હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for December, 2007
December 31, 2007 at 7:06 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
– પ્રીતિ સેનગુપ્તા
સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !
Permalink
December 30, 2007 at 3:56 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે;
આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે.
અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ?
પોતે નહીં તો એના વતી કોઈ આવશે !
ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.
ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં;
વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે.
પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.
ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !
શૈશવની બાળવારતા શોધી રહી મને;
સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?
-ભગવતીકુમાર શર્મા
ભગવતીકાકાની ગઝલ ખૂબ ઊંડા ચિંતનના તારતમ્યરૂપે નીતરતી હોવાનું મેં કાયમ અનુભવ્યું છે. આ એક એવા સર્જક છે જે સર્જનને શોખ તરીકે નહીં પણ શ્વાસથીય વધુ અનિવાર્ય આવશ્યક્તા તરીકે લે છે. કાવ્યનો કોઈપણ પ્રકાર હોય, એમની સાધનાનું ઊંડાણ એમાં તરત જ વર્તાય. પ્રસ્તુત ગઝલનો ઇચ્છાવાળો શે’ર તો બેનમૂન થયો છે. ચિનુ મોદીના ખ્યાતનામ શે’ર –કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો-નું અદ્દલોઅદ્દલ અવળું પ્રતિબિંબ જ જોઈ લ્યો જાણે !
Permalink
December 29, 2007 at 12:50 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ, હસ્તપ્રત
(ખાસ ‘લયસ્તરો’ માટે શ્રી ઉર્વીશ વસાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અક્ષુણ્ણ ગઝલ)
શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.
મુખવટાને દોષ આપે છે બધા,
હોય છે ચ્હેરા અસલમાં તરકટી.
સાવ સાદી લાગતી આખી કથા,
અંત વેળા નીકળે છે અટપટી.
શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
જીવ તારે જાતરા કરવી મટી.
આજ લાગે છે કશું અવસર સમું,
આંગણે આવી પીડાઓ સામટી.
-ઉર્વીશ વસાવડા
આ ગઝલ વિશે શું કહીશું? ફક્ત બે જ શબ્દો “અખિલમ્ મધુરમ્” ચાલશે?
Permalink
December 28, 2007 at 1:24 AM by વિવેક · Filed under ગરબી, દયારામ
કિયે ઠામે મોહની ન જાણી રે,
. મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo
ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં
. કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo
ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં
. કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo
શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં
. કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo
કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં
. કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo
ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં
. કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo
દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે
. તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીo
– દયારામ
ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. અત્યંત મનોહર ભાષામાં મુગ્ધ ગોપી અહીં કામદેવથી ય રૂપાળા મોહનનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણના કયા અંગમાં કે ગુણમાં એનું ખરું આકર્ષણ છે એ જાણે અહીં ગોપી શોધવાની કોશિશ કરી રહી છે અને અંતે ‘અખિલમ્ મધુરમ્’નો કાયદો સ્વીકારી લઈ તન-મન-ધનથી એના પ્રેમમાં લૂંટાઈ બેસે છે એ આખી રીતિમાં દયારામનું કવિત્વ એના સુભગ રૂપે પ્રકટ્યું છે. મટક-લટક, કેશ-વેશ, નેન-સેન જેવા મધ્યાનુપ્રાસ ગરબીને મીઠી ગાયકી બક્ષે છે.
Permalink
December 27, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.
-ગની દહીંવાલા
ગનીચાચાની એક જાણીતી ગઝલ મમળાવીએ આજે. હોઠના ગોખલાંમાં શબ્દોના કબૂતર ચૂપચાપ બેઠાં હોય અને એ ખામોશી જ પાંખોનો ફફડાટ બનવા માંડે ત્યારે સમજાય કે મૌનની ભાષા શબ્દની ભાષા કરતાં વધુ સશક્ત હોય છે. એક પછી એક શેર જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ ગઝલપંખીની પાંખોનો વ્યાપ વિસ્તરતો જતો સહેજે અનુભવાય અને ખુલતું જાય એક અસીમ આભ.
Permalink
December 26, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રેશ ઠાકોર
કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું.
મૂછને વળ દેતું.
એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ…
– ચંદ્રેશ ઠાકોર
લયસ્તરો માટે ખાસ આ કાવ્ય ડેટ્રોઈટથી ચંદ્રેશભાઈએ મોકલ્યું છે. કાવ્ય મને તો ગમી ગયું અને એ લયસ્તરો પર મૂકું એ પહેલા એક નવો વિચાર આવ્યો. દર વખતે હું મારા મનમાં આવે એવો આસ્વાદ કરાવું છું. એને બદલે કવિને પોતાને જ એ કામ સોંપીએ તો કેવું ? એ વિચાર ચંદ્રેશભાઈને મોકલ્યો. એમને પણ વિચાર ગમી ગયો અને એમણે તરત પોતાનો કવિતા લખવાનો હેતુ અને કવિતાની પોતાની અર્થછાયા એમના પોતાના જ શબ્દોમાં મોકલી આપી. તો આજે કવિના ખુદના જ શબ્દોમાં આસ્વાદ માણો.
સાંકેતિક, તો પણ રોજીંદી વાત છે. ચારેતરફ કાટમાળ પથરાયેલો છે – નૈતિક મૂલ્યોનો, લાભ લેવાની વૃતિનો, ભાંગી પડેલા સ્વપ્નોનો. એનાથી નીપજતી કઠોરતા, મુશ્કેલીઓ ને નિરાશાઓ માણસનો શ્વાસ એવો તો રૂંધે છે કે બહુધા માણસ હિંમત હારી જાય છે.
પણ, એમ માથે હાથ દઈને બેસવાથી આગેકદમ થોડી કરાય ?
એમાં એક પતંગિયું આવી બેસે છે – પતંગિયું પ્રતિક છે મુલાયમતાનું, સારાશનું, રંગીલાપણાનું અને નવદ્રષ્ટિનું. પતંગિયાને સાંકળમાં ન તો લોખંડ દેખાય છે ન તો બંધન દેખાય છે. પતંગિયાને તો, બસ, ઉડવું જ છે. જીવ નાનકડો છે પણ એનો પડકાર બુલંદ છે.
પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો ઉપયોગ કરવાની તૈયારી : સ્વતંત્રતાનો આનંદનશો માણવા માટેની અનિવાર્યતા.
Permalink
December 25, 2007 at 1:09 AM by ધવલ · Filed under નિર્મિશ ઠાકર, પ્રતિકાવ્ય
ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
– નિર્મિશ ઠાકર
એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો.
Permalink
December 24, 2007 at 12:58 AM by ધવલ · Filed under અછાંદસ, વિંદા કરંદીકર
જુવાનીમાં તેણે એક વાર દરિયામાં
પેશાબ કર્યો.
અને તેને લીધે
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી
એ માપવામાં ખર્ચી નાખ્યું
પોતાનું બાકીનું આયુષ્ય.
– વિંદા કરંદીકર
(અનુ. જયા મહેતા)
Permalink
December 23, 2007 at 12:30 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
– નરસિંહ મહેતા
દહીં વેચવા નીકળેલી ભોળી ભરવાડણ ‘મહી લ્યો’ કહેવાને બદલે ‘લ્યો કોઈ મોરારિ’ એમ બૂમો પાડતી શેરીએ શેરીએ ફરે છે. કૃષ્ણમાં લયલીન કૃષ્ણમય ગોપીને એટલે જ મટુકીમાં દહીંના સ્થાને શ્રી હરિ નજરે ચડે છે. ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ઊર્મિગીતમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ગોપી-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં ભક્તકવિએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.
Permalink
December 22, 2007 at 12:31 AM by વિવેક · Filed under ગઝલ, વિશ્વ-કવિતા, સુધીર પટેલ, હસ્તપ્રત
(‘લયસ્તરો’ માટે સુધીર પટેલે અમેરિકાથી મોકલાવેલી હસ્તલિખિત અક્ષુણ્ણ ગઝલ)
ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !
मैंने होठो़ से ना कहा भी हो,
वो मगर दिल की सुनता भी हो !
उनकी ही खास ये अदा भी हो,
शोखी के साथ में हया भी हो !
लाल हुई हैं आँखे सुरज की,
रात को देर तक जगा भी हो !
मैं ही शायद निकल गया आगे,
वक़्त कुछ देर तक रुका भी हो !
जिन्दगीभर की है दुआ “सुधीर”,
आज हक में मेरे खुदा भी हो !
-सुधीर पटेल
અમેરિકાનિવાસી સુધીર પટેલ આમ તો ગુજરાતી ગઝલમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. પણ અહીં જોઈએ તો ખ્યાલ આવે કે હિંદી ગઝલમાં પણ તેઓ એજ હથોટી ધરાવે છે. મેં હોઠોથી કદાચ “ના” પણ પાડી હોય, પણ પ્રિયજને દિલની વાત કદાચ સાંભળી પણ લીધી હોય એવું બનેની અભિવ્યક્તિ પ્રેમના આશાવાદની જે તીવ્રતા સુધી ભાવકને ખેંચી જાય છે એ અદભુત છે.
Permalink
December 21, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે
હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે
છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે
પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.
-મુકુલ ચોક્સી
મુકુલભાઈનું ભાષાકર્મ મને હંમેશા આકર્ષતું રહ્યું છે. જેના નસીબમાં વિરહ સિવાય બીજું કાંઈ જ નથી એવી એક સ્ત્રીની આ ચાર જ શેરની ગઝલ. પ્રતીક્ષાના આ ઘરમાં જ્યાં કોઈ કદી આવવાનું જ નથી અને આંખે નેજવું બનીને માત્ર રાહ જ જોયા કરવાની છે ત્યાં બારણાંની અનુપસ્થિતિ અને સામે હજ્જારો બારીઓની હાજરી ખૂબ સૂચક છે. પ્રતીક્ષાની પીડાને અખંડ સૌભાગ્યવતી કહેવાનું કવિકર્મ મુકુલ જ કરી શકે. પ્રિયજનની રાહ જોતી એક આંખ જાણે છે કે એ કદી આવનાર નથી અને બીજી આંખમાંથી તોય એના આવવાની આશા મરી પરવારતી નથી એટલે કવિ બંને આંખોને વારાફરતી વિધવા અને કુંવારી કહીને માથે મૂકે છે અ.સૌ. પ્રતીક્ષાની પીડાઓ, જે કદી મરવાની નથી…અખંડ છે!
મુકુલભાઈ, આજે એકવીસમી ડિસેમ્બરે તમને અમારા સૌ તરફથી ‘વર્ષગાંઠ મુબારક‘ કહીએ કે?
Permalink
December 20, 2007 at 12:46 AM by વિવેક · Filed under ગીત, પ્રફુલ્લા વોરા
કે શોધું ! ક્યાં તાળું, ક્યાં કૂંચી,
નામ રટંતાં જે સુખ ચાખ્યું,
એ માળા મેં ગૂંથી… કે શોધું…
યુગયુગથી હું શોધું છું કોઈ લખવા જેવો અક્ષર,
કાગળ-લેખણ હાથ લઉં ત્યાં કેમ બધું છુમંતર,
એકલદોકલ વાત નથી આ,
બંધ ગઠરિયાં છૂટી…. કે શોધું…
ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,
અંતે તો આ ખેલ અધૂરો,
ને ચોપાટું પણ ઊઠી… કે શોધું…
-પ્રફુલ્લા વોરા
મઘઈ પાનનું બીડું મોઢામાં મૂકીએ અને ધીમે ધીમે ચાવતાં જઈ એનો રસ ખૂટી જવાનો કેમ ન હોય એવી અધીરપથી શક્ય એટલા સમય સુધી માણવાની કોશિશ જેમ કરીએ એમ જ ખૂબ આહિસ્તે-આહિસ્તે મમળાવવા જેવું આ ગીત. દરેક કલ્પનો પર અટકીને વિચાર કરવો પડે કે આ માત્ર શબ્દોના પ્રાસ છે કે પ્રાસથી ય કંઈક આગળ… ઘોડાની આગળ ગાજર બાંધીએ અને ઘોડો દોડતો રહે એવી પરિસ્થિતિ આપણા સહુની છે પણ કવયિત્રી કેવા કમનીય શબ્દો લઈને આવે છે! એમણે ભ્રમણાઓ અને એ પણ ભૂરી અને તૂરીનો ઉલ્લેખ કર્યો છે. ભૂરો રંગ આકાશનો રંગ છે એ અર્થમાં એ ભ્રમણાઓની વિશાળતાનો સંકેત કરે છે તો તૂરો શબ્દ ગમે એવી વિશાળ કેમ ન હોય, ભ્રમણાનો સ્વાદ તો આવો જ રહેવાનો એમ ઈંગિત કરતો ભાસે છે. અને કઈ ભ્રમણાઓ માણસને દોડતો રાખે છે? આજે નહીં તો કાલે, સુખના વાદળ ઊગશે એજ ને? અહીં કવયિત્રી કદાચ અજાણતાં જ બીજી અર્થસભર વ્યંજનાનો કાકુ સિદ્ધ કરે છે. સુખ માટે એ વાદળનું કલ્પન વાપરે છે. પણ વાદળની જિંદગી કેટલી? વાદળે ક્યાં તો પવન સાથે વહી જવાનું ક્યાં સમય સાથે વરસી જવાનું, પણ એનું હોવું તો ક્ષણભંગુર જ ને… આ તો બે લીટીની વાત થઈ. આખું કાવ્ય જ મઘઈ પાનના બીડાંની જેમ ચગળવું પડશે…
Permalink
December 19, 2007 at 1:08 AM by ધવલ · Filed under અછાંદસ, રઘુવીર ચોધરી
તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.
વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.
તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.
– રઘુવીર ચૌધરી
(‘વહેતાં વૃક્ષ પવનમાં’)
અદભૂત અભિવ્યક્તિ ! એ સિવાય આ કાવ્ય વિશે કાંઈ કહેવાનું હોય ?
Permalink
December 18, 2007 at 11:46 AM by ધવલ · Filed under ઊર્મિકાવ્ય, ચંદ્રકાન્ત શાહ
તેં જ અપાવેલ જીન પહેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા
આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે સફેદ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા
અમે મઝામાં છીએ
કેમ છે તું ?
લખવા ખાતર લખી રહી છું
પૂછવા ખાતર પૂછું છું હું
લખવાનું બસ એ જ
આટલાં વરસે મેલાં થઈ થઈ
જીન્સ આ મારાં બની ગયાં છે મેલખાઉં તો એવાં
કે ધોવાનું મન થતું નથી
જીન ધોવાને અહીંયાં તો બા નથી નદીનું ખળખળ વહેતું છૂટું પાણી
સખી સાહેલી કોઈ નથી
નથી નજીક કોઈ ખેતર, કૂવા, કાબર, કોયલ
નથી નજીકમાં ધોળા બગલા
વધુ આગળ વાંચો…
Permalink
December 17, 2007 at 9:23 PM by ધવલ · Filed under ગીત, હસિત બૂચ
એવું તો ભઈ, બન્યા કરે
કે
સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય.
ફૂલ અકારણ કાંટો થાય;
ભઈ
તેથી કંઈ
હતું ફૂલ, ન્હોતું કહેવાય ?
મળિયો મારગ તજી જવાય ?
એવુંયે અહીં બન્યા કરે;
પ્હાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો,
કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;
ભલે
ન પળ એ રટ્યા કરાય !
ભલે
વિરલ એ;
વિતથ કેમ એને કહેવાય ?
એવું તો અહીં બન્યા કરે,
કે –
એવુંયે ભઈ, બન્યા કરે,
કે –
– હસિત બૂચ
(‘ઓચ્છવ’)
બન્યા કરે એ નિયતિના સ્વીકારનું કાવ્ય છે. આપણી અડધી જીંદગી બનેલાનો પ્રતિકાર કરવામાં જાય છે. જે બની ગયું છે – એ સત્યને સ્વીકારીને આગળ વધવું એ આપણો ધર્મ છે. આ સાદી વાત કવિએ બહુ મીઠી રીતે કરી છે.
( વિતથ = ખોટું, અસત્ય )
Permalink
December 16, 2007 at 12:41 AM by વિવેક · Filed under કાસમ પટેલ, ગઝલ
હેલ, પનિહારી, પરબ, જળ ને પછી શું શું ગયું ?
વાવ, વીરડો, વ્હેણ, વાદળ ને પછી શું શું ગયું ?
બાગનો પર્યાય જો શોધી શકો તો શોધજો,
પર્ણ, ડાળી, ફૂલ, ઝાકળ ને પછી શું શું ગયું ?
કો’ક આપો આ મને મારા ખજાનાના સગડ,
શબ્દ, કીત્તો, શાહી, કાગળ ને પછી શું શું ગયું ?
અર્થનું આકાશ અંતે હાથ છેટું રહી ગયું,
કલ્પનાઓ, તર્ક, અટકળ ને પછી શું શું ગયું ?
વાદળો પાછળ લપાઇ સૂર્ય શું રણમાં જુએ ?
મૃગજળોનો એ ભરમ, છળ ને પછી શું શું ગયું ?
મુકત છો તો મુકત થૈ જા આ ગણતરીથી ય તું,
કેદ, પિંજર, રાવ, સાંકળ ને પછી શું શું ગયું ?
-કાસમ પટેલ
Permalink
December 15, 2007 at 1:16 AM by વિવેક · Filed under ચિનુ મોદી, દુહા
લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;
એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;
રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;
આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;
સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.
-ચિનુ મોદી
વિરહ અને પરિણામે જન્મતા ‘ડંખીલા’ એકાંતની પીડા કવિના હાથમાંથી સરતા આંસુ બનીને અહીં આ પાંચ દુહાઓમાં કાગળ પર ઉતરી આવી છે. દિવસ આખો દુન્યવી બાબતોમાં વ્યસ્ત રહી એકાંતને ખાળ્યા કરો તો એ રાતના નીરવ અંધારામાં કેવા ડંખ સાથે છાપો મારે છે! પ્રિયજનની અનુપસ્થિતિમાં આજે બારેમાસ આંસુની જ છમ-છમ સંભળાયા કરે છે એ વાતની સાથે કવિ નખના નિશ્વાસને સાંકળી લે છે. શું અભિપ્રેત હશે અહીં કવિને? છૂટી ગયેલા સગપણને કવિ ‘આંગળીથી નખ છેટાં’ના સંદર્ભે જોવા માંગે છે કે શું? (આંસુ અને નખને સાંકળી લેતી ચિનુ મોદીની જ બીજી પંક્તિ, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની અહીં તરત જ યાદ આવી જાય છે!) એક તરફ કવિ પાસે કદાચ (!) બંને કાંઠે જન્મતા મૂંઝારાનો ઈલાજ પણ છે તો બીજી તરફ રડી-રડીને અને રાહ જોઈ-જોઈને થાકી ગયેલી આંખની અવેજીમાં જે હાથમાં બીજા હાથનો સંગાથ ક્યારેક હતો એ ‘હાથ’ને રડતો બતાવી વિરહ-વેદનાને ખાસ્સી ધાર કાઢી આપે છે…
Permalink
December 14, 2007 at 2:09 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, શેષ, સોનેટ
(પૃથ્વી છંદ)
ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝુમતાં ઘનો, નહીં મું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહીં ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.
બધો દિવસ ચાલી ચાલી ચરણો ય થાકી ગયાં,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે કહીં
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.
વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહીં કશું જણાશે ય ને
પરોઢ મુજને થતાં નવીન તાજગી આવશે.
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.
-રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સૉનેટ વિશે આપણી સામાન્ય માન્યતા એવી રહે છે કે એ વાંચવા-સમજવા ખૂબ જ અઘરાં હોય છે. રા.વિ. પાઠકનું આ સૉનેટ બંને રીતે ખૂબ જ સરળ અને સહજ અપવાદ બની રહે છે. જીવનની સફર અને પૃથ્વી જેવો અજાણ્યો મુલક, ઉંમરના ભારથી જૈફ બનેલી કાયા અને એકલવાયાપણું…. આ બધામાં કોઈ એક ખૂણે થોડી જગ્યા પણ મળી જાય તો તાજગીસભર પ્રભાતનું આવણું અનુભવાવાની લાગણી કેવી સુંદર રીતે અહીં વ્યક્ત થઈ છે !દુનિયાના આ વિશાળ મહેલમાં ક્યાંક કોઈ એકાદો ખૂણો પણ આપણો હોય તો આ દુનિયા પછી અજાણી નથી લાગતી.
(ઘનો=જંગલો, સરાઈ=ધર્મશાળા, હર્મ્ય= હરમ, જઈફ=વૃદ્ધ)
Permalink
December 13, 2007 at 1:04 AM by વિવેક · Filed under ગઝલ, બકુલેશ દેસાઈ
અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.
કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં,
બચેલો મધુર અંતરો પણ અહીં છે.
ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.
ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.
અહીં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.
-બકુલેશ દેસાઈ
બકુલેશ દેસાઈ ભલે વ્યારામાં જન્મ્યા હોય, અમે એમને પક્કા “હુરતી” જ ગણીએ છીએ. વર્ષોથી સુરતમાં જ સ્થિર થયેલા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા બકુલેશ દેસાઈ હળવા હાસ્યલેખ અને વાર્તાઓમાં વધુ ખીલતા દેખાય. દર રવિવારે ‘નર્મદ સાહિત્ય સભા’માં નવોદિત સર્જકો સાથેની ગોઠડીમાં એમના આશીર્વાદ અચૂક મળે જ. શબ્દોમાં નાજુક મીનાકારી એ કઈ રીતે કરે છે એ સમજવું હોય તો આ ગઝલ જોવા જેવી છે…
(જન્મ તારીખ: (૧૪-૦૭-૧૯૪૭), કાવ્યસંગ્રહો: ‘અવાન્તર’, ‘અમીરાત’).
Permalink
December 12, 2007 at 1:31 PM by ધવલ · Filed under ગીત, દિલીપ જોશી
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?
આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
-દિલીપ જોશી
(‘વીથિ’)
ગઈકાલે ‘શાંતિ’નું કાવ્ય મૂકેલું ને આજે ‘સુખ’નું કાવ્ય ! આ ગીતનો કોઈ મોટી ફિલસૂફીનો દાવો નથી. નથી એમાં ઊંડું ચિંતન. આ ગીત તો છે માત્ર સુખ નામની – પકડમાં ન આવતી – બધાને લલચાવતી – ઘટના વિષે કવિને થયેલું આશ્ચર્ય !
પહેલી જ બે પંક્તિઓ ખૂબ ગમી ગઈ. સુખની પાંદડા પરના પાણી અને પરપોટા સાથે સરસ સરખામણી કરી છે. એ પછી સપનાંમાં, જીવનમાં અને કુદરતના ખોળે સુખ વેરાયેલું મળી આવવાની વાત છે. મને સૌથી વધુ ગમી ગઈ એ પંક્તિ તો આ છે – લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી. સુખ કોઈ નવો પદાર્થ નથી એ તો રોજબરોજની જીંદગીના ગાર-માટીમાંથી જ બનેલું છે. જો આપણને એ ગાર-માટીનું લીંપણ સારી રીતે કરતા આવડે તો એ જ સુખ બની જાય !
Permalink
December 11, 2007 at 5:59 PM by ધવલ · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ
રમ્ય આ એકાંત છે,
સ્નેહ કેવો શાંત છે !
ચાંદનીની સોડમાં
આજ દરિયો શાંત છે !
મેઘ ઘેરાયો છતાં,
વીજ કેવી શાંત છે !
મૌન મોજે ઉછળે,
શબ્દના સઢ શાંત છે !
ઘૂમટાની આડશે
એક દિવો શાંત છે !
પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાંત છે !
એ અહીં આવી પૂગ્યાં,
એટલે ઘર શાંત છે !
હું હવે મારો નથી,
કેટલું મન શાંત છે !
– ચંદ્રકાંત શેઠ
(‘એક ટહુકો પંડમાં’)
શાતા અને સંતોષની કવિતા મળે તો મનને આનંદ થાય છે. એમાં ય વળી આવી ‘શાંતિ’ને ઊજવતી કવિતા મળે તો એનાથી ય વધારે આનંદ થાય. કવિએ નાના નાના શબ્દચિત્રોથી શાંતિના મહિમાને પૂરબહારમાં ગાયો છે. ને અંતે ચરમસીમા જેવી છેલ્લી બે અદભૂત પંક્તિઓ કવિ મૂકે છે – મન શાંત છે એનું કારણ છે કે હું હવે મારો નથી ! એટલે કે આ આખું ગીત ‘શાંતિ’ના મહિમાનું લાગતું હતું એ તો ખરેખર પ્રેમ-ગીત છે ! કોઈ પ્રેમની ઊજવણી ગાઈબજાવીને કરે છે તો કોઈને પ્રેમનો અનુભવ શાંતિ અને સંતોષ તરફ ખેંચી જાય છે…
Permalink
December 10, 2007 at 10:18 PM by ધવલ · Filed under જયા મહેતા, ડી. એચ. લૉરેન્સ, વિશ્વ-કવિતા
તને મારા પ્રેમની પરવા નથી ? તે કડવાશથી બોલી.
મેં તેને અરીસો આપીને કહ્યું :
મહેરબાની કરીને આ પ્રશ્ન યોગ્ય વ્યક્તિને પૂછ!
મહેરબાની કરીને બધી વિનંતીઓ મુખ્ય કાર્યાલયને કર!
લાગણીઓ વિશેની મહત્વની બાબતોમાં
મહેરબાની કરીને સર્વોચ્ચ સત્તાને સીધું જ પૂછ! –
એટલે મેં તેને અરીસો આપ્યો.
અરીસો એણે મારા માથા પર જ તોડ્યો હોત,
પણ એની નજર અરીસામાં પોતાના પ્રતિબિંબ પર પડી
અને બે ક્ષણ માટે એ સંમોહિત થઈ ગઈ,
એટલામાં હું ભાગી છૂટ્યો.
– ડી. એચ. લૉરેન્સ
અનુ. જયા મહેતા
પ્રેમના છીછરાંપણા વિષે નાનું ને તીણું કાવ્ય. અંગ્રેજીમાં કાવ્યનું શીર્ષક ‘Intimates’ છે. જે કાવ્યના વ્યંગને વધુ વેધક બનાવે છે. અનુવાદ કરવામાં જયા મહેતાએ ‘દિલોજાન’ શબ્દ વાપરીને કમાલ કરી છે. મૂળ અંગ્રેજી કાવ્ય અહીં જુઓ.
Permalink
December 10, 2007 at 9:38 PM by ધવલ · Filed under અછાંદસ, દેવીપ્રસાદ વર્મા, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર
આપણે નહીં અનંત
રોજી અને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત.
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.
– દેવીપ્રસાદ વર્મા
અનુ. સુરેશ દલાલ
Permalink
December 9, 2007 at 3:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વત્સરાજ ભણોત 'ઉદયન', વિશ્વ-કવિતા, હેલ્ગે ચેડેનબેર્ય
જો હું લખી શકત તમને
એક અત્યુત્તમ સંપૂર્ણ પત્ર,
તો
તેના શબ્દો ઝગારા મારત
તમારાં નયનોની જેમ જ,
તેમાંથી સુવાસ આવતી હોત
જેવી તમારા દેહમાંથી આવે છે.
તેમાંથી સ્વરો નીકળત
જેવા તમારા કંથમાંથી નીકળે છે.
તે હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે.
મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીનાં બુંદનું લખાણ.
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો:
તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો
જેમાં પોતીકાપણું રહ્યું જ નથી,
અને એવો સ્નિગ્ધ પ્રેમ તેમાંથી નીતરત
જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે.
તે પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ જ રહ્યા નથી,
એક અણ-કહી વાત, જેમાં
તમારા અંત:સ્થલનો સાત ડોકિયાં કરતો હોત.
આવો હોત, તે આદર્શ પત્ર.
જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
તો તમે પોતે જ મારો પત્ર હોત.
– હેલ્ગે ચેડેનબેર્ય (સ્વિડન), અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’
લખેલા પ્રેમપત્ર વિશે કે પ્રેમપત્રમાં કશુંક લખવા વિશેની ઊર્મિસભર વાતો તો ઘણી કવિતાઓમાં જોવા મળે છે. પરંતુ લાગણીથી લથબથ આ વણલખ્યા પત્રની કવિતા વાંચો તો જરૂર એમ થાય છે કે આ પત્ર જો ખરેખર પ્રિયજનને લખી શકાયો તો હોત તો એનું રૂપ કેવું હોત?! કાવ્યમાં કવિ જેમ જેમ આપણને અંતની નજીક લઈ જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ભીંજાતા જઈએ છીએ… અને છેલ્લે કવિએ પ્રિયજનને જ પોતાનો પત્ર હોવાની કહેલી વાતથી તો તમે બિલકુલ કોરા રહી જ ના શકો… !
Permalink
December 9, 2007 at 1:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, સુજાતા ગાંધી, સુતીંદરસિંહ નૂર
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.
કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.
કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.
કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.
કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.
– સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી
અહીં કવયિત્રીએ પુસ્તક અને પ્રેમની સરખામણી કેવી અદભૂત અને અનોખી રીતથી કરી છે! અમુક પુસ્તકોનાં મુખપૃષ્ઠથી ભીંજાવું તો અમુકને ઉથલાવીને ભીંજાયા વગર પાછું મૂકી દેવું… અમુકનાં પાનાઓમાં રંગ-બેરંગી નિશાની કરવી તો અમુક પર નિશાની કરતાં પણ ડરવું… અમુકને વાંચીને એના શબ્દેશબ્દમાં બસ ખોવાયા જ કરવું તો અમુકને બિલકુલ આત્મસાત કરી લેવું… વળી, અમુકને તો તકિયા નીચે મૂકીને નિરાંતે ઊંઘી જવું, એટલે પછી જ્યારે જાગો અને વાંચવાનું મન થાય તો એને વાંચવા માટે શોધવા ક્યાંય દૂર જવું જ ન પડે! અરે હા, બેશક… પ્રેમનું પણ કંઇક આ પુસ્તક જેવું જ છે હોં!!
Permalink
December 8, 2007 at 12:40 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, રોબર્ટ ફ્રોસ્ટ, વિશ્વ-કવિતા
કોનાં આ વન, છે જ તો મારી જાણમાં,
છે જોકે ઘર તો ભલા એનું ગામમાં.
ન થંભતો આંહીં મને નિહાળશે
જોતો ભરાતાં વન આ હિમપાતમાં.
મારા નાના અશ્વને લાગતું હશે
વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે.
વનો, થિજેલા વળી આ તળાવની
વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે !
હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી
જાણે પૂછે : નથી ને કંઈ ભૂલ આપની ?
સ્ફુરંત હળવા સપાટા હવાના
ને રેશમી હિમફર્ફર માત્રનો ધ્વનિ.
વનો છે શ્યામલ, ગહરાં, મજાનાં,
પરંતુ મારે છે વચન પાળવાનાં.
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.
-રોબર્ટ ફ્રૉસ્ટ (અંગ્રેજી)
અનુ.: ઉમાશંકર જોશી
રોબર્ટ ફ્રૉસ્ટની મૂળ અંગ્રેજી ભાષાની આ અતિલોકપ્રિય કૃતિનો શ્રી ઉમાશંકરે સ-રસ સાછંદ અનુવાદ કર્યો છે. કાવ્યનાયક જંગલોમાંથી પસાર થાય છે ત્યારે હિમવર્ષાનું અદભુત સૌંદર્ય એને આકર્ષીને થોભવા પર મજબૂર કરે છે. વનોનો માલિક ઓળખીતો છે પણ દૂર ગામમાં હોવાથી એ આ સૌંદર્યપાનમાં ખલેલ પહોંચાડવાનો નથી. પણ થીજેલા તળાવ પાસે રાતના અંધારા ઊતરી રહ્યા હોય એવા વખતે કોઈ મકાન પણ ન હોય એવી જગ્યાએ અસવારને થોભેલો જોઈને ઘોડાને આશંકા જાગે છે કે કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? અને એ જાણે ગળામાંની ઘુઘરી હલાવીને આ પ્રશ્ન કરે છે. હવાના હળવા સપાટા અને હિમફર્ફરમાં મગ્ન સવાર જાણે તંદ્રામાંથી જાગે છે અને એને પાળવાનાં વચનો યાદ આવી જાય છે. કર્તવ્યબદ્ધ એ પોતાના પંથે આગળ નીકળી પડે છે…
અહીં ચારે કડીઓમાં ફારસી રૂબાઈ જેવી પ્રાસ-રચના ઉપરાંત પહેલી, બીજી અને ત્રીજી કડીમાં અંત્યાનુપ્રાસ જાળવીને મહાકવિ દાન્તેની ત્રિપ્રાસસાંકળી (તર્ઝા રીમા)નો સુભગ સમન્વય પણ કર્યો છે અને શ્રી ઉમાશંકરે અનુવાદમાં પણ એ કરામત જાળવી રાખી છે.
કાવ્યસૌજન્ય: શ્રી જુગલકિશોર વ્યાસ
Permalink
December 8, 2007 at 12:30 AM by વિવેક · Filed under જયદેવ, રાજેન્દ્ર શાહ, વિશ્વ-કવિતા
ગુર્જરી રાગ-એક્તાલી તાલ,ગીત-૧૧)
રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ,
ન કર, નિતમ્બિનિ, ગમનવિલંબન અનુસર તે હૃદયેશ.
ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી.
આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. ૧
વેણુ મહીં સ્વરને ઇંગિત તવ ગાય મનોરમ નામ,
રજ પવને જે વહે, લહે તે તવ પદની અભિરામ. ૨
પર્ણ ખરે કે પાંખ ફફડતાં તને આવતી ધારી,
શયન રચે, ને આતુર નયન રહે તવ પંથ નિહાળી. ૩
અરિ સમ કેલિ-સુચંચલ નેપુર મુખર અધીર ત્યજીને,
ચલ, સખી, અંધ તિમિરમય કુંજે નીલ નિચોલ સજીને. ૪
સઘન મેઘમાં બકમાલા સમ સોહે હરિ-ઉર હાર,
શ્યામ સંગ તું ગૌર વીજ શી રમ રતિએ સમુદાર. ૫
કટિ કાંચી પરહરતાં જઘન વસન સરકે એ રીતે,
કિસલય શયને કંજનયન રસિકેશ્વર રીઝવ પ્રીતે. ૬
હરિ અભિમાની, ને રજની આ જાય વહી, અવ શાણી,
સત્વર પૂર મનોરથ પ્રિયના; કહ્યું કર ઉમંગ આણી. ૭
પ્રમુદિત હૃદય અતીવ સદય રમણીય પુનિત વરણીય,
હરિચરણે વંદત જયદેવ ભણિત પદ આ કમનીય. ૮
-જયદેવ (સંસ્કૃત)
અનુ. રાજેન્દ્ર શાહ
૧. કવિ જયદેવના સુપ્રસિદ્ધ ‘ગીતગોવિંદમ્’નું આ ગીત પ્રણય અને સૌંદર્યનું અદભુત સાયુજ્ય સર્જે છે. સાંવરિયા પ્રિયતમને મળવા કામદેવને લોભાવે એવો મનોહર વેશ ધારી રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ હૃદયેચ્છાને અનુસરીને વાર ન લગાડવા કહે છે કારણ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ એને આલિંગનબદ્ધ કરવા એની પ્રતીક્ષા કરી રહ્યા છે.
૨. એક તરફ પિયતમની વાંસળીના સૂરમાંથી તારા નામનો સંકેત તારી તરફ સરે છે તો બીજી તરફ તારા પગરવમાંથી વ્યક્ત થતા આનંદની ધૂળ લઈ પવન ક્હાન તરફ વહે છે.
૩. ખરતાં પાંદડાના મર્મરમાં કે પક્ષીની પાંખનો આછા ફફડાટમાં પણ તારો પગરવ સાંભળતા વિરહાતુર કૃષ્ણ શૈયા રચીને તારો જ રસ્તો નિહાળે છે. ઈંતજારની કેવી પરાકાષ્ઠા કે જ્યાં ઈશ્વર પણ બાકાત નથી રહેતા ! આ જ તો છે પ્રણયની તાકાત.
૪. ક્રીડા કરવા માટે ચંચળ અને વચાળ બની ગયેલા -તારા આગમનની અગાઉથી જ જાણ કરી દેતા- દુશ્મન સમા ઝાંઝરનો ત્યાગ કર અને રાત્રિની કાલિમાથી અંધ સમા બની ગયેલા આ વનકુંજમાં આકાશી શીલનો ઘુંઘટ સજીને તું ચાલ.
૫. ઘેરાયેલા મેઘમાં જેમ બગલાની માળા તેમ હરિના ઉરે હાર શોભી રહ્યો છે એજ રીતે શ્યામ કૃષ્ણના સંગમાં ગૌર વીજળી સમી તું ઉદાર થઈને રતિક્રીડામાં રમમાણ થઈ જા.
૬. કમરે ઘૂઘરિયાળો કંદોરો પહેરતી વેળાએ જાંઘ પરનું વસ્ત્ર સરકી જાય એવી ચેષ્ટા વડે કૂંપળોની શૈય્યા પર સૂતેલા કમળનયની રસિકેશ્વરને તું પ્રેમથી રીઝાવ.
૭. હરિ તો અભિમાની છે. એ પોતાના ઈંતજારને, પોતાના પ્રણયને કે પોતાની તડપને સામે ચાલીને વ્યક્ત નહીં જ કરે. એવી પ્રતીક્ષામાં રહેશે તો આ રાત વહી જશે. માટે ડાહી થઈને મારી વાત માન અને આનંદપૂર્વક સત્વરે પ્રિયના મનોરથ પૂર્ણ કર.
૮. આ કમનીય પદ કહીને કવિ જયદેવ જેનું હૃદય આનંદપ્રચુર છે અને અત્યંત દયામય છે એવા પરમ રમણીય પ્રભુને વંદન કરે છે.
Permalink
December 7, 2007 at 1:19 AM by ધવલ · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, સર્વેશ્વરદયાલ સક્સેના, સુરેશ દલાલ
દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.
દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.
દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.
દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.
– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.
Permalink
December 7, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, ફૈયાઝ કયકન, વિશ્વ-કવિતા
મારે ઘણા દુ:ખ છે
હું મારા બધા દુ:ખને સારી રીતે જાણું છું
અને એ બધા પણ મને સારી રીતે ઓળખે છે
અમને એકબીજા સાથે સારું બને છે
એ મને કનડે તે મને જરાય ખૂંચતું નથી
કોઈ વાર પુસ્તક વાંચતા વાંચતા
માથું ઊંચું કરીને હું
એમને સલામ કરી લઉં છું.
કોઈ નવી મુસીબત આવી પડે તો
એ બધા એમનું માથું ઊંચું કરીને
મારી સામે જુએ છે અને શાંત થઈ જાય છે.
– ફૈયાઝ કયકન
દુ:ખ માણસને એટલો બધો લાંબો સમય સાથ આપે છે કે એ પોતાના અંગત માણસ જેવા જ થઈ જાય છે. કેટલીક વાર તો એ એટલા પોતિકા થઈ જાય છે કે નવી મુસીબતમાં એ ભાગીદારી કરાવે છે. દર્દકા હદસે ગુઝર જાના… જેવી જ વાત છે પણ બહુ અંગત દૃષ્ટિકોણથી કરી છે.
Permalink
December 6, 2007 at 12:40 AM by વિવેક · Filed under પ્રહરાજ નંદ, ભોળાભાઈ પટેલ, વિશ્વ-કવિતા
તારા પ્રથમ નિઃશ્વાસમાં
સહસ્ત્ર વસંતનો સ્પર્શ
અસંખ્ય પતંગિયાનું અરણ્ય
ઝરણાની વાયોલીનમાં ઝલકી જતી સ્વપ્નની રાગિણી
હું નિર્વાક્ !
તારા બીજા નિઃશ્વાસમાં
વૈશાખનો નિર્મમ પ્રશ્ન
વિદગ્ધ નીલિમાની વ્યાકુળતા
અશાન્ત પવનમાં વિપર્યસ્ત આંધીની મર્મર
અસ્તિત્વનો સમુદ્ર મારો જવલમાન !
તારા ત્રીજા નિઃશ્વાસમાં
કદંબરેણુની વર્ષા
વિસ્તારિત કેશકસ્તુરીની સૌરભ
અંધકારની કાળી શિલામાં ચંદ્રની અસમાપ્ત યંત્રણા
નિઃસંગ હું.
-પ્રહરાજ સત્યનારાયણ નંદ (ઓડિયા)
અનુ.: ભોળાભાઈ પટેલ
પ્રહરાજ નંદનું આ કાવ્ય વામનના ત્રણ પગલાંની યાદ અપાવે છે. વામન ભગવાને ત્રણ જ પગલાંમાં બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું હતું ત્યારે સમર્પણની જે ચરમસીમા અનુભવાય છે એવી જ પ્રેમની ઉત્કટતા પ્રેયસીના ત્રણ નિઃશ્વાસ સાથે અહીં અનુભવી શકાય છે. પ્રિયતમાનો નિઃશ્વાસ દિવસ અને રાત બંનેને-એમ આખા અસ્તિત્વને સ્પર્શે છે. એમાં હજારો વસંતનો સ્પર્શ અને અસંખ્ય પતંગિયાના ભાતીગળ રંગો ઉપરાંત રાતના સ્વપ્નોનું સંગીત એવી રીતે સરકી જાય છે કે કવિની વાચા હરાઈ જાય છે. બીજા નિઃશ્વાસમાં વૈશાખની નિર્મમ ગરમી, ભસ્મીભૂત થયેલી નીલિમાની વ્યાકુળતા અને પવન સુદ્ધામાં આંધી બની પ્રસરી ગયેલી અશાંતિ કવિના આખેઆખા અસ્તિત્વને બાળી નાંખે છે જાણે. ત્રીજા નિઃશ્વાસમાં અંધારાનો વ્યાપ કદી સમાપ્ત ન થનાર યંત્રણાની માફક કવિને સંગહીન -એકલો- કરી દે છે. ત્રણ નિઃશ્વાસમાં ક્રમશઃ વસંતના રંગો, વૈશાખનો તાપ અને કદી ખતમ ન થનાર અંધકાર સુધી ભાવકને ખેંચી લઈ જઈ કવિ વેદનાની કાલિમાથી એના હૃદયને સાંગોપાંગ ભરી દે છે…
Permalink
December 6, 2007 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દ્રજીત મોગલ, યેહુદા અમિચાઈ, વિશ્વ-કવિતા
બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.
અને એ મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા
અને એમની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં
વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.
પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી
આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ
વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ
દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં
સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.
અને હું ચૂપ જ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે
કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે
અને ત્યાંથી એ વધુ વિસ્તરી
વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.
–યેહુદા અમિચાઈ (ઈઝરાઈલ)
અનુ.: ઇન્દ્રજીત મોગલ
ક્યારેક શબ્દો કોઈ શક્તિશાળી બૉમ્બ કરતાં પણ વધુ પ્રબળતાથી આપણને હચમચાવી શકે છે એની પ્રતીતિ આ કાવ્ય વાંચતાવેંત જ થાય. થોડું પણ મનુષ્યત્વ આપણી અંદર જીવતું ન હોય તો જ આપણી રગોમાં દોડતું લોહી થીજી જતું ન અનુભવાય આ વાંચીને. કવિ સેન્ટિમીટરથી શરૂ કરીને અનંતતા અને મનુષ્યથી શરૂ કરીને ઈશ્વર સુધી ની વેદનાદાયી યાત્રા કરાવે છે. વિનાશનો વ્યાપ ગણવા બેસનાર કેટલા મૂર્ખ હોય છે! તબાહીની ગણતરી લાશો કે ઘાયલોના આંકડાથી પર હોય છે. કોઈપણ તબાહી સંકેત છે એ વાતનો કે ઈશ્વર ક્યાંય નથી…
યેહુદા અમિચાઈનો જન્મ 03-05-1924ના રોજ જર્મનીમાં અને મૃત્યુ 2-09-2000ના રોજ ઈઝરાઈલમાં. ઈઝરાઈલમાં વર્નાક્યુલર હિબ્રુ ભાષાને સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો હતો. બાઈબલની ક્લિષ્ટ ભાષાને બદલે ઈઝરાઈલની શેરીઓની ભાષાને કવિતામાં સ્થાન આપીને એમણે લોકભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો.
Permalink
December 5, 2007 at 1:05 AM by ધવલ · Filed under અછાંદસ, ડોરથી લિવસે, વિશ્વ-કવિતા
તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.
– ડોરથી લાઈવસે
કહે છે કે સ્મરણના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. વિતેલી યાદોને ગમે તેટલી અળગી કરો પણ એ દિલમાં એવી વસી ગઈ હોય છે કે જ્યારે પાછી આવે ત્યારે એ મનને ભીનું કરી જ જાય છે !
Permalink
December 5, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, દ.ભા. ધામણસ્કર, વિશ્વ-કવિતા
વિસર્જન માટે ગણપતિ લઈ જતાં
મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે
ઊછળતી યુવાનીભર્યા
મારા પુત્રે જ મને કહ્યું; “આપો મને”
મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી
બાજોઠ સહિત
દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…
હું પાછો યુવાન યયાતિ જેવો,
મારો પુત્ર એકદમ વૃદ્ધ
પરંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.
– દ.ભા. ધામણસ્કર
પરંપરા બેધારી તલવાર છે. પરંપરા તૂટે તો આપણે દુ:ખી થઈએ છીએ. પણ પરંપરાના બોજ હેઠળ નવસર્જન શક્ય નથી એ વાત ભૂલી જઈએ છીએ. અમને અમેરિકામાં રહેનારા માણસોને આ વાત ખૂબ લાગુ પડે છે. અહીં આવ્યા પછી ઘણા લોકો ‘અમેરિકન’ થઈ જાય છે એ વાત સાચી છે પણ મોટા ભાગના માણસો તો ભારતમાં હતા એનાથી પણ વધુ પરંપરાવાદી થઈ જાય છે. ભારત દેશ બદલાય છે પણ અમેરિકામાં આવીને વસેલા આ ભારતિય લોકો કદી બદલાતા નથી. બદલાતા સમય સામે અને સમાજના રીતરિવાજ સામે પીઠ કરીને પોતાનો એજ આલાપ સંભળાવ્યા કરે છે. ત્યારે તમને થાય કે પરંપરા કેવો બોજો બની જાય છે ! પરિવર્તન અને પરંપરાના સંતુલનમાં જ વિકાસની ચાવી છે. પછી એ વિકાસ માનસિક હોય, સામાજીક હોય કે પછી આર્થિક હોય.
Permalink
December 4, 2007 at 1:35 AM by વિવેક · Filed under અનુપમા બસુમતારી, નૂતન જાની, વિશ્વ-કવિતા
મારો પોષાક પથ્થરનો
મારાં ઘરેણાં પથ્થરનાં
મારા હોઠ – તે સુદ્ધાં પથ્થરના હતા;
હું કશું જ બોલી શક્તી નહોતી.
તે આવ્યા,
તેમણે મારી તરફ જોયું
મારાં જીર્ણ અંગેઅંગ નીરખ્યાં,
કાળજીપૂર્વક કોતર્યાં
મારાં સ્તન, મારા હોઠ ને આંસુ
પથ્થરના શરીરમાંથી કાઢીને
તેઓ મને
એક જુદા જ પથ્થરમાં ઘડતા ગયા.
એમના હાથમાં જાદુ હશે,
અથવા તો તે વેળા જ હશે
હૃદયના મિલનની-
એક દિવસ
મારું હૃદય ધડકવા લાગ્યું
અને મારા બાહુઓએ
એમને નજીક લીધા
ત્યારથી હું સ્ત્રી છું.
-અનુપમા બસુમતારી (આસામી)
અનુ. નૂતન જાની
સ્ત્રી હોવાના મનોભાવો જે સૂક્ષ્મતાથી આ કાવ્યમાં કંડારવામાં આવ્યા છે એ જવલ્લે જ કોઈ કાવ્યમાં જોવા મળશે. કવિતાની શરૂઆત જ કવયિત્રી એ પોષાક અને ઘરેણાંથી કરી છે એ પણ સૂચક છે. એ આવ્યા પણ એ કોણ એ કવયિત્રી સહેતુક અધ્યાહાર રાખે છે. એ કોણ? સર્જનહાર કે પ્રિયતમ? અને એ જ્યારે એને ઘડે છે ત્યારે કવયિત્રી વળી સહેતુક સ્તન, હોઠ અને આંસુ- આ ત્રણ શબ્દો વાપરે છે. આ જ સ્ત્રીનો સરવાળો છે અને કવિતાના શબ્દોની ખરી કમાલ પણ છે. પણ આ પથ્થરમાં હૃદય ધડકે તો પણ એ સ્ત્રી નથી બનતો. આ પથ્થર સ્ત્રી બને છે એના પ્રિયતમને બાહુઓમાં સમેટી લે ત્યારે…
Permalink
December 4, 2007 at 1:03 AM by વિવેક · Filed under યારોસ્લાવ સાઈફર્ત, વિશ્વ-કવિતા, વિષ્ણુ પંડ્યા
દુનિયામાં રચાતી
શતસહસ્ત્રો કવિતામાં
મેંય ઉમેરી છે મારી કવિતા.
જાણું છું-
તમરાંના અવાજ જેટલી યે સાથે નહીં હોય
ચન્દ્રની માટી પર દેખાતા ચિહ્નો
જેવો ચમત્કાર પણ ક્યાંથી વળી?
ના, એટલું અજવાળું પણ નહીં
ને છતાંય મને પ્રિય છે મારી ભાષા.
ભાષાનું એ અદકેરૂં રૂપ
જે ખામોશ હોઠ પર થરથરાટ સર્જે છે
રક્તિત આભાથી ન્હાતાં મેદાનો પરથી
ધી…ર સૂર્યાસ્તના ઉજ્જવળ પ્રકાશે
ચાલ્યે જતા યુવા પ્રણયીઓનાં
ચુમ્બનમાં તે પલટાઈ જશે.
ક્યારની આપણી સંગાથે છે કવિતા
પ્રેમની જેમ.
ભૂખની જેમ.
મહામારી આજે યુદ્ધ સરખી
મૂર્ખતાથી લજ્જિત થઈ અનેકવાર
પણ તેથી શું ?
મારે નથી કરવો ખુલાસો,
હું જાણું છું-
સુન્દર શબ્દોની ખોજ
અનેકગણી બહેતર છે, હત્યાઓથી.
-યારોસ્લાવ સાઈફર્ત (ચેકોસ્લોવેકિયા)
અનુ. વિષ્ણુ પંડ્યા
વિશ્વયુદ્ધોએ માણસને જેટલો તોડ્યો છે, શબ્દોએ એટલો જ જોડ્યો છે. બૉંબ, ગોળીઓ, તોપથી રેડાતા શોણિતની વચ્ચે હતાશા, ભય અને આતંકની પ્રેતછાયાઓ શ્વાસમાં લેતા મનુષ્ય માટે તમરાંના અવાજ જેવી ક્ષીણ અને ચંદ્રયાત્રા જેવા ચમત્કારવિહોણી કે ઘસાઈ-ઘસાઈને પોતાનો પ્રકાશ ગુમાવી ચૂકેલી ભાષા જ એક આશ્વાસન છે અને એટલે જ હજારો લાખો કવિતાઓ લખાઈ ચૂકી હોવા છતાં કવિ એમાં પોતાની કવિતા ઉમેરતા રહે છે. જે મેદાનો પર યુદ્ધમાં રેડાયેલા રક્તની લાલાશ છવાઈ છે ત્યાં જ થશે પ્રેમીજનોના ચુમ્બનોની લાલીનો સૂર્યોદય. પ્રેમ અને ભૂખ એ સૃષ્ટિના તીવ્રતમ સંવેદન છે. કવિ કવિતાના શબ્દને બંનેની જોડાજોડ મૂકે છે કારણ કે એ જાણે છે કે સુંદર શબ્દોની શોધ જ અંતે તો કોઈપણ હત્યાથી અનેકગણી બહેતર છે.
સાઈફર્ટ 1984માં સહિત્ય માટેનું નોબેલ-સમ્માન મેળવનાર પ્રથમ ચેક કવિ હતા. (જન્મ:23-09-1901, મૃત્યુ:10-01-1986)
Permalink
December 4, 2007 at 12:53 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
પોતાના વ્હાલસોયા સંતાનને મોટું થતું જોવું કોને ન ગમે? દીકરાની વર્ષગાંઠ પર કયો બાપ ખુશીથી ન ઊછળી ઊઠે? દોસ્તો, આજે ‘લયસ્તરો’ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અમારું હૈયું હર્ષોલ્લાસથી છલકાઈ રહ્યું છે. થોડો પોરો ખાઈ પાછાં વળીને જોઈએ છીએ તો દેખાય છે કે ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની અમારી આ સફર ખાસ્સું ગજું કાઢી શકી છે. સવા ત્રણસો જેટલા કવિઓની લગભગ નવસોથી વધુ કવિતાઓનો આ રસથાળ શું સાચે જ અમારી મહેનતના કારણે શક્ય હતો? શું અમે સાચે જ આટલું ચાલી શક્યા હોત?
…ના…
અમારી આ અવિરત સફર અગર જારી રહી શકી છે તો એ શ્રેયના એકમાત્ર અને સાચા હકદાર આપ છો… માત્ર આપ જ! આપનો સ્નેહ એ જ અમારો શ્વાસ છે… ગુજરાતી કવિતા આજે પુસ્તકના પાનાંના ઉંબરા વળોટીને વિશ્વના સીમાડાઓ આંબી રહી છે ત્યારે લયસ્તરોના વાચકમિત્રોને અમારા તરફથી એક અઠવાડિયા સુધી દરરોજ બબ્બે વિશ્વ-કવિતાઓ -એક ભારતીય ભાષા અને એક વિદેશી ભાષા- ની નાનકડી ભેટ આપી અમે અમારા હૈયાને આભારના ભારથી થોડું હળવું કરીએ…
અને હા… પ્રતિદિન એક નવી કવિતાની અમારી આ સફર તો શક્ય હશે ત્યાં સુધી ચાલુ જ રહેવાની… રૉબર્ટ ફ્રોસ્ટની અમારા બંનેની મનગમતી કડીઓથી “વિશ્વકવિતા સપ્તાહ”ની શરૂઆત કરીએ?
Woods are lovely, dark and deep
but I have promises to keep
and miles to go before I sleep
and miles to go before I sleep…
-ધવલ શાહ, વિવેક ટેલર
‘લયસ્તરો’ ટીમ
Permalink
December 3, 2007 at 10:42 PM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
ચિત્તથી જે બધું પરહરે,
નામ એનું જ માણસ ખરે.
નામ તારું લઈ ઊમટ્યાં,
પૂર ના એ હવે ઓસરે.
હાથ મૂક્યો છે એ હાથમાં,
જે ભવોભવના ભરણાં ભરે.
કાનજીપો હશે ત્યાં નર્યો,
મન મીરાંબાઈનું જે હરે.
હોય ના જો અપેક્ષા કશી,
ખોટથી જીવ શાને ડરે?
-સાહિલ
રાજકોટના કવિ સાહિલની ગાલગાના ત્રણ આવર્તનોમાં લખેલી આ ટૂંકી બહેરની ગઝલ પરંપરાની ગઝલોની નજીક લાગે છે. મને ખૂબ ગમી ગયેલ બીજો શેર બાદ કરતાં બધાં જ શેર ઈશ્વર યા ઈશ્વરનિષ્ઠ મૂલ્યોને સ્પર્શતા થયા છે. મીરાંબાઈવાળા શેરમાં કવિ નવો જ શબ્દ ‘કોઈન’ કરે છે-કાનજીપો. જેમ રાજીપો, ખાલીપો તેમ આ કાનજીપો. સરવાળે આખી ગઝલ ધનમૂલક થઈ છે…
Permalink
December 2, 2007 at 1:10 AM by વિવેક · Filed under પંચપદી, હર્ષદ ત્રિવેદી
કદી તો અમારે વિશે કૈં વિચારો,
અહીં રૂના ઢગમાં પડ્યો છે તિખારો;
પરિસ્થિતિ કાયમની આવી રહી છે,
ને બાકી ગઝલ એક ગાવી રહી છે;
ન દીઠો કદી કોઈએ આ નઝારો !
* * *
આપણી વચ્ચેની દૂરી ક્યાં ગઈ ?
જાળવેલી એ સબૂરી ક્યાં ગઈ ?
એમ લાગ્યું રણઝણે છે કોઈ સાજ,
સાંભળ્યો મેં દૂરથી તારો અવાજ;
બંદગીનો જીહજૂરી ક્યાં ગઈ ?
* * *
અલગ કંપ લાગ્યો મને આ ધરામાં,
તમે પગ મૂક્યો જ્યારથી ઉંબરામાં;
જગતને અમે જાગતું જોઈ લીધું,
કદી છાને ખૂણે જઈ રોઈ લીધું,
રહ્યું ના અજાણ્યું કોઈ જાતરામાં !
-હર્ષદ ત્રિવેદી
મુકેશ જોષી, હેમેન શાહ અને ઉદયન ઠક્કરની કલમે ત્રિપદીઓ આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યા છીએ. આજે હર્ષદ ત્રિવેદીની કલમે ત્રણ પંચપદીઓ માણીએ. મુક્તકથી થોડું વિશાળ ધરાવતી આ પંચપદીઓમાં પહેલી, બીજી અને આખરી કડીમાં રદીફ-કાફિયાની જાળવણી ગઝલની રૂએ જ કરવામાં આવે છે જ્યારે ત્રીજી અને ચોથી પંક્તિઓ વળી સ્વતંત્ર રદીફ-કાફિયા જાળવે છે. કવિ અને કવિતા પ્રયોગ વિના અધૂરા છે અને પંચપદીનો આ નવતર પ્રયોગ આ વાતને હકીકતની તાજગી બક્ષે છે…
Permalink
December 1, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનીષ પરમાર
કેટલા જનમોજૂના થર નીકળે !
એક ટીંબો ખોદતાં ઘર નીકળે.
રેશમી પીંછું દટાયું મોરનું –
ધૂળમાં ટૌકાનું અંબર નીકળે.
વીરડો ગાળ્યા પછી એવું બને,
બુદબુદામાંથી સરોવર નીકળે.
આંસુનો હિસાબ પૂરો થાય ક્યાં ?
લેણું એનું જિંદગીભર નીકળે.
ચાસમાં ફરકી હશે લીલોતરી-
ખેડવા જાતાં જ ખેતર નીકળે.
-મનીષ પરમાર
Permalink