હરીશ ધોબી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
February 18, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ધોબી
ઓછું-વત્તું, હલકા-ભારી જીવી લીધું,
જેવું તેવું મનને મારી જીવી લીધું.
ખૂબ જ કરતી’તી નખરાં એ મારી આગળ,
ઇચ્છાને ઠોકર ફટકારી જીવી લીધું.
ખુશ કરવી’તી દુનિયાને બસ એ કારણસર,
જીવતરને ચાંપી ચિનગારી જીવી લીધું.
જીવવા જેવું જીવવા ખાતર મૃત્યુને પણ,
ડગલે ને પગલે પડકારી જીવી લીધું.
કોઈ દિલાસો દેનારું ના દેખાયું તો,
મેં ખુદનો વાંસો પસવારી જીવી લીધું.
ઘર આગળના રસ્તાઓ ખામોશ થયા તો,
મેં પણ બંધ કરીને બારી જીવી લીધું.
– હરીશ ધોબી
ખુમારી અને લાચારીના બે અંતિમ ધ્રુવોની વચ્ચે ગતિ કરીને જીવી લેવાની સ્વાનુભૂતિની સ-રસ ગઝલ.
Permalink
December 22, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ધોબી
નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીને
ફરી પાછી મેં પકડી એ જ કેડીને
બધીયે શાંત ઇચ્છાઓ કરી દીધી
સદા માટે મેં પાણી ઠંડુ રેડીને
નથી સંભાવના વરસાદની કોઈ
અને ખેતર મેં મૂકી દીધું ખેડીને
મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવા
સતત એ રાગ એનો એ જ છેડીને
અચાનક આમ એ પ્હોંચી ગયા આગળ
મને આખ્ખોય બાજુ પર ખસેડીને
– હરીશ ધોબી
કાલોલ, પંચમહાલના કવિની એક શાનદાર ગઝલ આજે અમારા હસ્તક્ષેપ વિના માણીએ….
Permalink