તમન્ના – ‘ગની’ દહીંવાળા
બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું.
અમારી દ્રષ્ટિએ છે પાપ પડતીમાં પડી રહેવું,
પુન: વ્હાણે પ્રગટશું, સાંજનાં જો આથમી જાશું.
સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જો જો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું.
જીવનની ડાળ ઉપર પુષ્પ રૂપે ફોરશું, કિન્તુ;
મધુકર વૃત્તિઓની સામે કંટક પણ બની જાશું.
અમે ઓ રાહબર! આગળ ધપીશું તવ નજર રૂપે,
નથી કંઈ કાફલાની ધૂળ કે પાછળ રહી જાશું.
પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.
પતંગાની અગન લઈને ‘ગની’ કંઈ શોધીએ શાતા,
દીસે છે દૂર પેલી જ્યોતિ, ત્યાં જઈને બળી જાશું.
– ‘ગની’ દહીંવાળા
MAHESHCHANDRA NAIK said,
October 18, 2017 @ 12:20 AM
ગનીચાચાને સલામ…….
Shivani Shah said,
October 18, 2017 @ 10:52 AM
Nice gazal by Gani Dahiwala
સુરેશ જાની said,
October 18, 2017 @ 12:56 PM
અમારી દ્રષ્ટિએ છે પાપ પડતીમાં પડી રહેવું,
પુન: વ્હાણે પ્રગટશું, સાંજનાં જો આથમી જાશું.
——–
મારા મોટા ભાઈને મળવા જ્યારે જઈએ ત્યારે તે Happy birthday કહેતા. એમને પુછ્યું કે, ‘કેમ આમ કહો છો? ‘
તેમણે સરસ જવાબ આપ્યો – રોજ મડદાની જેમ સૂઈ રહેવાનું અને નવજાત બાળકની તાજગીથી ઊઠવાનું. વર્તમાનમાં જીવવાની આ જ વાત ગની ચાચા એ કહી લાગે છે.
Shivani Shah said,
October 18, 2017 @ 9:54 PM
There seems to be another Shivani Shah here !! October 2017, 10.52am comment is not from me…Amazing…