(યાદ છે?) – તેજસ દવે
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
પાંપણ પર…
યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને
તગતગતી આંખથી વઢેલી!
એ ઘટના તો ત્યાંજ હજી બર્ફ જેમ થીજીને
ઊભી છે સાંજને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં
ઓગળતાં આપણે એ યાદ છે?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે ?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
– તેજસ દવે
બે જણ એક હોય ત્યારે જિંદગીની આંખો સપનાંઓથી છકલાતી હોય છે, એકના સપનાંમાં બીજું ને બીજાના સપનાંમાં પહેલું, એમ જિંદગી ઝૂલતી રહે છે પણ ક્યાંક કોઈક ઘટના એવી બની જાય, એક જણ લડી-ઝઘડીને ચાલતું થઈ જાય ને બીજાની સાંજ સમયના ટેકે ત્યાંને ત્યાં જ થીજી જાય છે. બે જણ સામસામે ઊભા રહી જાય છે ને વચ્ચેથી આખી જિંદગી વહી જાય છે… જીવનમાં પછી એ સોનેરી યાદ સિવાય કશું બચતું નથી.
chetan shukla said,
August 16, 2018 @ 5:00 AM
ગુજરાતી ગીતોમાં અત્યારે લખાતા ગીતમાં તેજસનું કામ ખરેખર વખાણવા લાયક છે.
JAFFER Kassam said,
August 16, 2018 @ 6:49 AM
હું પણ એક ભાગ હતો યાદ છે?
SARYU PARIKH said,
August 16, 2018 @ 5:13 PM
ભાવભરી રચના.
સરયૂ પરીખ
Neetin Vyas said,
August 17, 2018 @ 11:24 AM
આવાં સુંદર કાવ્ય માટે કવિ અને “લયસ્તરો” નો આભાર. ગમતા નો કરીએ ગુલાલ ની જેમ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન ખાઈ નાં મિત્રો ને મકાલી આપ્યું। ઘણા વાચકો એ સુંદર પ્રતિભાવ આપ્યા। અહીં પ્રસ્તુત છે શ્રીમતી પ્રવિણાબેન કડકિયા નો કાવ્યમય પડઘો:
આ કાવ્ય જોઈ તરત લખાઈ ગયું !
*****************************
પાંપણે થીજી ગયેલાં શમણાં એ શમણામાં
હું રાચતી હતી યાદ છે ?
યાદ છે એ સાંજ તારી વાટ જોતી
દરવાજે ખોડાઈ જતી હતી
આથમતા એ સૂર્ય કિરણોની લાલીમાં
હું અને તું બાળકો સાથે કિલકિલાટ કરતા હતાં
યાદ છે ?
પાંપણ પર થીજી ગયેલાં શમણા એ શમણમાં
હું રાચતી હતી !
વર્ષોના વહાણા વાયા એ મીઠી યાદ, એ મુલાકાત
એ કલ્લોલતો સાથ, એ પ્યાર ભરી સુહાની રાત
ગઠરી બાંધી, બગલમાં દબાવી બસ ક્યારે એ ઘડી
આવે તેના ઈંતજારમાં અધીરી
તમારી વહાલી પમી
થીજી ગયેલાં શમણામાં રાચી રહી છે.
-પ્રવિણા કડકિયા