નિજાનંદ : આરંભ ક્યાં, અંત ક્યાં? – મેરી ઓલીવર ( ભાવાનુવાદ: ચંદ્રેશ ઠાકોર)
બધું હાથમાં ના જ આવે.
પણ, એમની અનુભૂતિનો લ્હાવો જરૂર માણી શકાય. સતત.
પવન, આકાશમાં ઊડી જતું પંખી, ઈશ્વરનો સંકેત.
એ લ્હાવો એટલે સમયનો સદુપયોગ.
અને પરમ આનંદ, એ નફામાં.
સરકતો સાપ.
કમળના નાનકડા ફૂલની માફક પાણીમાં સંતાકુકડી રમતી
કુદતી માછલી.
વૃક્ષની ટોચેથી પાવા વગાડતા પીળા પાંખાળા પોપટ …
બસ, સવાર સાંજ ઉજવું એમનો અગોચર સ્પર્શ.
જોતો જ રહું. ઉભો રહું ખુલ્લા હાથે
તત્પર, એમને મારા બાહુપાશમાં જકડી લેવા માટે.
આશા સભર, કોઈ અનેરી ભેટ સાંપડશે:
પવનની એક ઘૂમરી,
વૃક્ષદાદાની ડાળી પર લહેરાતાં જૂજ પર્ણો —
એ સઘળા પણ ભાગ ભજવે છે આ રંગમંચ ઉપર.
સાચ્ચે જ, દુનિયામાં બધું જ પ્રાપ્ય છે.
કમસેકમ, હાથવેંતે.
અને ખુબ જ દિલચસ્પ.
ધાનનો બારીકતમ ટુકડો ચપચપ ગળે ઉતારી દેતી
આંખો ચમકાવતી માછલી,
ગૂંચળાંમાંથી વળી ફરી સીધો થતો સાપ,
ફેરફુદરડી ફરતી સોનપરીઓ આકાશના આ છેડે
ઈશ્વરના, નિર્મળ હવાના…
– મેરી ઓલીવર
( ભાવાનુવાદ: ચંદ્રેશ ઠાકોર)
મેરી ઓલિવર એ આધ્યાત્મિક કવિ છે. અને કુદરતના પ્રેમી છે. કુદરત અને ઈશ્વર બંનેને એ એક જ સિક્કાની બે બાજુની જેમ ગાય છે. આખું જાગત એમને ઈશ્વરની સાહેદી પુરતું લાગે છે. દરેક ચીજ એમને ઈશ્વરની નજીક લઈ જતી લાગે છે. કવિનો ઈશ્વર સહજ છે, સર્વવ્યાપી છે, અને અનંત છે.
* * *
મૂળ અંગ્રેજી કવિતા: