રિઓકાન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 16, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ઝેન કવિતા, મૌનનો પડઘો, રિઓકાન
The flower invites the butterfly with no-mind;
The butterfly visits the flower with no-mind.
The flower opens, the butterfly comes;
The butterfly comes, the flower opens.
I don’t know others,
Others don’t know me.
By not-knowing we follow nature’s course.
પુષ્પ મન-રહિત હોય છે જયારે તે પતંગિયાને આમંત્રે છે;
પતંગિયું મન-રહિત હોય છે જયારે તે મુલાકાતે જાય છે પુષ્પની .
પુષ્પ ખીલે છે, પતંગિયું આવે છે;
પતંગિયું આવે છે,પુષ્પ ખીલે છે.
અન્યોને હું જાણતો નથી,
અન્યો મને જાણતા નથી .
અણજાણપણાથી અમે કુદરતની લીલાને અનુસરીએ છીએ .
– Ryokan
[ no-mind અને not-knowing શબ્દો આ કાવ્યમાં ખાસ ભાવ માટે પ્રયોજાયા છે . એવો કોઈ ગુજરાતી શબ્દ ધ્યાનમાં નથી આવતો કે જે આ ભાવનું સુપેરે વહન કરે . આથી ભાવકોને વિનંતી કે મૂળ અંગ્રેજી ભાવ ના અનુસંધાનમાં આ કાવ્યનું રસપાન કરે . ]
આ કાવ્યમાં બે મૂળભૂત સિદ્ધાંતોને અત્યંત નાજુકાઈથી રજૂ કરાયા છે – એક no-mind અને બીજો aloneness . ‘no-mind’ નો ભાવાનુવાદ કંઈક આ રીતે થઇ શકે – મન એટલે અસંખ્ય વિચારો,યાદો,અનુભવો,પૂર્વગ્રહો,વહેમ ઇત્યાદિનું સંગ્રહસ્થાન . ટૂંકમાં જન્મથી ચાલ્યા આવતા અતિશાક્તિશાળી conditioning નું પરિણામ એટલે મન . no-mind એટલે આ રોગથી મુક્ત એવું ચિત્ત – જે પ્રત્યેક ક્ષણે તદ્દન નવું જન્મતું હોય છે અને મૃત્યુ પામતું હોય છે – જે સમયની કેદથી મુક્ત છે. જેને J Krishnamurti ‘totally fresh and free mind ‘ તરીકે વર્ણવે છે . ‘choiceless awareness ‘ આવા મન માટે જ શક્ય હોય છે . aloneness એ કુદરતનો શાશ્વત નિયમ છે . aloneness શાશ્વત છે,બાકી સઘળું તેમાં ખલેલ છે .
Permalink
December 8, 2012 at 12:15 AM by ધવલ · Filed under ઝેન કવિતા, મૌનનો પડઘો, રિઓકાન, હાઈકુ
તક્ષક, લીધું
સઘળું પણ ભૂલ્યો
બારીમાં ચાંદ
– રિઓકાન
આ હાઈકુની પાછળ એક કથા છે:
એક રાત્રે રિઓકાનની મઢુલીમાં ચોર ઘૂસી આવ્યો. રિઓકાન ઊંધમાંથી ઉઠ્યા ત્યારે બિચારો મઢુલીમાંથી કશું ન મળવાને કારણે નાસીપાસ થઈને જવાની તૈયારીમાં હતો. રિઓકાને એને રોક્યો, ‘તું આટલે દૂરથી મારે ધરે આવ્યો છે. તને ખાલી હાથ ન જવા દેવાય. એમ કર, મારા કપડા મારા તરફથી ભેટ તરીકે લઈ જા.’ ચોર બાપડાની તો આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. એણે કપડા લીધા અને જલદીથી ભાગી છૂટ્યો. રિયોકાન નગ્ન શરીરે ખૂણે બેઠા બેઠા બારીમાંનો પૂર્ણ-ચંદ્ર જોતા ગણગણ્યા, ‘કાશ, હું એ બિચારાને આ ખૂબસૂરત ચાંદ આપી શકત.’
ઝેન એ સઘળું(everything) અને કશુંય નહીં(nothing) બન્નેને એક જ સરખા આનંદ સાથે માણવાની કળા છે.
Permalink
December 5, 2012 at 10:22 PM by ધવલ · Filed under અછાંદસ, ઝેન કવિતા, મૌનનો પડઘો, રિઓકાન, વિશ્વ-કવિતા
કોણ કહે છે કે મારી કવિતા કવિતા છે?
એ કવિતા છે જ નહીં.
જ્યારે તમને સમજાય કે મારી કવિતા કવિતા નથી
ત્યારે આપણે કવિતા વિશે વાત કરીશું.
– રિઓકાન
આગળ જતા પહેલા બે વાર કવિતા વાંચી જાવ. પહેલી નજરે શબ્દોની રમત લાગે એવી કવિતા છે. પણ એના અનેક અર્થ નીકળી શકે એમ છે.
એક અર્થ: કવિતા કવિ માટે અહમ(ego)નું સાધન હોય છે. કવિને કવિતા જેટલું પણ અહમનું સાધન ખપતું નથી. એ અહમને ટાળવા પોતાની કવિતાને કવિ અ-કવિતા જાહેર કરે છે. હવે જો તમે પણ એ કવિતાને અ-કવિતા માનો તો પછી કવિ માટે અહમનું કારણ જ રહેતું નથી. એમના પરથી ‘કવિ’ના ‘લેબલ’ ને દૂર કરો તો પછી, કશા બંધન વિના, કવિ તમારી સાથે કવિતા વિશે નિરાંતે ગપ્પા મારવા તૈયાર છે.
બીજો અર્થ: કવિતા પોતે કશું છે જ નહીં. એ તો ચેતના સુધી પહોંચવાનું સાધન માત્ર છે. એટલું બન્ને પક્ષ સ્વીકારે નહીં ત્યાં સુધી કવિને આગળ વાત કરવામાં કોઈ રસ નથી.
ત્રીજો અર્થ: કોઈ પણ ચીજને સમજવી હોય તો પહેલા સમજવું પડે કે એ ચીજ- કે બીજું કશુંય- ખરેખર તો અસ્તિત્વ ધરાવતું જ નથી. આટલું ન સમજો ત્યાં સુધી તમારી સાથે વાત કરવી પણ નકામી છે.
હવે તમે પૂછશો કે ભાઈ, આ બધા અર્થમાંથી કયો અર્થ સાચો છે ? ખરી વાત તો એ છે કે કયો અર્થ ખરો છે એ આ કવિતાનો મુદ્દો છે જ નહીં. આ કવિતા એ તમને આટલો વિચાર કરવા માટે ઉશ્કેર્યા એ જ એનો ખરો મુદ્દો છે 🙂
Permalink
December 5, 2012 at 5:46 PM by ધવલ · Filed under અછાંદસ, ઝેન કવિતા, મૌનનો પડઘો, રિઓકાન, વિશ્વ-કવિતા
તમે ઊભા ઊભા ચંદ્ર તરફ આંગળી કરો છો,
પણ ચંદ્રના પ્રકાશ વગર આંગળી તો આંધળી છે.
એક ચંદ્ર, ને એક બેખબર આંગળી-
આ બે અલગ છે કે એક જ છે ?
આ સવાલ જ શિખાઉને અજ્ઞાનના
ગાઢ ધુમ્મસમાંથી રસ્તો ચીંધવા પૂરતો છે.
ઊંડા ઉતરો. રહસ્યો તમને સાદ કરે છે.
ન તો ચંદ્ર છે, ન આંગળી છે – ન તો કશું છે.
– રિઓકાન
રિઓકાન જાપાનના અલગારી કવિ હતા. લગભગ આખું જીવન એમને પર્વત પર મઢુલીમાં એકલા રહી પસાર કરેલું.
ઝેન વિચારધારામાં કવિતા ચેતના સુધી પહોંચવાનો એક માર્ગ ગણાય છે. કવિતા દ્વારા ગુરુઓ ઝેન વિચારને -શબ્દના બંધનમાં બને તેટલો ઓછો બાંધીને- વ્યક્ત કરવાની કોશિશ કરે છે.
અહીં ચંદ્ર જેને સમજવા માંગો છો એ ચીજનું પ્રતિક છે. અને આંગળી સમજવાની કોશિશ કરતા મનનું પ્રતિક છે. પહેલી જ પંક્તિમાં કવિ કહે છે કે તમે આંગળીનો ઉપયોગ કરો છો પણ એ આંગળી તો ચંદ્રના પ્રકાશ વગર આંધળી છે. એટલે કે જે ચંદ્ર(ના પ્રકાશ) વગર આંગળી નકામી છે તો પછી એનો ઉપયોગ ચંદ્રને સમજવા કઈ રીતે કરી શકાય ? Circular logicની સીમાને બે જ લીટીમાં અદભૂત રીતે વ્યક્ત કરી છે.
બીજી પંક્તિમાં કવિ પૂછે છે કે ચંદ્ર અને આંગળી અલગ છે કે એક જ છે? દર્શક અને દ્રશ્ય વચ્ચેની સીમા કેટલી પાતળી અને કેટલી આભાસી છે એ આપણે પહેલા સમજવાની જરૂર છે. આ સવાલ માત્ર અજ્ઞાનીને સાચો રસ્તો ચીંધવા પૂરતો છે.
પણ કવિ અહીં અટકતા નથી. એ એનાથી એક આપણને ડગલું આગળ લઈ જાય છે. એ આહવાન કરે છે કે હજુ ઊંડા ઉતરો. જ્યારે તમે ખરી સમજણના તીરે પહોંચશો ત્યારે ન તો ચંદ્ર રહેશે, ન તો આંગળી રહેશે કે ન તો બીજું કંઈ. ચેતનાની ક્ષણે (જેને ઝેન ભાષામાં સટોરી કહે છે) કશું ય બચતું નથી. માણસનો ego નાશ પામે પછી હું અને વિશ્વ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. બધુ હોવા અને કશું ન હોવા વચ્ચેનો ફરક રહેતો નથી.
Permalink