એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
– સુનીલ શાહ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for અછાંદસ
અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
October 16, 2012 at 12:30 AM by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
જ્યારે એણે પોતાના રૂમની બત્તી બુઝાવી નાખી’તી, ત્યારે
તરત જ એ જાણી ગયો’તો કે આ એ પોતે જ હતો
પોતાના અવકાશમાં, રાત્રિની અનંતતાથી
અને લાંબી ડાળીઓથી વિખૂટો પડેલો. એ
ઊભો’તો અરીસાની સામે પોતાની સાબિતી માટે
પણ એના ગળામાં ગંદી
દોરીએ ગંઠાયેલી આ લટકતી ચાવીઓનું
શું ?
– યાનિસ રિતસોસ
(અનુવાદ – સુરેશ દલાલ)
ઊછીના પ્રકાશનું અવલંબન છૂટે એ રાતની વાત છે. બાહ્ય આવરણોથી નિરપેક્ષ એ રાત્રિમાં પ્રવેશતા જ ખ્યાલ આવે છે – હા, આ જ ખરો હું છું. સઘન અંધકારમાં ઓગળતી જાત, પોતાની સામે, પોતાની ઓળખાણ પામે એ રાતની વાત છે. અવકાશમાં છૂટ્ટો પડેલો, સિમાઓથી જ નહીં પણ અનંતતાથી પણ વિખૂટો પડી ગયેલો માણસ, પોતાની નાળ(લાંબી ડાળીઓ)થી વિભક્ત માણસ જ પોતાની જાતની સામે પ્રગટ થવાની હિંમત કરી શકે છે. એ ક્ષણે, આ જો સામાન્ય કવિતા હોય તો, માણસને જ્ઞાન અને મુક્તિનો અનુભવ થાય. પણ અહીં ? અહીં તો એને પોતાના ગળે ગંદી દોરીથી લટકતી ચાવીઓનો લોહકણિકા જેવો ભાર ઘેરી વળે છે. ચાવીઓનો સંબંધ તાળાઓ સાથે છે, ચાવીનો સંબંધ બંધ દરવાજાઓ સાથે છે, ચાવીઓનો સંબંધ સંકિર્ણ ને અભેદ્ય વાસ્તવિકતા સાથે છે. એની સામે, આત્મદર્શની ક્ષણે પણ, માણસ સર્વથા અસમર્થ છે.
Permalink
October 5, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિજય જોષી
કોરા કાગળનો એક ટુકડો.
મુસલમાને લખ્યું, “કુરાન”,
ખ્રિસ્તીએ લખ્યું, “બાઈબલ”,
યહૂદીએ લખ્યું, “ટોરાહ”,
અને હિંદુએ લખ્યું, “ગીતા”.
દરેકે પોતાનો જ શબ્દ
સાચો હોવાનો દાવો કર્યો.
ધાંધલ મચી.
મિજાજ ભડક્યા.
અચાનક,
તીવ્ર વેદનામાં
કાગળે ચીસ પાડી-
બસ કરો,
દખલ ન કરો,
રહેવા દો મને માત્ર,
એક કોરો ટુકડો કાગળનો.
– વિજય જોષી
*
મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો કવિએ પોતે જ ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સાવ સીધી અને સરળ વાત પણ કેવી હૃદયદ્રાવક ! રજનીશે એની જિંદગીમાં એક જ વાક્ય કહ્યું હોત તો પણ એ ઉત્તમ ફિલસૂફ ગણાયા હોત એ વાક્ય અહીં ટાંકવાનું મન થાય છે: “Kill the religion”.
કોરા કાગળનો એક ટુકડો અને કાગળનો એક કોરો ટુકડો – અહીં ‘કોરા’ શબ્દનો સ્થાનવ્યત્યય પણ ધ્યાન માંગી લે છે. કવિના પોતાના શબ્દોમાં, ‘કાગળ કોરો હોય ત્યારે વિચારોને આમંત્રે છે પણ વિચારો પૂરા થઈ જાય ત્યારે કાગળ નહીં પણ ટુકડો જ કોરો નજરે ચડે છે.’
*
A piece of blank paper.
A Muslim wrote “Quran”,
A Christian wrote “Bible”,
A Jew wrote “Torah”,
A Hindu wrote “Gita”,
Everyone claimed
his own to be the truth
& the only truth.
A pandemonium ensued,
tempers flared
suddenly,
in great agony,
the paper screamed,
stop it,
leave me alone,
let me just be,
a blank piece of paper.
– Vijay Joshi
Permalink
September 26, 2012 at 12:01 AM by ધવલ · Filed under અછાંદસ
ઈથાકાની સફ્રરના આરંભે
આશા રાખો કે તમારી મજલ લાંબી હોય,
સાહસ અને શોધથી ભરીભરી.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે
ક્રોધિત પોસાઈડન – કોઈથી ડરતા નહીં:
એમાંથી એકેય તમારો રસ્તો આંતરશે નહીં
જ્યાં સુધી તમારા વિચારો ઉન્નત હશે,
જ્યાં સુધી વિરલ ઉત્સાહ
તમારા દેહ અને આત્મામાં છલકાતો હશે.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે
જંગલી પોસાઈડન – તમારી નજીક પણ નહીં ફરકે
સિવાય કે તમે જ એમને તમારા હ્રદયમાં લઈને આવો,
સિવાય કે તમારો આત્મા જ એમને સાક્ષાત કરે.
આશા રાખો કે તમારી મજલ લાંબી હોય.
ગીષ્મની એવી અનેક પરોઢ હો,
જ્યારે અનેરા આનંદ અને હર્ષ સાથે,
તમે નવીન નગરીઓમાં પહેલા કદમ માંડો;
તમે ફિનિશિયન બજારોમાંથી
ઉમદા ચીજો ખરીદો,
મોતી ને પરવાળાં, અંબર ને અબનૂસ,
ને વળી ભાતભાતના મોહક અત્તર;
વિદ્યા માટે પહોંચો ઈજીપ્તના મહાનગરોએ
ને શીખો વિદ્વાનો પાસેથી.
ઈથાકાને ચિત્તમાંથી જરાય ચસવા ન દેતા.
ત્યાં પહોંચવું તો તમારી નિયતિ છે.
રખે સફરમાં ઉતાવળ કરતા.
ભલે ને વર્ષો લાગી જાય,
ત્યાં પહોંચતા સુધી તમારી ઉમ્મર થઈ જાય
એટલા સમૃદ્ધ થઈ ગયા હો તમે સફરના અનુભવોથી,
કે ઈથાકા પાસે તમને કશાની આશા ન રહે.
ઈથાકાએ તો આપી તમને અદભૂત સફર.
એના વગર તો તમે એક પગલું પણ ન માડ્યું હોત.
એણે હવે તમને કશું વધારે આપવાનું રહેતું નથી.
ઈથાકા તમને રુચે નહીં તો ઈથાકાએ તમને જરાય ઠગ્યા નથી.
તમને શાણપણ જે લાધ્યું અનુભવોથી છલોછલ સફરમાં,
એનાથી તમને સમજાય ગયું જ હશે કે ઈથાકાનો મર્મ શું છે.
– સી. પી. કેવેફી
(અનુ. ધવલ શાહ)
આ પ્રખ્યાત કવિતા ગ્રીક મહાકાવ્ય ‘ઓડિસી’ પર આધારિત છે. ઓડેસિયસ લાંબા સંગ્રામને અંતે પોતાની જન્મભૂમિ ઈથાકા તરફ પોતાની યાત્રા આરંભે છે. એ અનેક આફતો ને સંકટોનો સામનો કરીને પોતાને દેશ -ઈથાકા- પહોંચે છે એ દીર્ધ સફરની કથા ‘ઓડિસી’માં છે.
પણ અહીં કવિ દરેક માણસના પોતાના ‘ઈથાકા’ની વાત કરે છે. દરેકને પોતાનું એક ધ્યેય, એક સ્વપ્ન, એક મંઝિલ હોય છે. સફરનો મહિમા હંમેશા મંઝિલથી વધારે જ હોય છે. સફરનો ખરો લાભ એ મંઝિલ નથી બલ્કે સફરમાં જે અનુભવો મળ્યા એ છે. મંઝિલ તો માત્ર એક મુકામ છે. ત્યાં સુધીની સફર જ ખરો સરપાવ છે.
Permalink
September 20, 2012 at 1:13 AM by વિવેક · Filed under અછાંદસ, દક્ષા વ્યાસ, રવીન્દ્રનાથ ઠાકુર, વિશ્વ-કવિતા
હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.
મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દૃષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.
કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?
મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.
પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.
જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?
– અનુ. દક્ષા વ્યાસ
*
પ્રેમની ઉત્કટ આત્મીય અનુભૂતિનું કાવ્ય. લતા મંગેશકરનું “સિર્ફ અહેસાસ હૈ યે રુહ સે મહસૂસ કરો” ગીત યાદ આવી જાય…
*
I hold her hands and press her to my breast.
I try to fill my arms with her loveliness,
to plunder her sweet smile with kisses,
to drink her dark glances with my eyes.
Ah, but, where is it?
Who can strain the blue from the sky?
I try to grasp the beauty, it eludes me,
leaving only the body in my hands.
Baffled and weary I come back.
How can the body touch the flower
which only the spirit may touch?
– Ravindranath Tagore
Permalink
September 18, 2012 at 12:40 AM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, શુન્તારો તાનિકાવા
ત્રણ વર્ષે
મને ભૂતકાળ જેવું કંઈ હતું જ નહીં
પાંચ વર્ષે
મારો ભૂતકાળ ગઈકાલ સુધી જ પહોંચતો
સાત વર્ષે
મારો ભૂતકાળ પહોંચતો રાણા પ્રતાપ સુધી
અગિયાર વર્ષે
મારો ભૂતકાળ પ્રસર્યો છેક ડાયનોસોર સુધી
ચૌદ વર્ષે
મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે
સોળ વર્ષે
ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો
અઢાર વર્ષે
મને સમય વિશે કશુંય જ્ઞાન નથી
– શુન્તારો તાનિકાવા
(અનુ. ધવલ શાહ)
માણસની સમજના વિકાસનો ગ્રાફ દોરી આપતું નવી જાતનું કાવ્ય.
નાની ઉંમરે સમયનો કંઈ ખ્યાલ ન હોય. પછી ધીમે ધીમે ગઈકાલનો, વિતેલી સદીઓનો, વિતેલા યુગોનો અને છેવટે પાઠ્યપુસ્તકમાં હોય એવી બધી જ ઘટનાઓનો ખ્યાલ આવતો જાય. ને પછી એક દિવસ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તક્નો પનો તો ભૂતકાળને માપવા માટે બહુ ટૂંકો પડે છે. ને છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !
Permalink
September 17, 2012 at 12:46 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રૂમી, વસંત પરીખ
આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !
હીરાના તેજને નિખારવા માટે
તેને ખૂબ ઘસવો પડે છે.
એમ આત્માની શુદ્ધિ માટે
કષ્ટોમાંથી ગુજારવું પડે છે.
પણ એ કષ્ટની સાધક જો ફરિયાદ કરે છે
તો મને નવી લાગે છે કે એ શુદ્ધિનો આગ્રહ જ
કેમ રાખે છે ?
પ્રેમ-ન્યાયાલયમાં દાખલ થયેલો છે દાવો,
અને ત્યાં છે પીડા એ જ પુરાવો.
જો તમે એ પુરાવો રજૂ નહીં કરી શકો,
તો તમે દાવામાં સફળતા ક્યાંથી મેળવશો?
કાજી જયારે પુરાવો માગે
ત્યારે તમે અકળાતા નહીં.
કરી લેજો સાપને પણ ચુંબન
અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.
સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.
– જલાલુદ્દીન રૂમી
અહીં જે પીડામાંથી પસાર થવાની વાત છે તે બંને ક્ષેત્રમાં લાગુ પડે છે – બાહ્ય અને આંતરિક. બાહ્ય પીડાની વાત સમજી શકાય તેમ છે પરંતુ આંતરિક વેદના ઘણી વધારે પડકારજનક હોય છે. આપણાંથી આપણી એક સામાન્ય માન્યતા બદલી શકાતી નથી હોતી, તો સમગ્ર આંતરિક ઢાંચો કે જે સંપૂર્ણપણે વિચાર-ભૂતકાળની યાદો-મગજની તિકડમબાજી પર અવલંબિત છે તેને ધ્વસ્ત કરવો કેટલો કઠિન હશે ! અને આ ઢાંચાની નિરર્થકતાનું સુપેરે જ્ઞાન હોવા છતાં તેને તોડી ન શકવાની સ્થિતિમાં જે guilt ઉદભવે છે તે એથી વધુ કષ્ટદાયક હોય છે. આ એક વિષચક્ર છે જે સાધકને કદી જંપવા નથી દેતું.
Permalink
September 12, 2012 at 1:27 AM by ધવલ · Filed under અછાંદસ, અશરફ ડબાવાલા
મારે કોઈ ન જુએ તેમ,
છીપમાં મૂંઝારે મરવું છે.
ભલે, હું છીપમાં છેલ્લા શ્વાસો ભરતો હોઉં
અને
પાણીને મોતી સાચવી રાખ્યાનો
અનુભવ થતો હોય.
મારે વાસણ જેમ પડી જઈને
હાથનો દોષ નથી કાઢવો.
મારે તો સ્પર્શની નિકટતા મુઠ્ઠીમાં બીડી
બસની જેમ દૂર દૂર નીકળી જવું છે.
મારે કાળજીથી કરેલા સરનામા જેમ
ઊકલી જઈને સાર્થકતા નથી અનુભવવી.
મારે તો પત્રમાં ન લખી શકાયેલ બાબતની જેમ
આમતેમ ગૂંચવાવું છે.
હે મારા નિ:શ્વાસો!
પાણીને ખબર ન પડવા દેશો કે
મારે કોઈ ન જુએ તેમ
છીપમાં મૂંઝારે મરવું છે.
– અશરફ ડબાવાલા
કારણ વિના પ્રગટ થઈને ચવાયેલી ઘટના થઈ જવા કરતા તો સારું છે છીપમાં મૂંઝારે મરવું. એવા મૂંઝારામાં જે નિકટતા, જે રોમાંચ, જે ગડમથલ, જે ટીસ છે એ અમૂલ્ય છે. કવિએ કવિતાનું શીર્ષક આપ્યું છે સાન્નિધ્ય-સમજ. અને એ રીતે કવિતાનો બૃહદ અર્થ ઊઘાડી આપ્યો છે.
Permalink
September 11, 2012 at 12:40 AM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, વિસ્વાવા શિમ્બોર્સ્કા

(The Falling Man, Photograph by Richard Drew)
એ બધાએ ઝંપલાવ્યું છે બળતા મજલેથી
એક, બે, કે થોડા વધારે,
વત્તા કે ઓછા.
ફોટોગ્રાફે એમને જીંદગીમાં કેદ કરી લીધા છે,
અને ટીંગાડી રાખ્યા છે
જમીનથી અધ્ધર જમીન તરફ.
બધા હજુ સાંગોપાંગ છે,
સર્વથા ગોપિત છે
એમના ચહેરા અને લોહી.
પૂરતો સમય હતો
કેશના છૂટી જવા માટે,
પરચૂરણ અને ચાવીઓ
ગજવામાંથી પડી જવા માટે.
એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.
હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું –
આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું.
– વિસ્વાવા શિમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)
આમ તો 9/11ના ફોટોગાફસ તો બધાય છે તીણી ચીસ જેવા. એમાં સૌથી વધારે હચમચાવી નાખતી તસવીરો છે બળતા ટ્વીન ટાવરમાંથી નાછૂટકે કૂદી પડેલા માણસોની તસવીરો. સો મજલેથી કૂદવાનો વિકલ્પ પણ સારો લાગે એ ક્રૂર સ્થિતિની એ બધા ફોટોગ્રાફસ ગવાહી છે. કવિએ એ ફોટોગ્રાફસ પર આ કવિતા લખી છે. 9/11ની વેદનાને એક ફોટોગ્રાફિક કવિતામાં કેદ કરી છે.
હવામાં લટકતા આ માણસોનું ગંતવ્ય છે મોત. મોતનું નામ પાડવાને બદલે કવિએ ‘તાજા જ ખૂલેલા ગંતવ્ય’ પ્રયોગ કર્યો છે. છેલ્લે કવિ કહે છે, આ માણસને સલામ કરવા માટે પોતે બે જ વાત કરી શકે એમ છે. એક તો આ ઘટનાનું વર્ણન કરે. બીજું કે એ છેલ્લી લીટી – કે જેમાં સામાન્ય રીતે કવિઓ આખી કવિતાની ચોટ મૂકતા હોય છે- એ લખવાનું ટાળે. 9/11ની આ તસવીર કોઈ પણ શાબ્દિક ચોટથી પર છે. એને કોઈ પંચલાઈનની જરૂર જ નથી એને કોઈ વધારે શબ્દોની આવશ્યકતા જ નથી એ વાત કવિ વધારે ચોટદાર રીતે – ન કહીને -કહે છે.
અંગ્રેજી અનુવાદ (મૂળ કવિતા પોલિશ ભાષામાં છે) અહીં વાંચી-સાંભળી શકો છો.
Permalink
September 8, 2012 at 7:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….
-સુરેશ દલાલ
Permalink
September 6, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત ટોપીવાળા
હલ્લો સાગર !
કાંઠાના વેલાફાંસામાં ગળાડૂબ
મોઢે ફરતા ફૂફવતા ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર
હું તમારું પાણી બોલું છું.
હલ્લો હલ્લો સાગર, હું તમારું પાણી બોલું છું.
તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી
તમારું પાણી બોલું છું, તમારી વાણી નથી બોલી શકાતી.
હલ્લો સાગર !
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય
તમારા પાણીને પાણી પાણી કરી નાખે છે,
તમારી વાણી નથી બોલી શકાતી.
ઠાલા છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે, હલ્લો સાગર
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે
તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર, નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પાણી
વડવાનલની જીભે જલતું હું તમારું પાણી
ચૌદ રત્નના ઘામાં ગભરું તમારું પાણી બોલું છું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
કવિતા કાનની કળા છે એ વાત આ કવિતા વાંચતાવેંત સમજાય. પાણી-વાણી, હલ્લા-હલ્લો-ઠેલ્લો, હલ્લો-કિલ્લો-ખીલ્લો-નીલ્લો, છીપો-દ્વીપો: આખી કવિતા સતત તમારા કાનની અંદર રેડાતી રહે છે. આ સિવાય પાણી સાથે સંકળાયેલ આપણા સંસ્કારો અને સંદર્ભો અલગ અલગ રૂપમાં સતત ડોકાતા રહે છે જેમ કે પાણીપંથુ, પાણીપોચું, પાણી પાણી થઈ જવું, અગસ્ત્ય, વડવાનલ, ચૌદ રત્નો વગેરે…
દરિયાનું પાણી દરિયાથી છૂટું થઈને દરિયા સાથે જે સંવાદ કરે છે એ જાઅણે આપણી અંદરનું કોઈક બિંદુ આપણા સમગ્રને ઝંઝોડતું કેમ ન હોય એ રીતે એકતરફો ટેલિફોન ચાલે છે… જ્યાં સમગ્રનો અવાજ શૂન્ય છે. બિંદુ હલ્લો હલ્લો કરે છે પણ સિંધુની વાણી એના સુધી પહોંચી શકતી નથી. બિંદુ સિંધુને આહ્વાન કરે છે કે રેતીના ખીલે બંધાઈ રહેલા પાણીપંથા અશ્વો યાને કે મોજાંઓને મુક્ત કરો… જે સ્વપ્નાંઓ પોતે જ પાણીપોચાં છે એનો ભય રાખીને પાણી પાણી થઈ જવાને બદલે અસ્તિત્ત્વના કાંઠાઓ તોડીને આવો, મુક્ત ભ્રમણ કરવાને…
Permalink
September 4, 2012 at 9:18 AM by વિવેક · Filed under અછાંદસ, જયશ્રી ભક્ત

(આ સ્મિત રહે સનાતન…. …હેપ્પી બર્થ ડે, જયશ્રી)
*
તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?
જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?
– જયશ્રી ભક્ત
આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?
હા, આજે ટહુકો.કોમની જયશ્રીની વર્ષગાંઠ પણ છે… એને લયસ્તરો પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…
ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.
Permalink
September 2, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
હવે તો કરવી જ પડશે રતિ,
આ રાત સાથે,
હંમેશા મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને
એકવાર મારી નીચે સુવડાવીને જોવી છે
આખરે ક્યાં સુધી માન્યાં કરવાનાં
પવિત્ર, આ અંધારાને ?
હવે એકવાર આંખો ખુલ્લી રાખીને
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને.
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે,
એક વાર બસ,
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર,
મારે જોવું છે,
રાતરાણીના લીલા બીજમાંથી
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ
-મનીષા જોષી
એકથી વધુ રીતે આ કાવ્યનો અર્થ માણી શકાય તેમ છે. ‘અંધારા’ એટલે રૂઢિચૂસ્ત જડ માન્યતાઓ. રાત એટલે જડસુ સમાજરચના. બીજો અર્થ આંતરિક સંઘર્ષને લગતો થઇ શકે- અંધારા એટલે અસંખ્ય પૂર્વગ્રહો,માન્યતાઓ,અર્ધજ્ઞાન… અંતિમ પાંચ પંક્તિઓ awareness ને ઈંગિત કરે છે.
Permalink
September 1, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ડુડલી ફિટ્સ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ગયા અઠવાડિયે ત્રણ જ પંક્તિની આ નાનકડી કવિતા વિશે ચર્ચા કરવા માટે લયસ્તરોના વાચકોને આહ્વાન આપવામાં આવ્યું હતું. કેટલાક અપવાદોને બાદ કરીને મોટા ભાગના વાચકો ચર્ચાથી દૂર રહ્યા… આજે એક તબીબ જેમ ડિસેક્શન કરે એમ આ કવિતાનું ડિસેક્શન કરી જોઈએ તો કેમ?
*
લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?
– અનામી (ગ્રીક)
*
Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?
– Dudley Fitts (Eng. Translation from Greek)
*
તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી કિસમિસ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો?
*
પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ કિસમિસ સાથે કેવા ‘મેચ’ થાય છે !
બીજી પણ કેટલીક વાતો ધ્યાનાર્હ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની આખી વાડી હોય. કવિ માત્ર એક જ દ્રાક્ષની વાત કરે છે અને વળગી રહે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અને જીવનની સંધ્યાએ તો આ અપેક્ષા ‘એક’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત બની રહે છે…
જીવન નાશવંત છે પણ પ્રેમ અમર છે અને પ્રતીક્ષા ચિરંતન છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી પણ યથાતથ્ રહે છે અને પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને અને એના પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.
આપણે ત્યાં કમનસીબે કવિતા વિશે વિશદ ચર્ચા કરવાની વૃત્તિ ઓછી જોવા મળે છે પણ વિદેશી સાહિત્યજગતમાં આવું નથી. આ કવિતા વિશેની કેટલીક રસપ્રદ ચર્ચાઓ અને અલગ-અલગ અંગ્રેજી અનુવાદ આપ અહીં માણી શકો છો.
Permalink
August 31, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ફકીરમહંમદ મનસુરી
હું
તારા
અંગથી અળગું કરેલું વસ્ત્ર
લોચો થૈ લટકતું વળગણીએ…
ઘડિયાળ હું કાંટા વિનાનું
શ્વાસ ને ઉચ્છ્વાસનો આ ટકટકારો…
જીવ્યે જાઉં છું.
રૂંવાટીએ રૂંવાટીએ
કૈં કેટલાં આકાશ
એવું
પાંખમાંથી
ખેરવી દીધેલ હું પીંછું…
વાયરે લેતું ઘુમરિયો ને રજોટાતું.
સંદર્ભથી છુટ્ટું પડેલું વાક્ય હું…
‘હું’ હવે તો
શિર તણા મણિ વિણ ફણી શો…
કણસતા અસ્તિત્વના
ઉંકારથીયે રહિત !
કેવળ બસ હકાર !
– ફકીરમહંમદ મનસુરી
પ્રિય પાત્ર વિનાની જિંદગી કેવી હોઈ શકે એનો અદભુત ચિતાર કવિ અહીં જૂજ પંક્તિઓ અને સશક્ત રૂપકો વડે આપે છે. અંગથી ઉતારી દીધેલું વસ્ત્ર, કાંટા વિનાનું ઘડિયાળ, અસીમ આકાશની અનંત શક્યતાઓ અને આશાઓ એક-એક રૂંવાટી પર ભર્યું ભર્યું પણ પંખીના શરીર પરથી ખરી ગયેલું અને હવે પરિસ્થિતિના વાયરાની દયા પર અટવાતું પીંછું, સંદર્ભ ગુમાવી બેસેલું વાક્ય અને મણિ વિનાનો ફણીધર… પ્રિય પાત્રની અનુપસ્થિતિમાં અસ્તિત્વ કેવું સ્થગિત નિર્જીવ બની રહે છે- એક ઉંહકારો પણ કરી શકાતો નથી ! કેવળ શરીરનું હોવું રહી જાય છે.. શ્વાસ અને ઉચ્છ્વાસની ટકટક રહી જાય છે… બસ !
Permalink
August 30, 2012 at 7:58 AM by વિવેક · Filed under અછાંદસ, નરેન્દ્ર સક્સેના, નૂતન જાની, વિશ્વ-કવિતા
કેટલાંક બાળકો બહુ જ સારાં હોય છે
તેઓ બૉલ કે બલૂન માંગતા નથી
નથી માગતા મિઠાઈ કે નથી કરતા જીદ્દ
હેરાન તો થતા જ નથી
મોટાઓનું કહ્યું માને છે
આટલાં સારાં હોય છે
આટલાં સારાં બાળકોની તપાસમાં રહીએ છીએ
આપણે
અને મળતાં જ એમને ઘરે
લઈ આવીએ છીએ
ત્રીસ રૂપિયા મહિને અને ખાવાના પર.
– નરેન્દ્ર સક્સેના (હિંદી)
(અનુ. નૂતન જાની)
આજે બાળનોકરોનો પગાર કદાચ ત્રીસના બદલે હજાર-બે હજાર થયો હશે પણ આપણી માનસિક્તા ?
Permalink
August 24, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ડુડલી ફિટ્સ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?
– અનામી (ગ્રીક)
(અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ)
“લયસ્તરો” પર આજે ફરી એકવાર ‘ફોર-અ-ચેઇન્જ’ આ ત્રણ લીટીઓ વાચકમિત્રોના હવાલે… આ ત્રણ લીટીઓમાં આપ શું અનુભવો છો એ અમને જણાવો. આપને આ ત્રણ લીટીઓમાં બકવાસ નજરે ચડે તો પણ કહો અને કવિતા દેખાય તો એ પણ જણાવો…
Permalink
August 15, 2012 at 1:05 AM by ધવલ · Filed under અછાંદસ, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

[audio:http://dhavalshah.com/audio/prescription.mp3]
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
– તો લખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
– તો લખો.
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
– તો લખો.
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
– તો લખો.
તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
– તો લખો.
તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
– તો લખો.
તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
– તો લખો.
તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
– તો લખો.
તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
– તો લખો.
– સુરેશ દલાલ
સુરેશ દલાલની બહુ લોકપ્રિય કવિતા કવિના પોતાના અવાજમાં સાંભળો.
Permalink
August 14, 2012 at 1:35 PM by ધવલ · Filed under અછાંદસ, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ના
સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી
કે નથી હું ઑથેલો – કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ
જાઉં અને પછી પસ્તાયા કરું. હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી
– કે લડું કે ન લડુંની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં. મારા સ્વારથ
પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ? હું રોમિયો નથી કે ભોમિયો નથી.
તો પછી, હું છું કોણ ?
હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય
ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાનસૂતકનો સંબંધ નથી. એનું
નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.
એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ
સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં
છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.
જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.
– સુરેશ દલાલ
સુરેશ દલાલની કલમ જલદીથી કડવી ન થતી. એ આશાના કવિ હતા, હતાશા જવલ્લે જ દેખાવા દેતા. અહીં કવિનો એ રંગ દેખાય છે. બધાને જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતો ‘ઝલક’નો લેખક અહીં કડવી હકીકતને સલામ કરી લે છે. એ લખી નાખે છે : જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.
Permalink
August 14, 2012 at 1:30 AM by ધવલ · Filed under અછાંદસ, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

ઘાસમાં આળોટતાં
પવનને પકડવા
સૂર્યનાં કિરણોએ દોડાદોડ કરી મૂકી.
*
રાખમાંથી અગ્નિ તરફ
મહાપ્રસ્થાન કરે
તે કવિ.
*
મારી પ્રત્યેક પળ
એ તુલસીપત્ર
એ જ વિષ્ણુસહસ્ત્રનામ
અને એ જ સત્યનારાયણ.
*
જ્ઞાની સૂરજને એમ હતું
કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું
કે અભેદ થઈને રાચું
*
એક નદીકિનારે
મંદિરોનું ટોળું
એમાં ક્યાંથી ઈશ્વર ખોળું
– સુરેશ દલાલ
‘મધુમાલતી’ નામનો સુરેશ દલાલનો ટચુકડો કાવ્યસંગ્રહ છે. બે-ત્રણ લીટીના દરેક મુક્ત કાવ્યમાં સુરેશ દલાલનું અલગારી ચિતન છલકે છે. એમાંથી થોડીક કવિતાઓ અહીં મૂકી છે. ત્રણ-ચાર ડગલામાં અર્થવિશ્વને માપી લેવાની કવિની હથોટી અહીં ચમકતી દેખાય છે.
Permalink
August 8, 2012 at 6:44 PM by ધવલ · Filed under અછાંદસ
સુતો છું વસંતમાં, પરોઢથી અજાણ
સંભળાય બધે પક્ષીઓનો અવાજ
ગઈ રાતના પવન ને વરસાદ થકી
વિચારું: ખર્યાં હશે કેટલા પુષ્પ પછી
– મેંગ હો-જાન
કવિતા ચીનની છે. કવિ વસંતની પરોઢે પંખીઓના કલરવથી સહસા જાગે છે. પણ વસંતના ઉલ્લાસસભર વાતાવરણમાં પણ એમને પહેલો વિચાર ગઈકાલે રાતના તોફાનમાં કેટલા ફૂલ ખરી ગયા હશે એનો જ આવે છે. કવિનું મન આપમેળે જ દુ:ખતી રગને શોધી લે છે. મનનું એવું જ છે: ભારે સુખમાં પણ ગમતી વ્યક્તિનું જરા જેટલું દુ:ખ પણ આપણને સુવા દેતું નથી. એક કોમળ અનુભૂતિ કેટલી સહજ રીતે કવિતા થઈ જાય છે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે.
Permalink
August 3, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉત્પલ ભાયાણી, વિશ્વ-કવિતા, શમ્સુર રહેમાન
ઘાસમાં સંતાઈ રહેલા ઝેરીલા સાપને હું ચાહું છું.
લુચ્ચા દોસ્તોથી એ કંઈ વધુ ક્રૂર નથી.
આંધળી વાગોળને હું ચાહું છું,
ટીકા કરનારાથી એ વધુ ભલી છે.
રોષે ભરાયેલા વીંછીના ડંખને હું ચાહું છું,
એનો દઝાડતો ઘા, પ્રેમમાં હોવાનો દાવો કરતી,
બેવફા સ્ત્રીના ચુંબનથી વધુ સારો હોય છે !
ગાઢ જંગલમાં છુપાયેલા દેખાવડા વાઘને હું ચાહું છું,
સરમુખત્યારની જેમ એ એની હત્યાઓની યોજના ઘડતો નથી.
– શમ્સુર રહેમાન (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)
ભલે “પૂર્વગ્રહ”નો અર્થ “આગળથી બાંધેલો ખોટો મત” થતો હોય, દરેક પૂર્વગ્રહની પાછળ એક કારણ જરૂર હોવાનું. કવિ સાપ, વાગોળ, વીંછી અને વાઘને ચાહે છે પણ મનુષ્યથી દૂર રહે છે. આ પૂર્વગ્રહની પાછળના કારણો ચર્ચવાની કોઈ જરૂર ખરી?
Permalink
July 29, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નગીનદાસ પારેખ, રવીન્દ્રનાથ ઠાકુર
વૈરાગ્યસાધને મુક્તિ, સે આમાર નય.
અસંખ્ય બન્ધન-માઝે મહાનન્દમય
લભિબ મુક્તિર સ્વાદ. એઇ વસુધાર
મૃત્તિકાર પાત્રખાનિ ભરિ વારમ્વાર
તોમાર અમૃત ઢાલિ દિબે અવિરત
નાનાવર્ણગંધમય. પ્રદીપેર મતો
સમસ્ત સંસાર મોર લક્ષ વર્તિકાય
જ્વાલાયે તુલિબે આલો તોમારિ શિખાય
તોમાર મન્દિર-માઝે.
ઇન્દ્રિયેર દ્વાર
રુદ્ધ કરિ યોગાસન,સે નહે આમાર.
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.
મોહ મોર મુક્તિ રૂપે ઉઠિબે જ્વલિયા,
પ્રેમ મોર ભક્તિ રૂપે રહિબે ફલિયા.
વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી.
અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય
મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.
આ વસુધાના માટીના પાત્રને વારે વારે
નાના વર્ણગંધમય તારું અમૃત
તું અવિરત રેડતો રહેશે.
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.
ઇન્દ્રિયોના દ્વાર રૂંધીને યોગાસન જમાવવું
એ મારું કામ નથી.
દ્રશ્યમાં, ગંધમાં, ગીતમાં
જે કાંઈ આનંદ રહેલો છે,
તેમાં તારો આનંદ વ્યાપી રહેશે.
મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.
-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ.
અત્યંત ક્રાંતિકારી વાત છે – જરાક સૂક્ષ્મતાથી તપાસશો તો રજનીશના ચર્ચાસ્પદ વિધાન ‘સંભોગથી સમાધિ સુધી’ નો ધ્વનિ પ્રતિપાદિત થાય છે ! કોઈ દમનની વાત નથી,કોઈ અકુદરતી ત્યાગના માયાવી મૃગ પાછળની દોટની વાત નથી. વિશ્વમાં જ વિશ્વાત્માના દર્શનની વાત છે….સર્જનમાં જ સર્જકની ઝાંખી કરવાની વાત છે. સર્જન અને સર્જક જુદા નથી,માત્ર આપણી દ્રષ્ટિ સીમિત હોવાથી તે દર્શન આપણને સહજ નથી – આ ધ્વનિ છે……
Permalink
July 27, 2012 at 2:33 AM by વિવેક · Filed under અછાંદસ, વિદ્યાપતિ, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
આવતી કાલે પાછો આવીશ એવું મને કહીને ગયો
મેં મારા ઘરની બારી પર
ફરી ફરીને લખ્યા કર્યું, બસ લખ્યા કર્યું
આવતી કાલે, આવતી કાલે…
આ શબ્દોથી ઢાંકી દીધી જમીન.
જયારે સવાર ઊગી ત્યારે તો
બધા મને બસ પૂછ્યા કરે :
સખી ! કહેને…એટલું તો કહેને
આવતી કાલ તારી આવશે ક્યારે?
કાલની મેં તો છોડી દીધી તમામ આશા
મારો પ્રિયતમ પાછો નહીં આવ્યો તે નહીં આવ્યો.
વિદ્યાપતિ કહે : સાંભળ સુંદરી : કટુવચન આ, ક્રૂર
અન્ય સ્ત્રીઓએ લલચાવીને એને રાખ્યો દૂર.
– વિદ્યાપતિ (ભાષા: મૈથિલી)
(અનુવાદ: સુરેશ દલાલ)
(સૌજન્ય: ક્રિષ્ણા તારા નામનો આધાર)
ગયા અઠવાડિયે ચૌદમી સદીમાં મૈથિલિ ભાષાના કવિ વિદ્યાપતિની એક રચના આપણે માણી. આજે એમની વિરહરસભરી એક રચનાનો આનંદ લઈએ. “ઇસ જમીં પે લિખ દૂઁ નામ તેરા, આઅસમાઁ પે લિખ દૂઁ નામ તેરા” જેવા ગીતો આજે આપણે સાંભળીએ છીએ પણ છસો વર્ષ પહેલાંનો આ કવિ તારું નામ લખીને આખી જમીન ઢાંકી દીધી જેવી કલ્પના કરે છે એ જાણીએ ત્યારે કેવું લાગે ! કવિતા પોતે પણ આખી આસ્વાદ્ય છે…
Permalink
July 21, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘર પછીતેની લાકડાની દીવાલો વચ્ચે
પાતળા ગાઉનમાં આંટા મારી રાહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.
અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, માથાના
ખુલ્લા વાળને અંદર દબાવતી, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.
મારી ગાડીના નીરવ પૈડા
તડતડ અવાજ સાથે દોડી રહ્યા છે
સૂકા પાંદડા પરથી અને હું નમું છું અને સ્મિત આપતો પસાર થઈ જાઉં છું.
– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)
પહેલી નજરે સાવ સાદું દેખાતું આ દૃશ્ય જરા હળવા હાથેથી ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની ખરી ભાતો ઉપસી આવે છે. ‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી હજી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી ઝાઝા વર્ષો પણ નથી થયા. શરૂઆતનું દામ્પત્યજીવન તો બાકી પ્રેમના વાવાઝોડા જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ એક જ શબદનો પ્રયોગ તમામ શક્યતાઓનો છેદ ઊદાડી વાચકને શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.
કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની રીતે કેદમાં છે.
ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. વિખરાઈ ગયેલી લટોને સરખી કરે છે. નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું ક્ષણિક ચારિત્ર્ય સ્ખલન તરફ સંકેત કરે છે. જેમ પહેલા ફકરામાં husband’s house શબ્દપ્રયોગ તેમ અહીં uncorseted શબ્દ આંચકો આપે છે. (corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર કસીને પહેરે છે. અહીં કાવ્યનાયિકાને આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ એના પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે.)
કાવ્યાંતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં કચડાતા સૂકા પાંદડાના અવાજને મૂકીને કવિ આપણને સરી જતા અટકાવે છે. એકવાર કાવ્યનાયિકાની સરખામણી પાંદડા સાથે કર્યા બાદ તરત જ કવિ નાયકની ગાડી નીચે કચડાતા પાંદડાનો નિર્દેશ સાયાસ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એ નમે છે કેમકે બંને જણ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આ સ્મિત બંનેજણ વચ્ચે જન્મેલા ક્ષણિક આકસ્મિક sexual tensionને ઈંગિત કરે છે અને ખરેલા પાંદડાને પોતાની ગાડી તળે કચડીને નાયક એકીસાથે આ તણાવનું નિર્મૂલન પણ કરતો જાય છે.
*
At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.
Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.
The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.
– William Carlos Williams
Permalink
July 14, 2012 at 1:21 AM by વિવેક · Filed under અછાંદસ, જયશ્રી ભક્ત
તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?
હું શું જવાબ આપું?
હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..
પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો..!
– જયશ્રી ભક્ત
સારી કવિતા ક્યારે કઈ જગ્યાએથી મળી આવે એ કહેવું અશક્ય હોય છે. શબ્દ અને સંગીતની દિવસ-રાત આરાધના કરતાં કરતાં ટહુકો.કોમની સંચાલિકા જયશ્રી અચાનક જ આ કવિતા મને મેલમાં મોકલે છે અને હું તાત્ક્ષણિક જવાબ આપું છું કે આ હું લયસ્તરો માટે રાખી શકું? બરાબર બે અઠવાડિયા પછી એ સંમતિ આપે છે…
સાવ સરળ કવિતા પણ કેવી મર્મવેધક ! દરિયાના મોજાંની જેમ પ્રેમમાં લાગણીઓ અને મન-મેળ પણ આવ-જા અને ભરતી-ઓટને અનુસરતા હોય છે. ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ ના પહોંચાડે એ સાચો પ્રેમ અને એ શબ્દાતીત અવઢવને સામે ચાલીને સમજી-વાંચી લે એ વળી સાચા પ્રેમની જ ઉત્કટતા…
મને તો કવિતામાં વચ્ચે વચ્ચે આવતી ખાલી જગ્યા પણ સતત બોલતી હોય એમ લાગી…
Permalink
July 12, 2012 at 1:00 AM by વિવેક · Filed under અછાંદસ, જયન્ત પાઠક, મૃત્યુ વિશેષ
જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.
મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.
મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.
મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.
– જયંત પાઠક
મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…
Permalink
July 3, 2012 at 10:40 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)
– પન્ના નાયક
આટલા વરસ અમેરિકામાં રહીને અમને તો ભાઈ સબટાઈટલવાળા સપનાંની આદત પડી ગઈ છે. ઓરીજીનલ સપનાં કેવા હતા એ તો કોઈ વાર સપનામાં જોવા મળે તો ખરું 🙂
Permalink
July 2, 2012 at 2:45 AM by તીર્થેશ · Filed under અછાંદસ, પ્રફુલ્લ રાવલ
હું તો તૈયાર જ બેઠો છું
બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.
મારે ક્યાં કોઈની રાહ જોવાની છે ?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ ?
વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,
પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.
– પ્રફુલ્લ રાવલ
આત્મખોજની યાત્રા એ ન નીકળવાના બહાનાઓ અનેકવિધ છે….. મગજ અત્યંત ચાલક અંગ છે. મગજની ચાલ સમજવી અને સમજીને પછી તેને અતિક્રમવી તે પ્રજ્ઞા….
Permalink
June 13, 2012 at 11:58 PM by ધવલ · Filed under અછાંદસ, નીતિન મહેતા
ક્યારેક આપણા સપનાંને
ઝાંખપ વળે
કરચલીઓ પડે
વળી ક્યારેક સપનાં
થરથર કાંપે
ડગુમગુ ચાલે
પણ પ્રવાસ ન છોડે
ક્યારેક આ સપનાં
રોજરોજ સૂર્યપ્રકાશમાં
આપણા કેટલાયે
વિચારોને તરછોડી દે
ને કયારેક
સૂર્યકિરણની જેમ એક ડાળેથી
બીજી ડાળે ફર્યા કરે
જોકે સપનાં
ક્યારેક બરફ
ક્યારેક ધુમ્મસ
ક્યારેક વરાળ
ક્યારેક તરસ
ક્યારેક સત્તા
ક્યારેક શોષણ
સપનાં
ક્યારેક સજાવાય
ક્યારેક દેખાડાય
ક્યારેક ડહોળાય
ક્યારેક છીનવાય
તો સપનાં
ક્યારેક છબીમાં તડ પાડે
ક્યારેક વાતોમાં રંગ પૂરે
ક્યારેક મોઢાનું નૂર હરે
આ સપનાંઓની કોઈ ઓળખ?
હા, એ થોડા સાઈકોસોમેટિક
ને એના મરણની પણ વસંત.
– નીતિન મહેતા
સપનાં-પુરાણ એ માનવીપણાનો આખોય ઈતિહાસ છે. સપનાં જોતા શીખ્યા પહેલા જે પ્રાણી હતો, એ સપનાં જોતા શીખ્યા પછી માનવ થયો. સપનાંએ આપણને અઢળક આશાથી ભરી દીધા અને એ સપનાંએ જ નિરાશા શું એ સોટી મારીને શીખવાડ્યું. સપનાં બધા સુખોમાં ઉત્તમ સુખ છે અને સપનાં જ બધા દુ:ખોમાં સૌથી તીણું દુ:ખ છે. જે એને પાર કરી જાય એ તો ઓલિયો થઈ જાય.
(સાયકોસોમેટિક = એવી બિમારી જેનું કારણ ખાલી માનસિક જ હોય)
Permalink
June 10, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.
થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.
તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે.
-જગદીશ જોષી
જે અંતરમાં નથી, તે ક્યાંય નથી…..
Permalink
June 6, 2012 at 12:53 AM by ધવલ · Filed under અછાંદસ, દિનેશ દલાલ
હે પ્રભુ!
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય
અને કહે કે,
‘માગ, માગ, જે માગે તે આપું.’
ત્યારે, હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે.
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતરયામી છે…
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…
– દિનેશ દલાલ
ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણને શા માટે કશું માગવા સાથે સાંકળવી ? એ તો મુક્તિની ક્ષણે સોનાની સાંકળ માગવા બેસવા જેવી વાત થઈ.
Permalink
June 3, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઑક્તોવિયો પાઝ, નલિન રાવળ, વિશ્વ-કવિતા
આપણે માટે પ્રત્યેક પદાર્થ ભયપ્રદ છે.
છેદે છે સમય મારા વિગત અને અનાગતને
કરી મૂકે છે મને છિન્નભિન્ન
જેમ
સર્પને ખંજર કટકે કટકે છેદી નાખે,
અને તમે –
જેને તૂરીનો કોઈ ઘોષ તોડી ન શકે એવી
પોકળ દીવાલો
અસંખ્ય ખંડિત ચિત્રોવાળું સ્વપ્ન
કે પયગંબરી વાણીના છાકવાળી લવરી
કે નહોર-દાંત વાળો પ્રેમ
કશું જ આપણે માટે પૂરતું નથી
આપણીયે પાર
પ્રાણ અને મહાપ્રાણની સરહદ રેખા ઉપર
અતીવ ચૈતન્યમય એવું જીવન
આપણને આવકારી રહ્યું છે
બહાર રાત્રિ પાસે છે – લંબાવે છે,
ઉષ્માભર્યા પર્ણો,પ્રતિસ્પર્ધી દર્પણો,
એની પારદર્શક ત્વચા છેદાઈ જાય
જે અંધ છે
તે જુએ છે
શબ્દો : ચૈતન્યની વિસ્તીર્ણ માયાજાળ –
હું
ફળો,નહોરો,નેત્રો
પસાર થવા મથતાં શરીરો
આ બધાંથી ભરી રાત્રિ બહાર ભાસે છે – લંબાવે છે
આ
ફીણભર્યા કાંઠાની બહાર તમારો પગ ઉઠાવો,
આ જીવન કે જે જીવન શું તે જાણતું નથી
અને
જે તમને પ્રેરે છે રાત્રિને સમર્પિત થવા,
હાંફતી-ધબકતી ધવલતા, ઓહ વિભક્ત તારક,
સવાર તરફ પલ્લું નમાવતો રોટલાનો ટુકડો,
આ સમય અને અનંત સમય વચ્ચેનો
મૂર્ત વિરામ.
– ઓક્તોવિયો પાઝ
અભિવ્યક્તિ જરા અટપટી છે…. મૂળ વાત છે શબ્દોની નિરર્થકતાની અને મિથ્યા પ્રેમની મોહજાળ ની… fear -ભય -એ આપણાં જીવનને સતત ગ્રસે છે. નહોર અને દાંત વાળો પ્રેમ પ્રેમીજનને જ ખાઈ જાય છે. અહી મિથ્યા પ્રતિબિંબોને પ્રસરાવતા પ્રતિસ્પર્ધી દર્પણો છે. સર્વત્ર મોહ રાત્રિ પથરાઈ છે. ‘જે અંધ છે તે જુએ છે’- આ વાચાળ વિરોધાભાસ ઉપનિષદવાક્ય યાદ કરાવી દે છે-બોલનાર જાણતો નથી અને જાણનાર બોલતો નથી…. મૂર્ત સમય દર ક્ષણે આપણને છેદે છે,છળે છે.
આ સઘળું અતિક્રમીને આપણે પ્રાણ અને મહાપ્રાણ ની સરહદ રેખા ઉપર જે અતીવ ચૈતન્યમય જીવન છે ત્યાં પહોંચવાની યાત્રા પ્રારંભવાની છે…..
આ તો થઈ theory – ઘણીવાર વિચાર આવે કે બધા જ વિચારકો આ જ વાત કરે છે. આ વાતની practical applicability કેટલી ? શું આ વાત કોઈ નક્કર હકીકત છે કે ઠાલાં પોથીમાંનાં રીંગણાં ? – આ વાતનો જવાબ મને કંઈક આવો અનુભવાય છે- દરેક વ્યક્તિની અંગત યાત્રા તેની ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ ઉપર અવલંબે છે. જેને પ્રશ્નો થશે તે જવાબ શોધશે….
Permalink
May 30, 2012 at 12:24 AM by ધવલ · Filed under અછાંદસ, સુધીર દેસાઈ
મડદાંઓ તરી રહે
રાત્રીની કૂવા જેવી આંખોમાં.
વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય
એમ સામે સ્થિર થઈ જાય રાત્રી.
મૂળાક્ષરો જેવી આ મૃત આંખોમાં
છુપાયેલ અનેક દુનિયાઓ
ઉકેલી નથી શકતો હું એમને.
ક્યારેક પટપટાવી કોઈ આંખ
ઊભો કરે ભ્રમ.
થંભી જાય મારો શ્વાસ.
ને દોડી જાઉં અંદર.
અરીસામાં જોઉં
કૂવા જેવી મારી આંખો
ને એમાં તરી રહેલા મડદાંઓ
હું થઈ જાઉં
સ્થિર.
– સુધીર દેસાઈ
રાત્રી તો વાંક નથી. એ તો પોતાની આંખોનું જ પ્રતિબિંબ છે.
Permalink
May 14, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.
– જગદીશ જોષી
Permalink
May 13, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સુરેશ હ. જોશી
આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર.
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વ્રુક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણોને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.
– સુરેશ જોષી
અહીં ગુહ્ય સાથે લડાઈની વાત છે. સામે પક્ષે માશૂકા પણ હોઈ શકે,પોતાની જાત પણ હોઈ શકે. અંધકાર એટલે અજાણ્યો પ્રદેશ… જ્ઞાનનો અભાવ આજ સુધી ભય પ્રેરતો હતો. અંધકારનો ડર લાગતો હતો. હવે આ ભયને અતિક્રમવા સિવાય કોઈ ઉપાય નથી. તે હું કઈ રીતે કરીશ ? – તેનું વર્ણન શી અદભૂત છટાથી થયું છે અહીં !
‘આજે હું અંધકાર થઈને તને ભેદીશ……’
Permalink
May 7, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી, ફૂયુહિકા કિટાગાવા
પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો,ખૂણાળો અને કઠોર.
પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.
માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.
-ફૂયુહિકા કિટાગાવા [ જાપાન ]
Permalink
April 26, 2012 at 2:30 AM by ઊર્મિ · Filed under અછાંદસ, ઈન્દુકુમાર ત્રિવેદી
ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સહેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.
કવિનો હૈયે થયેલો ‘ફફડાટ’ કલાપીનાં હૈયે થયેલા ‘એક ઘા‘ની યાદ અપાવે છે…
– ઇન્દુકુમાર ત્રિવેદી
Permalink
April 23, 2012 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાજેન્દ્ર શાહ
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધ મીઠી ઝરી પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ વસંત
હંભારવમાં બધા ય તે અવાજ ઝાંખા
ઘર,હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડહોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !
– રાજેન્દ્ર શાહ
[ ગુલ્મ = સ્થાન,જગ્યા. ચાષ = એક કાબર જેવું પંખી ]
આખેઆખાં વહી જવાય એવું ઊર્મિકાવ્ય…..
Permalink
April 22, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મહેન્દ્ર અમીન
કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો,
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
લાવ,
કેટલાંક જૂના થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ –
જરીક નોખી રીતે કરું :
ઈશુને ગોળીએ વીંધુ
અને
ગાંધીને ખીલે ઠોકું.
– મહેન્દ્ર અમીન
[ વિરતિ = વિશ્રામ, અટકવું તે ]
એક સરળ પરંતુ ધારદાર વ્યંગ કાવ્ય……પેલું વાક્ય યાદ આવે છે-‘ માનવી ઈતિહાસમાંથી એટલું જ શીખ્યો છે કે માનવી ઈતિહાસમાંથી કંઈ જ શીખતો નથી.’
Permalink
April 20, 2012 at 1:41 AM by વિવેક · Filed under અછાંદસ, ઉત્પલ ભાયાણી, વિશ્વ-કવિતા, સુનંદા ત્રિપાઠી
જયારે આખું નગર સૂતું હોય
ત્યારે હું મારા ઝાંઝર કાઢી નાખું છું
અને સાવ સુંવાળા પગલે, ચોરીછૂપીથી
તારા ખંડમાં પ્રવેશું છું.
.
.
તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન
ચોળાયેલી તારી પથારીમાં
તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે.
આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે.
તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે
જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે.
હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું.
તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું
પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી
તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું
અને મારા બંને હાથથી તારા
સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું.
.
.
તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું
મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.
શબ્દ અને મૌન એક થઇ જાય છે
એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી.
તું જાગે એ પહેલા
એને ફરી પાછું
એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું
અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું
એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે
જાણે કે કશું જ નથી બન્યું એમ.
પહેલાની જેમ, તું સૂતો જ રહે છે
હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.
– સુનંદા ત્રિપાઠી (ભાષા: ઊડિયા)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)
અભિસાર એટલે પ્રેમી-પ્રેમિકાએ સંકેત મુજબની જગ્યાએ મળવા જવું. સાહસ અને છળ એ અભિસારિકાની પ્રકૃતિ છે. આટલી પૂર્વભૂમિકા પછી આ કવિતાને અનુભવીએ… પ્રણયની તીવ્રતર લાગણીથી છલકાતી આ કવિતા આપણા ઊર્મિતંત્રને એટલી નજીકથી અડી જાય છે કે શબ્દ અને મૌન બંને એકાકાર થઈ જતા અનુભવાય છે…
ટાઇપ સૌજન્ય: ક્રિષ્ણા-તારા નામનો આધાર
Permalink
April 18, 2012 at 1:23 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી, એમેલિયા હાઉસ, વિશ્વ-કવિતા
પ્રસવના સમયથી આગળ
એક સ્ત્રી જેવી હે મારી જન્મભૂમિ !
તું ધીમે ધીમે ચાલે છે. તારા પગ બોજાથી ભારે છે.
અમે હવે રાહ જોઈ શકીએ એમ નથી, તારા કુદરતી
પ્રસવની. અમે હવે બળજબરીથી તારી સુવાવડ કરીશું.
સહન કર મારી જન્મભૂમિ, સહન કર.
જોર લગાડ. વધુ જોર લગાડ.
તેં જે વીર્યબીજને ગ્રહણ કર્યું છે
એને પૂરા સમય સુધી સહન કર. વધુ જોર લગાવ….
ફક્ત તું જ આપી શકે છે અમારી
આઝાદીને જન્મ !
– એમિલિયા હાઉસ (પૉલિશ કવયિત્રી)
(અનુ. અનિલ જોશી)
ગુલામીની વ્યથા અને આઝાદીની આશા કેવી પ્રબળ હોઈ શકે એનું રૂંવાડા ઊભા કરી દેતું ચિત્રણ આ સાવ નાનકડા કાવ્યમાં સુપેરે વ્યક્ત થયું છે. આવા સશક્ત શબ્દો અને તીવ્રતમ લાગણી કોઈ પ્રસ્તાવનાની મહોતાજ નથી…
Permalink
March 27, 2012 at 12:30 AM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રેશ ઠાકોર, મેરી ઓલિવર
વગાડતા રહ્યા છે અનુભવીઓ
એમની જ્ઞાનપિપૂડીઃ સજીવ નથી હરેક ચીજવસ્તુ.
હું કહું છું
મને જંપવા દો.
તમારું ડહાપણ તમને મુબારક.
સાંકેતિક વાતો મેં કરી છે આછેરાં વાદળો સાથે.
જ્યારે એ ગભરાતાં
પાછળ પડી જવાના ડરે.
હું ચીમકી આપતોઃ પગ જરા ઉપાડો.
આભારસહજ એ બોલતાં
ઉપાડીએ છીએ, ઉપાડીએ છીએ.
વાછરડી, માછલી, ચમેલી
કોઈ વિવાદ નહીં, મૃત્યુ એમનું
નિશ્ચિંત છે.
પણ, પાણીનું શું? પાણી
ખુદ જીવંત ખરું ?
દરિયાના પેટાળમાં તો
જીવતા ઘૂમે છે કંઈ કેટલાએ જીવ. એવા
જીવનદાતાના ધબકારા પર, અરે,
ચોકડી કેમ પડાય?
વિચારમાં મગ્ન, કિનારે પથરાયેલી રેતી પર
બેઠો છું હાથમાં
એક કોડી, બે ચાર છીપલાં, અબરખનો ટુકડો
અને કાંકરી મિશ્રિત રેતી લઈને.
એ સઘળા, હાલ પૂરતા, ગાઢ નીંદરમાં છે …
– મેરી ઓલિવર
(અનુવાદ – ચંદ્રેશ ઠાકોર)
(કાવ્યનો આસ્વાદ પણ ચંદ્રેશ ઠાકોરના જ શબ્દોમાં)
મેરી ઓલિવર કુદરતમય કવિ છે. એ પ્રથમ કવિ છે કે પ્રથમ કુદરતના ચાહક છે એ એક રસપ્રદ સવાલ છે. કુદરતનું સૌંદર્ય, એની કરામત, એનું રહસ્ય એમની ઘણી કવિતાઓમાં તરબતર હોય છે.
કવયિત્રી, બહુ સરળતાથી, અસ્તિત્વ-જીવ-ચેતનના ગૂઢ વિષયમાં વાચકને ઊંડે લઈ જાય છે. પણ, એની બળવાખોર શરુઆત જુઓ. કહેવાતા જ્ઞાનીઓએ બાંધી લીધેલી અસ્તિત્વની સીમીત વ્યાખ્યા એમને મંજૂર નથી. અને, કહેવાતા જ્ઞાનીઓને એ પડકાર ફેંકે છે તમારા ચીલાચાલુ જ્ઞાનથી મારા વિચારવિશ્વને ડહોળવાનું માંડી વાળો. પણ, એ પડકાર કરીને એ અટકતા નથી. પડકારના ટેકારૂપ દલીલો હાજર છે.
હાથી-ઘોડા, મરઘા-બતકા, કળીઓ-ફૂલ, જરૂર, હાલતા-ચાલતા-ખીલતા-મુરઝાતા જીવનના સામાન્ય નિયમોને આનુસંગિક અસ્તિત્વ ભોગવે છે અને એનો અંત પામે છે. પણ, કવયિત્રીને સતાવે છે વાદળ અને પાણી જેવા સત્વો અને તત્વો. એમને સજીવ કેમ ના લેખાય? એમનો સમજુ જીવ વાદળો જોડે વાર્તાલાપ પણ કરે છે, કો’ક જીવંત વ્યક્તિ સાથે કરતા હોય એમ. અને પાણી? એક મૂળભૂત સવાલ કવયિત્રીના મનમાં ઉદ્ભવે છે – અગણિત જીવોમાં હયાતીનો ધબકાર રેડનાર ખુદ પાણીને નિર્જીવ કેમ ગણાય? એ સવાલમાં જ એમનો જવાબ છે.
વાદળ અને પાણીમાં ગતિ હોય છે. કે, જીવંતપણાની સાબીતીરૂપ, ગતિનો અણસાર તો જરૂર હોય છે. એટલે, કવયિત્રી બે ડગ આગળ માંડે છે. લોકગણત્રીએ સાવ સ્થગિત રેતી અને કાંકરા કે અબરખ કે છીપલાં — એમનું શું? કવિસમજ નિર્ણય પર ઉતરે છે દેખાવ પુરતા જ એ બધા સ્થગિત છે. દેખીતી નિર્જીવતા માત્ર એમની શયનાધીનતા છે. રખે ને લોક હલનચલનના અભાવને કારણે એમની યોગ્ય કિંમત ના આંકે એ કવયિત્રીનો અજંપો છે. કવિદૃષ્ટિની એ પરાકાષ્ટા છે!
અને એક વિચારકની રુએ, પુછ્યા વગર પણ એક સવાલ કવયિત્રી ઉભો કરે છે – કાંકરા-છીપલાં અને એમના જેવા એમના, જીવંત, સમકક્ષી સહયોગીઓની “ગાઢ નીંદર” એ કોઈ અમરત્વનું સ્વરૂપ હશે?
Permalink
March 24, 2012 at 2:26 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે.
શયનખંડની છતમાં દેખાતી
તારાં નિતનવાં અંગોની સહસ્ત્ર રાશિઓ વચ્ચેથી
હું શોધું છું પ્રેમની રાશિને.
શનયખંડની દીવાલો પર શરીર ઘસતો હોય ત્યારે
તું અદ્દલ લુચ્ચા શિયાળ જેવો લાગે છે.
ભૂખ્યું રીંછ જેમ, સમુદ્રનાં મોજાંઓ સાથે ઊછળતી
માછલીને પાણી વચ્ચેથી અઘ્ધર ઝીલીને ખાઈ જાય
એમ તું મને ચૂમે છે.
ક્યારેક તારા શરીર પર શાહુડી જેવાં કાંટા ઊગે છે
તો કયારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે
અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને.
શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની
આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છે
અને શયનખંડ પર એક બાજ પક્ષી
પાંખો ફફડાવતું બેસી રહે છે.
પણ આજે બ્રહ્માંડનું અંધારું ચોમેર ફરી વળ્યું છે.
તું અને રાત હવે ઓળખાતાં નથી,
બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
નથી આવી શકતો પોતાના માળા તરફ.
એ વફાદાર પક્ષી જો નહીં આવે તો
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની ?
– મનીષા જોષી
સ્ત્રીઓની લાચારી અને પુરુષોની બળજબરી સમાજ વ્યવસ્થાના આરંભથી કવિતાનો વિષય બનતી આવી છે. મનીષા જોષી આપણી અંદર ઘરકા પડે એવો તીણો અવાજ લઈને અહીં આવ્યા છે. કહે છે કે પુરુષ સેક્સ પામવા માટે પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ પામવા માટે સેક્સ ધરે છે. પણ મોટા ભાગે જાદુઈ જનાવર જેવો પુરુષ અલગ અલગ રૂપે અલગ અલગ સમયે સ્ત્રીનો શિકાર કરે છે પણ એના આ હજારો રૂપમાં પ્રેમનું રૂપ ક્યાંય નજરે ચડતું નથી….
Permalink
March 14, 2012 at 9:58 PM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, મેરી ઓલિવર
તું યુવાન છે.
એટલે તને બધી જ ખબર છે.
ભલે તું હોડીમાં કૂદી પડ અને હંકારવા માંડ.
પણ પહેલા જરા મને સાંભળ.
ધમાલ વિના, અચકાટ વિના કે શંકા વિના.
સાંભળ. હું વાત કરું છું સીધી તારા આત્મા સાથે.
પાણીમાંથી હલેસા લઈ લે, જરા તારા બાવડાઓને આરામ કરવા દે.
અને તારા હૈયાને, ને હૈયામાંની જરાઅમથી બુદ્ધિને પણ આરામ કરવા દે.
ને મારી વાત સાંભળ.
પ્રેમ વિના જીવન શક્ય છે.
પણ એનું મૂલ્ય કાણી પાઈ કે ફાટેલાં જૂતાં જેટલું ય નથી.
એની કિંમત નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ જેટલી પણ નથી.
જ્યારે તને માઈલો દૂરથી
તીણા ખડકોની ફરતે અમળાતા ને અફળાતા
અદીઠ જળનો ઘૂઘવાટ સંભળાય,
જ્યારે ભીનું ધુમ્મસ આવીને તારા ચહેરાને અડકી લે,
જ્યારે આગળ આવી રહેલા ખાબકતા ને ખળભળતા
જબરજસ્ત જળપ્રપાતનો
તને ખ્યાલ આવી જાય –
ધસી જજે,
જિંદગી બચાવવા માટે એ જ દિશામાં ધસી જજે.
– મેરી ઓલિવર
(અનુવાદ -ધવલ શાહ)
જીવનમાં પ્રેમ હંમેશ બહુ મોટા જોખમ સાથે આવે છે. એક માણસ પર ઓવારી જવું એ આખી જીંદગી દાવ પર મૂકવાથી કમ જોખમ નથી. પ્રેમમાં ડગલે ને પગલે તકલીફો, અડચણો, ને કપરા ચડાણો છે. તો પછી કરવું શું ? પ્રેમની શોધ ચાલુ રાખવી કે એ રસ્તાથી દૂર જ રહેવું ? આ પ્રશ્નનો જવાબ આ કવિતા છે.
આખી કવિતા નવી પેઢીને – યુવાનને – સંબોધીને છે. કવિ શરૂઆત હળવી કરે છે. તું યુવાન છે એટલે તને બધી જ ખબર છે કહીને હળવો વ્યંગ કરે છે. પણ સાથે જ દિલ ખોલીને, જીંદગી શરૂ કરવાની ઉતાવળમાંથી બે ઘડી કાઢીને, પોતાની વાત સાંભળવાનું કહે છે.
પછી તરત કવિ મુદ્દાની વાત પર આવે છે : પ્રેમ વિના જીવન શક્ય તો છે પણ એ તદ્દન નકામું જીવન છે. અહીં કોઈ દાખલા દલીલ નથી. અહીં શંકાને કોઈ સ્થાન નથી. અહીં કોઈ અડધી પડધી વાત નથી. કવિ સ્વયંપ્રકાશિત સત્ય કહેતા હોય એટલી દ્રઢતાથી આ વાત કહે છે. પ્રેમ વિનાના જીવનથી કવિને એટલી તો સૂગ છે કે એને એ નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ સાથે સરખાવે છે !
હોડી જીવનનું પ્રતિક છે. તો પ્રેમનું પ્રતિક શું રાખવું ? – કવિ એના માટે જબરજસ્ત મોટા ધોધનું પ્રતિક પસંદ કરે છે. હોડી લઈને આવા ધોધમાં જવું એ મોટામાં મોટું જોખમ ગણાય.
છેલ્લી બે પંક્તિમાં કવિએ કમાલ કરી છે. જબરજસ્ત ધોધ – એટલે કે પ્રેમ – નું વર્ણન કર્યા પછી એ સલાહ શું આપે છે ? – પાછા ફરવાની ? – ના. સાવચેતી રાખવાની ? – ના. વિચાર કરવાની ? – ના. એ તો સલાહ આપે છે ધોધની દિશામાં બને તેટલી ઝડપથી ધસી જવાની ! અને એ દિશામાં જવાનું કારણ ? – કારણ કે જીંદગીને બચાવવાનો આ એક જ રસ્તો છે !
જીંદગી બચાવવાનો એક જ રસ્તો છે -પ્રેમ. આ અર્થહીન જીવનમાં આશાનું એક જ કિરણ છે – એ છે પ્રેમ.
(મૂળ અંગ્રેજી કવિતા નીચે મૂકી છે.)
Permalink
March 13, 2012 at 8:51 PM by ધવલ · Filed under અછાંદસ, ભાનુપ્રસાદ પંડ્યા
મારે હવે ઉપડવું જોઈએ –
હથેળીમાં ફૂલ લઈને એકલાં
હળુ હળુ ફરે છે સોડમદે,
પતંગિયાની પાંખનું
પટોળું પહેરીને ઊભાં ઊભાં
મલકે છે પ્રભાતકુંવરી.
પર્ણોની સિતાર હજી પડી સાવ ચૂપ ?
ગતિહીન દીસે પેલા દેવળનાં
ધજા અને ધૂપ ?
પાલવમાં ઢાંકી રાખ્યું
ચલાવી લેવાય કેમ
છડેચોક નીસરતું રાતુંચોળ રૂપ ?
રસ્તામાં ગંધને
ભમરા ગમાડતા જવા છે,
જળના છોરું રમાડતાં જવાં છે,
વગડાની વાટે ક્યાંક
બેસી પડી છે ઓલી ધૂળની ડોશી
એને બાવડું ઝાલીને બેઠી કરવી છે –
અડસઠ તીરથ ભેગી કરવી છે !
– ભાનુપ્રસાદ પંડ્યા
પવનને ઉપડવું છે. ઉતાવળમાં ઉપડવું છે. એણે પર્ણોની સૂની પડેલી સિતારને ઝણકાવવાની છે, ઘજા ને ધૂપને ‘ગલીપચી’ કરવાની છે, પાલવને ઉડાડીને એક ઝલકની ચોરી કરવાની છે, ભમરાને સુગંધની દોરીથી બાંધી લેવાના છે ને – સૌથી મઝાની વાત – ધૂળ-ડોશીને અડસઠ તીરથની યાત્રા કરાવવાની છે. વાત સામાન્ય છે પણ કલ્પનો એવા તો મનમોહક છે કે કાવ્ય પૂરું થતા સુધી હોઠ પર મલકાટ આવી જ જાય છે. આ મલકાટ જ કવિ-ગીરીનો વિજય છે :-)
Permalink
March 10, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, દક્ષા વ્યાસ, રવીન્દ્રનાથ ઠાકુર, વિશ્વ-કવિતા
એક સવારે
આવી ફૂલોના ઉદ્યાનમાં
એક અંધકન્યા
અર્પણ કરવા ફૂલમાળા મને
વીટેલી કમલપત્રમાં
ધારણ કરી તેને
મેં મુજ કંઠે
અને
ધસી આવ્યાં આંસુ
મારી આંખોમાં.
ચૂમી લીધી મેં તેને
કહ્યું,
“તું અંધ છો
તેમ જ આ ફૂલોય તે.
ક્યાં ખબર છે તને
કેટલો સુંદર છે
આ ઉપહાર તારો.”
– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. દક્ષા વ્યાસ)
પુષ્પ પોતાની સુંદરતાને કદી જોઈ શકતું નથી. તેનો આનંદ તેના સાહજિક સમર્પણમાં જ હોય છે. પોતે કયા રૂપ-રંગના ફૂલોનો અર્ધ્ય ઈશ્વરને ચડાવી રહી છે તેનાથી અનભિજ્ઞ એવી એક અંધકન્યા ફૂલોના ઉદ્યાનમાં-જ્યાં ફૂલોનો કોઈ તોટો જ નથી- નાનકડી ફૂલમાળ લઈને આવે છે ત્યારે કોઈ સાગરમાં લોટો રેડવા આવતું હોય એવું લાગે પણ ઈશ્વરની નજરથી એનો આ નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણની ભાવના શી રીતે છૂપી રહી શકે? આ પ્રેમને ઈશ્વર સાનંદાશ્રુ ચૂમે ને આલિંગે નહીં તો જ નવાઈ…
Permalink
March 9, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ભગવતીકુમાર શર્મા
જીવી જવાય છે હવે માત્ર સરનામામાં :
મળી શકીશ હું તમને
ફાઇવ સેવન ટુ ડબલ નૉટ સિક્સ
ઉપર,
અથવા શોધી કાઢજો મને
ટેલિફોન ડિરેક્ટરીમાંથી.
અજાણ્યા પૉસ્ટમેન અને ટેલિફોન-ઑપરેટર
મારા આત્મીય જનો;
હાજર હોઈશ
હું મારા ફ્લેટના બારણા પરની
નેઈમ-પ્લેટમાં,
મારા હોવા-ન હોવાનો સંકેત આપશે
‘ઇન’ અને ‘આઉટ’ના શબ્દો.
કોતરાઈ ચૂક્યો છું હું
લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં,
છતાંયે હું તમને યાદ ન રહું તો-
આ રહ્યું મારું વિઝિટંગ કાર્ડ;
તાજું જ છપાવ્યું છે !
-ભગવતીકુમાર શર્મા
આજે અત્યાધુનિક ઉપકરણોના પ્રતાપે જ્યારે દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે ત્યારે સંબંધો પણ કેવા સંકોચાઈ ગયા છે એ વિશેનો તીવ્ર કટાક્ષ. આજનો માણસ રૂબરૂમાં ક્યાંય મળતો નથી. એ મળે છે સરનામામાં, ટેલિફોન નંબર, ડિરેક્ટરી, નેઈમ પ્લેટ, લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં…
કવિ એક તરફ પોતાનો ટેલિફોન નંબર આપે છે અને પછી તરત જ પોતાને ડિરેક્ટરીમાંથી શોધી કાઢવા કહે છે. કેમ? કેમ કે કવિને આજના સંબંધની ઉષ્માના ઊંડાણની જાણ છે… કવિને ખાતરી છે કે ટેલિફોન નંબર પણ યાદ રાખી શકે એવો સંબંધ હવે ક્યાંય રહ્યો નથી…
Permalink
March 7, 2012 at 8:09 PM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, રેઇનર મારિયા રિલ્કે
સંગીત: શીલ્પોનો શ્વાસોચ્છવાસ. કદાચ:
ચિત્રોનું મૌન. જ્યાં તું બોલે બધી ભાષાઓ
શમી જાય. તું હૈયાના લય પર ટેકવેલી એક ક્ષણ.
કોના માટેની લાગણી? તું લાગણીનું રૂપાંતર,
પણ શેમાં?: સાંભળી શકાય એવી પ્રકૃતિમાં.
તું એક આગંતુક: સંગીત. તું અમારા હૈયામાંથી
વિકસેલો કોમળ ખૂણો. અમારી અંદરનો સૌથી અવાવરૂ ખૂણો,
જે ઊંચે ઊડીને, બહાર ધસી આવે છે,
– મહાભિનિષ્ક્રમણ.
જ્યારે અંતરતમ બિઁદુ આવીને ઊભું રહે છે
બહાર, બરાબર પડખે જ, વાતાવરણની
બીજી બાજુ થઈને:
નિર્મળ,
અનંત,
જેમાં હવે આપણાથી ન વસી શકાય.
– રેનર મારિયા રિલ્કે
(અનુવાદ: ધવલ શાહ)
સંગીતની વ્યાખ્યા શું? આ સવાલ પર તો સદીઓથી ચિંતન ચાલે છે. મોટા મોટા ચિંતકો અને ફિલસૂફોની વચ્ચે આ નાની કવિતાને પણ આ મહાપ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરવી છે.
પહેલા જ ફકરામાં કવિ સંગીતની ચાર અદભૂત વ્યાખ્યાઓ આપે છે: શીલ્પોનો શ્વાસોચ્છવાસ, ચિત્રોનું મૌન, ભાષાઓ શમી જાય પછીની ભાષા અને હૈયાના લય પર ટેકવેલી ક્ષણ. અહીં જ કાવ્યનો અંત થયો હોત તો પણ કાવ્ય સંપૂર્ણ બનત. પણ આ સામાન્ય કવિતા નથી અને રિલ્કે સામાન્ય કવિ નથી એટલે કવિતા આગળ ચાલે છે.
સંગીતને કવિ લાગણીનું સાંભળી શકાય એવી પ્રકૃતિમાં રૂપાંતર અને હૈયામાં વિકસેલો કોમળ ખૂણો કહે છે. અને સંગીતના બહાર આવવાની ઘટનાને કવિ મહાભિનિષ્ક્રમણ (holy departure) સાથે સરખાવે છે. સંગીત જાણે બહાર આવે ત્યારે એ બધા સાંસારિક બંધનોને તોડીને જ આવે છે. કેટલી ઉમદા કલ્પના !
સંગીત – હ્રદયનું અંતરતમ બિંદુ – જ્યારે બહાર આવે ત્યારે તેને કવિ વાતાવરણની બીજી બાજુ કહે છે. જાણે અત્યાર સુધી હતુ એ બધું જ એક ક્ષણમાં બદલાઈ ગયું. આ વિશ્વ હવે નિર્મળ અને અનંત, સ્વર્ગસમ, જેમાં સામાન્ય જીવોને રહેવું પણ શક્ય નથી.
( મૂળ કવિતા તો જર્મન છે. આ અનુવાદ અંગ્રેજીના આધારે કર્યો છે જે નીચે મૂક્યો છે.)
Permalink
March 5, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
એકલતા હોય છે બરફ જેવી
નહીં બોલાયેલા હરફ જેવી
તમે જેવું રાખો છો વર્તન
– મારા તરફ
– એના જેવી
એકલતા –
મને પૂછશો નહીં એકલતાનો અર્થ :
અર્થ તો શબ્દને હોય છે….
….મારે માટે તમે શબ્દ નથી
મારે માટે તમે છો
તમે નહીં બોલાયેલો હરફ
એકલતા હંમેશા હોય છે-
…..બરફ.
મારી પળેપળનાં દહન, વમળનાં વન… એકલતા !
.
– જગદીશ જોષી
.
.
અહીં aloneness ની વાત નથી, lonliness ની વાત છે.
Permalink
February 29, 2012 at 10:19 PM by ધવલ · Filed under અછાંદસ, યજ્ઞેશ દવે
જ્યારે
તમે બહુ ઊંચે ચડો છો
બહુ ઊતરો છો ઊંડે
ત્યારે
ત્યારે તમે રહી જાવ છો પાછળ
– એકલા
*
તમે ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
પાછળથી એક ટોળું આવે છે
વહી જાય છે દોડતું ધસમસતું પૂરપાટ
તમે ત્યાં જ ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
– એકલા
*
મોડી રાત્રે
એ ઝરૂખામાં ગયો
આકાશમાં એક ચાંદો જ હતો
તેણે કહ્યું
‘આટલી રાત્રે એકલો જાગું છું હું
આટલી રાત્રે હું જ જાગું છું એકલો’
ચાંદાએ કોઈ જ ફરિયાદ ન કરી
*
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ઊંચે ચડાવવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને પાડવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ધરબી દેવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
– યજ્ઞેશ દવે
એકલતાથી બધાને ડર લાગે છે પણ એકલતા આપણા અસ્તિત્વના તાણાવાણામાં વણાયેલી છે. ટોળું થઈને જીવવું એ સમાધાન છે. જ્ઞાનનો રસ્તો એકલતાનો રસ્તો છે. અસ્તિત્વની ધરી – એકાકીપણા – પર ઊભેલા માણસને કંઈ પણ સમજાવાની શક્યાતા છે, બાકી બીજા બધાને ભાગે તો ગોળ ગોળ ફરવાનું જ આવે છે.
Permalink
Page 10 of 19« First«...91011...»Last »