વાડીલાલ ડગલી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 27, 2012 at 1:00 AM by વિવેક · Filed under અછાંદસ, વાડીલાલ ડગલી
નીચે હલેસાંનો ખળભળાટ,
ઊંચે બે પાંખોનો ફફડાટ.
બેય તરે,
બેય કરે,
નીલ મૌનનો મલપતો ઝંકાર
પવનના ઢાળ પરે
બેય સરે
ક્ષિતિજના ક્ષુધાતુર અંતરપટે.
– વાડીલાલ ડગલી
શ્રી સુરેશ દલાલના શબ્દોમાં આ કાવ્ય:
આ કાવ્ય કવિની પ્રતિભાનો પરિચય એટલી હદે આપે છે કે આ કાવ્યના સંદર્ભમાં જ કવિ વાડીભાઈને પૂરેપૂરા પામી શકીએ.
હલેસાં અને પંખીને અડખેપડખે મૂકીને કવિએ પોતાની દૃષ્ટિના વ્યાપમાં ધરતી અને આકાશને સમાવી દીધાં છે. પંખી આકાશ-સમુદ્રની હોડી છે તો હોડી એ સમુદ્રનું પંખી છે. હલેસાં અને પાંખોના ખળખળાટ અને ફફડાટની વચ્ચે કવિને તો સંભળાય છે કેવળ મૌનનો ઝંકાર. પણ આ મૌનને પણ એનો રંગ છે. અને એટલે જ કવિ કહે છે: “નીલ મૌનનો મલપતો ઝંકાર”. અમૂર્ત પવનને કવિએ મૂર્ત કર્યો છે “પવનના ઢાળ પરે” કહીને.
Permalink
November 24, 2008 at 10:30 PM by ધવલ · Filed under અછાંદસ, વાડીલાલ ડગલી
જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજા પર
સૂનમૂન એક ફૂલ તરે.
– વાડીલાલ ડગલી
ડૉકટર હોવા છતાં બાળકોના વોર્ડમાં જતા હું જરા ખચકાઉં છું. એમના મા-બાપની આંખમાં આંખ નાખીને જોતા હજુ ય મને કચવાટ થાય છે. જીંદગીમાં એક જ વાત મારા પોતાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો – એ ત્રણ દિવસ આટલા વર્ષો પછી પણ આંખ સામેથી ખસતા નથી. આ કાવ્યમાં કવિ માંદા બાળકના ઓશીકે બેઠેલી માતાનું જીવંત ચિત્ર ખડુ કરી દે છે. એક એક શબ્દ કવિએ કેટલો જોખીને વાપર્યો છે એ જોવા જેવું છે. અને આખી પરિસ્થિતિનો ચોટદાર નીચોડ કવિ છેલ્લી બે પંક્તિમા કરી દે છે.
Permalink