મૂઓ તડકો વરસે ને… – તેજસ દવે
મૂઓ તડકો વરસે ને મારું ફળિયું રિસાય,
. કહે છાંયડાઓ કોણ લૂંટી જાય ?
ભર ચોમાસે લીંબોળી પાક્કી થઈ જાય
. ઓલા લીંબડાના ભાગ ફૂટી જાય.
. મૂઓ તડકો વરસે ને…
નદીઓનાં ભીનાંછમ સપનાંઓ ભરવાને
. તૂટેલાં માટલાંઓ સાંધ્યાં,
કાળઝાળ ઉનાળો આંખોમાં વરસે તે
. પાણિયારા પાંપણ પર બાંધ્યાં;
સાત સાત દરિયાના હાથ લગી આવેલું
. ચોમાસું કોણ લૂંટી જાય ?
. મૂઓ તડકો વરસે ને…
ઝાડ તળે ઊગેલા છાંયડાઓ સ્હેજ હજી
. ધરતીના છેડા લગ પૂગે,
ને ત્યાં જ વળી તડકો કોઈ પંખીની જેમ
. પેલા છાંયડાને આવીને ચૂગે.
સૂકા થઈ બેઠેલા કૂવાની ધાર પરે
. સૂરજને કોણ ઘૂંટી જાય ?
. મૂઓ તડકો વરસે ને…
– તેજસ દવે
આવું-આવું કરતું ચોમાસુ લગાતાર હાથતાળી દઈ રહ્યું હોય, સૂર્ય ચોમેર દેકારો દઈ રહ્યો હોય, દુકાળના ડાકલાં સંભળાવા માંડે એવા કોઈ તરસ્યા સમયનું ચિત્ર કવિ કેટલું સ-રસ રીતે દોરી આપે છે !
પાણી વરસશેના ભીનાં સપનાંઓથી ભરેલી પણ હકીકતે ખાલી નદી કને માટલાં તૂટેલા લઈ જાવ કે આખાં, શો ફરક પડે છે? ઘરનાં પાણિયારાં ખાલી છે, ખાલી પાંપણના પાણિયારા જ આંસુથી છલકાય છે. પાન વગરના સૂકા ઝાડ નીચે થોડો પડછાયો ઊગે ન ઊગે ને તડકાપંખી એને જાણે કે ચણી જાય છે…
Jigna shah said,
October 14, 2016 @ 2:53 AM
Saras geet
CHENAM SHUKLA said,
October 14, 2016 @ 3:51 AM
તેજસ એની કવિતાઓમાં દર્દને આબેહુબ ઘૂંટી શકે છે …વાહ
રસિક ભાઈ said,
October 14, 2016 @ 6:39 AM
બહુ સલસ રચના. મઝા આવી .
KETAN YAJNIK said,
October 14, 2016 @ 8:36 AM
ગાવાનું માં થાય ત્યાં ડૂમો ભરાઈ જાય તેવું ગીત
મળવાનું મન થાય છૂટી પડે તેવો મીત