સૂફી દોહરા – 2 :- સિતાંશુ યશશ્ચંદ્ર
ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.
ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું તારો નમણો દેહ.
તારા નરદમ નેહને હું શોધું છું જગ માંહ્ય,
[પણ] ઝબકી ખરતા તારલા, એનાં નક્ષત્રો ન રચાય.
ખરતા તારા ઝબકતા, અમે જોઈ તારી મુખરેખ,
શાશ્વતને અજવાળતું કેવું અજવાળું પળ એક !
ઝંખા બીજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ,
દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ.
ઝંખા બીજલી ઝબકતી, કયો પથ આ અજબ અંકાય,
[મને] મારગ માટીમાં મળ્યો, કેમ તારે ગગનમંડળ પહોંચાય ?
ઝંખા બીજલી ઝબકતી, [તેમાં] કંઈ જોઈ સુરત તારી,
[પછી] શ્યામ શિલા બિરહા સઘન, નખશિખ મૂરત કંડારી.
આંખ મીંચું તો જોઉં, સાંભળું જો શ્રુતિને જઉં ભૂલ,
શ્વાસ રૂંધું, તો સૂંઘી લઉં તારી છાતીના બેય ફૂલ.
– સિતાંશુ યશશ્ચંદ્ર
આગળ માણેલા સૂફી દોહરાનો બીજો ભાગ. પ્રત્યેક દોહરો સ્વતંત્ર છે. તમામમાં જગન્નિયંતા સાથે જાણે સંવાદ છે….ધ્યાનના ઊંડાણે નીપજતી અનુભૂતિને શબ્દે કંડારવાનો પ્રયાસ છે.
Pratibha Choksi said,
July 25, 2017 @ 12:07 PM
(તારા) સુફેી દોહરા દેૈખિને, ભેીતર થાય ઉજાસ્
જિવન -મરન વચમા વસ્યો, અમ્રુતનો આભાસ્?
સપ્રેમ્
ધવલ said,
July 25, 2017 @ 2:44 PM
ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.
ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું ટેરો નમણો દેહ.
– સરસ !
વિવેક said,
July 27, 2017 @ 1:55 AM
વાહ !
ઉત્તમ સંકલન…