ધારણા તૂટી પડી – સંજુ વાળા
સ્વપ્ન સોનેરી થવાની ધારણા તૂટી પડી
આંખ ખૂલી ગઈ તો છાની ધારણા તૂટી પડી
આપની હે સ્વપ્નજ્ઞાની ધારણા તૂટી પડી
માંગતા મળતી મઝાની ધારણા તૂટી પડી
આભ ગોરંભે ચડયું, સંકેત સૌ ડૂબી ગયા
‘ને ઉપરથી ખારવાની ધારણા તૂટી પડી
જોઈ લો, સંજોગ કેવા મૂડ બદલે છે નવા
મન હતું પણ માળવાની ધારણા તૂટી પડી
જીવતા માણસને જ્યાં ફોડાય છે શ્રીફળ ગણી
એ વધુ કઈ કરશે હાની ? ધારણા તૂટી પડી
શહેરી બત્તીઓનું ટોળું તેજના દરબારમાં
જઈ પહોંચ્યું તો દીવાની ધારણા તૂટી પડી
તથ્યની પડખે ઉછરતી વાયકા ચર્ચામાં છે
ત્યારથી સૌ સત્યતાની ધારણા તૂટી પડી
– સંજુ વાળા
અનુમાન બાંધવા એ મનુષ્યમાત્રનો સ્વભાવ છે અને અનુમાન પ્રમાણે જિંદગી વળાંક ન લે તો હતાશ થવું એય આપણો સ્વ-ભાવ છે. આપણા અખ્તિયારમાં હોય કે ન હોય, આપણે દરેક ચીજ માટે ધારણા તો બાંધી જ લેતા હોઈએ છીએ. કવિ આજ વાતને કેન્દ્રમાં રાખીને ભ્રમનિરસનની મજાની ગઝલ લઈ આવ્યા છે… અહીં ભલભલી ધારણા તૂટી પડતી નજરે ચડશે પણ સારી ગઝલ મળવાની ધારણા છેલ્લા શેર સુધી અડીખમ રહે છે…
સંજુ વાળા said,
November 2, 2017 @ 3:24 AM
આભાર.. આભાર
સુરેશ જાની said,
November 2, 2017 @ 8:42 AM
તથ્યની પડખે ઉછરતી વાયકા ચર્ચામાં છે
ત્યારથી સૌ સત્યતાની ધારણા તૂટી પડી.
સત્ય રિલેટિવ હોય છે ! સનાતન સત્ય જેવું કશું હશે ખરું? બધી વાયકાઓ જ વાયકાઓ !
લતા હિરાણી said,
November 11, 2017 @ 3:23 AM
સરસ