બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!
-બાલમુકુંદ દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુલતાન લોખંડવાલા

સુલતાન લોખંડવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(તમારાથી સુંદર) – સુલતાન લોખંડવાલા

છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?

અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર.

અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર,
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર.

તમે ધડકનોમાં વસાવ્યા અમોને,
હતું મન તમારું ઉતારાથી સુંદર.

– સુલતાન લોખંડવાલા

ચંદ રોજ પહેલાં જ જનાબ સુલતાન લોખંડવાલા જન્નતનશીન થયા. મારા કમનસીબે આ સમાચાર મળ્યા એ પહેલાં કદી એમની રચનાઓ સાથે રૂબરૂ થવાયું નહોતું. પણ આ ગઝલ વાંચતાવેંત આફરીન પોકારી જવાયું… કેટલા સરળ શબ્દો અને કેવી મજાની પેશકશ! કવિશ્રીને લયસ્તરો તરફથી નાનકડી શબ્દાંજલિ…

Comments (8)