સંબંધમાં હજીપણ એ દાબ રહી ગયા છે.
પીછાં ખરી ગયાં પણ રુઆબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુધીર દેસાઈ

સુધીર દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રાત્રીની આંખોમાં – સુધીર દેસાઈ

મડદાંઓ તરી રહે
રાત્રીની કૂવા જેવી આંખોમાં.

વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય
એમ સામે સ્થિર થઈ જાય રાત્રી.

મૂળાક્ષરો જેવી આ મૃત આંખોમાં
છુપાયેલ અનેક દુનિયાઓ
ઉકેલી નથી શકતો હું એમને.

ક્યારેક પટપટાવી કોઈ આંખ
ઊભો કરે ભ્રમ.
થંભી જાય મારો શ્વાસ.
ને દોડી જાઉં અંદર.

અરીસામાં જોઉં
કૂવા જેવી મારી આંખો
ને એમાં તરી રહેલા મડદાંઓ
હું થઈ જાઉં
સ્થિર.

– સુધીર દેસાઈ

રાત્રી તો વાંક નથી. એ તો પોતાની આંખોનું જ પ્રતિબિંબ છે.

Comments (3)

જમીનમાંથી હાથ જોડીને – સુધીર દેસાઈ

જમીનમાંથી હાથ જોડીને જ બહાર આવે છે બી.
ધીમેધીમે નતમસ્તક થઈને
હાથ ફેલાવીને કરે છે પ્રાર્થના.
એક જ જગ્યાએ સ્થિર રહી
ઋષિની માફક કરે છે તપ.

તપ કરતાં કરતાં વીતે છે
એનો સમય.
એક પછી એક.
અને અચાનક પ્રગટી ઊઠે છે ફૂલ
એક દિવસ.
આખાયે વિશ્વને આવરી લે છે એની સુવાસથી
ઈશ્વરની જેમ.

આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
જોઈએ છીએ
માત્ર જોઈએ છીએ
દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.

– સુધીર દેસાઈ

આંખ ઉઘાડો તો આપણી ચારે તરફ ચમત્કાર છે… ન તો કોઈ બાબા પાસે જવાની જરૂર છે કે ન તો કોઈ ગુરૂ પાસે !

Comments (10)