છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.
– ચિનુ મોદી

થઈ ગયું છે – રતિલાલ ‘અનિલ’

અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.

હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.

છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.

‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.

– રતિલાલ ‘અનિલ’

વહી ગયેલી પેઢીના ગઝલકારની આવનારી પેઢીને પ્રેરણા આપે એવી ગઝલ. એક એક નમૂનેદાર, અર્થ-નકશીથી શોભતા શેર તો જરા જુવો ! આ ગઝલના ભાવજગતને વર્ણવવા જાવ તો detached existance, emotional fatigue, burden of being, realization of nothingness અને metaphysical crisis જેવા – કાફકા અને સાત્રના – શબ્દો મગજમાં આવે છે. માણસ કેવી સ્થિતિએ પહોંચતો હશે કે જ્યારે કહે કે મધ્યાહ્ન …મૂગી તરજ થઈ ગયું છે ! તડકાના કેનવાસ પર કોયલ ચિતરવાનું કામ તો સૌંદર્યના સર્જનનું કામ છે – પણ એને માટે ય કવિ કહે છે – આ બધુ કામ ફરજ થઈ ગયું છે. થાક અને એકરાગિતા જબજસ્ત ઘેરી વળે તો જ મોઢે અસ્તિત્વના કરજ થઈ જવાની વાત આવે. છેલ્લા શેરમાં કવિ આ આંતરિક એકલતામાંથી ઉપજતા લાભની વાત કરે છે. કવિ જે ‘મૌન’ની વાત કરે છે એ કાળું, અંધકારમય, એકલાપણાનુ મૌન નથી – એ તો છે તડકા જેવું પ્રકાશમય મૌન. એવું મૌન જે અંતરમનને સમજવા માટે સૌથી સબળ સાધન બની રહે છે.

4 Comments »

  1. pragnaju said,

    January 23, 2008 @ 11:09 AM

    રસદર્શન સાથે પ્રેરણા દાયક ગઝલ માણી.
    તેમાં આખરનો શેર ઘણો ગમ્યો
    “અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
    મને માપવાનો જ ગજ થઇ ગયું છે.”
    અનેક િચંતકોની પંક્તીઓ યાદ આવી –
    હરીન્દ્ર દવે એ એટલે જ કહ્યું હશે.
    શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ
    મને આપો એક અનહદનો સૂર
    રાજેન્દ્ર શુકલ કહે છે…
    સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
    શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

  2. ભાવના શુક્લ said,

    January 23, 2008 @ 12:04 PM

    વિસ્તરતી સંધ્યા ખિલી જાય પછી જે આનંદની અનુભુતિ થાય તેવુ નમણુ કાવ્ય..વાહ મજા આવી ગઈ.

  3. GURUDATT said,

    January 24, 2008 @ 6:34 AM

    દેવાના ડુંગર શા અને વિસ્ત્ર્યુ મૌન …અતિશય અસરકારક રીતે પ્રયુક્ત છે..હાડોહાડ
    લાગી જાય છે..ખૂબ વજનવદાર ગઝલ..

  4. તીર્થેશ said,

    September 10, 2011 @ 1:30 AM

    વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment