ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગજરો – રમેશ પારેખ

(1)

ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !

(2)

ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
          શી ખબર ?
જીવનો ખોબો અમે
          અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…

(3)

જે ખૂણે
ફૂલો વિનાનું પડ્યું હોય ફ્લાવરવાઝ
તે ખૂણો જ
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે !

(4)

ફૂલો તો છે
ગોદડી સાંધવા માટે
– સોયમાં દોરો પરોવવા મથતી
– ઝાંખુડી નજરવાળી
વૃદ્ધ મા જેવાં.
એને પરોવવો હોય છે
મનુષ્યમાં એક ધાગો
ને સાંધવી હોય છે
મનુષ્યની આંખોને
જે બોમ્બ ફૂટ્યા પછી ફાટી ને ફાટી રહી ગઈ છે
પરંતુ
વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?

– રમેશ પારેખ

ચાર જુદા જુદા ભાવ વાળા ‘ફૂલ’ વિષય પરના નાનાકડા, ફૂલ-શા કાવ્યનો સંપૂટ – એને તદ્દન ઉપયુક્ત નામ આપ્યું છે – ગજરો ! ત્રીજા કાવ્યમાં ફૂલ અને ફૂલદાની વિષે એક અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. બે દિવસ પર મૂકેલું ફૂલદાની કાવ્ય આ સંદર્ભમાં જોવા જેવું છે.

Comments (8)

પતંગિયું – મધુકર શ્રોફ

પતંગિયું તો
ભમતું ફૂલે ફૂલે
થઈ ટપાલી.

– મધુકર શ્રોફ

Comments (4)

ફૂલદાની – ગુલાબ દેઢિયા

રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?

– ગુલાબ દેઢિયા

ફૂલદાની સામાન્યત: પ્રસન્નતાના પ્રતિક તરીકે વપરાય છે. હંમેશા ફૂલોથી ભરી ભરી રહેનારી ફૂલદાની સદા પ્રસન્ન જ હોય ને ! પણ કવિ અહીં એના મનની વાત ખંખોળી લાવીને એનું દર્દ છતું કરે છે. ફૂલોનું સૌંદર્ય જોનારાઓ એ વાત ભૂલી જાય છે કે આ તો આવરદા ગુમાવી બેઠેલા ફૂલો છે અને આ ફૂલદાની એમનો આખરી મૂકામ છે. ( સરખાવો : તાજા શાકભાજી )

Comments (8)

નયણાં – વેણીભાઈ પુરોહિત (લયસ્તરો પર ૧૦૦૦મી પોસ્ટ)

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.

જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?

‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાણીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.

અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.

(શ્રી સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)

Comments (27)

વસંત આવ્યો તો છે – અજ્ઞેય (અનુ. શકુન્તલા મહેતા)

ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ
પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
કેટલીક સૂકી નામહીન વેલ
જેમને તે ભૂલ્યો નહિ
બધી એકાએક એક જ લહેરમાં
હરીભરી ઝૂમી ઊઠી
સ્વયંવરા વધૂઓ શી !
વર તો નીરવ રહ્યો
વધૂઓની સખીઓ
ગાઈ ઊઠી.

-અજ્ઞેય
(અનુવાદ: શકુન્તલા મહેતા)

કવિતામાં પહેલા જ શબ્દમાં ‘રાજા’નું ચિત્ર દોરાય છે. રાજાનું આગમન તો કેવું ભપકાદાર હોય! પણ અહીં રાજા આવે છે ધીમા અને દબાયેલા પગલે. (અહીં પગલાંની ગતિ પણ ઓછી છે અને પગલાંમાં વજન પણ નથી, જે કવિતાની ઉદાસીના રંગને ઓર ઘેરો કરી દે છે!) કેમકે એ વસંત છે અને કમનસીબે શહેરમાં પ્રવેશી રહી છે. સિમેન્ટ-ડામરની સંસ્કૃતિએ એનો પરિચય ગુમાવી દીધો છે અને સામા પક્ષે વસંત પણ હવે એના આગમન સાથે આપણને હવે હળવો હરિત આંચકો આપતી નથી. કોઈ ઘાટના (કદાચ ત્યજી દેવાયેલા કેમકે દુઃખી વિશેષણ વપરાયું છે) કોઈ ઢોળાવ પર સ્વયંભૂ ઊગી આવેલી અનામી જંગલી વેલ જોકે વસંતથી હજી પરિચિત છે કેમકે ત્યાં હજી વસંતના આવણાંઓ હરિયાળા નાદમાં ગવાય છે. વસંત ચૂપ રહે છે પણ એનો પ્રભાવ કદી ચૂપ રહેતો નથી… (‘વસંત’ને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બન્ને તરીકે લઈ શકાય એ જાણકારી આજે જ થઈ…)

Comments (4)

છાતી ખોલી જોયું તો ? – ઉશનસ

છાતી ખોલી જોયું, મહીં ખીલા હતા !
યુગો પછી પણ એ ભીના-લીલા હતા !

ક્યાં સમયની છે જરા ઘા પર અસર ?
ત્યારે હતા એમ જ ખૂને ખીલ્યા હતા !

હચમચાવી જોયું તો હું ખુદ હાલ્યો !
એ થયા ક્યાં સ્હેજ પણ ઢીલા હતા ?

બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?
એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.

કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !

આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા ?

– ઉશનસ

Comments (4)

રુબાઈ – ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.

*

ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર,
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર;
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રુયાની જુલ્ફ પર.

*

એમ લાગે છે કે આ કુંજો પણ ખરો પ્રેમી હશે,
કો સનમની રેશમી જુલ્ફોનો એ કેદી હશે;
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે.

*

અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.

-હકીમ ઉમર ખૈયામ નીશાપુરી

ઈસવીસનની અગિયારમી સદીમાં ઈરાનમાં થઈ ગયેલા ઉમર ખૈયામની રુબાઈયાત આજે પણ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં મોખરે સ્થાન પામે છે. એમનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ખૈયામ એમનું તખલ્લુસ. ખૈયામનો એક અર્થ તંબુ સીવનાર પણ થાય છે. (એમના પૂર્વજોનો એ ધંધો હતો). જન્મ ઈરાનના ખોરાસન મુકામે નીશાપુર ગામે. યાદદાસ્ત તીવ્ર. જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વાયુશાસ્ત્રમાં નિષ્ણાત. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે રહ્યા. હિજરી સન ૫૦૬માં પ્રાર્થનાના શબ્દો હોઠ પર રાખીને ૧૦૯ વર્ષની વયે દેહત્યાગ. એમની રુબાઈઓમાં ઈશ્વરીય પ્રેમ અને જીવન જીવવાની ફિલસૂફી સાકી, સનમ, શરાબના પ્રતીકો બનીને ઉપસી આવે છે.

આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે એક તરફ રૂમીની દાર્શનિક રુબાઈઓ માણીએ અને બીજી તરફ ખૈયામની પ્રણયોર્મિથી ચકચૂર રુબાઈઓનો ગુલાલ પણ કરીએ. શૂન્ય પાલનપુરીએ એમની રુબાઈઓના કરેલા અનુવાદ વિશે એવું પણ કહેવાય છે કે જો ઉમર ખૈયામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાઈઓ શૂન્યને જ અર્પણ કરી દે.

Comments (5)

રુબાઈઓ – રૂમી (અનુ. સુરેશ દલાલ)

અગ્નિથી જ ઝાળ લાગે એવું નથી હોતું.
જ્યારે તું એકાએક મારે બારણેથી
ચાલ્યો જાય છે ત્યારે
મને ઝાળ લાગે છે.
જ્યારે તું આવવાનું વચન આપે છે
અને આવતો નથી
ત્યારે હું એકલવાયી અને ઠંડીગાર થઈ જાઉં છું.
હિમ પાનખરમાં જ દેખાય એવું નથી.

*

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

*

તારા હૃદયથી
મારા હૃદય સુધીનો એક રસ્તો છે
અને મારું હૃદય એ જાણે છે,
કારણ કે એ જળ જેવું સ્વચ્છ અને શુદ્ધ છે.
જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય
ત્યારે જ એ ચંદ્રને જોઈ શકે, ઝીલી શકે.

*

તારા ઉઘાડા પગ જ્યાં ચાલે છે
ત્યાં મારે પહોંચવું છે,
કારણ એવું પણ બને
કે તું પગ મૂકે એ પહેલાં
જમીનને જુએ પણ ખરો.
મને જોઈએ છે એ આશીર્વાદ.

*

તારે માટે મને જે પ્રેમ છે
એમાં જ હું આ રીતે મરીશ.
જેમ વાદળોના ટુકડાઓ
સૂર્યપ્રકાશમાં ઓગળી જાય, એમ.

*

પ્રેમ,
એક એવી જ્વાળા છે
કે જ્યારે એ પ્રકટે છે
ત્યારે બધું જ બાળી નાખે છે.
કેવળ રહે છે ઈશ્વર.

– મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી
(અનુવાદ: સુરેશ દલાલ)

તેરમી સદીના પર્શિયન ભાષાના સૂફી કવિ મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી સાચા અર્થમાં કવિતા જીવી ગયા, કવિ હોવાના અહેસાસના કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. શ્રી સુરેશ દલાલ “હું તો तमने પ્રેમ કરું છું” નામના અદભુત પુસ્તકરૂપે એમની રુબાઈઓનો અમૂલ્ય અનુવાદ આપણા માટે લઈ આવ્યા છે. આ પુસ્તક પ્રગટ થયાના પાંચ વર્ષ મોડું કેમ હાથમાં આવ્યું એનો જ વસવસો છે…

આજે ‘વેલેન્ટાઈન ડે’ના અવસર પર ‘લયસ્તરો’ના પ્રેમીઓ માટે મહાસાગરના કયા મોતીઓ -રુબાઈઓ- પસંદ કરવા અને કયા છોડવા એ જાણે પ્રાણપ્રશ્ન બની ગયો. નાની-નાની રુબાઈઓના સ્વરૂપે અહીં ચારે તરફ ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો ભર્યો પડ્યો છે. આ રુબાઈઓ જેટલી સરળ ભાસે છે, એટલી જ અર્થગહન છે. એને પોતપોતીકી સમજણ મુજબ જ મમળાવીએ…

(રૂમી: જન્મ: ૩૦-૦૯-૧૨૦૭, બાલ્ખ, અફઘાનિસ્તાન ~ મૃત્યુ: ૧૭-૧૨-૧૨૭૩, કોન્યા, તુર્કી)

Comments (3)

મુક્તક – મરીઝ

દુ:ખદર્દની તદબીર દિલાસા ન થયા,
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા;
વધતો નથી આભાસ હકીકતથી કદી,
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબાં ન થયા.

– મરીઝ

(તદબીર=પેરવી, ઉકેલ)

Comments (2)

એક ઘડી – નિરંજન ભગત

પરિપૂર્ણ  પ્રણયની  એક  ઘડી, 
                જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.

એના  સહજ  સરલ  સૌ  પ્રાસ,
જાણે      જમુનાતટનો   રાસ;
એનો    અનંતને   પટ   વાસ,
                અણજાણ વિના આયાસ જડી.

એનો   એક   જ   અંતરભાવ,
બસ   ‘તુહિ, તુહિ’નો    લ્હાવ,
એ  તો રટણ રટે : પ્રિય આવ,
                આવ, આવ અંતરા જેમ ચડી !

 – નિરંજન ભગત

છંદ અને લય પર સંપૂર્ણ હથોટીની સાબિતિ જેવી રચના. સરળ માળખામાં સામાન્ય શબ્દોની પૂર્તિ કરી એને એક અસામાન્ય રચના કેવી રીતે બનાવાય એનું સરસ ઉદાહરણ. આ ગીત એક વાર હોઠ પર ચડે પછી ઉતારવું મુશ્કેલ બને.

Comments (2)

એવું એકાદ કોઈ ગામ હોય ! -કરસનદાસ લુહાર

એવું એકાદ કોઈ ગામ હોય…!
.           ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
.             અને નક્શામાં જેનું ના નામ હોય !

સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
.                    સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
.                    હાજરાહજૂર આપોઆપ !
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
.                  સૂરજની ખોજ અવિરામ હોય !
.                    એવું એકાદ કોઈ ગામ હોય !

ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
.              ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
.                  ત્રાટકતું હોય કોઈ હેલીએ !
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
.               જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
.                      એવું એકાદ કોઈ ગામ હોય !

-કરસનદાસ લુહાર

ક્યાંય શું બચ્યું છે આવું એકાદું ગામ હજી? ચીંધી શકાય એવી દિશામાં ન હોય અને નક્શામાં કશો ઉલ્લેખ પણ ન હોય એવી વાત કરીને કવિ કયા ગામની વાત કરી રહ્યા છે? ચર્ચાને અવકાશ આપીએ…?

Comments (7)

ગઝલ – દિવ્યા મોદી


(ખાસ ‘લયસ્તરો’ માટે દિવ્યા મોદીએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)

જાત સાથે ગુફ્તગૂ કરવી  હતી,
એક સુંદર  શાયરી કરવી  હતી.

એટલે તો મનભરી  ચાહ્યો તને,
કાળજાની  કાળજી  કરવી  હતી.

પ્રેમના  કારણ કદી  પૂછો નહીં,
જિંદગીભર  બંદગી કરવી હતી.

છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને  મારે  પરત કરવી હતી.

ડૂબતા  આ  સૂર્યને  રોકો  જરી,
સાંજને  વાતો  હજી કરવી હતી.

-દિવ્યા મોદી

દિવસનું પાનું ઊઘડે અને હોવાપણાંના સૂર્યના પહેલા કિરણને પુષ્પની મસૃણ પાંખડીઓ પરથી ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ પીવાની ઈચ્છા થાય ત્યારે આવી ગઝલ કવિના અસ્તિત્વમાંથી ઝરે છે. પછી તમે આ આખી વાતને જાત સાથેની ગુફ્તેગૂ કહો યા ગઝલની શાબ્દિક વ્યાખ્યા- જાત સાથે વાર્તાલાપ-કહો એ તમારા ઉપર છે. કોઈ કહેશે કે કોઈ કોઈને શા માટે આટઆટલું ચાહે છે? પ્રેમ એટલે પોતાનું હૈયું અને પ્રિયતમ એટલે એનાથી જ ત્વન્મય થતી પોતાની જાત જ નહીં? પ્રેમની કેવી સચોટ અને સરળ વ્યાખ્યા કવયિત્રી અહીં લઈ આવ્યા છે? મનભરીને કોઈને ચાહવાનું ખરું કારણ તો પોતાના જ કાળજાની કાળજી કરવાનું છે. કાળજા સાથે કાળજી શબ્દનો વિનિયોગ અહીં કવયિત્રીની સજ્જતાનું સવિશેષ પ્રમાણ પણ બની રહે છે.

દિવ્યા મોદી સુરત શહેરની ગઝલોનું આવતીકાલનું અજવાળું છે… એની પાસે હજી ઘણી વાતો બાકી છે એટલે એ આજના ડૂબતા સૂર્યને પણ રોકી રાખવા ઈચ્છે છે… દિવ્યાને લયસ્તરો તરફથી અંતરંગ શુભેચ્છાઓ…

Comments (28)

અનુભૂતિ – એષા દાદાવાલા

કોઈ માના પેટમાં,
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!

-એષા દાદાવાલા

એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું?

Comments (25)

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.એ બે ડઝનથી વધુ હળવા મિજાજના ‘છોકરા-છોકરી ગીતો‘ લખ્યા છે જે બધા ઊર્મિ અને લયના નાવીન્યના કારણે સ્મરણીય બની રહ્યા છે. સાવ હળવા હલકાફુલકા મિજાજનું આ કાવ્ય વાંચીએ ત્યારે અહીં કોઈ કવિતા છે કે નહીં એવો પ્રશ્ન ઉદભવી શકે. પણ ર.પા. જેવો સજાગ કવિ કોઈ કાવ્ય અકારણ લખે એ વાત સહેલાઈથી ગળે ન ઉતરે એટલે આજે અહીં યથાશક્તિ આ સાવ સહેલાસટ્ટ ગીતનો તાગ મેળવવાનો ઈરાદો છે.

કવિતાનું શીર્ષક એ કવિતામાં પ્રવેશવાનો દરવાજો છે. અહીં એક છોકરો અને એક છોકરી એટલું વાંચતા એટલું સમજાઈ જાય છે કે આ પ્રણયોર્મિનું ગીત છે. પણ કવિએ પછી કંઈક બીજું કહીને પ્રશ્નાર્થ કેમ મૂક્યો હશે? આ પ્રશ્ન ચિહ્ન શું ઈશારો છે ભાવક માટે કે અહીં એક છોકરો અને એક છોકરીથી આગળ કંઈક બીજું પણ છે જે વળી મોઘમ રહેવાનું છે? અને આ ઘનમૂલક નિશાનીઓ… પ્રેમની વાત હોય ત્યાં તો કાયમ સરવાળો જ હોય ને! બાદબાકી કે ભાગાકાર હોય એ સંબંધને પ્રેમ શું કહી શકાય? શીર્ષક રચનામાં બે વાર સરવાળા કરીને કવિ પ્રેમના ઉંબરે આપણે આવી ઊભા હોવાના અહેસાસને વળી બેવડાવે છે…

ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય, જ્યારે હોઠેથી વાગતી સીટી ઝૂલી શકાય એવો હિંચકો બની જાય છે ! સાવધ રહીએ… અહીં છોકરીની છેડતી કરનાર કોઈ રૉડ-સાઈડ રૉમિયોની વાત નથી. કાવ્યનાયક હિંમતવાન છે. સીટી વગાડીને એ પૂંઠ ફરી જતો નથી પણ પોતાના પ્રેમની દોર પર હિંચવા એ નાયિકાને ખુલ્લું આહ્વાન આપે છે જે ગીતને હલકું બનતું અટકાવે છે.

પ્રેમ એટલે સોનેરી સપનાં જોવાની ઉંમર. છોકરો પોતાના સોનેરી સપનાંમાં છોકરીને ભાગીદાર બનાવવા ઈચ્છે છે એટલે સપનાંઓને ફંફોસીને ખાસ એવા સોને મઢેલ શોણલાં કાઢે છે જે પાછાં ચોકલેટ જેવાં ગળચટ્ટા પણ હોય… અને છોકરીએ પણ હિંચકે ઝૂલી જ લીધું છે એની પ્રતીતિ પણ તુર્ત જ થઈ આવે છે. અહીં વાર્તાલાપ ખરો પણ એને શબ્દોનો ટેકો નથી… છોકરી પણ બોલવા માટે આંખોનો જ સહારો લે છે. પણ દુનિયાનો ડર હજી હૈયેથી ગયો નહીં હોય એટલે કવિ ગભરું સસલીઓના ટોળાંનો ઉલ્લેખ કરી કાકુ સાધે છે અને સ્વભાવિક રીતે જે સંકેતો આંખમાંથી ફેંકાય એ આષાઢી જ હોવાના. અને આવા નેહભીનાં નિમંત્રણ મળે પછી માણસ ચકરાવે ન ચડી જાય તો જ નવાઈ… પ્રેમમાં પડતા પહેલાં જે સીધોસટ ગણાતો હશે એ છોકરાને આ ચકરાવાઓમાંથી હવે કોણ બચાવે ?

કાચી વયના પ્રેમમાં છોકરીઓને ક્યારેક છોકરાંઓની ભાવના સાથે રમી લેવાનોય આનંદ હોય છે. પહેલી પંક્તિમાં કવિ છોકરીને આ છોકરાના પ્રેમની કંઈ પડી જ ન હોય એવો ઉપાલંભ કરી જાણે મફતનું ઝૂલી લીધું હોય એવો ભાસ કરે છે પણ વળતી જ કડીમાં એમાં યોગ્ય સુધારો પણ કરે છે. છોકરી પણ અહીં સંડોવાયેલી જ છે અને એટલે જ એને પણ ઘરે જતાં મોડું થાય છે. આ ઊભો થતો ભાસ અને તુર્ત જ આવતો યુ-ટર્ન જ કદાચ આ ગીતમાં કવિતાને સિદ્ધ કરે છે. પછી પ્રેમમાં પડેલો છોકરો જે કંઈ કરે છે એમાં શું કંઈ નવું છે? અને એ પછી શું થયું એ તો કવિ કહેતા જ નથી… એ તો કંઈક બીજું કહી પ્રશ્ન મૂકી ખસી જવામાં જ માને છે…

છોકરા-છોકરીનો ક્ષણાર્ધ માટે કદાચ ગામની ભાગોળે સામ-સામા થવાનો આવો પ્રસંગ તો કેટલો સામાન્ય છે ! સાવ સીધી ભાષામાં લખાયેલું આ નાનકડું પ્રસંગ-ગીત એવી સંજિદી હળવાશથી લખાયું છે કે વાંચતી વખતે એક આખું ભાવ-ચિત્ર આંખ સામે ઊભું થઈ જાય છે. એક પણ પીંછી કે એકપણ રંગ વાપર્યા વિના આખેઆખું ચિત્ર માત્ર શબ્દ અને લયના જોરે કેટલા કવિઓ દોરી શક્તા હશે, કહો જોઈએ?

Comments (17)

(એક પછી એક ખૂલે) – સંદીપ ભાટિયા

નાળિયેરીના પાનની નીચે સાંજબદામી સૂરજ ઝૂલે,
દૂરથી પવન જેમ ઊછળતી આવતી તને જોઈને
મારા વગડાઉ ફૂલ જેમ રૂંવાડા એક પછી એક ખૂલે.

મન જાણે છે કેટલી થઈ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.

સઢ ફુલાવી આવતી તને જોઈ ખારવો દરિયાકાંઠે
દરિયાથી થઈ સાવ અજાણ્યો ડૂબવું ભૂલે તરવું ભૂલે

ગણ્યાં પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
ને ગણ્યા રેતના બધાય કણ,
ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ
નેજવું થ્યો એક જણ.

પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
ને રીસનાં તીરને કામઠાં ભૂલે.

– સંદીપ ભાટિયા

ગીત થોડું અટપટું છે. પણ બે-ત્રણ વાર વાંચો તો તમને ખ્યાલ આવે કે કવિએ અર્થની કેવી સરસ ગૂંથણી કરી છે. વગડાઉ ફૂલની જેમ રૂંવાડા એક પછી એક ખૂલવાની તો કલ્પના જ કેટલી રોમાંચક છે ! એટલી જ તાજી વાત કવિએ નેજવું થ્યો એક જણમાં પણ કરી છે. આગળ મૂકેલું, આપણા શ્રેષ્ઠ પ્રેમગીતોમાંથી એક એવું, ભીંજાવું ચડ્યું ટલ્લે પણ સાથે જોશો. કવિએ ગીતને કોઈ નામ નથી આપ્યું, એટલે મેં પસંદ કરેલું નામ અહીં કૌંસમાં મૂકેલ છે.

Comments (5)

નગર એટલે – શ્રીકાંત માહુલીકર

નગર એટલે
ખાલીખમ અવરજવરનો જ્વર,
આંધળીભીંત ભીંતોની ભૂલભૂલામણી,
લૂલી દીવાલોની ધક્કામુક્કી,
લંગડા રસ્તાઓની રઝળપાટ,
કોલાહલોની કિલ્લેબંધી,
લોહિયાળ લાલસાઓનું લાક્ષાગૃહ,
ખંડેરોની જાહોજલાલી,
રંગબેરંગી વાસનાઓનું એક્વેરિયમ,
મરેલા માણસોને વહી જતાં
જીવતાં વહાનોની જીવલેણ રેસ,
સંપૂર્ણ શૂન્યનો અસંપૂર્ણ સરવાળો,
બધાની બધામાંથી બાદબાકી,
બાબરા ભૂતની એકસરખી
યાંત્રિક ચડઊતર,
પડછાયાની ભૂતાવળ અને
ભૂતાવળના પડછાયા,
સમણાઓનું સ્મશાનગૃહ,
કો નિષ્ઠુર માછીમારે સંકેલી લીધેલી
તરફડતી દુર્ગંધ મારતી
માછલીઓથી ભરેલી જંગી જાળ,
કો અતૃપ્ત વેશ્યાએ
ઘરાકને ભાંડેલી ગંદી ગાળ.

– શ્રીકાંત માહુલીકર

Comments (5)

ગઝલે સુરત (કડી-૨)

ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…

શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા

રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક

બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ

આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ

ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ

હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા

વધુ આગળ વાંચો…

Comments (16)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ગઝલ – દીના શાહ

ફૂલ  કેવાં  પરગજુ  થઈ જાય  છે,
મ્હેંકની  સાથે  રજૂ  થઈ જાય  છે.

તું  જ  મારી  બંદગી,  ને તું ખુદા,
જોઉં  છું જ્યારે વજૂ થઈ જાય છે.

ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું  એ ગજું થઈ જાય છે ?

જિંદગી  તેં  કેટલા  જખ્મો દીધા !
લાગણી તો પણ હજુ થઈ જાય છે.

એક  નક્શો  પ્રેમનો  છે  દોસ્તો !
યાદ  કોર્યું  કાળજું  થઈ  જાય છે.

પ્હાડ પર પાણીને જોઈ  થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ  જાય છે !

-દીના શાહ

વ્યવસાયે સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ દીના શાહ જે કાબેલિયતથી ઈશ્વરની હયાતિના હસ્તાક્ષરને પૃથ્વી પર અવતારવાનું નિમિત્ત બને છે એ જ કુશળતાથી શબ્દોની પ્રસુતિ કરાવી કવિતા પણ અવતારી શકે છે. આ ગઝલના એક-એક શેર એનું પ્રમાણ બને છે. પ્રેમની ઉત્કટતા શું હોય છે એ જાણવા માટે બીજા શેર પર નજર કરો. પ્રિય પાત્રને ખુદા અને બંદગી કહેનારા શેર તો ઘણા આવી ગયા પણ અહીં જે અભિવ્યક્તિનું નાવીન્ય અને મૌલિક્તા છે એ અભૂતપૂર્વ છે. આપણા જીવનમાં શેનું મૂલ્ય વધુ ગણી શકાય? મંઝિલનું કે રસ્તાનું? મને લાગે છે જે મજા સફરમાં છે એ એના અંતમાં તો નથી જ. ઈશ્વરપ્રાપ્તિ એ મંઝિલ ખરી પણ પૂજા અને તપશ્ચર્યા વધુ સરાહનીય નથી? સાક્ષાત્ ઈશ્વર મળે એનાથી ય મોટી વાત છે આપણી જાતને આપણે ઈશ્વરપ્રાપ્તિ માટે તૈયાર કરીએ. માંહ્યલાને ધોઈને સાફ કરવો એ કદાચ વધુ અગત્યનું છે… અહીં પ્રિયપાત્રને આગળ ધરીને કવયિત્રી કેવી મોટી વાત કહી દે છે ! તું ઈશ્વર પણ ખરો અને તું મારી પૂજા પણ ખરો… પણ તું ખરેખર તો એનાથીય વિશેષ છે. તું નજરે ચડે એટલામાત્રથી જ વજૂ થઈ જાય છે… હું અંદર-બહારથી સાફ થઈ જાઉં છું !

(વજૂ=નમાજ પઢતા પહેલાં હાથ-પગ-મોં ધોઈ જાતને સાફ કરવાની ક્રિયા)

Comments (29)

કબૂલ મને – હનીફ સાહિલ

કોઈ પણ  હો  ડગર કબૂલ મને,
એની  સાથે  સફર   કબૂલ મને.

એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ  હો  કે  સહર  કબૂલ મને.

કોઈ પણ  સ્થાન તને મળવાનું
કોઈ  પણ  હો પ્રહર કબૂલ મને.

તારી  ખુશ્બૂ  લઈને   આવે  જે
એ  પવનની  લહર કબૂલ મને.

જે  નશાનો  ન  હો  ઉતાર કોઈ
એ  નશીલી  નજર  કબૂલ મને.

ખૂબ  જીવ્યો  છું  રોશનીમાં   હું
આ તિમિરતમ કબર કબૂલ મને.

જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ  પ્રલંબિત  સફર  કબૂલ મને.

-હનીફ સાહિલ

નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની  વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે?  પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?

Comments (29)

નાખી છે – મરીઝ

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

– મરીઝ

Comments (1)

હતી – હરકિસન જોષી

હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી

નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી

છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી

– હરકિસન જોષી

રીઢા થઈ ગયેલા કલ્પનોને સહેજ ઊલટાવીને કવિ આ ગઝલમાં વૈચારિક તાજગી ભરી દે છે. આગ તો છુટ્ટી હતી… એ શેર સૌથી વધારે ચોટદાર થયો છે. કોઈને આ ગઝલના વધારે શેર ખબર હોય તો જણાવજો.

Comments (9)

વૃક્ષો અને પંખીઓ – થોભણ પરમાર

કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં અમને એકલા જોઈને
સ્વાભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહુ ઊંડા ઊતરતાં નથી.
ઘર પાછળના વાડામાં જઈને
તેમને –
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.

– થોભણ પરમાર

Comments (8)

ગઝલ – ગુણવંત ઉપાધ્યાય

તમારા     શહેરની     આબોહવામાં
સતત  છું  વ્યસ્ત  આંસુ  લૂછવામાં.

તમારી  વ્યગ્રતા   વધવાનું  કારણ
તમે  નિર્મમ  છો સરહદ આંકવામાં.

સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ
તમોને  રસ  ફકત  છે   તોડવામાં.

પ્રયત્નો  લાખ  એળે  જઈ  રહ્યા  છે
તમારા   મન   સુધી   પહોંચવામાં.

તમારી   જાતમાં   જાતે    સમાઉં
પછી  આગળ  કશું  શું બોલવાનાં ?

– ગુણવંત ઉપાધ્યાય

Comments (1)

પંખાળા દેશમાં – બંકિમ રાવલ

હવે ચોઘડિયાં જોઈને શું ફાયદો ?
પળના પ્રવાહમાં દઈ દે છલાંગ
.                  મેલ કાતરિયે વચકો ને વાયદો

થીજે કે ઓગળે આંસુના પ્હાડ
.                  પેલા સૂરજને ક્યાં એનું ભાન છે?
સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય
.                  પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે.
હું-પદની પાલખી ઊતરીને ચાલ
.                  ખરો મારગ છે સાવ જ અલાયદો.

વિસ્મયની કેડીએ વગડામાં ઘૂમીએ
.                  સૂનમૂન કો’ વાવ જરા ડ્હોળિયે
ઊડતી કો’ સારસીના લયના ઉજાસમાં
.                  ગૂંચો આ શ્વાસની ઉખેળિયે
પંખાળા દેશમાં કોને છે પાળવો
.                  પગપાળા જાતરાનો કાયદો !

– બંકિમ રાવલ

લય મજાનો છે કે અર્થ ચોટદાર છે એ નક્કી કરવામાં દ્વિધા અનુભવાય ત્યારે જાણવું કે ગીત પાણીદાર થયું છે. ચોઘડિયાં જોઈને જીવન વીતાવતા નસીબજીવી માણસોને કવિ પળના પ્રવાહમાં ઝંપલાવવાનું આહ્વાન આપી આગળ વધે છે. આખું ગીત લયબદ્ધરીતે સોંસરું નીકળી જાય છે. શકુંતલાની વીંટી જળમાં સરકી જતાં દુષ્યંતને એનું વિસ્મરણ થઈ ગયું હતું એ વાતનો તંતુ પકડીને કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાની પંગતમાં બેસી શકે એવી પાણીદાર પંક્તિ લઈ આવે છે: સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે. શબ્દોને અર્થની પાંખો પહેરાવીને કવિ પગપાળા જાતરા કરવાના કાયદાનો સ-વિનય કાનૂનભંગ કરે છે અને આપણને મળે છે લાંબા સમય સુધી ભીતર ગુંજતી રહે એવી કૃતિ…

Comments (7)

આવો – જયન્ત પાઠક

ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.

નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.

પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.

આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.

પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.

-જયન્ત પાઠક

આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…

(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)

Comments (6)

ગઝલ – બરકત વિરાણી ‘બેફામ’

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

– બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની એક સદાબહાર ગઝલ… સમયની એરણ પર સાબિત થયેલું આપણી ભાષાનું આ નરવું મોતી ‘લયસ્તરો’ના ખજાનામાં હતું જ નહીં. એટલે આજે…

Comments (15)

થઈ ગયું છે – રતિલાલ ‘અનિલ’

અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.

હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.

છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.

‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.

– રતિલાલ ‘અનિલ’

વહી ગયેલી પેઢીના ગઝલકારની આવનારી પેઢીને પ્રેરણા આપે એવી ગઝલ. એક એક નમૂનેદાર, અર્થ-નકશીથી શોભતા શેર તો જરા જુવો ! આ ગઝલના ભાવજગતને વર્ણવવા જાવ તો detached existance, emotional fatigue, burden of being, realization of nothingness અને metaphysical crisis જેવા – કાફકા અને સાત્રના – શબ્દો મગજમાં આવે છે. માણસ કેવી સ્થિતિએ પહોંચતો હશે કે જ્યારે કહે કે મધ્યાહ્ન …મૂગી તરજ થઈ ગયું છે ! તડકાના કેનવાસ પર કોયલ ચિતરવાનું કામ તો સૌંદર્યના સર્જનનું કામ છે – પણ એને માટે ય કવિ કહે છે – આ બધુ કામ ફરજ થઈ ગયું છે. થાક અને એકરાગિતા જબજસ્ત ઘેરી વળે તો જ મોઢે અસ્તિત્વના કરજ થઈ જવાની વાત આવે. છેલ્લા શેરમાં કવિ આ આંતરિક એકલતામાંથી ઉપજતા લાભની વાત કરે છે. કવિ જે ‘મૌન’ની વાત કરે છે એ કાળું, અંધકારમય, એકલાપણાનુ મૌન નથી – એ તો છે તડકા જેવું પ્રકાશમય મૌન. એવું મૌન જે અંતરમનને સમજવા માટે સૌથી સબળ સાધન બની રહે છે.

Comments (4)

એક ઘડી હું તારી રે – પુનશી શાહ ‘રંજનમ’

સાઠ ઘડી હું ગોપાલકની
         એક ઘડી હું તારી રે,
શ્યામમુરારિ
           એક ઘડી હું તારી,

સાંવરિયા, મૈં ભટકી દિનભર,
વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,
રાત થતાં ઈહલોક થકી પર,

માધવ ગિરિધર
       લીન તુંમાં બનનારી રે,
શ્યામમુરારી
         એક ઘડી હું તારી રે ! 

– પુનશી શાહ ‘રંજનમ’

મીરાં-ભાવે લખેલું ગોપીગીત. નિતાંત મીઠું. રસાળ. ફરી ફરી ગવાયા કરે એવું. પુનશી શાહના ગીતોનો આ મારો પહેલો પરિચય છે. એમની વધુ રચનાઓ શોધવી પડશે. સાથે જુવો : મેરે પિયા

Comments (1)

હવે હું… – પ્રિયકાંત મણિયાર

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

– પ્રિયકાંત મણિયાર

બે પંક્તિમાં કવિએ કેટલું બધું કહી દીધું છે ! આંસુ આવવા એ આત્માના મ્હોરવાનો પ્રસંગ છે. દુ:ખ બહુ પ્રેમપૂર્વક મનને દુનિયા નવી દ્રષ્ટિથી જોતા શીખવાડે છે. એનો તો બોજ કાંઈ ગણાય !… હું આના પર બેસીને લાંબોલચક વિચારવિસ્તાર કરવાનું રહેવા દઉ એ જ ઊચિત છે કારણ કે અર્થની ખણખોદ ન કરો તો પણ આ પંક્તિઓમાં અજબ મોહક સૌંદર્ય છે. પંક્તિઓના સ્મૃતિમાં અમર થઈ જવા માટે એટલું જ પૂરતું છે !

Comments (3)

તાજા શાકભાજી – ક્રિસ્ટીન બર્કી-એબટ

સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.

પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.

એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.

જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.

– ક્રિસ્ટીન બર્કી-એબટ

શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?

Comments (5)

મનને કહ્યું (Dark Poem) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સૂરજને   કહ્યું   ઊગ,   સૂરજ   ઊગી   ગયો
ચન્દ્રને  કહ્યું  આથમ,  ચન્દ્ર  આથમી   ગયો
ફૂલને    કહ્યું    ખીલ,    ફૂલ    ખીલી    રહ્યું
પવનને   કહ્યું   વા,   પવન  વાવા  લાગ્યો.
સમુદ્રને   કહ્યું   ગરજ,   સમુદ્ર  ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ,  આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ,  મન  દુઃખી દુઃખી થઈ ગયું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!

Comments (16)

ગઝલ – રિષભ મહેતા

ભરઉનાળે પણ થયો વરસાદમય
હું સ્વયં શ્રાવણ છું તારી યાદમય !

હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !

જ્યાં હણાયું ક્રૌંચ હું તે વૃક્ષ છું
હું રહું તો શી રીતે સંવાદમય ?!

સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
કર્ણ છું; રહેવાનો હું વિવાદમય

કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
હું હજી છું એટલે વિષાદમય !

વાંસળીની જેમ કોરાવું પડે
હોય જો રહેવું તમારે નાદમય.

-રિષભ મહેતા

આ સ્વયંમુખરિત ગઝલનું સૌંદર્ય કશા જ ઉપોદઘાત વિના જ માણીએ તો ?

Comments (12)

ગઝલ – નૈસર્ગી મુસળે (ઉંમર- નવ વર્ષ)

આવો આવો આવો રમીએ,
પંખી સાથે વાતો કરીએ.

વૃક્ષો કંઈ કહેવા માગે છે,
કાન દઈ એને સાંભળીએ.

ફૂલોના ખોળામાં જઈએ
પંખીના ટોળામાં જઈએ.

ગંગા ખળખળ વહેતી જાતી
એનું થોડું પાણી લઈએ.

ઘાસ ઊગી નીકળ્યું છે જ્યાં-ત્યાં
ચાલો ઝટપટ કાપી લઈએ.

પંખીઓ તો જાતે ઊડશે
એને જાતે ઊડવા દઈએ.

-નૈસર્ગી મુસળે

પાંચમા ધોરણમાં ભણતી વડોદરાની માત્ર નવ વર્ષની બાળકી નૈસર્ગી મુસળેને કવિતા વારસામાં મળી છે. લબ્ધપ્રતિષ્ઠ કવિ મકરંદ મુસળેની પુત્રીની આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે. જ્યાં મોટા-મોટા દિગ્ગજો સહેલાઈથી આઝાદીનું નામ લઈ પાતળી ગલી કાઢી લેતા હોય છે ત્યાં આ બાળાની આખી ગઝલમાં છંદની પણ કોઈ ભૂલ નથી એ શું પોતે જ એક સિદ્ધિ નથી?

અહીં બધા જ શેર સરળ હોવા છતાં થોડું ઊંડે ડોકિયું કરીએ તો ગહન અર્થચ્છાયા પણ અવશ્ય વર્તાય. નવ વર્ષની છોકરી આવું અર્થગહન વિચારી શકે કે કેમ એ વિચારવાને બદલે ગઝલને શુદ્ધ કવિતા તરીકે પ્રમાણીએ તો સહેજે આશ્ચર્ય થાય. ખળખળ વહેતી ગંગામાંથી ‘થોડું’ પાણી લેવાની વાત… અહીં પહેલી નજરે સાવ સરળ ભાસતો શેર ‘થોડું’ શબ્દ ઉમેરાતાની સાથે કાવ્યત્વ પામે છે. સમષ્ટિમાંથી જરૂર મુજબનું ચાંગળું લઈ બાકીનું બીજા માટે વહેતું છોડી દઈએ તો આપણી અડધી સમસ્યાઓ ટળી જાય.

અને છેલ્લે છેલ્લા શેર પર પણ એક નજર માંડીએ. બાળકોને કારકિર્દી-ભૂખ્યા બનાવીને આપણે અજાણતાં જ એમની પાંખ કાપી લેતા હોઈએ છીએ. દરેક મા-બાપ એમ જ ઈચ્છે છે કે મારું બાળક સુપર-બાળક બને, સર્વશ્રેષ્ઠ બને. અને સતત હરિફાઈની આગમાં ઝોંકી-ઝોંકીને આપણે એમનું બાળપણ છીનવી લઈએ છીએ. પોતાની અધૂરી મહત્ત્વકાંક્ષાઓનો બોજો નાના ખભાઓ પર લાદી દેતા મા-બાપો માટે આ શેર અખાના છપ્પાના ચાબખા સમાન છે. પંખીને ઊડવું શીખવવું પડતું નથી હોતું. એને એના પોતાના આકાશમાં એની મરજી મુજબનું ઉડ્ડયન કરવા દઈએ એજ સાચું વડીલપણું છે.

નૈસર્ગી મુસળેને ઉજ્જવળ કારકિર્દી માટે ‘લયસ્તરો’ તરફથી ખાસ શુભેચ્છાઓ…

Comments (51)

અનુભૂતિ… – મણીન્દ્ર રાય

જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.

– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)

Comments (1)

બુરખો – પ્રવીણ જોશી

આદમી
પોતપોતાની શૈલીએ,
જિંદગી છુપાવવા એક બૂરખો રાખતા હોય છે,
– તેમ નાટક મારા જીવન પરનો બુરખો છે.

મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે.

હવે જો ઉઝરડા પડે તો
મારો બુરખો એ ઝીલી લે છે.

ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.

જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
બુરખાએ ઉપાડી લીધો છે
અને હવે તો
બુરખો ખુદ ભૂલી ગયો છે
કે પોતે બુરખો છે
કે સાચે જ મારો ચહેરો?

– પ્રવીણ જોશી

ગુજરાતી રંગભૂમિ વિષે પહેલા પુરુષ એકવચનમાં બોલવાનો કોઈનો સૌથી વધુ હક બનતો હોય તો, ચં.ચી.ને બાદ કરતા, પ્રવીણ જોશીનો છે. નાટકમય જીવન જીવવવાનો અનુભવ અહીં એ કવિતામાં બાંધવાનો પ્રયત્ન કરે છે તો પહેલો શબ્દ એમને સુઝે છે એ છે ‘બુરખો’ ! જોવાની વાત એ છે કે હંમેશા નાટક સાથે ‘મુખવટો’ કે ‘મોહરું’ (એટલે કે Mask) શબ્દ સામાન્ય રીતે વપરાય છે (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં). પણ કવિ એને બદલે ‘બુરખો’ શબ્દ પસંદ કરે છે – એ શબ્દ સાથે દેખીતી રીતે જ નકારાત્મક સંવેદના જોડાયેલી હોવા છતાંય !

મારું જીવન / તમારાથી જૂદું નથી, / પણ મારો બુરખો / તમારા બુરખા કરતાં જુદો છે – આ પંક્તિને આ કવિતાના સંદર્ભમાંથી કાઢી લો તો એ સ્વયં એક કાવ્ય બની શકે એટલી સશક્ત છે. સુરેશ દલાલના કહેવા મુજબ પ્રવીણ જોશી એ લખેલી આ એકમાત્ર કવિતા છે – એમણે કવિતાની કક્ષામાં આવે એવા ઘણા નાટક રચેલા એ અલગ વાત છે.

Comments (4)

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો – મૂકેશ જોશી

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ…

– મૂકેશ જોશી

ગયા અઠવાડિયે પ્રેમની ઊલટી બાજુ રજૂ કરતી બે રચનાઓ સાથેસાથે મૂકેલી એને ‘બેલેંસ’ કરી દે એવું આ ગીત માણો. મૂકેશ જોશીનું આટલું જ સરસ બીજું ગીત પણ સાથે માણશો.

Comments (9)

હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી

શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્‍તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.

(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)

Comments (5)

અમસ્તો થઈ ગયો – જવાહર બક્ષી

એ રીતે છૂટોછવાયો થઈ ગયો
તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

ક્યાં જવું એની ગતાગમ રહી નથી
હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો

આજનું આકાશ ઓગળશે નહીં
સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો

આમ પણ કારણ વધારે ક્યાં હતાં
જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો

મારી પાસેથી તમે ચાલ્યા ગયા
ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો

-જવાહર બક્ષી

ગયા અઠવાડિયે શૂન્ય પાલનપુરીની ગઝલના છંદ-કાફીયા-રદીફના પાયા ઉપર તુષાર શુક્લે રચેલી અલગ જ ઈમારત જોઈ. વિષમ છંદ ગઝલનો એ એક નમૂનો હતો. એમાં શેરની બંને કડીમાં એક જ છંદના અલગ-અલગ આવર્તનો જળવાયા હતા. આજે એવી જ એક વિષમ છંદ ગઝલ જવાહર બક્ષીની કલમે માણીએ. અહીં બંને કડીમાં છંદ પણ અલગ અલગ વપરાયા છે. દરેક શેરની પહેલી કડીમાં ગાલગાગા | ગાલગાગા | ગાલગા અને બીજી કડીમાં લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગા છંદ વપરાયો છે.
આ એક એવો કવિ છે જે કદી ઠાલાં શબ્દો વેડફશે નહીં. મત્લાનો શેર જોઈએ. માણસ ગમે એટલો મોટો ચમરબંધ કેમ ન હોય, પ્રેમ એને માખણથી ય મુલાયમ કરી નાંખે છે. હજારોની મેદની સામે સિંહગર્જના કરી શક્નાર પણ પ્રિય વ્યક્તિની સામે આવી ઊભે તો સસલાને ય બહાદુર કહેવડાવે એ રીતે ફફડી શકે છે. પ્રેમ અને પ્રિયાની ઉપસ્થિતિ બે હોઠોની છીપમાંથી ધાર્યા શબ્દોના મોતી સરવા દેતાં નથી. અને જે બોલાય એ પણ તૂટક-તૂટક… છૂટક-છૂટક… આવી જ કોઈ અનુભૂતિને કવિ અહીં શબ્દોમાં ઢાળે છે… એ રીતે છૂટોછવાયો થઈ ગયો, તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

બીજો શેર જોઈએ. જીવન જ્યારે લક્ષ્યહીન બની જાય, ત્યારે સંભાવનાઓ અ-સીમ થઈ જતી હોય છે. આપણું લક્ષ્ય ઘોડાની આંખ આગળના ડાબલાંઓની જેમ આપણને જકડી રાખી કૂવામાંના દેડકા બનાવી દે છે એટલે જિંદગીનું ખુલ્લાપણું આપણે કદી દેખી-માણી શક્તા નથી. જે દિવસે આપણે આપણી દિશા ગુમાવીએ છીએ ત્યારે અવદશામાંથી દશા પામીએ છીએ. હેતુ ત્યજીએ ત્યારે જ જીવનના સાચા સેતુઓ દેખાય છે, હદમાંથી અનહદ તરફ જવાની કડી અને કેડી ખૂલે છે.

બાકીના શેર જાતે માણીએ પણ આખરી શેર વિશે આપ સૌનો અભિપ્રાય ઈચ્છીશ…

Comments (10)

ઝીણા ઝીણા મેહ – ન્હાનાલાલ

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા !
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

-ન્હાનાલાલ

મુગ્ધાના હૃદયમાં થતા પ્રથમ પ્રેમોદયની સુકુમાર ભાવોર્મિનું મનભાવન ચિત્ર એટલે આ કાવ્ય. પ્રથમ વરસાદના ઝીણા-ઝીણા ફોરાં આખી સૃષ્ટિને ભીંજવે છે. પપીહા, મોર, વાદળ, મુગ્ધાની માળાથી માંડીને કાચા કુંવારા કૌમારની ચુંદડી અને પ્રિયજનના નેણ અને આખ્ખેઆખ્ખી શરદ ઋતુ પણ ભીંજાઈ જાય છે. બીજા અર્થમાં અહીં પ્રેમવર્ષાની વાત છે… વ્યક્તિથી લઈને સમષ્ટિના સમૂચાં ભીંજાઈ જવાનું ચિત્ર આખું એવું મનહર થયું છે કે એમ થાય બસ, ન્હાયા જ કરીએ…ન્હાયા જ કરીએ…

(વેણાં=વાંસળી, આનંદકન્દ= આનંદના મૂળરૂપ પરમાત્મા, પડછંદા= પડઘા, હેરે=નીરખે, મધુરસચંદા= મધુર રસથી ભરપૂર ચંદ્ર, પ્રિયતમ.)

Comments (4)

ગઝલ – ધૂની માંડલિયા

છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;
એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.

આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,
હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.

જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.

જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.

– ધૂની માંડલિયા

શબ્દને તપાસવાની રમત શબ્દ-રસિયા કવિઓને અતિપ્રિય રમત છે. એટલે જ ‘શબ્દ’ વિષય પર અનેક સરસ કવિતાઓ છે : જુઓ 1, 2, 3 . સાથે જ આ કવિની આગળ મૂકેલી ગઝલનો ખૂબ જાણીતો મક્તાનો શેર પણ મમળાવવાનું ભૂલતા નહીં.

Comments (4)

‘મા’ સિરિયલ – કીર્તિકાંત પુરોહિત

પ્રથમ એપિસોડ:

દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે
છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો.

દ્વિતીય એપિસોડ:

દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધાં ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ફૂટ્યો.

તૃતીય એપિસોડ:

મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.

ચતુર્થ એપિસોડ:

– તે પહેલા નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી.

– કીર્તિકાંત પુરોહિત

સિરિયલની વાત છે એટલે દરેક એપિસોડ કવિએ મેલોડ્રામાથી ભરેલો જ રાખ્યો છે. શબ્દોની ખૂબ કાળજીથી પસંદગી કરી છે અને એમાંથી ચોટ ઉપજાવી છે. અમૃતકુંભ અને અક્ષત-કંકુ કળશથી માટીના ઘડા સુધીની સફર કવિ ત્રણ ‘એપિસોડ’ અને ગણીને બાર લીટીમાં કરાવી દે છે.

આ ‘સિરિયલો’ના છિછરાંપણા પર કટાક્ષ છે ? કે પછી સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા છે ? – એ તો તમે જાણો !

Comments (7)

પ્રયત્ન – વિપિન પરીખ

ચલો, એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.
તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.
એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું – સોગંદ ખાઉં છું.
રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું – તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
જુદાં…

– વિપિન પરીખ

વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી.

Comments (7)

પ્રેમની વાર્તા – જયન્ત પાઠક

આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.

– જયન્ત પાઠક

પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !

( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )

Comments (4)

ગઝલ – અનિલ ચાવડા


(ખાસ ‘લયસ્તરો’ માટે અમદાવાદથી અનિલ ચાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

-અનિલ ચાવડા

માત્ર ૨૨ વર્ષની ઉંમરે અનિલ ચાવડાની કલમ દિગ્ગજ કલમકારોને શરમાવે એવા ચમકારા બતાવી જાણે છે. ગઝલના છંદોના નિયમિત આવર્તનોથી એક આવર્તન વધુ રાખી ગઝલ લખવાની કળા એમને સિદ્ધહસ્ત છે. નિરાશા અને વ્યથાના કાળા રંગોથી ભરી હોવા છતાં આ ગઝલ એટલી સલૂકાઈથી આખી વાત કરે છે કે ક્યાંય કશું ભારઝલ્લું લાગતું નથી. ગઝલનો આખરી શેર તો ગુજરાતી ભાષાનો સદાકાળ અમર શેર બનવા માટે જ સર્જાયો છે. મિત્ર અનિલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (45)

ગઝલ – તુષાર શુક્લ

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

-તુષાર શુક્લ

ગઈકાલે શૂન્ય પાલનપુરીની એક ગઝલ આજ છંદમાં, આજ રદીફ અને આજ કાફીયા સાથે આપણે માણી. એટલે સુધી કે મત્લાની પહેલી કડી (ઉલા મિસરા)માં પ્યાલી અને સુરા પણ યથાવત્ રહ્યા છે. પણ તોય બંને ગઝલની મૌસિકી સાવ જ અલગ છે અને બંને ગઝલમાં જે વાતાવરણ ઊભું થાય છે એ પણ તદ્દન નોખું. શૂન્યની ગઝલમાં મૃત્યુના શ્વાસ અડતાં અનુભવાય જ્યારે તુષાર શુક્લની ગઝલમાં પ્રણયની રાગિણી રેલાતી સંભળાય. એકનો રંગ ભગવો છે તો બીજાનો ગુલાબી. એકમાં વિરક્તિ છે તો બીજામાં મસ્તી. કવિતાની કળા એ આજ ને?

‘હસ્તાક્ષર’ આલ્બમના આધારે લીધેલી આ ગઝલમાં શક્ય છે કે અન્ય શેર પણ હોય. કોઈ મિત્ર જો ખૂટતાં અશ્આર (જો હોય તો!) મોકલી આપશે તો ઋણી રહીશું. (આ ગઝલને વિષમ-છંદ ગઝલ કહી શકાય ખરી? મત્લાના શેરની બંને કડીમાં ‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તન વપરાયા છે જ્યારે પછીના ત્રણે ય શે’રમાં ઉલા મિસરામાં ચાર આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં ત્રણ આવર્તન વપરાયા છે).

(આવતા અઠવાડિયે એક વિષમ-છંદ ગઝલ માણીએ…)

Comments (19)

ગઝલ – શૂન્ય પાલનપુરી

રાગ કેરી પ્યાલીમાં,  ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને  આત્મ-ભાન  આપીને, લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી  આલાપીને,  લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં  સૂર્ય  જેમ  વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા  કુલ  જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધર્મના   તમાચાઓ,  બેડીઓ  પ્રલોભનની,  કોરડા   સમય   કેરા;
એક  મૂંગી  શ્રદ્ધાની  વેદનાઓ  માપીને,  લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય   કેરા   બુટ્ટાઓ,   પાંદડી   ક્ષમા   કેરી,   વેલ   છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !

થાય  તે  કરે  ઈશ્વર !  ભાન  થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ  વિનાના  શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !

શૂન્યમાંથી  આવ્યા’તા,  શૂન્યમાં  ભળી  જાશું,  કોણ રોકનારું છે ?
નાશ  ને  અમરતાની  શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !

-શૂન્ય પાલનપુરી

‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તનોથી બનેલી આ ગઝલ એની ઝીણી કોતરણી બદલ દાદ માંગી લે છે. એક તો છંદના આવર્તનોના કારણે એક અજબ લય ઊભો થાય છે અને એ મૌસિકી(સંગીત)માં ઉમેરો કરે છે ‘લો અમે તો આ ચાલ્યા‘નો બળકટ ગેય રદીફ. ‘અમે તો આ ચાલ્યા’ કહીને હાથ ખંખેરીને ચાલ્યા જવાને બદલે શૂન્ય આગળ ‘લો’ ઉમેરીને અહીં બીજું જ નિશાન તાકે છે. એક ‘લો’ શબ્દનો ઉમેરો વાચકને ઈંગિત કરતો જાય છે કે અમે તો ચાલ્યા, પણ તમારું શું? સાથે જોડાશો કે નહીં? કે જીવનની સફરમાં બેસી ને જ કાપશો?

કહેવાય છે કે ગઝલનો પહેલો શેર-મત્લા- એ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો છે. કવિએ અહીં ત્રણ-ત્રણ મત્લા વાપરીને ભાવકને ગઝલ-પ્રવેશની ખાસ્સી અનુકૂળતા કરી આપી છે. એમ પણ કહી શકાય કે ગઝલનું આગવું ભાવવિશ્વ ત્રણગણું ઘૂંટીને આખા માહોલને વધુ પ્રભાવક બનાવી દીધો છે. એક બીજી નોંધવા જેવી વસ્તુ છે તે આ ત્રણેય મત્લામાં સતત પુનરાવર્તિત થયેલા નાનાવિધ વિરોધાભાસ. પ્યાલી રાગની હોય તો સુરા ત્યાગની. મસ્તી છલકાતી હોય ત્યાં આત્મભાન અડોઅડ. બુદ્ધિની વીણા પણ આલાપ લાગણીનો. બેદર્દી દુનિયાના બીજા પલ્લામાં દિલની દોલત. કણની સૂક્ષ્મતા સામે સૂર્યની વિશાળતા. ગજ એક જાન જેવડો નાનકડો પણ માપ દુનિયા જેવડું વિશાળ. જીવનની ફિલસૂફી આ ત્રણ મત્લામાં ઘૂંટી-ઘૂંટીને શૂન્ય ભાવકને એવી જગ્યાએ લાવી ઊભો કરી દે છે જ્યાંથી ગઝલ-પ્રવેશ ન માત્ર સરળ બની રહે છે, એક ફાટી ફીટે નહીં એવી ભાત પણ અંકાઈ જાય છે.

(આવતીકાલે એક નાનકડું સરપ્રાઈઝ આ કૃતિના અનુલક્ષમાં.)

Comments (6)

ઠાકોરજી – મા – હસમુખ પાઠક

એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !

આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.

જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !

તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.

માના શબ્દથી
ઠાકોરજી મા થયા.

– હસમુખ પાઠક

હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.

Comments (3)

અમદાવાદ – રાધેશ્યામ શર્મા

મિલ-વ્હિસલની શૂળમાં ભરાઈ પડેલો,
સાઈકલના પેન્ડલ લગાવતો
તીતીઘોડો એક.

– રાધેશ્યામ શર્મા

અનોખું જ નગરકાવ્ય. ત્રણ જ લીટીમાં નગરવ્યથાને કવિએ અદભૂત રીતે ચિતરી છે.

Comments (2)

અરણ્ય-રુદન – પ્રીતિ સેનગુપ્તા

પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

– પ્રીતિ સેનગુપ્તા

સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો  થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !

Comments (6)