મૌનનો પડઘો : ૦૨ : કવિતા – રિઓકાન
કોણ કહે છે કે મારી કવિતા કવિતા છે?
એ કવિતા છે જ નહીં.
જ્યારે તમને સમજાય કે મારી કવિતા કવિતા નથી
ત્યારે આપણે કવિતા વિશે વાત કરીશું.
– રિઓકાન
આગળ જતા પહેલા બે વાર કવિતા વાંચી જાવ. પહેલી નજરે શબ્દોની રમત લાગે એવી કવિતા છે. પણ એના અનેક અર્થ નીકળી શકે એમ છે.
એક અર્થ: કવિતા કવિ માટે અહમ(ego)નું સાધન હોય છે. કવિને કવિતા જેટલું પણ અહમનું સાધન ખપતું નથી. એ અહમને ટાળવા પોતાની કવિતાને કવિ અ-કવિતા જાહેર કરે છે. હવે જો તમે પણ એ કવિતાને અ-કવિતા માનો તો પછી કવિ માટે અહમનું કારણ જ રહેતું નથી. એમના પરથી ‘કવિ’ના ‘લેબલ’ ને દૂર કરો તો પછી, કશા બંધન વિના, કવિ તમારી સાથે કવિતા વિશે નિરાંતે ગપ્પા મારવા તૈયાર છે.
બીજો અર્થ: કવિતા પોતે કશું છે જ નહીં. એ તો ચેતના સુધી પહોંચવાનું સાધન માત્ર છે. એટલું બન્ને પક્ષ સ્વીકારે નહીં ત્યાં સુધી કવિને આગળ વાત કરવામાં કોઈ રસ નથી.
ત્રીજો અર્થ: કોઈ પણ ચીજને સમજવી હોય તો પહેલા સમજવું પડે કે એ ચીજ- કે બીજું કશુંય- ખરેખર તો અસ્તિત્વ ધરાવતું જ નથી. આટલું ન સમજો ત્યાં સુધી તમારી સાથે વાત કરવી પણ નકામી છે.
હવે તમે પૂછશો કે ભાઈ, આ બધા અર્થમાંથી કયો અર્થ સાચો છે ? ખરી વાત તો એ છે કે કયો અર્થ ખરો છે એ આ કવિતાનો મુદ્દો છે જ નહીં. આ કવિતા એ તમને આટલો વિચાર કરવા માટે ઉશ્કેર્યા એ જ એનો ખરો મુદ્દો છે 🙂
વિવેક said,
December 6, 2012 @ 1:18 AM
ઉત્તમ કવિતા અને ભાવાસ્વાદ તો એથીય ઉત્તમ…
perpoto said,
December 6, 2012 @ 4:12 AM
ધવલભાઇ ઝેનમાં આજ ખુબી છે ,જે તમે પકડી છે.
ક્યાં શબ્દોને હોડી બનાવી શક્યો
ડૂબ્યો પછી શબ્દોના બીજભંવરે……
Rekha Sindhal said,
December 6, 2012 @ 6:15 AM
એક અર્થ એવો પણ કરવાનુઁ મન થાય કે એ કવિતા નહેી, જીવન છે એ સમજાય પછી જ આગળ વાત થઈ શકે. જે કવિતામાં જીવન ધબકે છે તે જ સાચી કવિતા. ખરૂં ને? મનભાવન રસાસ્વાદ! આભાર સહ…. અભિનંદન.
pragnaju said,
December 6, 2012 @ 10:49 AM
સુંદર રચાના
સરસ અનુવાદ
Deval said,
December 12, 2012 @ 12:25 AM
@Dhaval : i completely agree with Vivek Sir, uttam kavita ane bhavaswad to enathi pan uttam 🙂