નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

મજા – સંજુ વાળા

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા..

ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા…

અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં…

ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં…

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.

– સંજુ વાળા

શિખર એટલે ઊંચાઈ, ટોચ… એવું સ્થાન જેની ઉપર એનાથી ઊંચું બીજું કશું જ ન હોય… એક શબ્દમાં કહેવું હોય તો સર્વોચ્ચ! શિખરની ખરી મજા લેવાની રીત કવિ આપણને સમજાવે છે. જીવનમાં સર્વોચ્ચતા, સર્વોપરિતાની ખરી મજા માણવી હોય તો ધજા બનવું પડે… ધજા એટલે વજનહીનતા… સ્વયંને ઓગાળીને હલકા થયા હોઈએ તો જ આછા પવનમાં પણ લહેરાઈ શકાય. કોઈપણ સારા કામની શરૂઆત આપણે ગણેશને સ્મરીને કરીએ છીએ. પહોંચવાનું તો છેક શિખરે છે, પણ એ માટે પહેલું ડગલું તો ભરવું પડશે ને? માર્ગમાં ક્યાંય ઠેસ ન વાગે એવો માર્ગ તો શ્રી ગણેશ જ દેખાડશે ને? અને એ ન થઈ શકે તો બીજો વિકલ્પ ભીતર રણઝણવાની રજા માંગવાનો છે. ક્યાં શિખરે ફરફરીએ, ક્યાં તો ભીતર રણઝણીએ… વચ્ચેનું કશું અધકચરું કેમ ખપે? જીવનમાં ચડાવ ને ઉતાર છે. પાર પાડો પાડો ને તોય થાકે જ નહીં એટલી અપાર ઇચ્છાઓ છે તો સામા પક્ષે બંને હાથે ઉલેચો તોય ઉલેચવો બાકી જ રહે એવો પરવરદિગારનો ખજાનો પણ છે. પછી બાકી શું રહે?

8 Comments »

  1. લતા હિરાણી said,

    January 23, 2026 @ 11:37 AM

    શિખરની ધજા જેવું હલવાફૂલ ત્યારે જ થવાય
    જ્યારે શિખર સુધી ચડવાનું કષ્ટ વેઠયું હોય….

    સરસ ગીત..

  2. Shailesh Gadhavi said,

    January 23, 2026 @ 11:51 AM

    વાહ વાહ

  3. નેહલ said,

    January 23, 2026 @ 12:29 PM

    વાહ, ખૂબ સરસ ગીત અને આસ્વાદ!

  4. Parbatkumar Nayi said,

    January 23, 2026 @ 8:24 PM

    વાહ મજાનું ગીત
    👌 આસ્વાદ

    કવિ શ્રી સંજૂવાળાને સાંભળવા, વાંચવા બેઉમાં
    છેક શિખરની મજા

  5. Jigisha Desai said,

    January 25, 2026 @ 8:18 AM

    વાહ સરસ…

  6. સંજુ વાળા said,

    January 25, 2026 @ 7:17 PM

    ધન્યવાદ મિત્ર…
    🌹

  7. યોગેશ ગઢવી said,

    January 27, 2026 @ 11:03 PM

    એક મનોહર, માર્મિક ગહન કાવ્ય સાથે આપનો સુંદર આસ્વાદ 🙏🏼

  8. Dr. Vrajlal Savaliya said,

    January 31, 2026 @ 10:54 AM

    ખુબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment