તેજસ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 16, 2018 at 2:05 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
પાંપણ પર…
યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને
તગતગતી આંખથી વઢેલી!
એ ઘટના તો ત્યાંજ હજી બર્ફ જેમ થીજીને
ઊભી છે સાંજને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં
ઓગળતાં આપણે એ યાદ છે?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે ?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
– તેજસ દવે
બે જણ એક હોય ત્યારે જિંદગીની આંખો સપનાંઓથી છકલાતી હોય છે, એકના સપનાંમાં બીજું ને બીજાના સપનાંમાં પહેલું, એમ જિંદગી ઝૂલતી રહે છે પણ ક્યાંક કોઈક ઘટના એવી બની જાય, એક જણ લડી-ઝઘડીને ચાલતું થઈ જાય ને બીજાની સાંજ સમયના ટેકે ત્યાંને ત્યાં જ થીજી જાય છે. બે જણ સામસામે ઊભા રહી જાય છે ને વચ્ચેથી આખી જિંદગી વહી જાય છે… જીવનમાં પછી એ સોનેરી યાદ સિવાય કશું બચતું નથી.
Permalink
July 28, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, તેજસ દવે
થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?
બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .
સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?
છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?
ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?
– તેજસ દવે
ટૂંકી બહેરના ગઝલમાં સૌથી મોટું ભયસ્થાન સાંકડી ગલીમાં માંડ-માંડ સમાવેલા શબ્દો સપાટી પર જ તરતા રહી જવાનું છે. મુંબઈની સાંકડી ગલીઓમાં રમવાની પડેલી ટેવના કારણે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સ્ટ્રેઇટ ડ્રાઇવના બેતાજ બાદશાહ ગણાયા… તેજસ દવે ગાગાલગા લગાગાની સાંકડી બહેરની ગલીમાં ઊભા રહીને એક પછી એક સ્ટ્રેઇટ ડ્રાઇવ ફટકારે છે જે સીધી આપણા દિલની બાઉન્ડ્રી વટાવી જાય છે.
Permalink
January 12, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, તેજસ દવે
તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;
સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે.
ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,
તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે.
ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.
ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા-
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે.
– તેજસ દવે
અમદાવાદ શનિસભામાં પહેલીવાર જવાનું થયું અને તેજસ દવેના મોઢે આ ગઝલ સાંભળી. સાંભળતાવેંત આફરીન પોકારી જવાયું. એકવડા બાંધાના દેખાવડા કવિનો બેવડા બાંધાનો ભીતરી મિજાજ અને ત્રેવડા બાંધાની ખુમારી ગઝલના શબ્દે-શબ્દે અનુભવી શકાય છે. ‘તારાથી થાય એ કરી લે’ તો આપણે વાતે-વાતે બોલીએ. બોલચાલના આ શબ્દોને એમના શબ્દગત કાકુસહિત કવિ ચાર શેરમાં લાંબી રદીફમાં જે રીતે વણી શક્યા છે એ કામ સાચે જ કાબિલે-દાદ છે. સૂરજ જેવા વિરાટ અસ્તિત્વની સામે પોતાની બે આંખ – જે ખબર જ છે કે પ્રકાશથી આંધળી જ થઈ જવાની છે, તો પણ દાદાગીરીપૂર્વક કવિ જે રીતે મૂકે છે એ જ પ્રેમની સાચી તાકાત છે. તું ના જ કહેવાની છે એ ખબર છે, પણ તારી સામે મારી ઇચ્છા તો હું વ્યક્ત કરીશ, કરીશ ને કરીશ જ. લાખ માર-અપમાન સહન કર્યા પછી પણ, કોઈપણ પ્રકારના ધમકી-દાટી સામે હાર ન માને એ જ સાચો પ્રેમ. હોડી ભલે કાણાંવાળી હોય, મન્સૂબા કાણાંવાળા ન હોય તો દરિયા જેવા દરિયાને પણ ડારી શકાય. અને આખરી શેરની અમર આશા તો આખી ગઝલને નવી જ ઊંચાઈ બક્ષે છે.
આવો જ મિજાજ દીપ્તિ મિશ્રાની હિંદી ગઝલ “હૈ તો હૈ”માં પણ જોઈ શકાય છે.
Permalink
October 14, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
મૂઓ તડકો વરસે ને મારું ફળિયું રિસાય,
. કહે છાંયડાઓ કોણ લૂંટી જાય ?
ભર ચોમાસે લીંબોળી પાક્કી થઈ જાય
. ઓલા લીંબડાના ભાગ ફૂટી જાય.
. મૂઓ તડકો વરસે ને…
નદીઓનાં ભીનાંછમ સપનાંઓ ભરવાને
. તૂટેલાં માટલાંઓ સાંધ્યાં,
કાળઝાળ ઉનાળો આંખોમાં વરસે તે
. પાણિયારા પાંપણ પર બાંધ્યાં;
સાત સાત દરિયાના હાથ લગી આવેલું
. ચોમાસું કોણ લૂંટી જાય ?
. મૂઓ તડકો વરસે ને…
ઝાડ તળે ઊગેલા છાંયડાઓ સ્હેજ હજી
. ધરતીના છેડા લગ પૂગે,
ને ત્યાં જ વળી તડકો કોઈ પંખીની જેમ
. પેલા છાંયડાને આવીને ચૂગે.
સૂકા થઈ બેઠેલા કૂવાની ધાર પરે
. સૂરજને કોણ ઘૂંટી જાય ?
. મૂઓ તડકો વરસે ને…
– તેજસ દવે
આવું-આવું કરતું ચોમાસુ લગાતાર હાથતાળી દઈ રહ્યું હોય, સૂર્ય ચોમેર દેકારો દઈ રહ્યો હોય, દુકાળના ડાકલાં સંભળાવા માંડે એવા કોઈ તરસ્યા સમયનું ચિત્ર કવિ કેટલું સ-રસ રીતે દોરી આપે છે !
પાણી વરસશેના ભીનાં સપનાંઓથી ભરેલી પણ હકીકતે ખાલી નદી કને માટલાં તૂટેલા લઈ જાવ કે આખાં, શો ફરક પડે છે? ઘરનાં પાણિયારાં ખાલી છે, ખાલી પાંપણના પાણિયારા જ આંસુથી છલકાય છે. પાન વગરના સૂકા ઝાડ નીચે થોડો પડછાયો ઊગે ન ઊગે ને તડકાપંખી એને જાણે કે ચણી જાય છે…
Permalink
December 18, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તૂટે જો શ્વાસ કદી સંધાતા હોય નહીં
તોય એમાં જીવને પરોવે
જીતવાની જીદમાં એ ગૂંથે છે જિંદગી
ને ગાંઠ પડી જાય તો એ રોવે
ભીતરમાં જોયું તો સમજાયું માણસની અંદર
કોઈ માણસ બીજોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તોડીને પાંપણના બંધ એ તો ધસમસતા
આવે છે આંખોની બહાર
સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ
માણસ પોતે છે અણીદાર
પત્થરના ચહેરા પર લીલીછમ કુંપળને
ઊગવાની આશાઓ તોય છે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
– તેજસ દવે
કેવું મજાનું ગીત ! ચોકલેટની જેમ ધીમે ધીમે ચગળો અને ઊંડી મજા માણો…
Permalink