વરસાદનો વાંધો – નીતિન વડગામા
વરસાદે લીધો વાંધો.
પ્રેમ-તાંતણે કોઈ હવે તો હળવે રહીને બાંધો!
કેમ પડ્યું છે વાંકું એ સમજાવો વર્ષા-રાણી.
વીનવીએ સૌ, વહેતી મૂકો ભીનપવરણી વાણી.
બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.
ફાટેલા આ જીવતરને પાણીના ટીપે સાંધો!
વરસાદે લીધો વાંધો.
લીલાં લીલાં ઝાડ-પાનને વળી ગયો પરસેવો!
સુક્કું ખેતર ઝીલે છે ધબકારો જેવો તેવો!
મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.
સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
વરસાદે લીધો વાંધો.
– નીતિન વડગામા
વરસાદનો ભરોસો રહ્યો નથી. અચાનક માવઠું બનીને ત્રાટકે છે તો અચાનક આશા જન્માવી નાસી છૂટે છે… ભગવાન જાણે એને શો વાંધો પડ્યો હશે! પણ એમ કેડો મેલી દે એ વળી કવિ કેવા! કવિ એને પ્રેમના તાંતણે હળવેથી બાંધી રિઝવવાની નેમ ધરાવે છે. બળબળતી ધરતીના અંગે ફરફોલા પડી ગયા હોવાનું કલ્પન જેટલું પ્રભાવક થયું છે, એથી વધુ અસરદાર આખું આભ ભર્યું પડ્યું હોય તો એમાંથી બધા નહીં તો થોડા દરવાજા ખોલવાની વિનવણીનું રૂપક થયું છે. વરસાદ વિશે આપણી ભાષામાં હજારો ગીતો રચાયાં છે, પણ આ ગીત સાદગીના સૌંદર્યને લઈને અલગ જ ચોકો ચાતરે છે…


કિશોર બારોટ said,
May 30, 2025 @ 12:37 PM
સુંદર ગીત.
અભિનંદન. 🌹
લલિત ત્રિવેદી said,
May 30, 2025 @ 1:33 PM
વાહ વાહ
Vinorai said,
May 30, 2025 @ 2:05 PM
લાપસી રાંધો એ અભિવ્યક્તિ ખૂબ સુંદર છે અમે ગામડામાં રહેલા અને શહેરમાં પણ ખેડૂતના એરિયામાં રહેલા એટલે વરસાદનો જે આનંદ ખેડૂતને હોય જો કોઈ બીજાને ન હો એમને ઘરે લાપસીના આંધણ મુકાતા એ ખુશી એ આનંદ આજે ઘણા વર્ષે આ કવિતા વાંચીને થયો છે વરસાદનો આનંદ જે ધરતીપુત્રને હોય તે બીજાને ન હોય એ વખતે ખેત પેદાશો જ આવકનું સાધન હતી એટલે ખેડૂત મિત્રોને ખુશીમાં ઝૂમતા જોયેલા છે અમારે પણ ઢોર ઢાખર હતા એટલે ખુશી નો મને પણ વરસાદનો આનંદ તે વખતે વધારે રહેતો. અભિનંદન
નીતિન વડગામા said,
May 30, 2025 @ 4:24 PM
આનંદ…આનંદ…
Aasifkhan Pathan said,
May 30, 2025 @ 4:40 PM
વાહ સરસ ગીત
Kishor Ahya said,
May 30, 2025 @ 9:20 PM
કવિ શ્રી નીતિન વડગામાં નું વર્ષા કાવ્ય ‘ વરસાદ નો વાંધો ‘ વરસાદી ઋતુંમાં કવિ વરસાદને વરસી જવા વિનંતી કરે છે. કવિ પ્રકૃતિ સાથે વાતો કરતા કરતા પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જાય છે અને વાત ખુલ્લા દિલથી કરે છે.
મનુષ્યનું મન વરસાદ આવતા જ હિલોળે ચડે છે ને વરસાદ લંબાતા બેચેન થઈ જાય. કવિ કહે છે હું તો અબોલ પ્રાણી માટે યાચના કરું છું ,જંગલમાં વ્હેતા નદી નાડા સુકાય જાય ત્યારે અબોલ પશુપંખી પાણી પીવા ક્યાં જાય?
મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.
મેલાઘેલા માણસનું માઠુ લાગે એ સાચું.
વરસાદ ખેચાય ત્યારે ઘણા લોકોને કહેતાં હોઈ છે કે પૃથ્વી પર પાપ બહુ વધી ગયું છે તેથી વરસાદ આવતો નથી. કવિએ અહી આ અર્થમાં મેલાઘેલા શબ્દ મૂક્યો છે ,બહુ સરસ.
આખું ગીત લયબદ્ધ અને સરસ શબ્દોથી વ્યાપ્ત છે.
બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.
ફાટેલા આ જીવતરને પાણીના ટીપે સાંધો!
વરસાદે લીધો વાંધો.
છેલ્લે જાણેકે વાદળીએ કવિની વાત સાંભળી લીધી હોય અને સ્વીકારી હોય તેમ ‘લાપસી રાંધો’
શબ્દ આપણને મોજમાં લાવી દે છે.
સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
વરસાદે લીધો વાંધો.
ખુબ સરસ ગીત અને વિવેકભાઈનો ખૂબ સરસ આસ્વાદ.
🌹🌹
વ્રજેશ મિસ્ત્રી said,
May 30, 2025 @ 9:26 PM
ફરફોલો કા જવાબ નહી!!
Vinorai said,
May 30, 2025 @ 9:37 PM
Saras
Girish Sharma said,
June 2, 2025 @ 1:49 PM
વાહ નીતિનભાઈ
Sejal Desai said,
June 7, 2025 @ 11:40 AM
વાહ..સુંદર ગીત
સુંદર અભિવ્યક્તિ
અબોલ એવા જીવને ખાતર યાચું….વાહ
Chetan Pagi said,
June 17, 2025 @ 8:50 PM
લયસ્તરોને સતત અપડેટ રાખવા બદલ આભાર.
https://x.com/chetan_pagi/status/1934987301702033700