ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી (અનુ.: વિવેક મનહર ટેલર)
દરરોજ રાતે હું ફંફોસ્યા કરું છું
આકાશને મારી આંખ વડે,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.
ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે
હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.
છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરો જે હું જોઉં છું
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.
– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)
*
પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણાવાણાથી વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. મિલનની મીઠાઈ એકધારી ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે.
અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક હવે એકલો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક આકાશમાં તાકી રહે છે. આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને આકાશે મીટ માંડીને બેઠો છે તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે જોતી બેઠી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે. ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય.
સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે.
*
Absence
Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.
Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.
-Abu Bakr al-Turtushi
(Translation into Spanish by Emilio García Gómez)
(Translatiion from Spanish to English by Cola Franzen)
Jaffer Kassam said,
October 21, 2017 @ 5:37 AM
Absolutely beautiful….and I wait for your email to come to my box too which brings your fragrance
વિવેક said,
October 21, 2017 @ 8:37 AM
પ્રતિભાવ બદલ આભાર….
Suresh Shah said,
October 21, 2017 @ 10:06 PM
પ્રેમ અને પ્રતીક્ષાનુ આવું સુંદર આલેખન પહેલા નહોતુ જોયું. આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને આકાશે મીટ માંડીને બેઠો છે તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે જોતી બેઠી હશે. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે. સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે.
વાહ, ખૂબ સુંદર. ગમ્યું.
– સુરેશ શાહ, સિંગાપોર
વિવેક said,
October 23, 2017 @ 2:07 AM
આભાર !
Himanshu said,
November 1, 2017 @ 7:30 PM
Bahuj saras Vivekbhai, khoob khoob aabhar.
વિવેક said,
November 2, 2017 @ 3:20 AM
આભાર દોસ્ત…