થિરુક્કુરલ -તિરુવલ્લુવર (તામિલ) (અનુ.: વિવેક મનહર ટેલર)
સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧ ॥
વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥ ૧૫ ॥
પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥
એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥
સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥
સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥
ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥
અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥
દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥
એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥
શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥ ૧૦૮૪ ॥
આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥ ૧૦૯૦ ॥
દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ,
હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥ ૧૧૦૨॥
ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥ ૧૧૧૦ ॥
-તિરુવલ્લુવર (તામિલ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
બે-અઢી હજાર વર્ષ પૂર્વે તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવરની અજરામર રચના-થિરુક્કુરલ-ના ખજાનામાંથી કેટલાક મોતી આજે આપણા માટે.
તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે વણકર પણ કર્મે સંતકવિ. ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી એ કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. મહાભારતની જેમ જ ‘થિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘થિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. થિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. થિરુક્કુરલ એ થિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩ જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦ જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.
આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો થિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન ભાષામાં થિરુક્કુરલ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર લેવ ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી.