યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંજુ વાળા

સંજુ વાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(અવળી ચાલ, અજાયબ કેડા) - સંજુ વાળા
(જો) – સંજુ વાળા
આપણી આ વાર્તા – સંજુ વાળા
ઊગેલી પાંખને - સંજુ વાળા
કવિ (ગઝલ ત્રિપદી) - સંજુ વાળા
કોણ ભયો સંબંધ - સંજુ વાળા
ક્યાંથી લાવીએ ? - સંજુ વાળા
જળઘાત -સંજુ વાળા
ડહાપણ દાખો - સંજુ વાળા
તમને એમાં વાંધો છે કંઈ ? - સંજુ વાળા
ના તરછોડો - સંજુ વાળા
પતંગિયાંઓ સળવળે - સંજુ વાળા
પ્રપંચનો પહાડ - સંજુ વાળા
ભવ્ય ગઝલ ગુજરાતી - સંજુ વાળા
ભીતરથી ભાવમય - સંજુ વાળા
મુક્તક - સંજુ વાળા
મૂકી - સંજુ વાળા
રંગીન માછલી છે - સંજુ વાળા
વરતારો - સંજુ વાળા
વાતમાં ને - સંજુ વાળા
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની - સંજુ વાળા
સમજી જા - સંજુ વાળા
સાધુ છે સાહેબ... - સંજુ વાળા
સુખસંગત – સંજુ વાળાતમને એમાં વાંધો છે કંઈ ? – સંજુ વાળા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

એક તો ગઝલ લાંબી બહેરની ને રદીફ પણ લાંબી એટલે ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે. શબ્દ સાથેની એમની નિસ્બત ભક્તની ભગવાન સાથે હોય એવી સંપૂર્ણ છે. ખૂબ આરામથી ખોલવા જેવી ગઝલ.

Comments (14)

(જો) – સંજુ વાળા

નદીનું નામ લઈ જળજોગ જાણી જો,
સપરમી પળ મળી છે તો પ્રમાણી જો.

સમય તું સાચવે, પાળે વચન કિન્તુ
થવાની હોય ત્યાંથી પણ કમાણી જો.

પ્રથમ ચશ્માંના લેન્સિસ સાફ કર બંધુ,
પછીથી ગંધ જો, ને રાતરાણી જો.

અહીં છે ઊગવું, આથમવું સઘળું એક,
સમય શું ચીજ છે એ પણ પિછાણી જો.

ૠતુઓનો કશોએ અર્થ ક્યાં સરતો?
નથી થાતી અવસ્થાની ઉજાણી જો.

ઘણુંએ આપમેળે લયમાં આવી જાય,
પ્રમાણી હોય રસભર આર્દ્રવાણી જો.

જરા ખંખેરી નાખું ખેસથી ખેપટ,
પછી તું ભાત, રંગો, પોત, પાણી જો.

બચે તો માત્ર એક જ શબ્દ બચવાનો,
બધુંયે થઈ જવાનું ધૂળધાણી જો.

– સંજુ વાળા

સંજુ વાળાની રચનાઓ મહેરામણ જેવી છે. જેટલા ઊંડા ઉતરો એટલી મોતી હાથ આવવાની શક્યતા વધી જાય.

Comments (4)

પ્રપંચનો પહાડ – સંજુ વાળા

પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું,
ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?

ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું,
રહસ્ય એ જ ઘેન હો તો ઘૂંટી- ઘૂંટી ઘટ કરું.

બહુ જ ગોળ ગોળ લાંબુલચ ક્થ્યા કરે છે તું
કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું.

લે, ચાલ સાથે ચાલીએ મુકામ શોધીએ નવા,
નિભાવ સાથ તું, તો તારા સાથનું શકટ કરું.

અમેય થોડા ભીતરે અજંપ ધરબી રાખ્યા છે-
ચડ્યો છે કાટ કેવો જોઉં, કે ઉલટપુલટ કરું ?

હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?

છે ભાવમય, તું શબ્દની સપાટીએ ના સાંપડે,
હો પથ્થરોનું શિલ્પ તો હું શું કરું ? કપટ કરું ?

– સંજુ વાળા

આ શાયર સતત સફર કરતા રહે છે, તેઓને સતત પ્રશ્નો પીડતા રહે છે. જેને પ્રશ્ન થાય તે જ જવાબ શોધે. જવાબ ન મળે અને અજંપો મળે એવું ઘણીવાર બને. એ અજંપામાંથી ગઝલ બને…..

Comments (9)

ભીતરથી ભાવમય – સંજુ વાળા

ભવરણ તરી જે જાય તે ભીતરથી ભાવમય
બસ દૂરથી નિહાળી રહે નિજનો ક્ષય વિલય

જે ઓળખી જશે તે સદાકાળ હો અજય
રમવું દે સાથ તો રમે વક્તા અને વિષય

ભ્રમણા નથી રહી કે નથી ભાન પણ રહ્યું
કચડાય રોજ પગ તળે નિયતિ,નવા નિશ્ચય

દેખાઉં હેમખેમ એ બાહિક સ્વભાવ છે
અંદર ઉઠી રહ્યા છે કૈં આંસુભીના પ્રલય

સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય

ટ્રાફિકમાં ગૂંચવાય ગયો હે મહારથી !
સક્ષમ છે પાર કરવા તું વર્તુળ ‘ને વલય

દુર્ભાગ્ય આપણા કે સ્વીકારી શક્યા નહીં
નહિતર તો હાથવેંતમાં કાયમ રહે છે જય

– સંજુ વાળા

પ્રત્યેક શેરમાં ઊંડાણ છે – માત્ર એક ઉદાહરણ જોઈએ – ત્રીજો શેર – પ્રત્યેક વ્યક્તિ ઘણાબધા ‘હું – I ‘ નો બનેલો હોય છે. વ્યવહારમાં જ્યારે આપણે આપણી જાત માટે ‘ હું ‘ પ્રયોજતા હોઈએ છીએ ત્યારે તે એક ભ્રમણા હોય છે કે આપણે એક unified વ્યક્તિ છીએ. આપણી અંદર અસંખ્ય ભિન્ન ‘હું’ વસે છે અને સમયે સમયે વિભિન્ન ‘હું’ સપાટી ઉપર આવતા હોય છે. આ સંદર્ભ સાથે આ શેરનો આસ્વાદ કરવા વિનંતી….

Comments (1)

આપણી આ વાર્તા – સંજુ વાળા

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત

જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંઈ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

-સંજુ વાળા

અસ્તિત્વની વાત છે. મર્યાદિત ઇન્દ્રિયજ્ઞાન દ્વારા ઇન્દ્રિયાતીતને સમજવાની મથામણ કરતા પામર જીવની વાત છે….છત્રી સૂર્યના પ્રખર તાપથી કદાચ બચાવે છે પરંતુ તે સત્ય [ સૂર્ય ] અને વ્યક્તિ વચ્ચે એક આડશ ઊભી કરી દે છે જેમાંથી પારાવાર યાતના જન્મે છે. ઈશ્વરની એક માનવસર્જિત પરિકલ્પના સાથે જયારે વ્યવહારિક જીવનના અવલોકનોનો તાળો ન મળે ત્યારે તે પરિકલ્પના ભયભીત થઇ ઉઠે છે અને પારાવાર મૂંઝવણો-દ્વંદ્વો ઉદ્ભવે છે.

Comments (9)

સખી રી, કેમ ઉકેલું લિપિ જળની – સંજુ વાળા

સખી રી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે – સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર – ને નીંભર
ટેવ પડી ટળવળની
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને
છળમય ભાષા તળની
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની

[નીંભર – મૂંઝાઈ ગયેલું, મૂઢ ]

– સંજુ વાળા

ઊંડી વાત છે. કવિની શબ્દગૂંથણી તો અદભૂત છે જ, પરંતુ પ્રત્યેક શબ્દ કાવ્યને આગળ ધપાવે છે અને અનિવાર્ય છે. ખૂબ ટૂંકમાં કહું તો નિત્ય-અનિત્યના ભેદની વાત છે. realisation ની તક અત્યંત અલ્પજીવી – વીજળીના ઝબકારા જેવી હોય છે. જળ પર પડતી ભાતની તળને કશી તમા નથી. જળ ઉપર થતી તમામ પ્રવૃત્તિ અનિત્ય છે. અક્ષરજ્ઞાન કામનું નથી, ગેબી સંકેત છળમય છે અને તેને ઉકેલવાનું ગજું નથી…..કશું સમજાતું નથી….

Comments (3)

સમજી જા – સંજુ વાળા

તક નિરાળી મળી છે સમજી જા
રમ્ય ક્ષણ સાંપડી છે સમજી જા

વૃત્તિ તો વાંઝણી છે સમજી જા
પીડ એની જણી છે સમજી જા

સૌ ચળકતાં ચટા-પટા, ટપકાં
ક્ષણજીવી કાંચળી છે સમજી જા

સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
જાત દીવાસળી છે સમજી જા

શક્ય છે પળમાં થંભી જાય હવે
તર્ક તો વા-ઝડી છે સમજી જા

તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા

માત્ર મુઠ્ઠી જુવારના માલિક !
એની તો વાવણી છે સમજી જા.

– સંજુ વાળા

ભાવક પાસે ઉચ્ચ કક્ષાની સજ્જતાની વણકથી ‘ડિમાન્ડ’ કરતા સંજુ વાળા પાસેથી પ્રથમ પ્રયાસે ઉઘડી જાય એવી રચના મળે એ ફેબ્રુઆરીના ઓગણત્રીસમા દિવસ જેવી ઘટના છે. પણ આ સંજુ વાળાની રચના છે. સરળ અને સહજ લાગતા શેરમાં પણ ઊંડે ઊતરી શોધશો તો છીપમાંના મોતી જેવો ખજાનો જડશે એની ગેરંટી.

Comments (9)

(અવળી ચાલ, અજાયબ કેડા) – સંજુ વાળા

અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા.
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટ-અમીટે એ જગ જોવા, વિણ વાયક વિણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.

– સંજુ વાળા

જમાનો એનો છે જે પોતાની રાહ પોતે કંડારે છે. બીજાની ચાલ કે બીજાએ ચાતરેલી કેડી નહીં પણ જરા અવળું કરી શકો તો ભૂત, વર્તમાન ને ભવિષ્ય – બધું જ તમારું છે. પંક્તિ-દર પંક્તિમાં છવાયેલો વર્ણાનુપ્રાસ (alliteration) કવિતાના નિર્મિત સંગીતની ભીતર એક બીજું સંગીત ઉમેરે છે, જાણે કે શરણાઈની પછીતે ઝાંઝરી !

Comments (9)

ના તરછોડો – સંજુ વાળા

અધવચ ના તરછોડો
કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
.                 અમે રહીશું થઈને પગનો તોડો.
.                         જી…અધવચ ના તરછોડો

છોને ખૂણે પાળી-પોષી અમે ઉછેર્યું મબલખ,
એ મબલખની માથે ઊગ્યાં અણધાર્યાં આ દઃખ.
કેમ છોડીએ વાળે વાળે વાત પરોવી
.                    કચકચાવી બાંધ્યો જે અંબોડો !
.                         રે…અધવચ ના તરછોડો !

હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
.                      વહાલું, એ હાથે જો ડોક મરોડો.
.                         પણ…અધવચ ના તરછોડો !

– સંજુ વાળા

મીરાંબાઈ કૃષ્ણભક્તિનું કોઈ પદ લખે એ આરતથી સંજુ વાળા પ્રણયગીત આલેખે છે. ભલે પગનો તોડો બનાવીને રાખો, ભલે કોઈ બીજું ગળાનો હાર બની જાય પણ અમને અધવચ્ચેથી તરછોડશો નહીં. એક-એક વાળમાં પરોવેલી વાત અને જાતનું કલ્પન તથા આ પાર યા ઓ પારની ધંખા કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

 

Comments (8)

વરતારો – સંજુ વાળા

કૈં તો દ્યો વરતારો
વાત વાતમાં વળ ચડાવ્યે કેમ આવશે આરો ?

તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન,
એવાં તે ક્યાં કારણ જેનાં ઘમ્મર ચડતાં ઘેન,
જેવું અમેય ધારી બેઠા, એવું તમેય ધારો !
કૈં તો દ્યો વરતારો

હરીફરીને એક જ રટણા સરખી રોજ વિમાસણ,
એક નામની આંટી વાળી પાડ્યું જીભે આંટણ.
કાં સહુ હા-માં હા કહી દો, કાં સામે પડકારો !
કૈં તો દ્યો વરતારો

કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો !
કૈં તો દ્યો વરતારો

– સંજુ વાળા

તડ ને ફડ… બસ, કવિને આ જ અભિપ્રેત છે. કોઈ સીધો ઇશારો જ ન કરો ને દરેક વાતે વળ જ ચડાવતા રહો તો આરો કેમનો આવે? ડર એ છે કે પ્રિયપાત્ર નાનો-મોટો, કોઈ પણ પ્રકારનો વરતારો ન આપે તો સંસારની સમસ્યાઓમાં કઈ ઘડીએ ડૂબી જવાય એ નક્કી નથી…

Comments (4)

Page 1 of 3123