એક જણ – નીતિન વડગામા
એક જણ આવે અને સાતેય રંગો અવતરે.
એક જણ જાતાં જ માથે આભ કાં તૂટી પડે?
એક જણ આવે અને અવસર રચાતો ઉંબરે.
એક જણ જાતાં જ આખું આંગણું હીબકે ચડે!
એક જણ આવે અને મનનું સરોવર આછરે.
એક જણ જાતાં જ જળની સાથ કાંઠા ખળભળે!
એક જણ આવે અને અજવાસ ઊગે કાંગરે.
એક જણ જાતાં જ અંધારું બધે ઘેરી વળે!
એક જણ આવે અને ઠૂંઠુંય પાછું પાંગરે.
એક જણ જાતાં જ કૈં કાતિલ કુહાડી ઊછળે!
એક જણ આવે અને રણને ઝરણમાં ફેરવે.
એક જણ જાતાં જ આ વહેતી નદી ભડકે બળે!
એક જણ આવે અને આયાત આખી ઊતરે.
એક જણ જાતાં જ કાગળ સાવ કોરો તરફડે!*
– નીતિન વડગામા
(*સ્મરણ : થાઈલેન્ડની રામકથામાંથી મોરારિબાપુની વિદાય)
.
કવિએ ભલે મોરારિબાપુને સ્મરણમાં રાખીને રચના કેમ ન કરી હોય, પણ કવિતા કાગળ પર અવતરે પછી કંઈ કવિના કાબૂમાં રહે? કવિતામાં જે ‘એક જણ’ની વાત છે, એ કવિ માટે ભલે ગમે તે હોય, પણ મારા-તમારા સૌ માટે એ અલગ અલગ છે. કવિતા વાંચતા જ આપણા સહુના મનમાં એ ‘એક જણ’ તરવરી આવે છે, જેના આવવાથી જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું સોહામણું બની જાય અને જતાવેંત માથે આભ તૂટી પડે. રચનાને ગઝલ કહો, ગીત કહો કે વિશુદ્ધ ઊર્મિકાવ્ય- અંતે તો હેમનું હેમ હોયે, ખરું ને!


Ramesh Maru said,
September 26, 2025 @ 12:21 PM
વાહ…
મધુસૂદન પટેલ 'મધુ' said,
September 26, 2025 @ 12:46 PM
વાહ! સરસ. અંતે તો… ✔️
Lalit Trivedi said,
September 26, 2025 @ 6:05 PM
સરસ કાવ્ય… રાજીપો
Hiren K Mungla said,
September 26, 2025 @ 8:42 PM
સરસ કાવ્ય
Shailesh Gadhavi said,
September 26, 2025 @ 10:01 PM
વાહહ
Varij Luhar said,
September 26, 2025 @ 10:51 PM
વાહ સરસ ગઝલ અને આસ્વાદ