દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

માનજો પ્રેમની એ વાત નથી – મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત, હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

– મરીઝ

પ્રત્યેક શેરની સરળતા જુઓ !!!!!

Comments (7)

પરપોટો – રમેશ પારેખ

પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,
અને પાણીમાં છપાણું એનું નામ.
સામગામ પરપોટા સોંસરો દેખાય,
અને પરપોટો ફૂટ્યો અહીંયા,

અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..
હો ખલાસી.. હો ખલાસી…
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,

પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..

– રમેશ પારેખ

Comments (6)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રાઇટન, (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.
હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.
હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,
– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટાં પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લાં શ્વાસ ભરી રહ્યો છે.

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. (જોકે મને સંતોષ થઈ શકે એવું ગુજરાતી હું આ પંક્તિઓનું નથી કરી શક્યો). કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે…

કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે…

*

આખરી બે પંક્તિના અનુવાદમાં સહાયક થવા બદલ ડૉ. મુકુર પેટ્રોલવાલા તથા ધવલ શાહનો આભાર…

*

Since There’s No Help – Michael Drayton

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

Comments (19)

ઇન્દ્રિયોપનિષદ – જગદીશ જોષી

આદિમાનવને જ્યારે ભાષા નહોતી ફૂટી
ત્યારે એ કેટલો બધો સુખી હશે !
શબ્દો સ્પર્શને બુઠ્ઠો કરી મૂકે છે.

– જગદીશ જોષી

કવિની એક લાંબી-લચક કવિતામાંથી માત્ર ત્રણ જ પંક્તિઓ આજે આપ સહુ માટે…

ત્રણ જ પંક્તિમાં સંબંધનો મહાવેદ જાણે !

Comments (10)

ગઝલ – સાહિલ

પારદર્શક સમય થવા લાગે,
મૌન પણ ત્યારે બોલવા લાગે.

હામ જ્યારે હલેસાં થઈ જાયે,
તો તોફાનોય ખારવા લાગે.

જોઈ અણસાર જાણીતો ફળિયે,
ઉંબરો પ્હાડ લાગવા લાગે.

એ જ ચહેરા છે – આઈના પણ એ,
દૃશ્ય કાં તોય આગવા લાગે

એ મજાની વિષે શું વાત કરું
દર્દ જ્યારે સ્વયં દવા લાગે.

બિંબને ક્યાં છુપાવવા ‘સાહિલ’
ભીંત જો ભેદ ખોલવા લાગે.

– સાહિલ

કેવી મજાની ગઝલ !

Comments (2)

પ્હોંચ્યા – મનોજ ખંડેરિયા

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા
નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,
કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-
પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,
ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા

-મનોજ ખંડેરિયા

એક વાત માર્ક કરજો- મનોજ ખંડેરિયાની ઘણીબધી ગઝલોના મક્તાનો શેર શબ્દ,કાગળ અથવા ગઝલિયત ઉપર હોય છે !!

Comments (4)

અણચિંતવી દાદ – હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….

-હરીન્દ્ર દવે

અદભૂત અનુભૂતિનું કાવ્ય…….કાવ્યના ભાવવિશ્વમાં ડૂબકી મારી જોવા જેવી છે……આંખો બંધ કરી ધીમે ધીમે ગણગણી જુઓ…….

Comments (2)

સવા-શેર : ૯ : મીંડું – મનહર મોદી

એક મીંડું અંદર બેઠું છે
એ આખી દુનિયાને તાગે.
-મનહર મોદી

લયસ્તરોની નવ વર્ષની અનવરત સફર અને ત્રણ હજાર પૉસ્ટની ઉજવણી નિમિત્તે એક-એકથી સવાયા સવા-શેર અહીં રજૂ થયા અને દરેક શેર પર અમે ચારેય સંપાદકોએ પોતપોતાની ટિપ્પણીઓ આપી… હવે આજે આ છેલ્લો સવા-શેર… પણ આ શેર વિશે અમે ચાર મિત્રો કશું નહીં બોલીએ…

લયસ્તરોના માનવંતા વાચકમિત્રોને આ શેર વાંચતી વખતે એમના ચિત્તતંત્રમાં કયા-કયા ભાવ જાગ્યા, આ શેરનું કઈ રીતે તેઓ પૃથક્કરણ કરે છે એ અમને પ્રતિભાવ તરીકે પાઠવવા માટે આમંત્રણ છે…

-ધવલ -વિવેક -તીર્થેશ -મોના
(ટીમ ‘લયસ્તરો’)

Comments (10)

સવા-શેર : ૮ : અક્લ સે આગે – ઇકબાલ

ગુઝર જા અક્લ સે આગે કે યહ નૂર
ચિરાગ-એ-રાહ હૈ, મંઝિલ નહીં હૈ.

– ઇકબાલ

(તું તારી અક્કલની ઉપરવટ જઈને આગળ વધી જા. અક્કલનો પ્રકાશ રસ્તો બતાવનાર છે,ધ્યેય નથી.)

 

દર્શનની ગહનતાની વાતે ગાલિબને ટક્કર આપે તેવો શાયર એક જ – ઇકબાલ. ઘણીવાર જોયું છે વ્યવહારમાં કે સરળતામાં જે પવિત્રતા છે તે લાખ પ્રયત્ને પણ હોશિયારીથી હાંસલ ન કરી શકાય.

– તીર્થેશ

 

બુદ્ધિની આંગળી પકડીને બહુ થોડે સુધી જ જઈ શકાય છે. એનાથી આગળ જવા માટે તો વેદના, શ્રદ્ધા, અને અંતરદ્રષ્ટિની આંગળી પકડવી પડે. ઈકબાલનો જ આ શેર જે જીવનમાં નહીં નહીં તો દસ હજાર વાર યાદ કર્યો હશે.

अच्छा है दिल के पास रहे पासवान-ए-अक्ल
लेकिन कभी कभी इसे तनहा भी छोड़ दे.

– ધવલ

અક્કલને વળોટવું એટલે આભાસની આરપાર જવું… તીર્થેશ ઉર્દૂનો શેર લઈ આવ્યો છે તો ઉર્દૂના જ બે’ક શેર યાદ આવે છે… પહેલામાં ઇકબાલની વાતનું પુષ્ટિકરણ નજરે ચડે છે… અક્ક્લને અહીં કવિએ બરાબર આડે હાથ લીધી છે:

अक़्ल हर चीज़ को इक जुर्म बना देती है,
बेसबब सोचना, बे-सूद पशीमां होना । (बे-सूद=વ્યર્થ, पशीमां=લજ્જિત)
– ‘अदम’

તો આ બીજા શેરમાં અક્ક્લનો મહિમા ગાવામાં આવ્યો છે:

ऐ अक़्ल, साथ रह कि पडेगा तुझी से काम,
राहे-तलब की मंज़िल आख़िर जुनूं नहीं । (राहे-तलब=પ્રેમ-માર્ગ, जुनूं=ઉન્માદ, જનૂન)
-‘निसार’ इटावी

– વિવેક

Comments (1)

સવા-શેર : ૭ : જખમ – કલાપી

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

-કલાપી

આ શેરની પસંદગીનું કારણ એ છે કે અહીં vulnerability ની વાત થઇ છે. vulnerability માટે કોઈ યોગ્ય ગુજરાતી શબ્દ મળતો નથી.

કોઇપણ પારસ્પરિક સંબંધમાં- તે વ્યક્તિ સાથે હોય કે સમષ્ટિ સાથે – માણસ પોતાની આસપાસ એક પછી એક અભેદ્ય આવરણ રચતો જાય છે. હેતુ માત્ર એટલો જ કે રખેને હું ઘવાઈ જાઉં… અને વળી માણસ જેટલો વધુ બુદ્ધિશાળી તેટલા તેના આવરણો વધુ સૂક્ષ્મ અને વધુ મજબૂત. કેટલો ભયાનક ડર !!!! ખુલીને, મોકળા મને, સંપૂર્ણ ‘સ્વ’ દ્વારા કોઈપણ પારસ્પરિક સંબંધમાં પ્રવેશવું જ નહીં કે જેથી કોઈ સંજોગે જખમ થઇ જાય તો… આથી મોટી, આથી વિશેષ કરુણતા કઈ હોઈ શકે !!!! હસવું, પણ પૂર્ણ હાસ્યથી નહીં, રડવું, પણ હૈયાથી નહીં, ગળે મળવું, પણ કુમાશથી નહીં… અક્કડતા કદીપણ છોડવી જ નહીં … અને આ આખી કરુણતાને વ્યવહારકુશળતાના સુંદર નામ હેઠળ છૂપાવી દેવી !!

A relation where there is no vulnerability is not a relation but a trade.

– તીર્થેશ

 

Come what may ની છાતી લઈને જીવાય એ જ ખરું જીવન. मुर्दादिल क्या ख़ाक़ जिया करते हैं? જખ્મો અને દર્દને -શું કવિ કે શું આમ આદમી- સફળતા સાથે સીધો જ સંબંધ છે. એક શેર યાદ આવે છે:

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું?
હો દર્દ લાજમી તો લાજવાબ કાંટા છે.

અને જખમનો આ સવા-શેર જે ગઝલમાંથી આવ્યો છે એ જ ગઝલમાં કલાપી પોતે કહે છે: “જહીં જખમો તહીં બોસા તણો મરહમ અમે દેતા…”

-વિવેક

 

જખમમાં જોખમ છે. જોખમ ન લો તો પછી કોઈ નવો રસ્તો ખૂલવાની શક્યતા જ ક્યાંથી આવે? જીંદગીની ધાર પર જીવો. જોખમ-જખમ લઈને જીવો. જે વિપરીત પરીસ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે એ એટલા જ વધારે સશક્ત બને છે.

– ધવલ

જખમ સર્જકને જન્મ આપે છે. એ મોહનને મહાત્મા અને સિદ્ધાર્થને બુદ્ધ બનાવી શકે છે.

– ઊર્મિ

Comments (7)

સવા-શેર : ૬ : ભીના ન થયા – રમેશ પારેખ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા

– રમેશ પારેખ

વરસાદમાં જવું અને ભીના થવું એ બન્ને તદ્દન અલગ ઘટના છે. વરસાદમાં તો બધા જાય છે પણ ભીના બહુ ઓછા લોકો થાય છે. જે ભીના થતા રહી જાય છે એમાં વાંક બિચારા વરસાદનો નથી. આપણા જ ‘આવરણો’ ઊતારવાના રહી ગયા હોય છે. આપણે બધા ઝરમર વરસતી જીંદગી વચ્ચે જ ઊભા છીએ. હવે ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા જ હાથમાં છે.

– ધવલ

કેટલાક વરસાદ, કેટલાક ચોમાસા આપણને કોરાંકટ છોડીને પસાર થઈ જાય છે. એવા “સમ્-બંધ” જ્યાં બંધન હોય પણ સમતા ન હોય ત્યાં ઉભય પક્ષે લાગણી હોવા છતાંય સામાને ભીનાશ વર્તાયા વિના જ રહી જાય એમ બની શકે… કેટલાક તો માણસો પણ વૉટરપ્રુફ હોય છે !

– વિવેક

વરસાદ એટલે કુદરતનો સંવાદ. વરસાદ એ પરિસ્થિતિ છે અને ભીંજાવુ એ મન:સ્થિતિ છે. ઘણા વરસાદમાં પલળે છે ખરા પણ ભીંજાતા નથી. જેમ ધોધમાર વરસાદમાં પલળીને કોરા રહી જનારા ય હોય છે તેમ બારીમાં ઊભા ઊભા જ ભીંજાય જનારા પણ હોય છે. જીવંત હોય એ જ ભીંજાય શકે, જડ હોય એ તો પથ્થરની જેમ માત્ર પલળી જ શકે. અને ભીંજાય શકે એ જ ભીંજવી શકે…

– ઊર્મિ

જેટલું ઊંડાણ પોતાનામાં હોય તેટલું જ ઊંડાણ વ્યક્તિ સામેનામાં જોઈ શકે છે……

– તીર્થેશ

Comments (4)

સવા-શેર : ૫ : એક વારનું દર્દ – મરીઝ

કાયમ   રહી   જો   જાય  તો પેગંબરી મળે
દિલમાં  જે   એક   દર્દ  કોઈ વાર  હોય છે

– મરીઝ

સામાન્ય માણસ પણ પયગંબરને સમકક્ષ કામ કરતો હોય જ છે. ફરક માત્ર એટલો કે એ કામ લાંબો સમય ટકતું નથી. એક દર્દ માણસને મસિહા બનાવવા પૂરતું હોય છે. તકલીફ માત્ર એટલી છે કે એ દર્દ હંમેશ માટે ટકતું નથી. આપણું કામ એ દર્દને રાતવાસો અને બને તો જનમ-વાસો કરવા સમજાવવાનું છે. એક જણસની જેમ જે દર્દને જીગરમાં સાચવી રાખી શકે એની પયગંબરી પાકી !

– ધવલ

દર્દ એ કવિતાના શરીરનો આત્મા છે. પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. ગાલિબ યાદ આવે: रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई । એ જ ગાલિબ આજ મિજાજની વાત ફરી આ રીતે કરે છે: दर्द का हद से गुजर जाना है दवा हो जाना । પણ દર્દ ટકી જાય તો? રાજકુમાર સિદ્ધાર્થે સંસારની તકલીફો જોઈ. આ તકલીફો એનામાં કાયમી ઘર કરી ગઈ અને એ બુદ્ધ બન્યા. દર્દ ટકાવી રાખીએ ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એ ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત હોવી ઘટે.

– વિવેક

દિલમાં એક દર્દનું કાયમી સ્થાપન દેશ અને સમાજમાં કેવી મહાન ક્રાંતિ સર્જે છે એ સમજવા માટે ગાંધીબાપુથી વધુ ઉમદા ઉદાહરણ બીજું કયું હોઈ શકે!

– ઊર્મિ

અહીં ‘દર્દ’ એટલે all-encompassing compassion – સર્વ ને આવરી લેતી કરુણા -………જડ-ચેતન સઘળું. મને તો મારું સંતાન મારા પાડોશીના સંતાન કરતા વધુ વ્હાલું છે……..આગળ બોલું જ શું !!!!!

– તીર્થેશ

Comments (8)

સવા-શેર : ૪ : ન હો જો કશું તો – હિમાંશુ ભટ્ટ

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

– હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની મને પ્રિય એવી એક ગઝલનો અમર થવાને સર્જાયેલો આ શેર! એમની ગઝલોમાં વાસ્તવિકતા ક્યારેક સખીપણાનાં શણગાર બનીને આવે છે તો ક્યારેક અભાવ અને સ્વભાવ બનીને આવે છે. કાં તો માણસ કોકને નડે છે કાં સ્વયંને. જીવનમાં કંઈ જ ન હોય તો એનો અભાવ અને બધું જ હોય તો પોતાનો જ સ્વભાવ નડે છે. મતલબ કે નડવું એ માણસની મૂળ પ્રકૃતિ છે, પછી એ ભલે અન્યને નડતરરૂપ હોય કે સ્વયંને. આ શેર મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નાં એક પ્રખ્યાત અને અમર શેરની હંમેશા યાદ અપાવે છે:

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

– ઊર્મિ

કવિતાના ગળામાં પહેરાવવામાં આવતું સૌથી વધુ મૂલ્યવાન ઘરેણું સરળતા છે. એક જ શેર લખાય અને તોય અમરતા મળી જાય એવો ઝળાંહળાં છે આ શેર. ભાષાની સરળતા અને બહુ જૂજ શબ્દોની ફેરબદલથી જે ભાત અહીં ઉપસી આવી છે એ શબ્દાતીત છે. મૂળે આપણી જાતમાં જ નડતર ઘર કરી ગયું છે. શેક્સપિઅરના "મર્ચન્ટ ઑફ વેનિસ"ના પહેલા અંકના બીજા દૃશ્યમાં નેરિસા કહે છે: "they are as sick that surfeit with too much as they that starve with nothing."

– વિવેક

અભાવની લાગણી સ્વભાવજન્ય જ ન ગણાય !!!!

– તીર્થેશ

અલ્પમાં જે મઝા છે તે અતિશય આવતાની સાથે ભાગી છૂટે છે. ચીજોનો અભાવ સહન કરવો સહેલો છે. પણ મનનો અભાવ (સ્વભાવ) સહન કરવો અઘરો છે. કદાચ માણસની પ્રકૃતિ જ એવી છે. દરેક રેશમી ટેરવાની સાથે જ નખ જડેલા હોય છે.

– ધવલ

Comments (8)

સવા-શેર : ૩ : વાતાવરણને જીવતું રાખે – રઈશ મનીઆર

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર

કહેવાય છે કે સમય ખૂબ જ બળવાન હોય છે અને એ જ હૃદય-મનનાં બધા દુ:ખોની દવા છે, જે ઘણીવાર સાચું હોય છે. પરંતુ વ્યથાના વાદળો જ જ્યારે દર્દનાં વાતાવરણને ચિરજીવંત રાખતા હોય ત્યારે એ ચોક્કસ ખોટું પુરવાર થાય છે. મતલબ કે સમયનાં સૂર્યનું કાયમ ચાલતું નથી હોતું. દર્દભીની ધરતી પર જ ક્યારેક સર્જકતાનાં ફૂલ ખીલી ઊઠતા હોય છે. અહીં ઘાયલસાહેબનો શેર યાદ આવે છે, "સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે, ગમે તેવું દુઃખી હો પણ જીવન જીવાઇ જાયે છે."

– ઊર્મિ

એક અદભુત શબ્દચિત્ર… ઉનાળામાં ધરા સકળ બાળી મૂકવા પર ઉતારુ થયેલા સૂર્યને ઢાંકી દઈને હાશ વરસાવતા વાદળોને રૂપક તરીકે વાપરી કવિ સમયની નિર્મમતા અને વ્યથાની સહૃદયતાને juxtapose કરી આપે છે. કાળથી વધુ વિકરાળ બીજું કોણ હોઈ શકે? મહાભારત યાદ આવી જાય: समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वोही बाण ।

– વિવેક

 

કવિ નથી ઈચ્છતા કે કેટલાક ઘા રૂઝાય.. કેટલાક વ્રણ આપણને સતત એ અનુભૂતિ કરાવતા રહે છે કે આપણે જીવંત છીએ … આપણી સર્જકતાને ઉત્તેજિત કરતા રહે છે આવા વ્રણ- વિશ્વના સર્વોત્તમ સર્જન દર્દની પરાકાષ્ઠાએ જ થયા છે…. મરીઝસાહેબ પણ માગે છે – ‘દે એક મહાન દર્દ અને પારાવાર દે’. વળી, વાદળો કાયમી નથી હોતા. વરસી જાય છે,પવન સાથે ખેંચાઈ જાય છે..

આ જરાક complex અભિવ્યક્તિનો શેર છે – કોઈ કદાચ એમ દલીલ કરે કે કવિ દર્દ પરત્વે pathological attraction ધરાવે છે, પરંતુ આ શેરમાં અભિવ્યક્તિની સુંદરતા એક સરળ વક્રોક્તિને લીધે ખીલે છે ….જેમ કે ગાલિબનો શેર –

કોઈ મેરે દિલ સે પૂછે,તેરે તીર-એ-નીમકશ કો,
વો ખલિશ કહાં સે હોતી,ગર જીગર કે પાર હોતા !

(મારા દિલની વેદના તારા અર્ધખેંચાયેલા તીરને આભારી છે. જો તારું તીર જીગરની આરપાર ચાલ્યું ગયું હોતે તો ના જાન રહેતે, ના દર્દ.)

એક તલત મેહમૂદનું ગીત યાદ આવી જાય છે- હૈ સબ સે મધુર વોહ ગીત જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ …..

– તીર્થેશ

 

વ્યથા ને લીધે જ જગતની કથા ચલતી રહે છે. એક વિશાદ ઘૂંટાય તો તેમા આખા રામાયણની રચના કરવાની તાકાત હોય છે. દર્દની ભીનાશ જ ફળદ્રુપ બનાવે છે.

– ધવલ 

Comments (2)

સવા-શેર : ૨ : જાગને જાદવા – મનહર મોદી

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

– મનહર મોદી

 

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જે આંખ જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म । જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

– વિવેક

 

ઓશો કહે છે જગતને જોવા માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. આ તો એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થવાની અને ભીતરનાં ભેદ પામવાની આ વાત છે. ભગવાન બુદ્ધ કહે છે કે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવા માટે આપણે આપણા અંતરાત્માના અવાજને અનુસરીને જ યાત્રા કરવી પડે. આપણા સિવાય આપણો કોઈ બેલી નથી. અંતર્જ્યોતિને પ્રજ્વલિત કરી આપણે જ આપણી જીવનયાત્રાના પથદર્શક બનવું પડે. એટલે કે અજવાળું બહારથી ઉછીનું લીધેલું નહીં પરંતુ આપણી અંદર જ પ્રગટવું જોઈએ.

– ઊર્મિ

 

‘જાગ’ – કેટલી બધી જગ્યાએ આ શબ્દ વપરાયો છે……! ‘ Awakened One ‘ એ બુદ્ધનું એક નામ હતું. વાતો તો બધી બહુ કરી શકાય-થાય પણ છે. પરંતુ journey towards awakening ત્યારે શરુ થાય કે જયારે એ અંદરથી-સાચ્ચેસાચ એમ realize થાય કે ‘ હું જાગૃત નથી .’ ત્યારબાદની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ કહે છે. આ અવસ્થા કોણ પામે અને કોણ ત્યાર પછીની યાત્રા પર આગળ વધે તે અંગે આદિ શંકરાચાર્ય કહે છે:

‘કોટિ [ કરોડ ] માંથી એક ને બ્રહ્મ-જિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષ [લાખ] માંથી એક પાણી વગર માછલી તડપે તે રીતે તે દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે 5000 વર્ષ સુધી પણ અવિરત નામજપ,સત્સંગ,ગુરુસેવા,ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ 
– વિવેક્ચુડામણિ

સ્પષ્ટ છે કે બોલવું એક વાત છે અને કરવું……………..

– તીર્થેશ

આ જગતને સમજવાની સૌથી મોટી તકલીફ છે કે: "હકીકત ભી હકીકત મે એક ફસાના હી ન હો." એટલે કે હકીકત અને ભ્રમમાં ભેદ કરવો બહુ અઘરો છે. આ સનાતન સમસ્યાનો બહુ સરળ ઉકેલ છે. બધુ જ ભ્રમ છે એમ માનીને જ ચાલવું. હકીકત અને ભ્રમ વચ્ચે ભેદ કરવાની અશક્તિનો સ્વીકાર કરવો. પ્રોબ્લેમ સોલ્વ્ડ !

ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે.

આડવાતમા : 19મી સદીની શરૂઆતમા ભૌતિકશાસ્ત્ર એક સીમા પર આવીને અટકી ગયેલું. આગળનો રસ્તો નહોતો મળતો. ત્યારે, હાઇઝ્નબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો. વિજ્ઞાને પણ ગ્રહણશક્તિની સીમા સ્વીકારી ત્યારે જ કામ આગળ ચાલ્યું હતું.

– ધવલ

Comments (7)

સવા-શેર : ૧ : ટોળાની શૂન્યતા – જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

-જવાહર બક્ષી

 

ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ટોળાંને નથી દિલ, ન મગજ. ટોળું એક અર્થહીન, શૂન્યતા છે. ગાડરિયા પ્રવાહની જેમ આપણે ટોળાંમાં તણાતા હોઈએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતાથી વિશેષ, એક અવ્યવસ્થાથી વધુ કશું જ નથી હોતા. આપણું હું-ન હોવું બરાબર જ છે જો આપણે આપણે વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો એક ભાગ બની બેઠાં હોઈએ. આ શેર વાંચતા જ ગાલિબ યાદ આવી જાય: डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?

– વિવેક

 

સમૂહ અને ટોળામાં ફરક છે. સમૂહમાં જે સંવાદિતા હોય છે એ ટોળામાં નથી હોતી. ટોળાને નથી હોતી બુદ્ધિ કે નથી હોતો કોઈ પોતીકો સૂર… બસ હોય છે માત્ર જુદા જુદા અવાજોથી સર્જાતો એક ઘોંઘાટ. ટોળાનો દરેક માણસ સ્વયં સિવાય અન્ય વિશે વિચારી શકતો નથી. ટોળાનો હિસ્સો બની રહેવામાં એ એક ભ્રામિક સલામતી અનુભવે છે. ટોળાના માણસો અનેક જગ્યાએ અન્યાય થતો જુએ, છતાંય પોતાને ટોળાની સંકુચિત મર્યાદામાં રાખી એ અન્યાયને અવગણી શકે. જે જોવું હોય એ જ જુએ, નહીંતર આંખો બંધ. માત્ર ટોળાનાં બનીને રહી ગયેલા એક માણસ એટલે કે પિતામહ ભિષ્મ. પોતાને આવા ટોળાની શૂન્યતાથી વધારે કશું જ ન સમજતા કવિ જીવનનો મર્મ ખૂબ સ-રસ રીતે સમજાવી જાય છે. પોતાની લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી ચાલીસ વર્ષ પછી પોતાને જ ન ગમેલી સાતસો જેટલી ગઝલોને રદ કરીને માત્ર 108 ગઝલોનો ‘તારાપણાનાં શહેરમાં’ સંગ્રહ આપનાર આ કવિ કહે છે કે "હું છું ને હું નથી"!

– ઊર્મિ

 

‘ટોળું’ એટલે શું ? – ઘણાબધા ‘હું’ નો સમૂહ. ‘હું’ એટલે ઘણાબધા વિચારો નું ‘ ટોળું’. શેરની ચાવી છે ‘શૂન્યતા’.

‘હું છું ને હું નથી.’- આ વિરોધાભાસ આભાસી છે. અસ્તિત્વનું મધ્યબિંદુ છે શૂન્યતા. જેની એક તરફ છે ‘હું છું’ અને બીજી તરફ છે ‘હું નથી’.

– તીર્થેશ

 

કેટલાક શેર અરીસા જેવા હોય છે. એની સામે જે ઊભુ રહે તેને પોતાના વિચારોનું પ્રતિબિંબ જ શેરમાં દેખાય. આ શેર જેટલી વાર વાંચો એટલી વાર તમારી પોતાની મનોસ્થિતિ પ્રમાણે એનો અર્થ તમને દેખાશે. ટોળું, શૂન્યતા, હોવું – એ બધાનો અર્થ જુદી જુદી રીતે થઈ શકે એમ છે.

પહેલી નજરેઃ ટોળાની શૂન્યતા એટલે ટોળું ભરાતું જાય એમ માણસ ખાલી થતો જાય અને છેવટે શૂન્યતા સુધી પહોંચી જાય. પોતે ટોળામાંથી અલગ નથી થઈ શકતા એટલે પોતાની જાત પર પણ કવિ ચોકડી મારે છે. પોતાનો મર્મ કશો રહ્યો નથી. ટોળાની વચ્ચે પોતાનું અલગ અસ્તિત્વ નથી રહ્યું એટલે પોતાના હોવા અને ન હોવામાં કોઈ ફરક રહેતો નથી. ટોળાનો ભાગ બની ગયેલા કવિ પોતાની જગતમાં કશો ફરક પાડી શકવા માટે અસમર્થ બની ગયા છે અને પોતાના અસ્તિત્વને નિરર્થક બની ગયેલું જુએ છે.

પછીઃ જેમ વિચારોની ઊંડાઈ વધતી જાય એમ ખ્યાલ આવે કે આટલા ઉમદા કવિ ટોળાની વાત કરીને પોતાનો સમય શું કરવા બગાડે ? આ તો આત્મદર્શનના કવિ છે. એ જે ‘ખાલીપણાના શહેર’ની વાત કરે છે એ કોઈ શહેરની વાત નથી, એ તો પોતાની જાતને જ ‘ખાલીપણાના શહેર’ તરીકે ઓળખાવે છે. (વિચાર જ કેટલો ઉમદા છેઃ દૂર દૂરથી જ્યાં ખાલીપો રહેવા માટે આવે છે એ શહેર!) તો પછી ‘ખાલીપણાના શહેર’માં ઘોંઘાટ કરી રહેલું ટોળું એટલે શું? એ ટોળું એટલે આપણી સિમિત ઈન્દ્રિયો. એ ટોળું મળીને ગમે તેટલો ઘોંઘાટ કરે એમનો છેવટે સરવાળો શૂન્ય જ થવાનો છે! પોતાના શરીરની-પોતાની ઈન્દ્રિયોની સીમા પારખીને કવિ કહે છે, હું કશું નથી. અને હું કશું છું કે નથી એનો પણ કશો અર્થ નથી.

આમ જ બીજા પણ અર્થ પણ થઈ શકે. નવો અર્થ મળે તો કવિતા બદલાતી નથી. આપણી પોતાની વિચારવાની રીત બદલાઈ હોય છે. આવી કવિતાને હું મુક્ત-કવિતા કહું છું. જે તમને વારંવાર વિચારવા મજબૂર કરી દે.

– ધવલ

Comments (5)

‘લયસ્તરો’ને આજે થયા નવ વર્ષ

114_6

‘લયસ્તરો’ આજે નવ વર્ષ પૂરા કરે છે.

આમ તો સમયના વિરાટ ચક્રમાં નવ વર્ષ જરા જેટલો જ સમય છે. છતાં કવિતાના આનંદને વહેંચવાનો ઉદ્યમ આ મુકામે પહોંચ્યો એ બહુ સંતોષની ઘટના છે. કવિતા માટેનું ઋણ ચૂકવવાનો આટલો અવસર મળ્યો એ પોતે જ અનહદ આનંદ છે.

થોડા વખત પહેલા એવી વાત નીકળી કે કવિતા અને હકીકતમાં જીવાતું જીવન બહુ અલગ થઈ ગયા છે. કવિઓ જે લખે છે એને સામાન્ય માણસની રોજબરોજની જીંદગી સાથે બહુ પાતળો જ સંબંધ રહ્યો છે. આ વાતે મને વિચારતો કરી દીધો. આપણે જેને કવિતા કહીએ છીએ એ ખરેખર શું છે? એનું પ્રયોજન શું છે? એની જવાબદારી શું છે? એને આટલી ઊંચી કળા શા માટે ગણવામાં આવે છે? એવા પ્રશ્નો મને પૂછો તો એનો જવાબ તો મારી પાસે નથી. પણ એક વાત મનને અડકી ગઈ કે કવિતાને જીવ્યા પછી જે કવિતા બને છે એ અલગ જ કક્ષાની હોય છે. (મેઘાણી, કલાપી, મરીઝ કે મકરંદ દવેની કવિતા વાંચો એટલે વધારે કંઈ કહેવાનું રહેતું નથી.) કવિતાનો રોજબરોજની જીંદગી સાથે ગાઢ સંબંધ હોવો જરૂરી છે. કવિતા આજના સમયના પ્રશ્નોની સામે ઊઁધુ માથું કરીને લખી શકાય નહી. કવિતા એટલે સચ્ચાઈ અને સચ્ચાઈ એટલે કવિતા. એની સામે ઘણાનું કહેવું છે કે રોજબરોજની જીંદગીને વણી લેતી કવિતા ઓછી થતી જતી લાગે છે. કવિતાનું લોહી ઠંડુ થતું જતું લાગે છે. કવિતામાં સચ્ચાઈની ખોટ દેખાતી જાય છે.

આ વાત અહીં એટલા માટે કરી કે આ વિશે તમે -‘લયસ્તરો’ના વાંચકો- શું વિચારો છો એ જાણવું છે. ગુજરાતી કવિતાની દિશા વિશે તમારું શું કહેવું છે? કવિતા અને રોજબરોજની જીંદગી વચ્ચે તમને ભેદ લાગે છે કે નહીં? કવિતા લખવા માટે કવિતા ‘જીવવા’ની જરૂર ખરી? આ બધા વિશે તમે શું વિચારો છો એ સગવડે કોમેન્ટમાં લખશો.

દર વખતની જેમ આ વર્ષે પણ કંઈ નવું કરવાની ઈચ્છા છે. રોજ એક ગમતો શેર અને એ એક જ શેર પર ચિંતન. કવિતાના હાર્દ સુધી જવાની કોશિશ. આવતા સાત દિવસ સુધી.

Comments (26)

એક કાગળ……- કમલેશ સોનાવાલા

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું અમથું અટવાવવું…

– કમલેશ સોનાવાલા

આ કવિની રચનાઓનો ખાસ પરિચય નથી પરંતુ આ નમણું ગીત facebook ઉપર નજરે ચઢ્યું એવું જ ગમી ગયું. ક્યાંક ક્યાંક શબ્દો સહજતાથી આવતા હોય એવું નથી લાગતું પરંતુ એ સિવાય કાવ્ય સરસ લય ધરાવે છે.

Comments (3)

…..પડ્યો – ગની દહીંવાલા

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો

વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો

-ગની દહીંવાલા

Comments (7)

સમૂહગાન – ઉદયન ઠક્કર

સમૂહ
.          પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
.          આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !

અવાજ-૧
.          એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
.          અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
.          ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
.          ઊંડે તાણી જાય છે, મારા
.          શ્વાસો
.          ક્રમશ:
.          તૂટે છે.

સમૂહ
.          પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી

અવાજ-૨
.          મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
.          જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
.          દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
.          મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.

સમૂહ
.          પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,

અવાજ-૩
.          શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે !
.          રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે !
.          જાણે પંખી ડાળ મૂકીને જાત હવામાં ફેંકે જી !
.          અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી !

સમૂહ
.          પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,

– ઉદયન ઠક્કર

Comments (3)

ગઝલ – હેમંત પુણેકર

જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે

સહસા જે કરે રાઈને પર્વતથી વધારે
ચુપ કેમ છે આજે એ જરૂરતથી વધારે?

જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે

કિસ્મત કને આથી વધુ શું માગવું બોલો?
છું આપની નજદીક હું નિસ્બતથી વધારે

સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર
પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે

– હેમંત પુણેકર

સુંદર ગઝલ…

Comments (7)

ઊભો છું – હેલ્પર ક્રિસ્ટી

સમયના સુકાતાં ઝરણમાં ઊભો છું,
કે હું રાખના કોઈ કણમાં ઊભો છું.

ને ત્યાં કોઈનો હાથ લંબાય ક્યાંથી ?
હું સૂરજની પાછળ કળણમાં ઊભો છું.

કમળ જેમ ખીલ્યાં છે સ્વપ્નો પરંતુ,
તિમિરના સઘન આવરણમાં ઊભો છું.

અનાગતની વાતો કરું કેવી રીતે ?
હજી છિન્ન ગતના સ્મરણમાં ઊભો છું.

ને અણસાર મારો મળી પણ ગયો છે,
હું તો પાછલી કોઈ ક્ષણમાં ઊભો છું.

ભવન આપણું સાવ જર્જર પુરાણું,
હું ખરતી ભીંતોના શરણમાં ઊભો છું.

– હેલ્પર ક્રિસ્ટી

એકે-એક શેર ખરા સોના જેવા…

Comments (4)

કોઈ કહેતું નથી – મનોજ ખંડેરિયા

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

– મનોજ ખંડેરિયા

Comments (6)

બોલ સખી – મુકેશ જોષી

બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિ
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ?

રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા તારા મનને ક્યાંથી બાંધું
તું ના માને એ સાંજે હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુ
મારા ગઝલો વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો દોર થયો કે નહિ ?

સ્મિત તણા પારેવા તું ઉડાવે એને આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
એમ સીવે તું હોઠ કે જાણે શબ્દો બધા ઠોઠ અને તું કરે સાથીયા નામ લઇ મનમાંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે એ છોને મનગમતો પણ ચોર થયો કે નહિ

– મુકેશ જોષી

Comments (4)

પ્રિય…ને, – જયા મહેતા

તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે,
તમે મારા દિવસોને આનંદથી ભરી દીધા છે.
તમે મારા આંગણામાં પારિજાત ઉછેર્યો છે,
તમે મારી રાત્રીઓને મઘમઘતી કરી છે.

તમે મારા ડૂબુંડૂબું થતા વહાણને ઉગાર્યું છે,
તમે કિનારાને કિનારો હોવાની સાર્થકતા બક્ષી છે.
તમે ઘુવડની આંખને પ્રકાશનું માહાત્મ્ય સમજાવ્યું છે,
તમે મારા ખંડમાં અજવાળું પાથર્યું છે.

તમે મને તૃણથી તરુવર સુધી વહેતી હવાની ઝાંખી કરાવી છે.
તમે મારી બધી થોરકાંટાળી વાડને તોડી છે.
તમે મને સાઇરન અને મંદિરના ઘંટનો ભેદ સમજાવ્યો છે,
તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે.

તમે મને દુનિયાને પ્રેમ કરતાં શીખવ્યું છે.

– જયા મહેતા

ચૌદમી પંક્તિ ઉમેરી હોય તો મુક્ત-સૉનેટ કહેવાનું મન થાય એવું મજાનું કાવ્ય. પહેલી બાર પંક્તિમાં તો કવિતા એક પ્રેમીનું બીજા સામેનું કબૂલાતનામું જ બની રહે છે. તમે મારા જીવનમાં આ ને તે અને પેલું અને ઓલું અને વગેરે વગેરે બનીને આવ્યા છો… પણ કવિતાનો ખરો પંચ એની આખરી પંક્તિમાં છે.. જે કોઈ એકની મહત્તા અને મહત્વ સમજી-સ્વાકારી કોઈ એકને સાચા અર્થમાં પ્રેમ કરી શકે એ સમસ્ત વિશ્વને ચાહતાં શીખી જાય છે…

Comments (6)

એકલું પડવું પડે – નીતિન વડગામા

જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે.

સાબદા હો કાન કેવળ એટલું પુરતું નથી,
સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે.

સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે.

ગાઢ જંગલમાં બધાં સાથે મળી મૂકી જશે,
બ્હાર નીકળવા તમારે એકલું પડવું પડે.

કોઇને ટેકે પ્રભાતી પ્હોર થઈ ઊગી શકો,
સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે.

– નીતિન વડગામા

આજે ભીડની વચ્ચે આમ જોઈએ તો માણસ સાવ એકલો પડી ગયો છે પણ શું એ સાચે જ એકલો પડી શકે છે ખરો? એકલતા અને એકાંત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ કવિ આ ગઝલમાં સરસ રીતે ખોલી આપે છે.

Comments (4)

ગઝલ – મરીઝ

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.

હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.

સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.

જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.

તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.

કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?

‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.

-મરીઝ

મરીઝની ગઝલને વળી ટિપ્પણીની શી જરૂર? શીઘ્રાતિશીઘ્ર સમજી જવાય અને તોય જન્મારો ઓછો પડે એ વિરોધાભાસ જ એમની કલમનો સાચો શણગાર છે.

કોઈ ‘તબીબ’ ઉપનામ ધરાવતા શાયરને શરાબના પૈસા સાટે એ ગઝલો લખી આપતા હતા એ વાત અહીં કેવી વક્રોક્તિ બનીને રજૂ થઈ છે !

Comments (10)

થાક ! – જગદીશ જોષી

હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

– જગદીશ જોષી

આ કવિના ગીતોમાં જે માધુર્ય છે તે અદ્વિતીય છે…….

Comments (5)

મોકો મળ્યો – ચિનુ મોદી

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

-ચિનુ મોદી

Comments (5)

સૂરજને ઘરમાં લાવતાં – હેલ્પર ક્રિસ્ટી

એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં,
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં.

આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ,
એ એકડાને જોડતાં વર્ષો વહી ગયાં.

માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો,
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં.

ભડકે બળી રહ્યો છે લક્કડકોટ છાતીએ,
ફાયર બ્રિગેડ આવતાં વર્ષો વહી ગયાં.

રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ,
પત્તાનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં.

– હેલ્પર ક્રિસ્ટી

મજાની ગઝલ… આપણને સહુને આપણી બંધ બારી ખોલી અજવાસ આણતાં વર્ષો નથી લાગી જતાં ? વર્ષો વહી ગયાં રદીફ મનોજ ખંડેરિયાની ગઝલ વરસોના વરસ લાગે યાદ આવી જાય…

Comments (4)

આપણે તો એટલામાં રાજી – રમણીક સોમેશ્વર

.             આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
.             ક્યાંક એક કૂંપળ તો તાજી
.             આપણે તો એટલામાં રાજી

એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
.             તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
.             તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
.             ત્યાં રણઝણતી ઝાલરી બાજી
.             આપણે તો એટલામાં રાજી…

પાણીની એકાદી છાલકમાં હોય કદી
.             રીમઝીમ રેલાતો મલહાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
.             એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
.             કોઈ પૂછે, તો કહીએ કે હાજી
.             આપણે તો એટલામાં રાજી

– રમણીક સોમેશ્વર

કેવું મજાનું સંતોષનું ગીત ! એક-એક પંક્તિ જાણે સામે ચાલીને આપણને વહાલ કરવા ન આવતી હોય ! ટોલ્સ્ટોયની વાર્તા How much land does a man need અને ‘રોજા’ ફિલ્મનું ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ યાદ ન આવે તો જ નવાઈ… સાવ સરળ ચાલમાં ચાલતા ગીતનો ખરો પંચ એની છેલ્લી ક્રોસ-લાઇનમાં છે… કાવ્યનાયકને જીવનના નાના સુખોથી કેટલો સંતોષ છે એના વિશે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે કાવ્યનાયક જે રીતે ‘હાજી’ કહીને જવાબ વાળે છે એના પરથી એની અંતરતમ સંતુષ્ટિનું કેવું દૃઢીકરણ થાય છે ! આજ છે કવિતા!

Comments (7)

દફ્તરને ગુસ્સો આવ્યો…

we

*

૧૪ નવેમ્બર… બાળદિન… મારા દીકરા સ્વયમની પણ વર્ષગાંઠ… એક બાળગીતની મજા લઈએ…

*

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?

વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?

સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.

દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું

– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)

My Size Pencil

Comments (12)

મારા રંગે – હિતેન આનંદપરા

આવ, તને હુ રંગી નાખું મારા રંગે

લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે

કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી

ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !

-હિતેન આનંદપરા

Comments (5)

પાગલ – જગદીશ જોષી

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાય નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

-જગદીશ જોષી

કેવા કોમળ શબ્દોથી કેટલી નાજુક ફરિયાદ કરી છે !!

Comments (1)

કવિ (ગઝલ ત્રિપદી) – સંજુ વાળા

ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો

વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો

નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો

હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો

ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો

તરકીબ ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો

– સંજુ વાળા

જેમ મનુષ્ય પોતાના અસ્તિત્વનો એમ કવિ પોતાના કવિપણાનો તાગ સતત લેતો આવ્યો છે. કવિમિત્ર સંજુ વાળા ગઝલ ત્રિપદીના સ્વરૂપમાં અહીં પાકા કવિના લક્ષણ તાગવાની મથામણ કરે છે…

Comments (8)

ગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

એક પડછાયો ત્વચાના આવરણથી નીકળે
કેટલા રસ્તા નદી થાવા ચરણથી નીકળે

મન-લુભાવન સ્કીમ સોનેરી હરણથી નીકળે
રોજ રામાયણ નવી, સીતાહરણથી નીકળે

પંથ ભૂલ્યાનો ભરોસો ઈશ્વરો પણ ના કરે
જન્મ લઈ પ્રત્યેક જીવ એના શરણથી નીકળે

ડૂબનારા તો વજન ખુદનુંય છોડીને જતા
જે તરે, એને ખબર શું શું તરણથી નીકળે

વૃક્ષ પણ એની અસરથી ગાઢ મૂર્છામાં ઢળે
આખરી નિઃશ્વાસ જ્યાં ખરતા પરણથી નીકળે

– કુમાર જૈમિની શાસ્ત્રી

મનનીય ગઝલ…

 

Comments (4)

હજીયે આંખ શોધે છે – વારિજ લુહાર

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,
અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.

હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,
અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.

વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,
વમળ સાંભળે ભેદી અવાજો રોજ પાણીમાં.

નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,
પવનની પણ કપાતી જાય પાંખો રોજ પાણીમાં.

વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,
પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં ?

– વારિજ લુહાર

આંસુભીની આંખ દુખસાગરમાંથી પાર થવા સતત કોઈક સહારાની શોધમાં છે પણ આ આંસુમાં રોજ કંઈ કેટલી આશાઓ- કેટલા શ્વાસ ડૂબી મરે છે ! વરસાદની આગાહી તો હોય પણ નિર્વસ્ત્ર વરસાદ તરસનુંય માન ન રાખીને આવે જ નહીં એ કેવો અભિશાપ ! સરવાળે મજાની ગઝલ…

Comments (7)

મધુર આશીર્વાદ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

આ જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ
પામ્યો છું.
મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો
આસ્વાદ પામું છું.
દુ:સહ દુઃખના દિવસે
મને
અક્ષત અને અપરાજિત આત્માની ઓળખ
થઈ છે.
પાસે આવી રહેલા મૃત્યુની છાયાનો
જે દિવસે અનુભવ કર્યો છે તે દિવસે
ભયને હાથે દુર્બળ પરાજય થયો નથી,
શ્રેષ્ઠ પુરુષોના સ્પર્શથી હું વંચિત થયો નથી.
તેઓની અમૃતવાણી
હૃદયમાં મેં સંચિત કરી છે.
જીવન-વિધાતા તરફથી મને જીવનમાં
જે અનુકૂળતાઓ સાંપડી છે
તેની
સ્મરણલિપિ
કૃતજ્ઞમનથી
મેં આંકી રાખી છે.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવની આ પ્રાર્થના સાથે આપને નવવર્ષને વધાવીએ……….

Comments (3)

સમસ્યા કશી નથી – રઈશ મનીઆર

આવ્યું ન આવનાર સમસ્યા કશી નથી.
ખુલ્લાં પડ્યાં છે દ્વાર સમસ્યા કશી નથી.

કાણા છે હાથ મારા, કરી દે ક્ષમા મને,
બાકી હે આપનાર સમસ્યા કશી નથી.

પથ્થર સમો આ ચહેરો જરા ઘાટ પામશે,
આંસુ છે ધારદાર સમસ્યા કશી નથી.

આશા છે એકની અને આદત બીજાની છે,
હા હોય કે નકાર સમસ્યા કશી નથી.

ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે,
યજમાન છે ફરાર સમસ્યા કશી નથી.

ચૂંથી ગયા છે રાતને કંઈ કેટલા વિચાર,
બાકી બચી સવાર સમસ્યા કશી નથી.

વ્યવહાર એ તૂટેલો કઈ રીતે જોડવો,
આશા છે તારતાર સમસ્યા કશી નથી.

મસમોટો બંધ ઊર્મિ ઉપર મેં ચણી દીધો,
ઝીણી પડી દરાર સમસ્યા કશી નથી.

-રઈશ મનીઆર

Comments (11)

હાઈકુ – મુરલી ઠાકુર

મોરપિચ્છમાં
રંગ ભર્યા છે : વચ્ચે
કોની આંખ ?

– મુરલી ઠાકુર

સત્તર અક્ષરમાં કેવી મજાની વાત ? રંગ અને આંખ – આ બે શબ્દ અહીં જે અનુભૂતિ ઊભી કરી શક્યા છે એ સાચે જ શબ્દાતીત છે… વળી આમ જુઓ તો સત્તર અક્ષર અને ત્રણ પંક્તિનું હાઈકુ અને આમ જુઓ તો નખશિખ માત્રામેળ છંદમાં…

Comments (6)

અહીંથી અલ્વિદા… – રમેશ જાની

લ્યો આવજો ત્યારે,
અહીંથી અલ્વિદા…
તમારા સાથની સીમા અહીં પૂરી થતી.
જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના –
.                  તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના !

જરા પાછું વળી જોયું –
તમારી વ્હેલને છેડે લટકતો દીવો
‘ના, ના’ કહેતો’તો
.                  છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો !

નિસ્પંદ આ સીમાન્ત વૃક્ષે
કાળ પાંખો બીડીને થીજી ગયો,
એકાંતને અંગે લપેટી સર્પ-શો અંધાર પણ
.                  અહીં ગૂંછળું થઈને કશો થીજી ગયો !

શિશુની આંખના ડૂમા સમો આ પથ…
વિસામાની હવે કોઈ રહી ના ખેવના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના.
.                  – જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના !

– રમેશ જાની

ગાગાલગાના આવર્તનોમાં ડોલન શૈલીમાં લખાયેલું, પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવું અને ૫-૪-૪-૪ એ રીતે ગીતની ચાલમાં ન ચાલતું હોય એવું મજાનું ઊર્મિકાવ્ય.

વિદાયની ક્ષણો ઘણા બધા સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તો આવતી જ હોય છે. આવા કોઈ સંબંધમાં આવેલ આવી કોઈ એક વિદાયની વેળાએ વર્તાતો ગોરંભો કવિએ સ-રસ ઉપસાવી આપ્યો છે.

Comments (4)

…સાધના જ રહી – ભરત વિંઝુડા

તમે ગયાં તે પછી શબ્દ સાધના જ રહી
વિયોગ-યોગની કેવળ વિભાવના જ રહી

હતી ખુશીઓ, હવે એની કામના જ રહી
રહી રહીને વધારામાં વેદના જ રહી

છબી દીવાલ ઉપર મૂકવા સિવાય નથી
કશુંય ઘરમાં ને એથી ઉપાસના જ રહી

નથી ઉતારી શક્યો ચાંદને હું ધરતી પર
મેં કલ્પના જ કરેલી તે કલ્પના જ રહી

રૂંવે રૂંવે જે પીડા થઈ રહી છે તેનું શું
રહ્યું શરીર અને એમાં ચેતના જ રહી.

– ભરત વિંઝુડા

આખી ગઝલના ઉઠાવની ખરી ચાવી રદીફમાં આવતો “જ” જ છે…નહીં ?

એક પંક્તિ બીજી પંક્તિમાં દડે એ પ્રક્રિયા સોનેટમાં સામાન્યતઃ જોવા મળે છે. અંગ્રેજીમાં એને enjambment કહે છે… પ્રસ્તુત ગઝલના ત્રીજા શેરમાં જરા વિપરિત પ્રક્રિયા જોવા મળે છે.  બીજી પંક્તિનો ‘નથી’ પહેલી પંક્તિના અંતે આવ્યો છે. આને reverse-enjambment ગણી શકાય?

Comments (5)

અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ !

આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. એ બહુ સમયથી મોતને નજીક આવતુ જોતા’તા. આવા અઘરા સમયમા પણ એમના વિચારો અને લાગણીની સ્પષ્ટતા ડગી નહોતી. આ આખી જીંદગીની ગઝલ-રચના કરતા ય મોટી સિદ્ધિ છે. શબ્દોને કાગળ પર રમતા મૂકવાનુ કામ સહેલું છે, પણ એને જીવનમાં જીવી બતાવવાનું કામ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ!

  HBPortrait2005

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી

ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ  થઇને ફુલથી ઝરશું ફરી કદી

ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)

Comments (35)

The Experience of Nothingness – રાજેન્દ્ર શુક્લ

હોવાનો આ ખયાલે છે મૂળમાંથી ખોટો,
હોઈ તો તે શકે કે જેનો ન હોય જોટો .

આરંભ જો કહો તો આરંભ સાવ એમ જ
કંઈ નહીં- ના બીજમાંથી કંઈ નહીં- નો ફૂટે કોટો .

જોનારું કો રહે ના, જોવાનું છંઈ રહે ના,
જોવુંય એક અમથો અડધો ચણેલ ઓટો .

પકડી શકે જો કોઈ, પકડી શકે એ પોતે,
આકાશ પણ નથી એ કે એ નથી લિસોટો .

શબ્દોની ગડમથલ આ, આ મૌનની મથામણ,
જાતેજ ગૂંચવાઈ વાળી દીધો આ ગોટો .

-રાજેન્દ્ર શુક્લ

આ ગઝલમાં ‘nothingness’ જેવા અતિગૂઢ વિષય ઉપર વાત કરવા જતાં જાણે કવિ પોતાના જ રચેલા જાળામાં જાણે કે ભેરવાઈ ગયા છે એવો મારો અંગત અભિપ્રાય છે. આ ગઝલ પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ એ કે આવા વિષય ઉપર સિદ્ધહસ્ત કલમ પણ ભૂલી પડી જાય એવું બની શકે. દર્શનની અદભૂત સ્પષ્ટતા હોય તો જ – કદાચ – આ વિષયે ગઝલ સહજતાથી બહાર નીકળે, અન્યથા………

Comments (8)

મનનાં પગલાં – શેખાદમ આબુવાલા

આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાં
જેમ તારાઓને સમજ્યા છે ગગનનાં પગલાં

એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું
રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં

એ ભલે ગેબી હતો જોઈ શકાયો નોતો
પર્વતો પર હજી અંકિત છે પવનનાં પગલાં

પાનખરમાં મને આવ્યો છે આ વાસંતી વિચાર
ચાલ ફૂલોને ગણી લઈએ ચમનનાં પગલાં

જાગતું તન છે પથિક પથ અને મંઝિલ આદમ
કેમ શોધો છો તમે સ્વપનમાં મનનાં પગલાં

-શેખાદમ આબુવાલા

Comments (6)

એક આણાતનું ગીત – સ્નેહી પરમાર

અજવાળી આઠમને તેડે આવજો

રાત પડે કે રોંઢો, તમ વિણ જરાય ગોઠતું નથ્ય
અંગે ઢંક્યું વસ્તર, અંગે જરાય શોભતું નથ્ય
ટૂંકામાં ટૂંકેરા કેડે આવજો

બાને નડશે મુરત, બાપુજીને સામી ઝાળ
કે’જો સામી ઝાળથી ઝાઝી અંદર છે વિકરાળ
વળતાના ખોટીપા વેડે આવજો

સહિયર, હાથે મેંદી ભેળાં મેણાં-ટોણાં ચિતરે
રાત પડ્યે ખખડે છે શોક્યું જેવી સાંકળ ભીતરે
આવો ત્યારે સીધા મેડે આવજો.

– સ્નેહી પરમાર

પ્રોષિતભર્તૃકાના કંઈ કેટલાય ગીત-કવિતાઓ આપણા વાંચવામાં આવ્યા હશે પણ આ ગીત બધાથી ચાર ચાસણી ચડે એવું છે. પત્ની પતિના આવણાંની રાહ શી રીતે જુએ છે એની વાત તળપદી ભાષામાં રજૂ થઈ છે.

આઠમના અજવાળાનું મહત્ત્વ છે. માતાજીમાં માનનાર માટે તો ખાસ. સુદ પક્ષ હોય કે વદ પક્ષ, આઠમ એટલે બરાબર મધ્યનો દિવસ. અજવાળું પણ સપ્રમાણ. રાત હોય કે પછી વામકુક્ષીની વેળા – પ્રિયતમ વિના સૂવાનું કેવી રીતે ગોઠે ? કપડાં પણ અંગ પર શોભતા નથી. કારણ ? જબ તક ન પડે આશિક કી નજર, શૃંગાર અધૂરા રહેતા હૈ… અને છેલ્લી કડી ‘આવો ત્યારે સીધા મેડે આવજો’ તો સીધી દિલમાં ઘર કરી જાય છે…

*

આણાત = આણે જવાને તૈયાર થયેલી અથવા આણેથી આવેલી
રોંઢો = બપોર અને સાંજના વચ્ચેનો વખત; દિવસના ત્રીજા પહોરનો વખત
ખોટીપો = ખોટી થવું તે; ઢીલ રોકાણ; વાર; વિલંબ

Comments (16)

ગઝલ – રશીદ મીર

આ નવો રંગ-રાગ છે જાનાં
કાળા કંબલની શાન છે જાનાં

આખી દુનિયા ઉદાસ લાગે છે
દિલની દુનિયા ઉદાસ છે જાનાં

શ્વાસ-ઉચ્છવાસ છે કૃપા તારી
બાકી સૌ ઠીકઠાક છે જાનાં

ખૈર ચાહું છું તારા કમખાની
પયરહન તાર-તાર છે જાનાં

એક તારો વિચાર ઝળહળ છે
બાકી અંધાર રાત છે જાનાં

‘મીર’ના અર્થમાં મહત્તા શી ?
મીર તારો ગુલામ છે જાનાં

– રશીદ મીર

એક પછી એક શેરના પડળ ખુલતા જાય છે અને આ આખી ગઝલ પ્રિયતમાની જેમ આપણને આશ્લેષબદ્ધ કરતી અનુભવાય છે…

Comments (3)

ગઝલ – અદમ ટંકારવી

યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.

તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.

આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.

પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.

તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.

– અદમ ટંકારવી

ગુજલિશ ગઝલોથી આપણી ભાષામાં એક અલગ જ ચોકો ચાતરનાર અદમ ટાંકારવીની એક રમતિયાળ ગઝલ… આજે તો જો કે ટાઇપરાઇટર પણ રિટાયર્ડ થઈ ગયા છે પણ ગઝલનું પર્ફ્યુમ હજી પણ એવું જ મઘમઘ થાય છે…

Comments (3)

કેટલા? – શૂન્ય પાલનપુરી

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

Comments (8)

અબોલા – પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

– પ્રહલાદ પારેખ

જૂનાં નવનીત સમર્પણ ઉથલાવતાં આ મજાનું ગીત હાથે લાગી આવ્યું…….

Comments (6)