મૌનનો પડઘો : ૦૧: ચંદ્ર અને આંગળી – રિઓકાન
તમે ઊભા ઊભા ચંદ્ર તરફ આંગળી કરો છો,
પણ ચંદ્રના પ્રકાશ વગર આંગળી તો આંધળી છે.
એક ચંદ્ર, ને એક બેખબર આંગળી-
આ બે અલગ છે કે એક જ છે ?
આ સવાલ જ શિખાઉને અજ્ઞાનના
ગાઢ ધુમ્મસમાંથી રસ્તો ચીંધવા પૂરતો છે.
ઊંડા ઉતરો. રહસ્યો તમને સાદ કરે છે.
ન તો ચંદ્ર છે, ન આંગળી છે – ન તો કશું છે.
– રિઓકાન
રિઓકાન જાપાનના અલગારી કવિ હતા. લગભગ આખું જીવન એમને પર્વત પર મઢુલીમાં એકલા રહી પસાર કરેલું.
ઝેન વિચારધારામાં કવિતા ચેતના સુધી પહોંચવાનો એક માર્ગ ગણાય છે. કવિતા દ્વારા ગુરુઓ ઝેન વિચારને -શબ્દના બંધનમાં બને તેટલો ઓછો બાંધીને- વ્યક્ત કરવાની કોશિશ કરે છે.
અહીં ચંદ્ર જેને સમજવા માંગો છો એ ચીજનું પ્રતિક છે. અને આંગળી સમજવાની કોશિશ કરતા મનનું પ્રતિક છે. પહેલી જ પંક્તિમાં કવિ કહે છે કે તમે આંગળીનો ઉપયોગ કરો છો પણ એ આંગળી તો ચંદ્રના પ્રકાશ વગર આંધળી છે. એટલે કે જે ચંદ્ર(ના પ્રકાશ) વગર આંગળી નકામી છે તો પછી એનો ઉપયોગ ચંદ્રને સમજવા કઈ રીતે કરી શકાય ? Circular logicની સીમાને બે જ લીટીમાં અદભૂત રીતે વ્યક્ત કરી છે.
બીજી પંક્તિમાં કવિ પૂછે છે કે ચંદ્ર અને આંગળી અલગ છે કે એક જ છે? દર્શક અને દ્રશ્ય વચ્ચેની સીમા કેટલી પાતળી અને કેટલી આભાસી છે એ આપણે પહેલા સમજવાની જરૂર છે. આ સવાલ માત્ર અજ્ઞાનીને સાચો રસ્તો ચીંધવા પૂરતો છે.
પણ કવિ અહીં અટકતા નથી. એ એનાથી એક આપણને ડગલું આગળ લઈ જાય છે. એ આહવાન કરે છે કે હજુ ઊંડા ઉતરો. જ્યારે તમે ખરી સમજણના તીરે પહોંચશો ત્યારે ન તો ચંદ્ર રહેશે, ન તો આંગળી રહેશે કે ન તો બીજું કંઈ. ચેતનાની ક્ષણે (જેને ઝેન ભાષામાં સટોરી કહે છે) કશું ય બચતું નથી. માણસનો ego નાશ પામે પછી હું અને વિશ્વ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. બધુ હોવા અને કશું ન હોવા વચ્ચેનો ફરક રહેતો નથી.
perpoto said,
December 6, 2012 @ 4:01 AM
ચંદ્ર મન છે,આંગળી શરીર છે-
દર્શક અને દ્રશ્ય બન્ને મળી જાય ,માત્ર દર્શન બચે.
Rina said,
December 6, 2012 @ 6:31 AM
awesome aaswaad…….unbeatable Layastaro….
lata hirani said,
December 6, 2012 @ 9:34 AM
બધી જ કવિતાઓ સરસ અને એના અનુવાદો એટલા જ સરસ…
ખાસ તો મૌનના પડઘા – ૨ માટે
ત્રણે અર્થ સાચા છે કેમ કે ફરીને ત્રણેનો એક અર્થ કરીએ તો મારી દૃષ્ટિએ એ ‘દિવ્ય ચેતના તરફ જતો માર્ગ’ એવો થાય છે… સરસ વિવેકભાઇ…
pragnaju said,
December 6, 2012 @ 10:45 AM
સુંદર કવિતા
સુંદર ભાવાનુવાદ
સ રસ રસાસ્વાદ
યાદ
દિવસ-રાત ને સ્પર્શિ શકું,
ચંદ્રના તેજ ને ભાળી શકું
‘મા’ ના ખોળામાં બેસી,
આખી દુનિયા નિહાળી શકું…
લખીને સારી સૃષ્ટીને સંદેશો આપી શકું,
હજાર છે આંખો નિહાળવા મને..
આંધળી કહેશો નહી મને
VINOD PATEL said,
December 6, 2012 @ 11:38 AM
ઝેન વિચારધારા જાણવા માટે સરસ રજૂઆત કરી છે .
અનુવાદિત કાવ્ય ખંડોમાં ઊંડું ઝેન તત્વજ્ઞાન સમાયું છે એની સમજણ પણ ગમી .
તમે ઊભા ઊભા ચંદ્ર તરફ આંગળી કરો છો,
પણ ચંદ્રના પ્રકાશ વગર આંગળી તો આંધળી છે.
વાહ !
ધન્યવાદ વિવેકભાઈ . વધુ જ્ઞાન પીરસતા રહેજો .
વિવેક said,
December 7, 2012 @ 12:08 AM
@ લતા હિરાણી, વિનોદ પટેલ:
આ કવિતા અને રસાસ્વાદ એ ધવલની પ્રસ્તુતિ છે, મારી નહીં…
કુશળ હશો.
આભાર !
nehal said,
December 7, 2012 @ 6:07 AM
લયસ્તરોની સાલગિરહ નિમિત્તે આ ઝેન રચનાઓ રજુ કરવા માટે ખૂબ ખૂબ આભાર સાથે સાથે
સુન્દર ચિત્રો મૂક્વાનો વિચાર બહુ ગમ્યો! ” લયસ્તરો” એ મારી યંત્રવત જિવાતી જિંદગીનો એક શાંત ,રમણિય હિસ્સો બની ગયું છે,…