કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
હિમલ પંડ્યા ‘પાર્થ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજેન્દ્ર પટેલ

રાજેન્દ્ર પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પંખી – રાજેન્દ્ર પટેલ

ઊડવાની
પહેલી જ પળે
તેણે, નક્કી કરી નાખ્યું હોય છે
ઊતરાણ.

હાડેહાડમાં છુપાયેલાં
હજાર હજાર હલેસાં
તેને ઊડવા હડસેલે.

છતાં, દરેક ફેરે
તેને ઊડવાનો હાંફ.

ગમે તેટલું ઊંચું ઉડે
ધરતી પર પડતો પડછાયો
ના છોડે.

ઊડવાના આવેગમાં
ભુલતું નથી પાંખોનો ભાર
ઊડતું નથી અપરંપાર.

એટલેસ્તો
આભાસી તંતુનો
અનેરો વિચ્છેદ, સર્જાતો નથી.

ને ઊડ્યું હોય છે ક્યારેક
ઘણું ઘણું દૂર
પણ પાછું ફર્યું હોય છે
ત્યારે જ, જ્યાંથી
માંડી હોય છે શરૂઆત.

એક દિવસ તેણે જોયું
ઉતરાણમાં કપાયેલા પતંગમાંથી
કેટલાક બની જતા હોય છે
આકાશ.

તેના પીંછેપીંછામાં
પરસેવાનાં ટીપેટીપાંમાં
ક્ષિતિજો એ પ્રસારી પાંખ.

જેમ વધુ
ઊડવા મથે ઊંચે
તેમ વધુ
પહોચે ઊંડે.

ચડાણ અને ઉતરણ વચ્ચે
એ એટલું રહેસાયું
એટલું રહેસાયું
ઊંચકાયું
સાંગોપાંગ.

-રાજેન્દ્ર પટેલ

ઊડવું જાતમાં ઊંડા ઉતારવાની કશ્મકશના પ્રતીકરૂપ છે. માણસ એટલી વાત સમજે કે કપાયેલો પતંગ આકાશ બની જાય છે, ત્યારે જ એને ખરા અર્થમાં ઊડવાની ગડ બેસે છે.

Comments (4)