હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.
મિલિન્દ ગઢવી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નીતિન વડગામા

નીતિન વડગામા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(સાહિબ, સાચી સંગત દેજો) - નીતિન વડગામા
એકલું પડવું પડે - નીતિન વડગામા
એટલું પર્યાપ્ત છે - નીતિન વડગામા
ખળભળ ! - નીતિન વડગામા
ગઝલ - નીતિન વડગામા
ગઝલ - નીતિન વડગામા
ગઝલ - નીતિન વડગામા
ગઝલ - નીતિન વડગામા
ગમતી નથી - નીતિન વડગામા
છોડી દે - નીતિન વડગામા
જીવી ગયાં - નીતિન વડગામા
નોંધ લેવી જોઈએ - નીતિન વડગામા
મુક્તક - નીતિન વડગામા
મુક્તક - નીતિન વડગામા
મેઘ-મુબારક - નીતિન વડગામા
વિચારણામાં - નીતિન વડગામા
વ્યસ્ત છીએ આપણે - નીતિન વડગામા
સાંજ ઢળતી જાય છે -નીતિન વડગામાજીવી ગયાં – નીતિન વડગામા

હું, તમે ને આપણે જીવી ગયાં
બંધ એવા બારણે જીવી ગયાં.

સાવ કોરા ઓરડા ને ઉંબરા,
સાવ સૂના આંગણે જીવી ગયાં !

હાડ તો થીજી ગયું’તું આખરે –
આંસુઓના તાપણે જીવી ગયા.

એમનો ભેટો ફરીથી ના થયો,
છેવટે સંભારણે જીવી ગયાં.

જે ટહુકતું એ ટપકતું આંખથી,
એમ ભીની પાંપણે જીવી ગયાં.

શ્વાસની સરહદ સુધી પ્હોંચ્યાં હતાં,
તોય પણ શા કારણે જીવી ગયાં ?

આમ અવલંબન હતું ક્યાં કાંઈ પણ ?
એક કાચા તાંતણે જીવી ગયાં !

– નીતિન વડગામા

આખેઆખી ગઝલ સંઘેડાઉતાર હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આ ગઝલ એવા સુખદ અપવાદોમાંની એક છે. બધા જ શેર ઊંડો વિચાર માંગી લે છે પણ હું મત્લાના શેરથી આગળ જઈ શકતો નથી. મત્લાનો શેર આપણામાંના કેટલા બધા લોકોની જાંઘ ઊઘાડી પાડે છે ! બંધ બારણાંની પાછળ આપણે એમ જ જીવન વગરનું જીવી જતાં હોઈએ છીએ.

Comments (2)

મેઘ-મુબારક – નીતિન વડગામા

ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !

છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !

કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !

નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક !

ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક !

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને –
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !

મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને –
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

– નીતિન વડગામા

લાંબી ગઝલ પણ બધાઅ જ શેર સ-રસ ! મેઘ-મુબારક જેવી અનુઠી રદીફ પણ કવિ દસે-દસ શેરમાં કેવા બખૂબી નિભાવી શક્યા છે !

Comments (7)

એકલું પડવું પડે – નીતિન વડગામા

જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે.

સાબદા હો કાન કેવળ એટલું પુરતું નથી,
સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે.

સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે.

ગાઢ જંગલમાં બધાં સાથે મળી મૂકી જશે,
બ્હાર નીકળવા તમારે એકલું પડવું પડે.

કોઇને ટેકે પ્રભાતી પ્હોર થઈ ઊગી શકો,
સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે.

– નીતિન વડગામા

આજે ભીડની વચ્ચે આમ જોઈએ તો માણસ સાવ એકલો પડી ગયો છે પણ શું એ સાચે જ એકલો પડી શકે છે ખરો? એકલતા અને એકાંત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ કવિ આ ગઝલમાં સરસ રીતે ખોલી આપે છે.

Comments (4)

ખળભળ ! – નીતિન વડગામા

અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !

ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.

ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.

કરશે અજવાળું અજવાળું,
નમણી નમણી એની અટકળ !

ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !

ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.

કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?

– નીતિન વડગામા

વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે… સુરતમાંથી પૂર ઓસરે છે તો રાજકોટ-જામનગર જળબંબાકાર થાય છે.. એવામાં માણીએ નીતિન વડગામાની આ ભીની ભીની ગઝલ…

Comments (9)

ગમતી નથી – નીતિન વડગામા

એકધારી આવ-જા ગમતી નથી,
જિંદગીની આ અદા ગમતી નથી.

સ્હેજ તીખો, સ્હેજ તૂરો સ્વાદ દે,
માત્ર આ મીઠી મજા ગમતી નથી.

ભાવની ભીનાશ વરસાવો જરા,
સાવ સુક્કી સરભરા ગમતી નથી.

વિસ્મયોનું વન વઢાયું ત્યારથી –
એ પરીની વારતા ગમતી નથી.

પ્હાડ પીગળતા નથી થોડાઘણા,
પથ્થરો જેવી પ્રથા ગમતી નથી.

દાદ દેવા કોઈ પણ ડોલે નહીં !
શિસ્તમાં બેઠી સભા ગમતી નથી.

– નીતિન વડગામા

 

 

Comments (6)

ગઝલ – નીતિન વડગામા

સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પડદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.

હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.

દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
છતાં મત્લા ને મક્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

– નીતિન વડગામા

Comments (7)

વિચારણામાં – નીતિન વડગામા

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તો ય એ ઊગ્યા કરે સંભારણાંમાં

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં

-નીતિન વડગામા

 

સરળ શબ્દો,ગૂઢ અર્થો…..

Comments (6)

(સાહિબ, સાચી સંગત દેજો) – નીતિન વડગામા

સાહિબ, સાચી સંગત દેજો.
પડછાયાની જેમ અમારી પડખે પળપળ રહેજો.

ક્યાં ક્યારે ને કેમ ઊગીએ એ પીડા છે મોટી,
સાચો ઘાટ ઘડે સૌ એવી આપો સ્હેજ હથોટી;
હાથ અને હૈયુ લંબાવી એમ ગોદમાં લેજો.

ડગલે પગલે પગમાં આખા રસ્તાઓ અટવાતા,
વરસાદી વાદળના અમને અર્થ નથી સમજાતા;
ભીનપવરણું ઝરણું થઈને રગરગમાં જઈ વહેજો.

– નીતિન વડગામા

સીધી સરળ માંગણી… મીઠ્ઠુ મજાનું હરીગીત.

Comments (6)

નોંધ લેવી જોઈએ – નીતિન વડગામા

આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ.
દેહના આ દબદબાની નોંધ લેવી જોઈએ.

આજ કડવી ઝેર છે, એ વાત જુદી છે છતાં,
કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.

ઊંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,
વ્હાલભીની વારતાની નોંધ લેવી જોઈએ.

પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
જીવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.

બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે ?
સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.

આવતીકાલે પછી ઘેઘૂર જંગલ થઈ જશે,
ઊગતી એ આપદાની નોંધ લેવી જોઈએ.

આખરે તો આપણો આધાર સાચો એ જ છે,
શ્વાસ જેવા આ સખાની નોંધ લેવી જોઈએ.

– નીતિન વડગામા

આમ તો કવિનું કામ જ – જેની બીજા કોઈ નોંધ ન લે એ બધાની – નોંધ લેવાનું છે. કવિ ન લે તો આ બધી નાની-નાની જણસોની નોંધ બીજું લેશે પણ કોણ ?

Comments (17)

ગઝલ – નીતિન વડગામા

કાનમાં કોઈ કશું કહી જાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

મૌનનો માળો અહીં બંધાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

કોઈ આવી આંગણે કંઈ ગાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

ડાળ પરથી મૂળમાં પ્હોંચાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આપમેળે મર્મ એ સમજાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આંખમાં ભગવી ધજા લ્હેરાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

-નીતિન વડગામા

થોડા દિવસ પહેલાં ગઝલ બનતી નથીની ગઝલ પર લાં..બી ચર્ચા ચાલી. આજે ગઝલ કેમ કરતાં બને છે એની થોડી વાત. ગઝલ-સર્જનની ખૂબી બ-ખૂબી વર્ણવતી આ ગઝલમાં એક વાત ખાસ છે. અહીં આખેઆખો સાની મિસરો રદીફ તરીકે વપરાયો છે. ગઝલવિદ્દ કદાચ આને અ-ગઝલ પણ કહે પણ આપણને તો એક જ વાત આવડે છે, ગમી તે ગઝલ !

Comments (14)

Page 1 of 212