હો શંકા તો લાવો છબી ને મિલાવો,
સ્વયં ‘શૂન્ય’ રૂપે ખુદા રૂ-બ-રૂ છે.
‘શૂન્ય’ પાલનપુરી

હોવાપણાં લગ – સંજુ વાળા

ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા લગ
વાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં લગ

ચોક–શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ
પ્લીઝ માની જા નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ

કાલે અનરાધાર ત્રાટક્વાની છે સંભાવના
જાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ

તું કહે છે : ‘રામરટણા’નાં અનુષ્ઠાનોમાં રત છે
હું કહું છું : કસરતો સૌ પહોંચવા રળિયામણા લગ

હું તને સુંદર, અનુપમ લેખું એ જો ઓછું છે તો
તારી મેળે પહોંચી જા તું ‘કોડિલા– કોડામણા’ લગ

પહેલાં ફરકી આંખ, મલક્યા હોઠ, માન્યું મન, પછીથી
કોળી ઊઠી કામના ને વિસ્તરી ઓવારણાં લગ

આવતાં – જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો
હે હૃદય! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ

– સંજુ વાળા

હળવે હાથે ઉકેલવાની રચના. મત્લામાં ‘લેટ-ગો’ નહીં કરી શકાયેલ ‘ઇગો’ કઈ રીતે સ્વથી સર્વ સુધીની બદનામી તરફ લઈ જાય છે એની વાત છે, તો એને જ અનુષંગિક બીજા શેરમાં સમય પર ‘ઇ’ ને ‘ગો’ નહીં કહી શકાય તો દુનિયા(સર્વ)ની આપણી(સ્વ) અંગત બાબતમાં ચંચુપાત કરવાની તત્પરતા સરસ રીતે રજૂ થઈ છે.

5 Comments »

  1. pragnajuvyas said,

    May 12, 2022 @ 7:37 AM

    પધરામણાં લગ- કવિશ્રી સંજુ વાળા ની ખૂબ સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    આવતાં – જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો
    હે હૃદય! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ
    આફ્રીન
    તેમના “ગઝલરસના”નો પ્રતિભાવ માણવા જેવો છે.
    “ગઝલરસના” શ્રી સંજુ વાળાની કસાયલી કલમે અને અભ્યાસુ મને, વિવિધ ગઝલકારોના વિવિધ શેરની લાક્ષણિકતાઓ અને તેમાં રહેલી કવિતાની , ગઝલમાં રહેલી વિવિધ લાક્ષણિકતાઓ દ્વારા તેની ઝાંખી, શેરિયત અને આસ્વાદ દ્વારા અનેરી સાહિત્યમય સફર કરાવી છે…
    “ગઝલરસના” ગઝલ વિચારણા અને ઉત્તમ શેરના રસાસ્વાદ આપણી ભાષામાં ગઝલ , ક્યાંથી- કેવી રીતે- ક્યારે- કોણે અને કયા રૂપરંગમાં અવતારી, તેનો ઉછેર થયો અને છેલ્લા પાંચ દાયકાઓથી ગઝલ કયા મુકામ પર પહોંચી છે… અનેક સાહિત્યિક વિવેચના થઈ છે , ઘણું આલેખન થયું છે , ગઝલના બંધારણ માટે અનેક પુસ્તકો બહાર પડેલા છે, ઘણું કામ થયું છે એટલે કે ગઝલ જો અત્યારે આ મુકામ પર હોય તો તેના માટે અનેક કવિઓનો, ગઝલકારોનો નોંધનીય ફાળો છે , એવું કહી જ શકાય પરંતુ આ બધાની વચ્ચે શેરમાંના સૌંદર્યસ્થાનો અને શેરિયતનો મહિમા.. જેવી રીતે “ગઝલરસના”માં લખાયું છે તે રીતે ઓછું ખેડાયું છે એવું મારા ધ્યાનમાં છે અથવા તો દાખલા આપીને ગઝલમાંના શેરમાં કવિતાનું નિરૂપણ કઈ રીતે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ, નિર્દેશસ્થાનો સહિત ખૂબ જ સરસ રીતે આ પુસ્તકમાં લેખક શ્રી સંજુભાઈ એ રજૂ કરવાનો અથાગ પરિશ્રમ કર્યો છે.
    આ પુસ્તક તેઓએ પૂર્વ, સમકાલીન અને અનુગામી સર્જકોને અર્પણ કર્યું છે તેના પરથી સ્પષ્ટ રીતે તેમનો ભાવક તરીકેનો એક સ્પષ્ટ વિવેક જણાઈ આવે છે..
    ગઝલની સૂક્ષ્મ પરિભાષા, જવાબદારીભર્યો અભિગમ અને અનુબંધ,
    નાવીન્ય, તાજગી , સચોટતા અને કુશળતાભરી રજૂઆતની નેમ,
    સાંપ્રત ગઝલમાં દેખાતી નવેસર તારવણી અને તપાસની ઘટના .
    તો વળી ગઝલ પદ્યની કલાત્મક નીપજ હોવી ઘટે અને
    ગઝલની કાવ્યાત્મકતા એટલે ભારેલો અગ્નિ હો જાણે!
    ગઝલ, ઇશારા અને આભૂષણની કળા
    અને જે ગઝલ પારખી શકે તે ઝવેરી નહીં ઝવેરલો
    ગઝલ, ઠરેલ દ્રષ્ટિનો ઠરેલ મુકામ
    ગઝલ એટલે નવી આંખે નવતર દર્શન
    ગઝલ, એટલે કાવ્ય કૌશલ્યની ઉત્તમ ખપત ગઝલ એટલે ભાષાભિવ્યક્તિના નવતર આયામ
    ગઝલ, એટલે એકોઙહં બહુસ્યામ્
    ગઝલમાં બોલીની રમણીયતા
    ગઝલ, એટલે અચંબાના ભાવ પ્રદેશનો આવિર્ભાવ
    ગઝલ એટલે સમભાવથી કરવા જેવી અન્વેષણા
    ગઝલ, નવતા ભલે જૂજ સ્થાને, પણ છે .
    ગઝલ, એટલે રસસ્થાનોની રમણીયતામાં મુક્ત વિહાર
    ગઝલ, એટલે સજ્જતા અને સમભાવથી ભર્યો અનુનય
    ગઝલ, છેલ્લી ૪ થી ૬ પેઢી નો સહપ્રવાસ
    અને આ બધા માટે કવિ એ પ્રજાની ત્રીજી આંખ છે અને તમામ પદ્યો સર્જનના મૂળમાં કવિતા હોવી આવશ્યક છે ,
    કવિતા સર્જક અને ભાવકનો સહિયારો આનંદોત્સવ છે.
    કવિતા , રસાનંદને પોષતો ચિંતનાત્મક ઉપચાર છે કવિતા, જનમાનસમાં ઝિલાતું વૈચારિક સૌંદર્ય છે
    કવિતા, હાથ આવું આવું થતા રહસ્યો છે,
    કવિતા, સર્જક અને ભાવક નો રમણલોક છે કવિતાનો શબ્દ અનેકાર્થી અને સાધ્ય છે
    કવિતાદર્શન, સર્જકનું નજીક દર્શન છે
    સૂત્ર અથવા સૂક્તિ એટલે કવિતા
    કવિતા એટલે સર્જકની મથામણ અને ભાવકનો મુકાબલો છે
    કવિતાનું નવતર અને નવતર રીતિએ કવિતા હોવી અનિવાર્ય છે.
    કવિતા, જીવન રસનું કાવ્યરસમાં રૂપાંતર છે
    કવિતા, સાર્વત્રિક સાર્વભૌમિક અને સમભાવી ઘટના છે
    કવિતા, પોતપોતાના ચિદાકાશમાં ઉડતું આગવું બ્રહ્માંડ છે
    અને ગઝલના શેર, શેરિયત અને યોગ્ય નિરૂપણનો પુરાવો છે

  2. Vineschandra Chhotai 🕉 said,

    May 12, 2022 @ 4:03 PM

    અતિ સુંદર કૃતિ
    સાવેદના બહુજ
    સરસ રજૂઆત
    અભિનંદન ♥️

  3. praheladbhai prajapati said,

    May 12, 2022 @ 4:24 PM

    સમ્ભાવ્નાઓનિ સરસ અનુભુતિ

  4. Harihar Shukla said,

    May 12, 2022 @ 4:45 PM

    અધ્યાત્મિકતાનો નિર્દેશ કરતી ગઝલ 👌

  5. Poonam said,

    May 13, 2022 @ 11:26 AM

    ચોક–શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ,
    પ્લીઝ માની જા નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ…
    – સંજુ વાળા – મસ્ત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment