આનંદની કવિતા – યશવંત વાઘેલા
છંદમાં નહીં કવિતા કરું હું
છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.
મને તો સગી આંખે બધું જ સંભળાય છે.
લયમાં પણ નહીં કવિતા કરું હું
મારી પાસે તો
પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોનો,
એટલે
મારે તો કંડારવી છે,
તારા અવમૂલ્યનની-વિલયની કથા.
ક્યાં છે સમાનતા ?
તે બેસાડું હું પ્રાસ શબ્દનો !
અને સુખનો અનુપ્રાસ તો હજી વાંઝીયો છે.
રૂપ અને આકારની
રચના અને સંરચનાની
વ્યાભિચારી ચર્ચામાં મને રસ નથી.
કારણ કે આ પેટ ખાલી છે.
મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
લાગે છે
હું માણસ થઈ જઈશ
તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
પછી મારે લખવી છે,
છેવાડાના માણસની આનંદની કવિતા.
– યશવંત વાઘેલા
‘દલિત કવિતા’ શીર્ષક સામે મને ગુસ્સો છે પણ આ કવિઓની કવિતામાંથી પસાર થતી વખતે એમની સંવેદના અને તકલીફ મને વધુ ગુસ્સે કરે છે. એકવીસમી સદીમાં પણ હજી આવી સામાજીક વિષમતા? શી રીતે સહી શકાય આવા હાડોહાડ અન્યાયને? હજી કેટલા ગાંધી અને આંબેડકરની આપણને જરૂર પડશે? આ સાચે જ એકવીસમી સદી છે કે એક વસમી સદી છે?
ભૂખનો સાક્ષાત્કાર થયો હોય ત્યારે છંદ-લય, પ્રાસ-અનુપ્રાસના શણગાર ક્યાં કરવા જવાના ભાવ સાથે આવતી આ કવિતા સંપ્રત સમાજની અવ્યવ્સ્થા પર જનોઈવઢ ઘા કરે છે…