ગઝલ – નૈસર્ગી મુસળે (ઉંમર- નવ વર્ષ)
આવો આવો આવો રમીએ,
પંખી સાથે વાતો કરીએ.
વૃક્ષો કંઈ કહેવા માગે છે,
કાન દઈ એને સાંભળીએ.
ફૂલોના ખોળામાં જઈએ
પંખીના ટોળામાં જઈએ.
ગંગા ખળખળ વહેતી જાતી
એનું થોડું પાણી લઈએ.
ઘાસ ઊગી નીકળ્યું છે જ્યાં-ત્યાં
ચાલો ઝટપટ કાપી લઈએ.
પંખીઓ તો જાતે ઊડશે
એને જાતે ઊડવા દઈએ.
-નૈસર્ગી મુસળે
પાંચમા ધોરણમાં ભણતી વડોદરાની માત્ર નવ વર્ષની બાળકી નૈસર્ગી મુસળેને કવિતા વારસામાં મળી છે. લબ્ધપ્રતિષ્ઠ કવિ મકરંદ મુસળેની પુત્રીની આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે. જ્યાં મોટા-મોટા દિગ્ગજો સહેલાઈથી આઝાદીનું નામ લઈ પાતળી ગલી કાઢી લેતા હોય છે ત્યાં આ બાળાની આખી ગઝલમાં છંદની પણ કોઈ ભૂલ નથી એ શું પોતે જ એક સિદ્ધિ નથી?
અહીં બધા જ શેર સરળ હોવા છતાં થોડું ઊંડે ડોકિયું કરીએ તો ગહન અર્થચ્છાયા પણ અવશ્ય વર્તાય. નવ વર્ષની છોકરી આવું અર્થગહન વિચારી શકે કે કેમ એ વિચારવાને બદલે ગઝલને શુદ્ધ કવિતા તરીકે પ્રમાણીએ તો સહેજે આશ્ચર્ય થાય. ખળખળ વહેતી ગંગામાંથી ‘થોડું’ પાણી લેવાની વાત… અહીં પહેલી નજરે સાવ સરળ ભાસતો શેર ‘થોડું’ શબ્દ ઉમેરાતાની સાથે કાવ્યત્વ પામે છે. સમષ્ટિમાંથી જરૂર મુજબનું ચાંગળું લઈ બાકીનું બીજા માટે વહેતું છોડી દઈએ તો આપણી અડધી સમસ્યાઓ ટળી જાય.
અને છેલ્લે છેલ્લા શેર પર પણ એક નજર માંડીએ. બાળકોને કારકિર્દી-ભૂખ્યા બનાવીને આપણે અજાણતાં જ એમની પાંખ કાપી લેતા હોઈએ છીએ. દરેક મા-બાપ એમ જ ઈચ્છે છે કે મારું બાળક સુપર-બાળક બને, સર્વશ્રેષ્ઠ બને. અને સતત હરિફાઈની આગમાં ઝોંકી-ઝોંકીને આપણે એમનું બાળપણ છીનવી લઈએ છીએ. પોતાની અધૂરી મહત્ત્વકાંક્ષાઓનો બોજો નાના ખભાઓ પર લાદી દેતા મા-બાપો માટે આ શેર અખાના છપ્પાના ચાબખા સમાન છે. પંખીને ઊડવું શીખવવું પડતું નથી હોતું. એને એના પોતાના આકાશમાં એની મરજી મુજબનું ઉડ્ડયન કરવા દઈએ એજ સાચું વડીલપણું છે.
નૈસર્ગી મુસળેને ઉજ્જવળ કારકિર્દી માટે ‘લયસ્તરો’ તરફથી ખાસ શુભેચ્છાઓ…