જરા નીકળો – મનોજ ખંડેરિયા
વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો
સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.
અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો
જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો
ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો
પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો
તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.
– મનોજ ખંડેરિયા
La Kant Thakkar said,
August 15, 2017 @ 3:56 AM
कवितानूं किरण ! सर्जन-शक्तिनुं चैतन्यसभर चालकबळ
વિવેક said,
August 15, 2017 @ 8:33 AM
વાહ… સાદ્યંત સુંદર રચના….
Shivani Shah said,
August 15, 2017 @ 5:41 PM
દરેક શેર સરસ – છેલ્લો ..pleasantly surprising. ..સહજ રીતે છ ચોગ્ગા માર્યા પછી એક કાબેલ બેટ્સમેન છેલ્લે છગ્ગો મારે અને પ્રેક્ષકોમાં કેવો હર્ષોલ્લાસ છવાઇ જાય..એવો !