(કશુંક) – કિશોર શાહ
ધખધખતા રણમાં
એક અજાણ્યા કૂવામાંથી
હું તળિયા વગરની ડોલ વડે
કશુંક સીંચું છું
અને પછી
હવાથી મોઢું ધોઈને
આગળ આગળ જાઉં છું.
– કિશોર શાહ
મોઢું શેનાથી ધોયું એ કવિ કહે છે – હવાથી. પણ શું સીંચ્યું એ કવિ કહેતા નથી. તળિયા વગરની ડોલમાં શું હોય ? એનો જવાબ આપણને બધાને ખબર છે. તોય કવિ કહેતા નથી કે શું સીંચ્યું. આખી ઘટના એબ્સર્ડ છે. છતા કવિ એનું વર્ણન કરે છે. પણ આખી ઘટનામાં મુખ્ય વાતનો એટલે કે ‘પાણી’નો ઉલ્લેખ કવિ કરતા નથી.
તો પછી આ કવિતા કહે છે શું ?
આ આશા, શક્યતા અને વિશ્વાસની વાત છે. માણસ આ આખી ઘટનામાંથી પાણીની બાદબાકી કરીને એની જગ્યાએ આશા, શક્યતા અને વિશ્વાસ ભરી દે તો ? – શક્ય છે કે આટલી ક્રિયા માત્રથી પણ માણસને આગળ વધવાની હિંમત મળી જાય. શક્ય છે કે માણસની આટલી હિંમત જોઈને રણને પણ પસીનો પડી જાય 🙂
વિવેક said,
November 3, 2011 @ 1:21 AM
સરસ કવિતા… પણ મને તો રણને પસીનો પડી જવાવાળી વાત વધુ ગમી ગઈ…
pragnaju said,
November 3, 2011 @ 10:29 AM
અછાંદસનો સારો પ્રયાસ
યાદ
ધખધખતા રણમાં પથ્થરની માછલી
મૃગજળમાં તરતી જાય, મારા વાલમા !
કિરણોની નૌકાને લઈને એક આદમી
સમજાય નહીં એવું ગાય,મારા વાલમા !
ચંદ્રને એક કન્યા એવું જુએ
જાણે આભની ઓળખ નહીં હોય,મારા વાલમા !
વૃક્ષને ભૂલી ગણ્યા કરતી એ પાંદડાં
જાણે કોઈ મૂળ નહીં હોય, મારા વાલમા !
વરસાદ ન હોય છતાં છાંટા પડે
અને તડકો પણ ભીનો થાય, મારા વાલમા !
કાંટા ખીલે ને ફૂલો કરમાતાં જાય
આવું બધું કેમ અહીં થાય, મારા વાલમા !
કદાચ
હું તળિયા વગરની ડોલ વડે
કશુંક સીંચું છું
અને પછી
હવાથી મોઢું ધોઈને
આગળ આગળ જાઉં છું.
Rina said,
November 3, 2011 @ 11:02 AM
awesome……
Dhruti Modi said,
November 3, 2011 @ 4:26 PM
સર -સ.
ઍબ્સર્ડ પ્રયોગ ગમ્યો, વિશેષ ગમી પ્રજ્ઞાજુની આપેલી કવિતા-ગીત.
ઊર્મિ said,
November 3, 2011 @ 9:08 PM
રણને પસીનો પડી જવાવાળી વાત મને પણ ખૂબ જ ગમી ગઈ 🙂
indushah said,
November 3, 2011 @ 9:39 PM
સરસ ગઝલ કરતા પ્રતિભાવો ગમ્યા
Anil Shah.Pune said,
October 12, 2020 @ 12:58 AM
ભર બપોરે એક,
તરસ્યાને જોઈ ને,
મને,
દયા આવી,
પણ મારી પાસે કાંઈ નહોતું,
ફક્ત આંસુઓ,
સિવાય…..