સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

વરતારો – સંજુ વાળા

કૈં તો દ્યો વરતારો
વાત વાતમાં વળ ચડાવ્યે કેમ આવશે આરો ?

તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન,
એવાં તે ક્યાં કારણ જેનાં ઘમ્મર ચડતાં ઘેન,
જેવું અમેય ધારી બેઠા, એવું તમેય ધારો !
કૈં તો દ્યો વરતારો

હરીફરીને એક જ રટણા સરખી રોજ વિમાસણ,
એક નામની આંટી વાળી પાડ્યું જીભે આંટણ.
કાં સહુ હા-માં હા કહી દો, કાં સામે પડકારો !
કૈં તો દ્યો વરતારો

કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો !
કૈં તો દ્યો વરતારો

– સંજુ વાળા

તડ ને ફડ… બસ, કવિને આ જ અભિપ્રેત છે. કોઈ સીધો ઇશારો જ ન કરો ને દરેક વાતે વળ જ ચડાવતા રહો તો આરો કેમનો આવે? ડર એ છે કે પ્રિયપાત્ર નાનો-મોટો, કોઈ પણ પ્રકારનો વરતારો ન આપે તો સંસારની સમસ્યાઓમાં કઈ ઘડીએ ડૂબી જવાય એ નક્કી નથી…

4 Comments »

  1. pragnaju said,

    June 13, 2014 @ 8:20 AM

    કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
    નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
    છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો !
    કૈં તો દ્યો વરતારો

    સૂ શ્રી સંજુ વાળાના ભજન જેવા ગીતની સરળ રીતે
    આધ્યાત્મિક વાત સમજાવતી પંક્તીઓ

  2. captnarendra said,

    June 14, 2014 @ 10:39 AM

    વાહ! ઘણા દિવસે હૈયામાં ભિડાઇ જાય એવું ગીત વાંચ્યું અને આપને તેનો વરતારો આપ્યા વગર રહી ન શક્યો. કાળી ભમ્મર આંખ્યુંના દરિયાની હેઠે કયા છુપાવ્યા ભાવ, એક પાંપણી હલાવીને પણ આપો કોઇ વરતારો – એવી ગર્ભિત લાગણી પેશ કરીને આપે કવિહૃદયની બધી ભાવનાઓ વ્યક્ત કરી છે, સંજુભાઇ! અપ્રતિમ!

  3. Sanju Vala said,

    June 16, 2014 @ 8:48 AM

    Thanks..
    Vivekbhai…
    Mitrono pan aabhar.

  4. Harshad said,

    June 19, 2014 @ 9:47 PM

    મનનીય રચના!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment