છીએ – અનિલ ચાવડા

ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.

પર્ણમાં, ડાળમાં, કે બીજમાં જીવી રહ્યા છીએ ?
આપણે વૃક્ષત્વની કઈ રીતમાં જીવી રહ્યા છીએ ?

હોઉં હું મારા ગળામાં, હોય છે તારા ગળામાં તું,
પોતપોતાના ગળે તાવીજમાં જીવી રહ્યા છીએ.

તું જ આવીને મને સમજાવ તો સમજું નહીંતર નૈં,
એકધારા આ અમે કઈ ચીજમાં જીવી રહ્યા છીએ ?

અર્થ જીવનનો ફકત છે એ જ કે વ્હેવું સતત વ્હેવું,
’ને યુગોથી આપણે સૌ ફ્રીજમાં જીવી રહ્યા છીએ.

–અનિલ ચાવડા

મત્લાથી જ મજબૂત પકડ ધરાવે છે આ ગઝલ. યંત્રવત એકરાગિતા તેમ જ absence of free will/choice મત્લામાં આલેખાયેલી છે. મક્તો બહુ ન ગમ્યો. પ્રથમ ચરણ જેટલું મજબૂત છે તે પ્રમાણે અંતિમ ચરણ તેને ઊઠાવ આપતું નથી. કંઈક વધુ ઊંડાણ હોતે તો પ્રથમ ચરણ ઝળહળી ઊઠતે.

Comments (1)

વ્યર્થ – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયન) (અનુ. વિવેક મનહર ટેલર)

છેલ્લે જ્યારે તું આવી હતી તું ફૂલો લાવી હતી,
લાલ ગુલાબ, શ્વેત ચમેલી,
રક્ત અને પવિત્રતા,
અને મારી સામે પાથરી દીધા હતાં
એક ચકિત નજર સાથે: તારા માટે.

આપણે બંને દિક્મૂઢ થઈ ગયાં હતાં અને એકમેકને પૂછ્યું હતું: આ શું છે?
પ્રેમ? બેમાંથી કોઈ સમજી શક્યું નહોતું.

એ દિવસે આપણે બંને સાથે હતાં.
આપણે સ્પર્શ કર્યો નહોતો.

પણ ઓ મારું દિલ જે જરાય મચક આપતું નથી!
તૂટી જા, છિનાળ, તારી એકલતાથી ચૂરેચૂરા થઈને!

– ચૈરિલ અનવર
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

‘ઇગો’ વિશે ક્યાંક વાંચ્યું હતું કે ‘ઇ’ ને ‘ગો’ નથી કહી શકાતું એટલે જ જીવનમાં સમસ્યા છે. ઇન્ડોનેશિયાના સૌથી વધુ પ્રખ્યાત કવિ જે માત્ર સત્તાવીસ વર્ષની જિંદગીમાં ૭૧ કવિતાઓ લખીને જ અમર થઈ ગયા એ ચૈરિલ અનવર આ જ વાત અહીં કરે છે. પ્રિયતમા છેલ્લે જ્યારે આવી હતી ત્યારે ફૂલો લઈને આવી હતી. લાલ અને સફેદ. બંનેનો સંદર્ભ પણ કવિ જ સ્પષ્ટ કરી અપે છે: રક્ત અને પવિત્રતા. હિંસા અને શાંતિ એકસાથે ઓફર કરવામાં આવે ત્યારે કેવી વિમાસણ અનુભવાય! આવું જ કંઈક બંને પ્રેમીઓ અનુભવે છે અને સ્પર્શ પણ કર્યા વિના છૂટાં પડે છે. સ્પર્શ અહીં માત્ર સેક્સ જ ઇંગિત નથી કરતો, બે પ્રેમી વચ્ચેનું અદ્વૈત પણ દર્શાવે છે. બંને સાથે હતાં પણ એક નહોતાં થઈ શક્યાં, કારણ કે નાયકનું દિલ પુરુષસહજ ઇગોથી આઝાદ થઈ શકતું નથી. નાયક પોતાના દિલને કોસે છે અને એકલતાથી તૂટીને ચૂરેચૂરા થઈ જવાનો શાપ પણ આપે છે.. પ્રેમમાં અંતે તો વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને…

*

IN VAIN

The last time you came
You brought bright flowers,
Red roses, white jasmine,
Blood and holiness,
And spread them in front of me
With a decisive look : for you.

We were stunned
And asked each other: what’s this?
Love? Neither of us understood.

The day we were together.
We did not touch.

But my heart will not give itself to you,
And does not care
That you are ripped by desolation.

– Chairil Anwar

Comments (5)

(પછી) – હિમલ પંડ્યા

સાચવી, સમજી-વિચારીને પછી,
મેંય મૂકી જિદ્દ હારીને પછી.

ખૂબ પસ્તાવાનું થાતું હોય છે,
કોઈને પોતાનું ધારીને પછી.

તૂટતા સપનાને જોવાનું, અને –
બેસવાનું મનને મારીને પછી.

એ નજરને ફેરવી નીકળી ગયાં!
ખૂબ સમજાવી મેં બારીને પછી.

લાગશે, હળવાશ નક્કી લાગશે
કાંચળી જૂની ઉતારીને પછી.

જિંદગીને મેંય અપનાવી લીધી,
આંસુઓ બે-ચાર સારીને પછી.

– હિમલ પંડ્યા

વાંચતાવેંત હૈયામાં ઊતરી જાય એવી મજાની ગઝલ. બધા જ શેર અદભુત…

Comments (11)

ઝરણું બોલ્યું – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

અમે કહ્યું કે અંધકારમાં ક્યાંય સૂજે નહીં મારગ
ઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ.

અમે કહ્યું કે આડા આવે ભેખડ-પાણા-પર્વત,
ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી આગળ વધ.

અમે કહ્યું કે સૂનું લાગે એકલપંડે વહેવું
ઝરણાએ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું.

અમે કહ્યું કે અટકી જઈશું એવી બીક સતાવે
ઝરણાએ મલકીને કીધું કરશું મઝા તળાવે.

અમે કહ્યું કે ઝરણાં તારી વાતોમાં છે દમ
ઝરણું કંઈ ન બોલ્યું તે તો વહ્યા કર્યું હરદમ.

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

અહાહા! કેવું અદભુત પોઝિટિવ ગીત!! ઝરણાં જેવો જ ખળખળ લય. ગીત વિશે બીજી કંઈપણ ટિપ્પણી કરવું એ તો હાથ કંગનને આરસી બતાવવા જેવું છે. પણ ઝરણાની બોલી પર ધ્યાન આપવા જેવું છે. પહેલા બંધમાં ઝરણું બોલે છે, બીજામાં હસતાં-હસતાં બોલે છે, ત્રીજા બંધમાં એ ગાવા માંડે છે, ચોથામાં ફક્ત મલકીને જ રહી જાય છે અને આખરી બંધમાં કંઈ જ ન બોલીને વહેતું રહે છે… ઝરણાની બોલીની આ ગતિ મૂળ કવિતાની સમાંતર ચાલતી બીજી કવિતા જ છે જાણે!

Comments (4)

મંદ ખળખળ – રઈશ મનીઆર

ધરાનું કાવ્ય થયું વ્યક્ત એક કુંપળથી
ગગનની દાદ મળી એક બૂન્દ ઝાકળથી

નથી ફિકર કે ધકેલે છે સૂર્ય પાછળથી
મને આ તાપમાં પડછાયો દોરે આગળથી

સમંદરો તો ઘૂઘવવા છતાંય ત્યાં ના ત્યાં
નદી વધે છે લગાતાર મંદ ખળખળથી

તિમિરમાં દૃશ્યો કળાશે જરા સમય વીત્યે
પરંતુ અંધ બની જાય આંખ ઝળહળથી

હું બાગબાની વિશે એને શું બયાન આપું
જે ખુશ્બુ લઈ ન શકે ઝાંખા પીળા કાગળથી

અકાળ મૃત્યુને આંટી દે એવો દુઃખદાયક
જો ભરથરીને અનુભવ થયો અમરફળથી

 

– રઈશ મનીઆર

કલાસિક રચના…..લાક્ષણિક…..

 

 

Comments (2)

શાહમૃગો – મનોજ ખંડેરિયા

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

 

આ કવિ સ્વભાવે ઋજુ છે. કોમળ શબ્દોના પ્રેમી છે. અહીં વાત અત્યંત વેધક કરી છે પણ તે પણ જુઓ કેવા કોમળ શબ્દોમાં !!! માનવસહજ શાહમૃગવૃત્તિને પોતાની આગવી નમણાશ સાથે આલેખી છે……

Comments (3)

થિરુક્કુરલ -તિરુવલ્લુવર (તામિલ) (અનુ.: વિવેક મનહર ટેલર)

સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧ ॥

વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥ ૧૫ ॥

પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥

એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥

સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥

સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥

ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥

અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥

દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥

એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥

શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥ ૧૦૮૪ ॥

આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥ ૧૦૯૦ ॥

દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ,
હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥ ૧૧૦૨॥

ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥ ૧૧૧૦ ॥

-તિરુવલ્લુવર (તામિલ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

બે-અઢી હજાર વર્ષ પૂર્વે તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવરની અજરામર રચના-થિરુક્કુરલ-ના ખજાનામાંથી કેટલાક મોતી આજે આપણા માટે.

તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે વણકર પણ કર્મે સંતકવિ. ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી એ કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. મહાભારતની જેમ જ ‘થિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘થિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. થિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. થિરુક્કુરલ એ થિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩ જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦ જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો થિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન ભાષામાં થિરુક્કુરલ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર લેવ ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી.

Comments (11)

નિરાંતે એ જ ઊંઘે છે – મનોહર ત્રિવેદી

તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે,
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે.

અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને-
હતી ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે.

ક્ષણો જેવી મળી એવી સહજભાવે જ સ્વીકારી –
પ્રથમની હો કે આખરની, નિરાંતે એ જ ઊંઘે છે.

તમે ઈશ્વર વિશેના વાદમાં જાગ્યા કરો પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની, નિરાંતે એ જ ઊંઘે છે.

કબીરે શાળ પર બેસી કહ્યું : મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે.

પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદગાર બે માગ્યા
મજા જે લે છે અંદરની નિરાંતે એ જ ઊંઘે છે.

– મનોહર ત્રિવેદી

જીવનમાં આવનારી ક્ષણ પહેલી છે કે છેલ્લી, એની પળોજણમાં ન પડીને જે ક્ષણ, જે તક જીવનમાં જે સ્વરૂપે આવે એને એ જ સ્વરૂપે સ્વીકારી લે એ માણસને કદી ઊંઘની ગોળી લેવી નથી પડતી. આખી જ ગઝલ ધ્યાનાર્હ થઈ છે…

Comments (10)

(આંખોમાં જો) – વિજય રાજ્યગુરુ

અરીસામાં નહિ, મારી આંખોમાં જો !
તું છો એના કરતાંયે રૂપાળી છો !

અમે એક પળમાં ગુમાવ્યું હતું,
અે રીતે જ તારું હૃદય તુંયે ખો !

પ્રણયમાં તો ડૂબીને તરવું પડે,
કિનારો તજી દે, નહીં રાખ ભો !

દરદનીય છે એક નોખી મજા,
તુંયે તારી આંખોને આંસુથી ધો.

તને તો જ ભાષા ઉકલશે હવે,
તુંયે મારી જેમ જ પ્રણયમગ્ન હો.

– વિજય રાજ્યગુરુ

એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ ને તેય પાછી એકાક્ષરી! એકેયનું પુનરાવર્તન પણ નહીં ને ઉપરથી આખી રચના આસ્વાદ્ય. વાહ!

Comments (7)

ન ઈચ્છે – રાજેન્દ્ર શુકલ

એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.

ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો-
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.

ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.

અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.

– રાજેન્દ્ર શુકલ

Comments (1)

નથી શકતો – ‘બેફામ’ બરકત વિરાણી

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.

ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.

– ‘બેફામ’ બરકત વિરાણી

ત્રીજો શેર !!!! અદભૂત !!!

Comments (9)

ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાં મારાં ફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીને ત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારે મેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો 8 પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, 3-3-4-4-5-5-5-3 મુજબ પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-બ-અ-બ-ક-ક-ડ-ડ મુજબની છે. બીજો લાંબો અંતરો 12 પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-અ-બ-ક-બ-ક-ડ-ડ-ખ-ખ-ગ-ગ જેવી અટપટી છે. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?

ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ મેં અહીં કર્યો છે. જોઈએ, આ પ્રયાસ કેટલો સફળ નીવડ્યો છે તે.

Home Thoughts from Abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

Comments

ક્યાંથી? – તેજસ દવે

થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?

બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .

સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?

છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?

ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?

– તેજસ દવે

ટૂંકી બહેરના ગઝલમાં સૌથી મોટું ભયસ્થાન સાંકડી ગલીમાં માંડ-માંડ સમાવેલા શબ્દો સપાટી પર જ તરતા રહી જવાનું છે. મુંબઈની સાંકડી ગલીઓમાં રમવાની પડેલી ટેવના કારણે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સ્ટ્રેઇટ ડ્રાઇવના બેતાજ બાદશાહ ગણાયા… તેજસ દવે ગાગાલગા લગાગાની સાંકડી બહેરની ગલીમાં ઊભા રહીને એક પછી એક સ્ટ્રેઇટ ડ્રાઇવ ફટકારે છે જે સીધી આપણા દિલની બાઉન્ડ્રી વટાવી જાય છે.

Comments (2)

(ઠાઠ વધતો જાય છે) – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે’, ‘જીવવું છે’, જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો,
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી કાં ઓઢ ‘પારુલ’, કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે.

—પારુલ ખખ્ખર

વાહ! શું ગઝલ છે! મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય…

Comments (9)

સૂફી દોહરા – 2 :- સિતાંશુ યશશ્ચંદ્ર

ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.

ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું તારો નમણો દેહ.

તારા નરદમ નેહને હું શોધું છું જગ માંહ્ય,
[પણ] ઝબકી ખરતા તારલા, એનાં નક્ષત્રો ન રચાય.

ખરતા તારા ઝબકતા, અમે જોઈ તારી મુખરેખ,
શાશ્વતને અજવાળતું કેવું અજવાળું પળ એક !

ઝંખા બીજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ,
દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ.

ઝંખા બીજલી ઝબકતી, કયો પથ આ અજબ અંકાય,
[મને] મારગ માટીમાં મળ્યો, કેમ તારે ગગનમંડળ પહોંચાય ?

ઝંખા બીજલી ઝબકતી, [તેમાં] કંઈ જોઈ સુરત તારી,
[પછી] શ્યામ શિલા બિરહા સઘન, નખશિખ મૂરત કંડારી.

આંખ મીંચું તો જોઉં, સાંભળું જો શ્રુતિને જઉં ભૂલ,
શ્વાસ રૂંધું, તો સૂંઘી લઉં તારી છાતીના બેય ફૂલ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

આગળ માણેલા સૂફી દોહરાનો બીજો ભાગ. પ્રત્યેક દોહરો સ્વતંત્ર છે. તમામમાં જગન્નિયંતા સાથે જાણે સંવાદ છે….ધ્યાનના ઊંડાણે નીપજતી અનુભૂતિને શબ્દે કંડારવાનો પ્રયાસ છે.

Comments (3)

રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.

બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.

– હરીન્દ્ર દવે

Comments (3)

હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

*
I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)

Comments (3)

(ખુદની તરફ વળાશે) – લક્ષ્મી ડોબરિયા

એની તરફ નહીં તો ખુદની તરફ વળાશે.
સંભાવના ઘણી છે પગલું ભર્યું છે ત્યારે.

આથી વધુ ખુલાસો, શું હોય લાગણીનો ?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.

કંઈ પણ નથીનો મહિમા આ વાતથી વધ્યો કે..
ખાલીપો છે જરૂરી એક વાંસળીના માટે.

દાવા-દલીલ વિના સાબિત કરે છે હોવું,
ફૂલો ને પાંદડાંઓ નોખો મિજાજ રાખે.

આ નામ ને આ સુરખી, પીછાંની જેમ ખરશે,
ઓળખ જો આપવી હો, ટહુકા જ કામ આવે.

ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.

નોખી અદાથી અહિંયા રંગોએ રંગ રાખ્યા,
ચૈતર છે લાલ-પીળો, આષાઢ ભીનેવાને.

– લક્ષ્મી ડોબરિયા

પગલું ભરવું જ જરૂરી છે. બધા જ સિગ્નલ લીલા થઈ જવાની રાહમાં ઘરે બેસી રહેનાર ક્યાંય પહોંચી શકતો નથી. પહેલું પગલું ભરવું જ અઘરું છે. ચારેતરફથી વીંટળાઈ વળેલા સામાજિક-પારિવારિક બંધનોને ત્યજીને તમે આગળ વધો છો એની ખાતરી ન હોય તો એ પગલું જ ભરી શકાતું નથી. પણ એ પગલું એકવાર ભરી લીધું એટલે એટલું નક્કી છે કે મંઝિલ મળ્યા વિના નહીં રહે. આ ‘એ’ એ પ્રિયજન પણ હોઈ શકે અને ઈશ્વર પણ હોઈ શકે. આ ‘એ’ અગર નહીં મળે તો કમ સે કમ પોતાની જાત તો હાંસિલ થશે જ થશે, જેને આપણે દુન્યવી મથામણો અને પળોજણોમાં વરસોથી સાવ ભૂલી બેઠા છીએ. અને આખરે ‘એ’ અને ‘આ’ – બંને પણ એક જ છે ને! પ્રિયજન/ઈશ્વર મળી જાય એ ઘડી ‘સ્વ’ પણ મળી જ જશે ને…

આખી ગઝલ જ ઉત્તમ થઈ છે…

Comments (8)

મનજી – ડૉ.મનોજ જોશી ‘મન’

ઇચ્છા ઘોળી ઘોળી મનજી,
પૂરે છે રંગોળી મનજી !

માંગ્યા ઘીમાં બોળી મનજી,
ખાતા પુરણપોળી મનજી !

કાચિંડાના રંગો ચોરી,
રોજ રમે છે હોળી મનજી.

ઠાંસોઠાંસ ભરી છે તો પણ,
ફેલાવે છે ઝોળી મનજી !

તમને ભોળા માની લીધા !
દુનિયા કેવી ભોળી, મનજી !

– ડૉ.મનોજ જોશી ‘મન’

તખલ્લુસને મક્તાના શેરમાં સાંકળી લેવાની પરંપરા જૂની છે પણ તખલ્લુસને વિષય બનાવીને આખું પુસ્તક ભરીને ગઝલો લખવી? જામનગરના મનોજ જોશીએ પોતાના તખલ્લુસ ‘મન’ને હાથ ઝાલીને તાજેતરમાં જે ‘મનચાલીસા’ કે ‘મનજીચાલીસા’ લખવી આદરી છે એ મનજીમાળાનો એક મણકો આજે આપણા માટે. એક જ વિષય પર ચાળીસ ગઝલ યાને કે ઓછામાં ઓછા બસો શેર કહેવા એ બહુ મોટો અને આકરો પડકાર છે. કવિ જીવનનો સમીક્ષક છે, નિરીક્ષક છે, તત્ત્વચિંતક કે સાધુ હોવો જરૂરી નથી એટલે અગાઉ કહેવાઈ ગયેલી વાતો ભલે નવા સ્વરૂપે આવે પણ એકની એક જ વાત આ બસો શેરમાં પુનરાવર્તિત ન થયે રાખે અને દરેક ગઝલ પાસેથી મનોજગતના નવા-નવા આયામ ઉપલબ્ધ થાય એવી અપેક્ષા સહજ બને છે. શુભકામનાઓ, મનોજભાઈ…

Comments (11)

થયો ! – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો.

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો.

મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,
સ્થિર મટીને કેવો સંસારી થયો ?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો !

– રાજેન્દ્ર શુકલ

ચોથો શેર લાજવાબ છે…..

Comments (1)

આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (4)

પાંખડી મનની શતદલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ.

– દેવિકા ધ્રુવ

પારિજાતના ફૂલની જેમ, જીવનની સાંજે જયારે અંદરથી સમજણનું પુષ્પ -ભલેને મોડે મોડે- ખુલે છે ત્યારની -સૂર્યથીય વધુ ઉજ્જવળ અને કમળથીય વધુ કોમળ- અવસ્થાની ગઝલ.

Comments (14)

દોહા – કબીર

साहेब मेरा एक है दूजा कहा न जाय,
दूजा साहेब जो कहूं साहेब खरा रिसाय।

મારો સાહેબ (ઈશ્વર) એક જ છે. બીજાને સાહેબ કેમ કહેવું? અદ્વૈતમાં દ્વૈત જોવા જઈએ તો સાચો સાહેબ રિસાઈ ન જાય?

एक कहौं तो है नहीं, दोय कहौं तो गारि,
है जैसा तैसा रहै कहै कबीर विचारी।

(ઈશ્વરને) એક જ છે એમ કહું તો (એ તો શૂન્યરૂપ છે એટલે) એ છે જ નહીં, દ્વૈતભાવે એ અદ્વૈતીને બે કહું તો ઈશ્વરને ગાળ દીધા બરાબર જ ગણાય. એટલે સમજી વિચારીને કબીર કહે છે એ જેમ છે એમ જ ભલે રહે, એના વિશે પિષ્ટપેષણ કરવું નકામું છે.

साहेब सों सब होत है बंदे ते कछु नाहि,
राई ते पर्बत करे, पर्बत राई माहि।

સાહેબની કૃપાથી જ બધું થાય છે, બંદાની તો હેસિયત જ શી છે વળી? એ ઇચ્છે તો રાઈમાંથી પર્વત બનાવી દે ને ઇચ્છે તો પર્વતને રાઈ કરી દે.

जाको राखे सांईयां मारि न सक्के कोय,
बाल न बाका करि सकै जो जग बैरी होय।

જેને રામ રાખે એન કોણ ચાખે? આખી દુનિયા દુશ્મન થઈ જાય તોય જેના પર પરમકૃપાળુની કૃપા હોય એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં.

ज्यों तिल माहीं तेल है ज्यों चकमक में आगि,
तेरा सांई तुझमें जागि सकै तो जागि।

જે રીતે તલની અંદર તેલ (છૂપાયેલું) છે અને ચકમક પથ્થરની અંદર અગ્નિ (છૂપાયેલો) છે, એ જ રીતે તારો ઈશ્વર તારી અંદર જ છે. ઈશ્વર બહાર ક્યાંય છે જ નહીં. अहं ब्रह्मास्मि। જાગી શકાય તો જાગ.

नाम रतन धन पाई कै गांठि बांधि ना खोल,
नाहीं पटन नहिं पारखी नहिं गांहक नहिं मोल।

(હરી) નામ રત્નનું ધન મળ્યું છે તો એને (અંતરમાં જ) ગાંઠે બાંધી રાખ. ખોલીશ નહીં, અહીં એની કોઈ કિંમત નથી, કે નથી કોઈ પારખુ. નથી કોઈ ગ્રાહક કે નથી કોઈ મૂલ્ય.

चंदन गया बिदेसडे सब कोई कहि पलास,
ज्यों ज्यों चूल्हे झोंकिया त्यों त्यों अधकी बास।

ચંદન કાષ્ઠ (જ્ઞાનીજન) વિદેશ ગયું તો ત્યાં બધા એને ખાખરો (અજ્ઞાની) કહેવા માંડ્યા. પણ જેમ જેમ એને (કસોટી)ના ચૂલામાં નાંખતા ગયા, તેમ તેમ એની સુગંધ (ખરું સ્વરૂપ) વધુ ને વધુ મહેકી ઊઠી.

दुर्बल को न सताईये जाकी मोटी हाय,
बिना जीवे की साँस से लोहा भसम ह्वै जाय।

નિર્બળને સતાવવા જોઈએ નહીં કેમકે એમની હાય ભારે હોય છે. જીવ વિનાની (ધમણના) શ્વાસથી લોઢું પણ પીગળી જાય છે.

Comments (4)

ઢાંચો અધૂરો – સાહિલ

જિંદગી નામે ગઝલનો જોઉં છું ઢાંચો અધૂરો,
કોઈનો મત્લા અધૂરો – કોઈનો મક્તો અધૂરો.

ભીંતને પણ વિસ્મરણનું ભૂત તો વળગ્યું નથી ને!
હોય છે સાબૂત વાણી તોય કાં પડઘો અધૂરો.

ઈશ્વરે માનવ કરીને મોકલી દીધા ધરા પર,
માનવી હોવાનો દઈ પ્રત્યેક પુરાવો અધૂરો.

શી રીતે ઘટમાળની સચ્ચાઈને પામી શકાશે,
હોય છે આઠે-પ્રહર મારો જ પડછાયો અધૂરો.

શું તરસને પણ અધૂરપનો ફળ્યો છે શાપ કોઈ,
છે સુરાલયમાં સહુના હાથ કાં પ્યાલો અધૂરો.

એ જ ખેંચાતાણી છે હૈયા અને બુદ્ધિની વચ્ચે,
કોણ ચહેરા ને અરીસામાં હશે આધો અધૂરો.

આ રખડપટ્ટીનો ‘સાહિલ’ અર્થ કેવળ એટલો છે,
જ્યાં ચરણ મારા વળ્યાં એ નીકળ્યો રસ્તો અધૂરો.

– સાહિલ

રદીફ ‘અધૂરો’ પણ ગઝલ કેવી ‘પૂરી’ !

Comments (5)