અર્થનાં ઇન્દ્રાસનો ડોલી ગયાં,
શબ્દની જ્યાં અપ્સરા નાચી હતી.
– રાહુલ શ્રીમાળી

તમારી યાદના સૂરજ- આદિલ મન્સૂરી

તમારી યાદના સૂરજ ઉપર છાઈ નથી શકતા,
કદી એકાન્તના પડછાયા લંબાઈ નથી શકતા.

નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.

નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.

પડ્યાં છે પીઠ પર જખ્મો; મુકું આરોપ કોના પર?
ઘણા મિત્રોનાં નામો છે જે લેવાઈ નથી શકતા.

ખુદા, એવાય લોકોની તરફ જોજે કે જેઓને,
જીવનમાં રસ નથી ને ઝેર પણ ખાઈ નથી શકતા.

સુખો તો કોઈ દી’ આવે અને વ્હેંચાઈ પણ જાયે,
પરંતુ એ દુઃખોનું શું જે વ્હેંચાઈ નથી શકતા.

પછી એ વાદળો તૂટી પડે છે દર્દના રણમાં,
સમી સાંજે સુરાલય પર જે ઘેરાઈ નથી શકતા.

ગઝલ સારી લખો છો આમ તો ‘આદિલ’ સદા કિંતુ,
કસર બસ એટલી છે કે તમે ગાઈ નથી શકતા.

– આદિલ મન્સૂરી

પરંપરાગત રચના છે પણ અમુક શેરમાંની ગહનતા જુઓ !!!! 1,2,5 અને 6 શેર ખાસ…. મક્તો આખી ગઝલનો મૂડ મારી નાખે છે….😀😀😀

7 Comments »

  1. Shivani Shah said,

    November 23, 2017 @ 12:40 PM

    કોણે તે રંગડો રાખ્યો –
    માણીગર !  કોણે તે ઢોળી નાખ્યો?
              કે રંગડો   મેંદીમાં મલકાયો,
              કે રંગડો   કેસૂડે  છલકાયો.
    રંગાય  તેનાં  રુદિયાં  રાજી ને
               રાજી તે થાય રંગનારાં,
    અરસપરસની મર્માળી આંખમાં
                 મોજીલાં  બંદર-બારાં –
    માણીગર !  મોજીલાં  બંદર-બારાં.
    કોની તે પાઘડીએ પીધો ?
    માણીગર!  કોની તે ચૂંદડીએ ચાખ્યો
                                               કે રંગડો.
    કાથો કેવડીયો ને ચૂનો કેસરિયો,
                   સત-શૂરી   સોપારી
    પાનનાં  બીડાં   ઝડપી  લેતાં
                    વિરલાં  પુરુષ  ને નારી.
    તરસ્યાંએ રંગડો રાખ્યો માણીગર
    વરસ્યાંએ ઢોળી નાખ્યો: કે રંગડો.
    કોઈ   રંગે છે  તનમન  જીવન
                      કોઈ  રંગે છે  વાઘા,
    કાચાપાકાના અધકચરા ઓરતા
                      રહેતાં અભાગિયા આઘા રાધાએ  રંગડો  રાખ્યો,
    માણીગર! પિંગલાએ ઢોળી નાખ્યો.

    – શ્રી વેણીભાઇ પુરોહિત( શ્રી સુરેશ         દલાલ સંકલિત ‘કવિતાનો આનંદ’ માંથી)

  2. Shivani Shah said,

    November 23, 2017 @ 1:30 PM

         ‘ગાયન એ માત્ર ગાવાની જ ચીજ છે. એમાં કાવ્યતત્વ ઓછું હોય છે અને શબ્દો લગભગ સંગીત લટકાવવાની ખીંટી જેવા હોય છે. વેણીભાઇનાં ગીતો ગાઇ શકાય એવાં કવિતાની કક્ષાનાં હોય છે.  અહીં એમણે પ્રણયની અવસ્થાને અથવા એના રંગને બે ભાગમાં મૂકીને એ રસિક અને ગંભીર પ્રશ્નની છેડછાડ કરી છે. સુખનો રંગ કે  દુ:ખનો રંગ એ અંતે તો સાપેક્ષ વસ્તુ છે. શું સાચવવું અને શું ઢોળી નાંખવું – એ માણસની પોતાની અંગત નિસબતની વાત છે. કોઈક રાગી હોય છે, કોઈક વૈરાગી હોય છે. કોઈક માનનારા હોય છે, કોઈક જાણનારા હોય છે. કોઈક સ્વીકારનારા હોય છે, કોઈક નકારનારા હોય છે – જેને જેમાં આનંદ આવે, જેને જેમાં રંગ અને ઉમંગ આવે એ માણસની પોતેની પ્રકૃતિની વાત છે…’
    – શ્રી સુરેશ દલાલ

  3. pragnaju vyas said,

    November 23, 2017 @ 2:36 PM

    ખુદા, એવાય લોકોની તરફ જોજે કે જેઓને,
    જીવનમાં રસ નથી ને ઝેર પણ ખાઈ નથી શકતા.

    સુખો તો કોઈ દી’ આવે અને વ્હેંચાઈ પણ જાયે,
    પરંતુ એ દુઃખોનું શું જે વ્હેંચાઈ નથી શકતા.
    વાહ- ખૂબ જ સુંદર ગઝલ…
    બધા જ શેર સરસ પણ આ શેર વધુ ગમી ગમ્યા.
    પઠન કરતા એક કસક થાય.બધા લોકો સંઘષ કરી શકતા નથી હોતા. કેટલાક તો જોઈ પણ નથી શકતા. આવા લોકો દબાણ સહન કરી શકતા નથી. જે દબાણવશ થાન છોડી દે તે કસોટીમાં પાર ન ઊતરી શકે અણઉકલ્યા પ્રશ્નો.આપણા પ્રયત્નોને વેગ આપી આવા દુઃખો દૂર કરી શકીએ
    કવિશ્રી મનોજભાઇએ પણ આપણેને આ રીતે ઢ્ંઢોળ્યા છે
    સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
    બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

    સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
    તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

    નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
    સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

    સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
    વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

    ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
    પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા
    ભાઇ હિતેન…
    ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
    ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
    તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
    હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
    આ રીતે નવી દ્રુષ્ટિ આપે છે. કેટલાય સાધકો છે જે કોઈક અસાધારણ અનુભવ અથવા અનુગ્રહની અપેક્ષા રાખે છે, પરંતુ એક અથવા બીજી રીતે એમને એવા અનુગ્રહ કે અનુભવની પ્રાપ્તિ થઈ જાય તો તેને સહન કરી, જીરવી કે પચાવી નથી શકતા.

  4. સુરેશ જાની said,

    November 23, 2017 @ 4:08 PM

    ઊંચા ગજાના આવા કવિઓનો આપણે પાડ માનવો જ રહ્યો – જેમણે દિલના ઊંડાણો આવી સુંદરતાથી રળિયામણા કરી દીધા છે – એવા ઊંડાણો, જેમાં અબજો રંગો ભરેલા છે- ફૂલ ગુલાબીથી માંડીને કાળાડિબાંગ.
    વિવેકની વાત શી રીતે સમજાય? મક્તા કોને કહેવાય અને મત્લા કોને – તે પણ આ જણને બરાબર ખબર નથી. પહેલાને શું કહેવાય અને છેલ્લાને શું કહેવાય – એ સમજાવશો.
    પહેલા શેરમાં ઈશ્વરના સૂર્ય અને તેનાથી વિયોગના એકાન્તની કાલિમાની વાત છે, તો છેલ્લામાં આદિલજી પોતાની નબળાઈ સરેઆમ છતી કરી દે છે. એમાં પોતાની સરસ શેર લખવાનું સ્વગૌરવ છે, તો સાથે તે ગાઈ ન શકવાની નબળાઈનો સ્વીકાર પણ છે. કદાચ ‘ગાવા’ સાથે ‘ગઝલ પૂર્વક’ જીવવા તરફ સંકેત લાગે છે. જો એમ હોય તો આખી ગઝલનો શ્રેષ્ઠ શેર મને તો એ જ લાગ્યો.

    આપણી નબળાઈઓનો સ્વીકાર. અંતરયાત્રામાં છેલ્લું ચરણ એટલે પૂર્ણ ‘શરણાગતિ’ નો ભાવ અને એનો ઉંબરો એટલે ‘સ્વીકાર’ ભાવ. સ્વીકાર ની શરૂઆત જાતના સ્વીકારથી થતી હોય છે – આપણે જેવા છીએ તેવા હોવાનો , તે સત્યનો સ્વીકાર. કશું બનવાની કે મેળવવાની વાત નહીં પણ માત્ર જેવા છીએ તેવા – હોવાની વાત.

  5. La Kant Thakkar said,

    November 24, 2017 @ 8:15 AM

    પ્રગ્નાજુ અને સુરેશ જાનેી ભઈનેી કોમેન્ત્સ ગમેી …

  6. Shivani Shah said,

    November 24, 2017 @ 1:11 PM

    મક્તા ને મત્લા તો એક જાતના idetifiers હશે કદાચ…પણ એવું ખરું કે ગઝલમાં એક શેરને બીજા શેર સાથે સંબંધ હોય જ..જો વાચકને એ connection ના દેખાય તો દોષ સમજણનો?
    ગઝલો હમણાંથી જ વાંચવામાં આવે છે અને જાણે એમ લાગે છે કે મોટે ભાગે બહુ દુ:ખી હોય એ વ્યક્તિઓ જ ગઝલ લખતી હશે. ત્રણ -ચાર depressing ગઝલ વાંચવામાં આવે પછી એની અસર ઓછી કરવા એકાદ ઝમકદાર, positivity વાળું કાવ્ય વાંચવા મળે તો સારું લાગે. માટે ‘કોણે તે રંગડો રાખ્યો ‘ ગીત અંહી share કર્યું ! દુ:ખનો રંગ ગમતો હોય તો ભરી રાખવો નહીંતર ઢોળી દેવો .

  7. Girish popat said,

    December 18, 2017 @ 11:25 PM

    સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment