શાંત થા ને એક હોડીની હવે ચિંતા ન કર,
એક દરિયો શું કરી શક્શે વલોવાની ક્ષણે ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એરંડો – સિતાંશુ યશશ્ચંદ્ર

આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું,
એરંડો
ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા
ઉગાડી શકું છું ફળની સાથોસાથ,
મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત,
ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી ચીતરેલી છે.

સૂકીભઠ આ જમીનની અંદર
જળ ક્યાં છે
એની મને જાણ છે.

પાણીકળાઓ મારાં મૂળિયાંમાંથી લાકડીઓ બનાવી લે છે.
હાઈડ્રોલિક એન્જિનિયરો મારી પાસે ભણે છે.

પથરાઓ પાણીદાર છે, ધૂળ ને ઢેફાં યે ભીનાશવાળાં છે,
સૂરજે સળગાવી નાખેલા આભમાં ઝાકળજળ ક્યારે આવી પહોંચે છે,
ને આપણી આંખોમાં, એની
રજેરજ માહિતી મારી પાસે ન હોય
તો, તમે શું માનો છો? – હું આમ ટકી રહ્યો હોત
આપણી સમઝણના જોખમી છેવાડે?

સીમાડે ને છેવાડે જે આજે થાય છે
તે આવતી કાલે બગીચાઓમાં ને તુલસીક્યારાઓમાં થવાનું છે,
એ વાત કહેવા માટે હું આપણી ભાષાનો ઉપયોગ કરું છું.

ત્રિકાળજ્ઞાનીઓ વરસે એકવાર મારાં પાંદડા ચાવે છે, આંતરડા સાફ
કરી લે છે, ને પછી સારામાઠા વરતારા કરે છે.

વાણી વાપરવાની એ રીત આપણે ભૂલી ગયાં છીએ,
બલકે ગમતીલી ગફલતોમાં નાખી વાણીવિશારદોએ
એ આવડત સિફતથી સેરવી લેધી છે, આપણી પાસેથી.

“ગુજરાતી ભાષાનું શું થશે? “ – એવું પાછા પૂછે છે
આ વિશારદો.

આબાંવાડિયાં વઢાઈ ચૂક્યાં છે.
બચેલાં પર પાટિયાં લટકે છે: ફોર એક્સપોર્ટ ઓન્લી.
ગામ આખાનાં આંબાવાડિયાં વેચાઈ ચૂક્યાં છે.

જે કંઈ ઊગશે આપણે માટે એ હવે ગામની બહાર ઊગશે,
આપણી ઈચ્છાઓના અંત્યજવાસની જરાક આગળ.

કાંટાળી ડાળીઓ પર ઝૂલતાં રસભર્યાં ફળોનો સ્વાદ
આપણી જીભ એ રીતે જાણે છે
જે રીતે કોશેટાની ઈયળ ઊડવું કેમ એ જાણે છે
આવતી કાલે.

એ આવતી કાલની વાત આપણી બોલીમાં કેમ કરવી,
એ મને આવડે છે.

શીખવી હોય તો શીખવાડું,
મફતમાં,
તે સહેલી છે,

સહજ,
એરંડા જેવી.

એને ક્યાં ઉગાડવો પડે? સાચવવો પડે? સીંચવો પડે?

આફુડો ઊગે, ધરાર ઊગે, નિશ્ચે ઊગે આવતી કાલ જેવો-
જે આજ કરતાં જુદી હોય.

આજ કરતાં અલગ હોય એને જ આવતી કાલ કહેવાયને?

આજના જેવી જ આવતી કાલોની ટેવ આપણને પડી ગઈ છે, ક્યારની.

અજાણી આવતી કાલથી ડરવું શેનું? પતંગિયાથી, પંખીથી, નવજાત બાળકથી?

આજના છેક છેડે ચાલું છું હું, આગળ આગળ, બીજ બનીને, ઊડું છું,
અજાણી, ઉત્તેજિત કરતી, ધારદાર, પાણીદાર,
પિતા જેમ પડકારતી તોય મા જેમ પંપાળતી,
પથરાઓ ને પાણાઓથી ભરી ભરી,
એક આઘેની,
ઘણી આઘેની જગ્યા તરફ;

ચાલોને?

– સિતાંશુ યશશ્ચંદ્ર

કવિ પોતાની જાતને એરંડાના ઝાડ જોડે સરખાવે એ વાત પહેલી નજરે એબ્સર્ડ લાગે. પણ ખરી વાત છે.

કવિ સુંવાળા લોકોનું રમકડું નથી. એ તો સતત બદલાતી, વાસ્તવિક અને કઠોર પરિસ્થિતિમાં ઉછરેલી ઘટના છે. ન તો એને સાચવવાની જરૂર છે (સાચવવું એટલે તો બંધિયાર થઈ જવું) કે ન તો એને સીંચવાની જરૂર છે. (એ તો બીજા પર આધારીત થઈ જવું) સાહિત્યના પરંપરાગત ચોરાની બહાર (‘ગામની બહાર… આપણી  ઈચ્છાઓના અંત્યજવાસની આગળ’) જ કવિને રહેવું ગમે છે.

કવિનો ક્યારો ન કરી શકાય. એરંડો ક્યારામાં ક્યારેય ન માય.

કવિની ખુમારી છે કે  બધાને નવી દિશામાં લઈ જવા છે. આવતી કાલને બિન્ધાસ્ત ગળે લગાડવી છે. બહુ આઘે સુધી જવું છે.

3 Comments »

  1. pragnaju said,

    February 1, 2012 @ 5:07 AM

    ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એમ કવિ માટેકટાક્ષ કરવામા આવે છે તો આ નવો જ અભિગમ ખુમારી
    મસ્ત લાગે છે અને આમેય જોઈ એ તો આ તેલોને બદલે ખાવાને માટે ઉપયોગી ન હોય તેવા અખાદ્ય તેલો જેવા કે કરંજ , લીમડા , મહુડા , એરંડા , ઈત્યાદીમાથી તેલ કાઢી સાબુ ….. ઉજ્જડ વેરાન પ્રદેશમાં પણ ખજૂરી ઊગે ને એ પ્રદેશમાં વસતા લોકોને ખોરાક આપે . જો એવા ઉજ્જડ પ્રદેશોમાં ખજૂરી ન ઊગતી હોત તો ત્યાંના વતનીઓ શું ખાત ? ..
    આજના છેક છેડે ચાલું છું હું, આગળ આગળ, બીજ બનીને, ઊડું છું,
    અજાણી, ઉત્તેજિત કરતી, ધારદાર, પાણીદાર,
    પિતા જેમ પડકારતી તોય મા જેમ પંપાળતી,
    પથરાઓ ને પાણાઓથી ભરી ભરી,
    એક આઘેની,
    ઘણી આઘેની જગ્યા તરફ;

    ચાલોને?
    વાહ્..

  2. Pancham Shukla said,

    February 1, 2012 @ 6:07 AM

    સરસ કાવ્ય.

    ” કવિ સુંવાળા લોકોનું રમકડું નથી ” આ વાત ગમી.

  3. Lata Hirani said,

    February 10, 2012 @ 2:16 AM

    ગમ્યુ…. વિચારપ્રધાન કાવ્ય ગમ્યુ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment