તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2025

ઘેરિયા ગઝલ – નયન હ. દેસાઈ

છાતી સોંસરવું સરકે કીડીનું નઘરું હાં રે હાં ભાઈ!
પંડે પથ્થર જેવા ને પડછાયો ગભરુ હાં રે હાં ભાઈ!

કોઈ તો મૂર્છિત દિવસોને પીંછી ઢાળો કે સામળેક મોરચા…
છે વળગેલું આંખોને સૂરજનું લફરું હાં રે હાં ભાઈ!

આ સદીઓનો થાક હવે બીજે વાળો કે સામળેક મોરચા!
અથવા પકડી જાય સમયનું સિપાઈસપરું હાં રે હાં ભાઈ!

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરિયાળો કે સામળેક મોરચા!
બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ!

કે ઈચ્છાની ઘેર ડૂબી ગૈ મોં વાળો કે સામળેક મોરચા!
આમ તો લાગે છે જીવતરનું પાણી છીછરું હાં રે હાં ભાઈ!

ધ્રૂજતા શહેરમાં પગલે પગલે સંભાળો કે સામળેક મોરચા!
ગલીએ ગલીએ વાગે છે અહીં શિવનું ડમરું હાં રે હાં ભાઈ!

કાળી બિલ્લી ઘંટાચોરનો ગોટાળો કે સામળેક મોરચા !
ભીડમાં પોતાનો ચહેરો ઓળખવું અઘરું હાં રે હાં ભાઈ!

– નયન હ. દેસાઈ

કોઈપણ દેશકાળમાં સાહિત્ય જે તે સમયના સમાજનો સાચો અરીસો કહેવાય છે. નયનભાઈની રચનાઓ આ બાબતમાં પ્રતીતિકર કહી શકાય. આસપાસના સમાજની બોલી અને રિવાજોને એમણે પોતાની કવિતાઓમાં અમરત્વ બક્ષ્યું છે. ‘ઘેરિયા ગઝલ’ એનો એક દાખલો છે.

અત્યારે નવરાત્રિ ચાલે છે એ નિમિત્તે આ રચના પ્રસ્તુત પણ ગણાશે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. તાપીથી વાપી – દક્ષિણ ગુજરાતના હળપતિઓ નવરાત્રિથી દેવદિવાળી સુધી માતાની આરાધના માટે ૨૦થી ૨૫ના સમૂહમાં, અર્ધનારીનો વેશ ધારી ગામેગામ અને ઘરેઘરે ફરીને ઘેર, ઘેરિયા કે ઘેરૈયા નૃત્ય કરે છે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. ગળામાં મણકા-મોતી કે ગલગોટાનો હાર, કમરે ઘૂઘરા, કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણિયાં, એક હાથમાં મોરપીંછનો ઝૂડો ને બીજામાં દાંડીયું -આ એમનો શણગાર અને ત્રણ સાડીનો પોશાક. એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી કબજાની ઉપર ખભે બાંધીને અને ત્રીજી ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરવામાં આવે. સમૂહનો વડો એટલે કવિયો. એ ગીત ગાય-ગવડાવે તથા નાચે-નચાવે. એક ઘેરિયો આખા શરીરે કાળો રંગ અને પાછળ ઘંટ બાંધેલી પૂંછડી લગાવી કાળી બિલાડી બને. બાળકો ‘કાળી બિલાડી ઘંટા ચોર, મંદિરમાંના પૈસા ચોર’ એમ બૂમો પાડીને એને ચીડવતા ચાલે. ઘેરૈયાનૃત્યમાં જન્મથી મરણ સુધીનું જીવન ગવાય છે, પણ મુખ્યત્વે વિવિધ દેવીદેવતાઓનું સ્તવન કરાય. ગાતા-નાચતા ઘેરિયાઓ ગામના દરેક ઘર પાસે થોભે. ઘરની સ્ત્રીઓ એમની પૂજા કરી, મોરપીંછની આરતીના ઓવારણા લઈ કૃતાર્થ થાય. કાળી બિલાડી ઘરની અંદર જઈ ભૂત-પ્રેત ભગાડે. એકહાથે મોરપીંછનો ઝૂડો હલાવતા અને બીજા હાથના દાંડિયાથી અન્ય ઘેરિયા સાથે રાસ રમી ગરબા ગાતા ઘેરિયાઓ કવિયો જે ગાય એને ‘હાં રે હાં ભાઈ’ કહી સમૂહમાં ઝીલી લે છે. મોટાભાગનાં ગીતોમાં આ સિવાય ‘સામળેક’ અર્થાત્ ‘સાંભળે છે ને?’ અને ‘મોરચા’ યાને ‘બચ્ચા’ પણ કડીએ કડીએ આવે. આટલી પૃષ્ઠભૂ જાણ્યા વિના ઘેરિયા ગઝલ વાંચીશું તો કવિની સમાજ-ચેતનાને ઘોર અન્યાય થશે.

Video courtesy: Mona Naik ‘Urmi’, NJ, USA

***


.

Comments (3)

એક જણ – નીતિન વડગામા

એક જણ આવે અને સાતેય રંગો અવતરે.
એક જણ જાતાં જ માથે આભ કાં તૂટી પડે?

એક જણ આવે અને અવસર રચાતો ઉંબરે.
એક જણ જાતાં જ આખું આંગણું હીબકે ચડે!

એક જણ આવે અને મનનું સરોવર આછરે.
એક જણ જાતાં જ જળની સાથ કાંઠા ખળભળે!

એક જણ આવે અને અજવાસ ઊગે કાંગરે.
એક જણ જાતાં જ અંધારું બધે ઘેરી વળે!

એક જણ આવે અને ઠૂંઠુંય પાછું પાંગરે.
એક જણ જાતાં જ કૈં કાતિલ કુહાડી ઊછળે!

એક જણ આવે અને રણને ઝરણમાં ફેરવે.
એક જણ જાતાં જ આ વહેતી નદી ભડકે બળે!

એક જણ આવે અને આયાત આખી ઊતરે.
એક જણ જાતાં જ કાગળ સાવ કોરો તરફડે!*

– નીતિન વડગામા

(*સ્મરણ : થાઈલેન્ડની રામકથામાંથી મોરારિબાપુની વિદાય)
.
કવિએ ભલે મોરારિબાપુને સ્મરણમાં રાખીને રચના કેમ ન કરી હોય, પણ કવિતા કાગળ પર અવતરે પછી કંઈ કવિના કાબૂમાં રહે? કવિતામાં જે ‘એક જણ’ની વાત છે, એ કવિ માટે ભલે ગમે તે હોય, પણ મારા-તમારા સૌ માટે એ અલગ અલગ છે. કવિતા વાંચતા જ આપણા સહુના મનમાં એ ‘એક જણ’ તરવરી આવે છે, જેના આવવાથી જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું સોહામણું બની જાય અને જતાવેંત માથે આભ તૂટી પડે. રચનાને ગઝલ કહો, ગીત કહો કે વિશુદ્ધ ઊર્મિકાવ્ય- અંતે તો હેમનું હેમ હોયે, ખરું ને!

Comments (6)

અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો – નીરવ પટેલ

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ –
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.

એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.

એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.

હુંય કાંઈ ઓછો વરણાગિયો નથી –
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.
બિચ્ચારા…
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઑડ-સાઈઝનું પીટર ઈંગ્લૅન્ડ છે!

અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.

– નીરવ પટેલ

કવિતા વાંચી ત્યારે ત્રણ બાંયના ખમીસે ખૂબ ગૂંચવાડો સર્જ્યો. ત્રણબાંયવાળું ખમીસ કોઈ પ્રકારનું રૂપક હશે કે સાચે જ એવા ખમીસ કોઈક જમાનામાં અસ્તિત્વમાં હશે કે પછી આ કોઈ પ્રકારનો રુઢિપ્રયોગ હશે? મુરબ્બી કાનજી પટેલે દલપત ચૌહાણ જેવા કવિઓ સુધી પહોંચ લંબાવી બે-ત્રણ સંપર્કોના આધારે તારણ આપ્યું કે, દલિત બંડી સીવે ત્યારે બે હાથ માટે બે બાય, અને વધારામાં પીઠ પર ત્રીજી લટકતી બાય રાખવી પડતી. જેથી પાછળથી પણ દલિત ઓળખાઈ જાય. દલિતો માટે શહેરમાં તો પરિસ્થિતિ થોડી સુધરી છે, પણ અંતરિયાળ ગમાડાઓમાં કદાચ આજેય અસ્પૃશ્યતાનો અજગર જનમાનસને ભરડો લઈ ગૂંગળાવી રહ્યો છે. એક જમાનામા દલિતોએ જાહેરમાં જવાનું થાય ત્યારે પાંચ વાનાં ધારણ કરવાં પડતાં- ૧) માથે કાચા સૂતરની આંટી પાઘડી તરીકે બાંધવાની રહેતી, ૨) પીઠે ત્રીજી બાંય હોય એવી બંડી કે ખમીસ પહેરવાનાં રહેતાં, ૩) થૂંકવા માટે ગળામા કુલડી લટકાવી રાખવાની રહેતી, ૪) જમીન પર પોતાનાં જે પગલાં પડે એને સતત ભૂંસતા રહેવા માટે કમરે ઝાંખરાં લટકાવવાના રહેતા, અને ૫) સવર્ણ વ્યક્તિ ભૂલથી પણ પોતાને અડી ન લે એ માટે મોટેથી પોશ પોશ બોલતા રહેવું. નેટવિહાર કરવાનું ચાલુ રાખતાં અંતે કવિએ પોતે લખેલ પાદટીપ પણ જડી આવી: In medieval Gujarat, untouchables, now known as dalits, were forced to wear 3-sleeved shirt so that caste-Hindus could identify them easily and keep away from them. The local dalit folklore has a hero called Mayo Dhed who sacrificed his life for doing away with such humiliating practice.

The Song Of Our Shirt – Neerav Patel

We are a fashionable caste
Or tribe you may call :
Our forefather Mayo Dhed
Had a shirt of 3 sleeves,
His father had a shroud as his shirt
And his father wore a shirt of his own skin.
I am no less fashionable –
Just got a pocketless, sleeveless, buttonless
Peter England, the second
From the pavements I sweep.

Every passerby is tempted to pay his respects
To the label of the lords
But without touching my collar-bone.
Our shirt has a song to sing.
Of bizarre fashions.

– Neerav Patel
(Eng. Translation from Gujarati by poet himself)

Comments (12)

નવા આંક – નિરંજન ભગત

એકડે એકો
પરમેશ્વરને નામે પહેલો મેલો મોટો છેકો!

બગડે બેય
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય.

ત્રગડે ત્રણ
કીડીને તો મણ આપો, હાથીને દો કણ!

ચોગડે ચાર
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!

પાંચડે પાંચ
સાચનેયે આંચ, એથી ભલી મારી લાંચ.

છગડે છય
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’.

સાતડે સાત
બોબડા ને તોતડાની નવી કરો નાત!

આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!

નવડે નવ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ—

એકડે મીંડે દશ
દાનવ ન માનવથી થશે તોયે વશ?

– નિરંજન ભગત

આજથી લગભગ પંચોતેર વર્ષ પહેલાં ૧૯૫૧ની સાલમાં કવિએ આ રચના કરી, ત્યારે શીર્ષક આપ્યું હતું – નવા આંક! વચ્ચે સાડા સાત દાયકાના વહાણાં વીતી ગયાં હોવા છતાં આ આંક હજી પણ એવા ને એવા નવા જ નથી લાગતા? આજની પેઢીને તો કદાચ આ રીતે આંક પણ હવે શીખવા નહીં મળતા હોય. દરેક આંકની સાથે કવિએ મનહર છંદમાં વક્રોક્તિના સહારે જે કાવ્યગૂંફન કર્યું છે એ કેવું મજાનું છે! આખું કાવ્ય સમજાઈ જાય એવું છે પણ ‘છગડે છય’વાળી એક કડી વિશે બે શબ્દ કહેવાનું મન થાય છે: ગીર્વાણ એટલે દેવભાષા-સંસ્કૃત અને હય એટલે ઘોડો. દેવોએ આપેલી વાણી પર લગામ રાખવાના બદલે આપણે ઘોડો જોડી દઈ મનફાવે એમ દોડતી રાખીએ છીએ. આખી રચનામાં કવિએ કેવળ ‘હય’ શબ્દને અવતરણચિહ્નમાં ગોઠવ્યો છે. વક્રોક્તિ ભાવકના ધ્યાન બહાર ન રહી જાય તેથી?

Comments (3)

(બે વૃદ્ધ) – કમલ વોરા

એક વૃદ્ધ અને
સરખામણીએ થોડો ઓછો વૃદ્ધ
ક્યારના
પાસપાસે મૂંગેમૂંગા બેઠા છે
હવે
કહેવા-સાંભળવાનું કંઈ બચ્યું નથી
અમથી અમથી આડીઅવળી વાતો
હોઠોને ફફડાવે તે અગાઉ તો
ઓસરી જાય છે
વૃદ્ધો ખાલી નજરથી
એકમેકને સતત જોયા કરે છે
એમને એ
વસ્તી ઉચાળા ભરી ગઈ હોય તે પછીના
વેરાન જેવી લાગે છે
ક્યારેક કંપ—વાથી ધ્રૂજતો એક હાથ આગળ વધી
બીજો હાથ હાથમાં લેવા જાય છે
એટલું જ
પાસપાસે બે ખડક પડ્યા હોય એમ
બન્ને બેસી રહે છે
થોડી વારે
એક વૃદ્ધ બીજાને પથારી સુધી
દોરી જાય છે
માથે હાથ પસવારતો કોઈ ગીત ગણગણે છે
ઘેરા અંધારામાં
નિસ્તેજ આંખો
બિડાવા માટે મથ્યા કરે છે

– કમલ વોરા

ગુજરાતી સાહિત્યજગતમાં કેટલીક ઘટનાઓ એમની અભૂતપૂર્વતાના કારણે નોંધનીય બની છે, એમાંની એક તે કવિનો ‘વૃદ્ધશતક’ નામે અછાંદસસંગ્રહ. સંગ્રહમાં વૃદ્ધ અને વૃદ્ધત્વને કેંદ્રમાં રાખીને લખાયેલ એક-બે નહીં, સો-સો રચનાઓ છે. સમજી શકાય એવી વાત છે કે કવિએ વૃદ્ધાવસ્થાના તમામ પાસાંઓને બે પૂઠા વચ્ચે આવરી લેવાની કોશિશ કરી હશે. સંગ્રહમાંથી એક રચના અહીં રજૂ કરીએ છીએ. રચના વિશે એકેય શબ્દ મારે કહેવો નથી. રચના આપના ભાવવિશ્વને જે રીતે સ્પર્શે એ જ કવિની અને આપની –ઉભયની ઉપલબ્ધિ!

Comments (10)

વૃદ્ધ મજૂરનું ગીત – અશોક ચાવડા ‘બેદિલ’

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરીયેથી છોને નીકળવાનું થાતું!
મારી સામું તું જુએ ના, તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું.
આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

મારા પગ પર ઊભા રે’વું મારાથી ના બનતું, કેવો થાક લઈને જીવું!
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે, જન્મારાનો વાંક લઈને જીવું;
જાત ગળાતાં વાર હવે શી, હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

– અશોક ચાવડા ‘બેદિલ’

સમાજના લલાટે અસ્પૃશ્યતાનું કલંક પહેલાં જેટલું ઘાટું હતું, એટલું આજે નથી રહ્યું, પણ હજીય નાનાં-નાનાં ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં આ દૂષણ લગભગ એમનું એમ પ્રવર્તમાન છે. સમાજના આ તિરસ્કૃત વર્ગ માટે આજેય ઘણી જગ્યાએ મંદિરપ્રવેશ વર્જ્ય છે. મંદિર પાસેથી પસાર થતી વેળા એમણે ફરજિયાતપણે મસ્તક નમાવીને ચાલવું પડે, જેથી એમની નજર મંદિર કે મંદિરમાં બિરાજમાન મૂર્તિ પર ન પડે. કાવ્યોચિત વક્રોક્તિ એ છે કે બીડીના ઠૂંઠે શામળિયાને યાદ કરતા ભક્તને ખબર છે કે એ તો સામાજિક કુરિવાજના પ્રતાપે ઈશ્વર સામે નથી જ જોઈ શકતો, પણ ઈશ્વર સુદ્ધાં એમની સામે જોતો નથી. ભગવાન જો જોતો હોત, તો આ હાલત હોત? બીડીનું એક ઠૂંઠૂં –મને તો આ વાત પણ સ્પર્શી ગઈ… ગરીબ માણસ પાસે આખી બીડી તો ક્યાંથી હોય? અમીર માણસોએ ફેંકી દીધેલ ઠૂંઠા પર જ એમણે તો ગુજારો કરવાનો હોય ને!

Comments (9)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૦૪

લયસ્તરો પર ઘણા સમય પહેલાં મૈત્રી-વિષયક શેરો અને સુભાષિતોની સરવાણીમાં આપણે ભીંજાયા હતા… જેમને નાનકડી ટાઇમ-ટ્રાવેલમાં રસ હોય એ મિત્રો આ ત્રણ લિન્ક ઉપર ક્લિક કરી શકે છે – કડી-૦૧, કડી-૦૨, કડી-૦૩. આજે માણીએ ચોથી કડી.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શ્રી ચિત્રભાનુ મહારાજના હૃદયમાંથી ફૂટેલી આ સરવાણી સમગ્ર વિશ્વના મનુષ્યોના દિલની એકમાત્ર આરત છે, સંબંધ કોઈ પણ હોય, એમાં મૈત્રીભાવ હોય અને વળી એ ઝરણાંની જેમ અસ્ખલિત વહ્યા જ કરતો હોય તો જીવનમાં કેવળ શુભમંગળ જ થાય. માતા અને સંતાનનો સંબંધ તમામ સંબંધોમાં સર્વોપરી લેખાયો છે. પતિ-પત્નીનો સંબંધ જનમજનમનો નાતો ગણાવાયો છે… પણ આ તમામ સંબંધમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી આપણે જોઈ-અનુભવી છે. પણ બે સાચા મિત્રો વચ્ચે કદી સમસ્યા જન્મ લેતી નથી. અહીં સાચા શબ્દ ઉપરથી ધ્યાન હટે નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. કહેવાતા મિત્રો તો હજારો હોય, એની વાત આપણે ઉપરોક્ત કવિતાના સંદર્ભમાં નથી કરી રહ્યા. પણ સાચા મિત્રો વચ્ચે લાખ મતભેદ થવા છતાં કદીય ખટરાગ જન્મતો નથી, કારણ કે સાચી મૈત્રીના કમળને હક, અપેક્ષા, શંકા અને અહંકારનો કાદવ અડકી શકતો નથી-

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી જે,
પદ્મ સમ નિર્મળ અગળ ખીલી શકે એ પ્રેમ છે!

મૈત્રી દિવસના સંદર્ભે આપણે પૌરાણિક ગુજરાતી સુભાશિત-દોહાઓથી લઈને આપણા પૂર્વસૂરિઓની કેફિયત છેલ્લી ત્રણ કડીઓમાં જોઈ… પણ આજની તારીખે ગુજરાતી કવિતાના આકાશમાં જે પેઢીઓ રંગો રેલાવી રહી છે, એ પેઢીઓને પણ આ બાબતમાં કંઈક ને કંઈક તો કહેવાનું હશે જ ને! ચાલો, આપણે આજની સક્રિય પેઢીઓની કલમે મૈત્રીના નાનાવિધ આયામ ચકાસીએ…

તબીબ-કવિ હરીશ ઠક્કર સોંસરો સવાલ લઈને આવ્યા છે-

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

ગુરુઓના ગુરુ તબીબ-કવિ રઈશ મનીઆરના ખજાનામાં તો દોસ્તીના પ્લસ-માઇનસ વિશેના સેંકડો મોતી હશે, પણ એમાંથી એકાદ-બે મોતીના અજવાળે આપણે આપણો દિવસ અજવાળીએ. સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય’ વાળા સુપ્રસિદ્ધ દોહાનું પ્રતિવાક્ય પણ એમણે કેવું સ-રસ અને વેધક બનાવ્યું છે!: ‘સુખમાં પાછળ રહે એટલે કે તમારી પાછળ પડી જાય અને દુઃખમાં આગળ એટલે કે માર પડે ત્યારે ભાગવામાં આગળ હોય એ મિત્ર.’ કવિ તવંગર દોસ્તોની અમીરાઈની ખાલ પણ આબાદ ઉતરડે છે:

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું.

દોસ્ત, આઘાત છે, ઉઝરડા નથી
શું બતાવું નિશાન ખોલીને?

પણ એમની કલમે અવતરેલ કાળાતીત શેર આ ટાણે ન ટાંકીએ તો આખી વાત અધૂરી રહી જાય. મિર્ઝા ગાલિબના તીર-એ-નીમકશની યાદ અપાવતો એ અમર શેર આ રહ્યો:

રઈશ! આ દોસ્તો તારા, અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું હરણને જીવતું રાખે.

અને એવો જ ઉત્તમ આ બીજો શેર… આપણા અદિકાવ્યની શરૂઆત જ જે પ્રસંગથી થઈ હતી, એ પ્રસંગનો રણકો આ શેરમાંથી ઊઠતો સંભળાશે. તારા પાપમાં અમે ભાગીદાર નથી એ સત્યની સમજૂતિએ વાલિયા લૂંટારાને વાલ્મિકી બનાવ્યો હતો. એ જ વાતનો પણ સાવ નોખી રીતે અહીં પડઘો પડે છે. મિત્ર હોય કે ગમે એ વ્યક્તિ હોય, કોઈએ કોઈના પર આધાર રાખવો ન જોઈએ:

મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે !?
દોસ્ત, સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ!

અનિલ ચાવડા દોસ્તીના સમસામયિક રંગોને ગઝલોમાં ઢાળવું વધારે પસંદ કરે છે-

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

સગાવહાલાં ગમે એવાં હશે, એ કડવું સત્ય ઉચ્ચારવાનું આવશે અવશ્ય ખંચકાટ અનુભવશે. દોસ્તી જ એક માત્ર એવો સંબંધ છે, જ્યાં મનમાં હોય એ એમનું એમ કહી દેવાની મોકળાશ હોય છે. અંકિત ત્રિવેદી ખૂબ ઓછા શબ્દોમાં ખૂબ જ માર્મિક ટકોર કરે છે:

જિંદગીમાં દોસ્ત હોવા જોઈએ,
જેની આંખે ખુદને જોવા જોઈએ.

ચાની લારી આજના જીવનમાં જે મહત્ત્વ પામી છે, એ કવિતામાં ન આવે તો શી મજા? કિરણસિંહ ચૌહાણ શું કહે છે એ સાંભળીએ-

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

સ્મિત દઈને માગી લીધી તેં વિદાય,
દોસ્ત! તારી આ કળા માટેય વાહ.

તો ગૌરાંગ ઠાકરની ફરિયાદમાં સદીઓના અનુભવનો સાદ છે:

આ બીજા છેતરે છે કેમ મને?
મારા મિત્રો મરી ગયાં કે શું?

ગ્લોબલાઇઝેશન જેમ જેમ વધતું ગયું એમ એમ માનવીનું હૈયું સાંકડું બનતું ગયું. દિલની તિજોરીમાં સંબંધોની દોલત ઓછી થતી ગઈ. જુઓ, આ સંદર્ભે વારિજ લુહારનો એક શેર-

ગાડું ભરાય એટલા મિત્રો હતા કદી,
થોડાક મિત્રોથી હવે ગાડું ચાલવું છું.

પરંપરાના શાયર કુતુબ આઝાદ આ બાબતમાં સાચા ધની છે-

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

નેહા પુરોહિત સ્ત્રીસહજ સ્વભાવગત દોસ્તીને પ્લસ નંબરના ચશ્માથી જુએ છે:

દોસ્ત, તારા પ્રહાર ખાળી શકું,
એટલો તો ખુમાર રાખું છું!

કોની ગણના, અવગણના પણ કોની કરવી?
કોઈ મિત્ર છે અત્તર જેવા કોઈ મઘમઘ ફુલ!

દરિયા જેવું દીધું, પાછું ઝરમર ઝરમર લીધું;
દોસ્તી નામે નોખું અમરત ઘટ્ટકઘટ્ટક પીધું!

કિરીટ ગોસ્વામીનું વલણ પણ વિધેયાત્મક છે:

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે!

હરદ્વાર ગોસ્વામી ઈશ્વરની જેમ ગાયબ રહેતા દોસ્તના નામ પર મસમોટી ચોકડી મારે છે:

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

દર્શક આચાર્ય મિત્રાચારીના આભાસી અરીસાને તોડી દોસ્તીના સાચા મૂલ્યોની પરખ સમજણપૂર્વક કરવા આહ્વાન આપે છે:

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

ભાવિન ગોપાણીનો ખજાનો મૈત્રીના અણમોલ મોતીઓથી ભર્યો પડ્યો છે. એમાંય ઉદાસીના કૂવામાંથી ઉપસ્થિતિના દોરડા વડે બહાર કાઢવાની વાત કરતો શેર તો કાળાતીત થવાને સર્જાયો છે:

હું ઉદાસીના કુવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે
આંખોની સામે હોય અને ઓળખાય નહીં

ભલેને યુધ્ધના બહાને, જરા નજદીક તો આવે,
અમારા શત્રુઓને મિત્ર બનતા વાર નહીં લાગે.

હોય છો ને વાત ખોટી કે ખરી,
દોસ્તની પડખે ઉભા રહેવું પડે.

ઈશ્વર બોલ્યો કે રાખો થોડી ચીજો જન્નત માટે,
થોડા મિત્રો, થોડી વાતો, ચાની લારી રાખી છે.

કહ્યાં પહેલાં જ મારી વાતને પામી રહ્યો છે એ,
નવો આ મિત્ર જાણે કે મને શૈશવથી જાણે છે

જાણી ગયો ભલે તું કોઈ ભેદ મિત્રનો
સિક્કાની જેમ કેમ ઉછાળે બજારમાં?

સરળ કરતો રહે છે મિત્ર મારું કામ આગળનું
જરા માંદો પડું ત્યાં તો એ ખાડો ખોદવા લગે

બંનેમાં પછી પીઢતા એવી તો વધી ગઈ
જીવે છે હવે મિત્રતા વહેવાર બનીને

હિમલ પંડ્યાની ગઝલો પણ દોસ્તીના ધનમૂલક આયામોથી ધની બની છે:

એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી
એમ ખુલ્લી દોસ્ત સામે જાત થઈ શકતી હતી

લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો.

દોસ્તોના ખભા મળ્યા એથી
મન મૂકીને રડી શકાયું છે.

વૈભવી વસવાટ જે ના દઈ શક્યો!
એ મજાઓ નીકળી તાંદૂલમાં

ઋણાનુબંધ છે નોખો, નહીં એ તૂટવા પામે
વીતેલા જન્મનું સંધાન છે, તું મિત્ર છે મારો

યુવા કવિ વિકી ત્રિવેદી જમાનાના માર ખાધેલ કવિ છે. એટલે એમના શેરોમાં એમના આત્માનુભવો પ્રતિબિંબિત થાય તો એમાં નવાઈ નથી:

મારો વિકાસ જોઈને મિત્રો ઉદાસ છે,
તલવારથી વધુ હવે ખતરો છે ઢાલથી.

માનું છું દોસ્ત હું તને ખુદા બરાબર જ,
પણ અવગણી મને તું ખુદાની નકલ ન કર.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

જેતપુરના ફિઝિશ્યન જગદીપ નાણાવટીનો અંદાજ-એ-બયાં નોખો છે. ગુજરાતીઓમાં ગુજરાતીપણું ઓછું અને હિંદીપણું-અંગ્રેજીપણું વધારે જોવા મળે છે. આજના દોરની ગુજરાતી બોલીમાં તેઓ મજાનો શેર રજૂ કરે છે:

કિસ તરહા યારી નિભાઈ જાતી હૈ?
પીઠમાં ખંજર હુલાવી બોલ્યો,”યૂં”!

સંદીપ પૂજારાને સદનસીબે દર્દોની દવા બની શકે એવા સરસ યાર સાંપડ્યા છે:

જુના દોસ્તો છે, નવા દોસ્તો છે!
દરદ કોઈપણ હો દવા દોસ્તો છે!

તો સામા પક્ષે મેગી આસનાનીનો અભિગમ એકદમ વ્યવહારુ છે-

તારી હવે ફરજ બને નજદીક આવ દોસ્ત;
આવી શકાય એટલું આવી ગયા અમે.

સુનીલ શાહ આમ તો સકારાત્મકતાના કવિ છે, પણ દુન્યવી અનુભવોની કડવાહટથી એમની કલમ પણ બચી શકી નથી:

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

જિગર ફરાદીવાલા દોસ્તીમાં ઘા પામ્યા હોવા છતાં ખુમારી ખુવાર ન થવા બદલ ખુશ છે:

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ, દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.

જય કાંટવાલા મિત્રતાના બંને પલડાંને યોગ્ય ન્યાય આપે છે. એક તરફ શંકા નામની ઉધઈ મૈત્રીને કઈ રીતે કોરી ખાય છે એની વાત કરે છે અને બીજી તરફ જીવનમાં મિત્રોની ઉપસ્થિતિને સદનસીબ કહી સત્કારે છે:

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

કોણે કહ્યું કે દોસ્તની સંગત ખરાબ છે
જો દોસ્તી ન હોય તો કિસ્મત ખરાબ છે

મોટાભાગના સંબંધોને બહારખાનેથી એ યથાવત હોવાનો ડોળ કરીને આપણે સાચવી લેતાં હોઈએ છીએ, પણ અંદરખાનેથી આપણે સમજતાં હોઈએ છીએ કે આ સંબંધ હકીકતમાં તો ક્યારનો મરી પરવાર્યો છે. આવી ઝીણવટભરી બાબતને મયૂર કોલડિયા કેવી સરળતાથી અવલોકી શક્યા છે એ જુઓ:

મનમાં બધા સંબંધ થયા છિન્નભિન્ન પણ,
મિત્રોને માટે તો હજુ નોખો વિભાગ છે.

જેનું તખલ્લુસ જ મિત્ર છે એવા મિત્ર રાઠોડ પણ સ-રસ વાત કહે છે:

મિત્રોની એવી ભેટ મને ઈશ્વરે દીધી,
એના જ કારણે મને મારી ફિકર નથી.

પ્રશાંત સોમાણી પણ વાસ્તવિક્તા સાથે સીધું સંધાન ધરાવે છે-

કેટલો આભાર માનું હું પ્રશાંત,
આયનો સાચો બતાવે દોસ્ત તું

દોસ્તની હાજરીના મઘમઘાટ વિશે કુણાલ શાહે કેવો મજાનો શેર કહ્યો છે:

દોસ્ત તારી હાજરીથી એવું તો શું થાય છે?
હું અને મારી દશા બંને સુધરતાં જાય છે.

અંજના ભાવસાર ‘અંજુ’ના બે શેર પણ આ સમે આસ્વાદવા જેવા છે-

ઉદાસી, વેદના ને ભય! તમે સરનામું બદલો ભઈ,
મેં મિત્રોની દુઆઓથી મઢ્યું તાવીજ પહેર્યું છે.

હવે વાત હૈયાની રહેશે ન છાની,
કે બેઠા છે મિત્રો લઈ પ્યાલી ચાની.

‘મિત્રો, મેહફીલ, ચાની ચૂસકી, એ જ ખરું છે मम ऐश्वर्यम्।‘ કહેતા યુવાકવિ રાજેશ હિંગુની ‘દોસ્ત’ ગઝલના બે શેર પણ આસ્વાદીએ:

મહિનાનો થાક ચપટીમાં ઉતારનાર દોસ્ત,
જાણે કે પહેલીએ જમા થાતો પગાર દોસ્ત.

તારાથી મેં તો જોડી દીધો દિલનો તાર દોસ્ત!
ચાહે મને તું તાર કે કર તારતાર દોસ્ત!

અંતે દોસ્તી વિશે થોડા બીજા શેર માણીએ:

જરૂર જો પડે તો એ તલવાર પણ બને,
મિત્રોનું કામ, ફક્ત નથી ઢાલ પૂરતું.
(રાજેશ હિંગુ)

આ ઉદાસીને જરા સમજાવ તું..
દોસ્ત! જો આવી શકે તો આવ તું..
(હર્ષવી પટેલ)

બધાને ખૂબીઓ દેખાય છે ભરપૂર મારામાં,
તને જો ખામીઓ દેખાય તો તું દોસ્ત સાચો.
(કિશોર જિકાદરા)

ધીમી ચાલ છે, તેથી ચાલું છું પાછળ,
તને દોસ્ત, મારાથી ભય તો નથીને!
(ઉમેશ ઉપાધ્યાય)

અને અંતે દર વખતની જેમ દોસ્તી વિશેની મારી થોડી અંતરંગ લાગણીઓના લસરકા સાથે છૂટા પડીએ…

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

કાલે હતો એથી વધારે આજે છે
દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;
ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-
જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?

આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!

– વિવેક મનહર ટેલર

Comments (7)

(મનવા) – નયન હ. દેસાઈ

બે ઘડીની નિરાંત હો મનવા,
એટલા શબ્દ શાંત હો મનવા.

જ્યાં ખરીદી શકાય ટહુકાઓ,
એક એવોય પ્રાંત હો મનવા.

અશ્રુઓ કેમ સ્હેજ અટકે છે?
જે મળે તે નિતાંત હો મનવા.

સાંજ ડૂબે તો થોડાં સ્મરણોની
સ્વપ્નજોગી પુરાંત હો મનવા.

મૂળ સૂરજનાં શોધવા નીકળે,
કો’ નગર એમ ભ્રાંત હો મનવા.

મોન જેવી જ મારી વાણી હો,
શબ્દ સઘળા પ્રશાંત હો મનવા.

– નયન હ. દેસાઈ

નયન દેસાઈએ ૧૯૯૯ની સાલમાં ‘અનુષ્ઠાન’ નામે એક ગઝલસંગ્રહ આપ્યો હતો. આ સંગ્રહ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં આગવું અને અલગ સ્થાન ધરાવે છે, કારણ કે સંગ્રહની કુલ એકતાળીસે એકતાળીસ ગઝલમાં એક જ રદીફ છે- ‘મનવા’. સંગ્રહ મોરારી બાપુને અર્પણ કરતી વખતે કવિએ કૌંસમાં ગઝલ તેંતાલીસા લખ્યું છે, પણ પહેલાં બે પાનાં અર્પણ અને આમુખ માટે ફળવાયા હોવાથી કુલ ગઝલ ૪૩ નહીં, પણ ૪૧ જ છે. સંગ્રહ વિશે જણાવતાં કવિ લખે છે કે, ‘જીવનમાં એવી ઘટના પણ બનતી હોય છે કે વિચાર પણ ન હોય તે કાર્ય અચાનક થઈ જાય છે. આમ જ એક દિવસ વિચાર આવ્યો કે ‘મનવા’ રદીફ પર થોડી ગઝલો લખવી છે. રોજ એક ગઝલ લખવી અને એવી ૪૦ પૂરી કરવી એવો મનમાં સ&કલ્પ કર્યો. મોટે ભાગે રોજ સવારે લખાયેલી આ ગઝલો છે.’

આ ગઝલોમાંથી કોઈ એક પર આંગળી મૂકવાનું કામ બહુ કપરું છે. પોતાના સ્વ-ભાવથી સહેજ ઉફરા ચાલીને નયનભાઈ આખા સંગ્રહમાં પ્રયોગ કરવાથી દૂર રહ્યા છે, પણ એકેએક શેરમાંથી નયન દેસાઈ ટપકે છે એય હકીકત છે. ટૂંકી બહરની આ ગઝલના દરેક શેર પાસાદાર થયા છે. પુરાંત કાફિયાને કવિએ જે રીતે અજમાવ્યો છે એના પર તો કઈ રીતે ફિદા ન થઈ જવાય?

કવિએ મોરારીબાપુને સમર્પિત કરતાં

Comments (10)

(શિખર પર કશું નથી) – સુનીલ શાહ

આકાશથી વિશેષ શિખર પર કશું નથી*,
તો પણ, શું કોઈ એવું છે જેને જવું નથી?

એ વાતથી તને શું કશુંયે થતું નથી?
તું જે કરે છે એમાં કોઈનું ભલું નથી.

હું જોઉં શું મળ્યું, તમે જોયા કરો અભાવ,
સૃષ્ટિમાં જે કશું છે, બધાનું બધું નથી.

માણસ વિશે હશે તો સમાચાર થઈ જશે,
પંખીનું ઘર વગરનું થવું એ નવું નથી!

એ બોલ્યો કે કવિતા તો શબ્દોની છે રમત,
સૌ જાણે છે કે સર્જવું એનું ગજું નથી!

વાણી મુજબનું હોય જીવન એ જરૂરી છે,
મીઠાશ હોય શબ્દમાં એ પૂરતું નથી.

– સુનીલ શાહ

(*પંક્તિ સૌજન્ય: પંકજ વખારિયા)

સાદ્યંત સુંદર ગઝલ…

Comments (25)

ગોઠવણ – વિકી ત્રિવેદી

મા, સાવ નાનકડા ઘરમાં
-અરે ઘર શાનું? ઝૂંપડું જ-
એમાં કોઈ કબાટ, તિજોરી, પેટી વગર
વ્યવસ્થાના અભાવને અવગણીને
માત્ર ઘર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને
તું શું કરી શકે છે એના ઉપર ધ્યાન આપીને
ઘરના બધા જ સભ્યોનો સામાન
વ્યવસ્થિત ગોઠવવાની તારી જે સૂઝ હતી
એ મને કામ આવી
હું પણ હવે પીડાને અવગણીને
અભાવોને નજરઅંદાજ કરીને
માત્ર હું શું કરી શકું છું એના ઉપર ધ્યાન આપીને
જેના ફકરાના ફકરા ભરાઈ શકે
એવા વિચારોને માત્ર બે લીટીમાં ગોઠવી શકું છું!

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર આજે કવિના અછાંદસ સંગ્રહ ‘સંવેદનાનો વેદ’ને પોંખીએ…

નાનું અમથું પણ સ્વયંસ્પષ્ટ કાવ્ય. ગઝલના શેરની બે લીટીના ઘરમાં જે કવિને માફક આવી ગયું છે, એ પોતાની આવડતના મૂળ સાથે આપણો પરિચય કરાવવા માટે નાનકડા પણ મજાના અછાંદસનું માધ્યમ પ્રયોજે છે…

Comments (16)

સપનાં – પ્રતિષ્ઠા પંડ્યા

હું હજી આંખ ખોલતી નથી
એક સપનું ચાલ્યા કરે છે મનમાં
આંખના કમાડ પર હલ્લો બોલતી
કાળીડિબાંગ રાતોને સાવ અવગણીને
એ ભર્યે રાખે છે
ઝીણીઝીણી ટીલડીઓ
ફાટેલા આકાશમાં
રાતને અંદર ધસી આવતી રોકવા
ધણધણતા કમાડ પર પીઠ ટેકવીને ઊભી છું
ઊંડા શ્વાસ ભરતી રાહ જોઉં છું
પણ રાત મૂકતી નથી છેડો
ચાંપે છે અંધારાભરી મશાલ
મારા ઘરના છાપરા પર
એની કાળી જ્વાલાઓની લપેટમાં
ઇચ્છે છે મને ભસ્મ કરવા
નરસિંહના હાથની જેમ બળું છું
આખેઆખી મશાલ ભેગી
ને તોય જોયે રાખું છું સપનાં
કોઈ ઝાંખા અજવાળાનાં
જેમાં જોવાં મારે પરવાળાં ખીલતાં
મારા બાળની આંખોમાં.

– પ્રતિષ્ઠા પંડ્યા

લયસ્તરો પર આજે કવયિત્રીના નવ્ય સંગ્રહ ‘નરસંહારના સમયમાં પ્રેમ’ને સ્નેહપૂર્વક આવકારીએ…

સ્ત્રી અને પુરુષ સર્જકોને અલગ વિભાગમાં ન વહેંચીએ, તોય સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યાનું કવિકર્મ નોખી નિજી તરેહ પાડતું અને હાંસિયામાં ધકેલી ન શકાય એવું બળકટ છે. જે સંગ્રહમાંથી આજની રચના ઉદ્ઘૃત કરી છે, એ સંગ્રહમાંથી પસાર થતાં મારે નવ નેજાં પાણી ઉતર્યાં છે. માનવસ્વભાવની કાળી બાજુ અને શોષણખોરીને હળવા પણ મક્કમ હાથે મીઠામાં બોળેલ ચાબખા મારતાં આ કાવ્યો એકી બેઠકે વાંચવા શક્ય જ ન બને. વારંવાર છાતીમાં ભરાઈ આવતો ડચૂરો પુસ્તકને બાજુમાં મૂકાવીને જ જંપે. આ કવિતા જ જુઓ ને…

Comments (12)

(શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે) – નયન હ. દેસાઈ

છાતીને વીંધી જે સોંસરવો નીકળ્યો એ શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે;
અગ્નિ ને વાયુ બે ભેગા થયા પછી સૃષ્ટિનો મોટામાં મોટો નિહાકો છે.

ટાવરનો દરવાજો ખોલીને કોઈ માણસ ભાગ્યો તો આખા શહેર સાથે પકડાયો
પૂછ્યું તો ‘હેં હેં’ એ બોલ્યો કે ખિસ્સામાં થોડી મિનિટો ને થોડા કલાકો છે.

એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં જઈએ તો માણસને બદલે દીવાલો મળે છે,
આખી ને આખી આ શેરીઓ જાણે કે ફાંસીના કેદીની તોતિંગ બરાકો છે.

બારીમાં આવીને હડુડુડુ બેઠા ને સળિયામાં ભચ્ચક ભચ્ચક ભીંસાયા,
ખિસ્સામાં નાંખેલા આ દિવસો પણ જાણે કે, ઊઠતી એકલતાના બાંધ્યા ઘરાકો છે.

મારા ગ્રીટિંગ કાર્ડ પર સાંજનું પીળુંપચ્ચ ચિત્ર, આખું વરસ સૂર્ય થઈને ડૂબ્યું,
તું માને છે જેને ‘નયન’ નામનો શખ્સ, આંસુમાં ડૂબેલો એ તો ઈલાકો છે.

– નયન હ. દેસાઈ

ગણતરી માંડવા બેસીએ તો નયન દેસાઈએ જેટલી ગઝલો લખી છે, એનાથી ત્રીજા ભાગનાં જ ગીતો લખ્યાં હશે, પણ નયનસમગ્રમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે ભલે કવિએ નિજી અભિવ્યક્તિની નૌકા બહુધા ગઝલસાગરમાં કેમ ન તરાવી હોય, મૂળે તો એ જીવ ગીતોનો જ હતો. નયન દેસાઈની જેમ જ છ અક્ષરનું નામ ધરાવતા રમેશ પારેખ વિશે પણ આવું જ કહી શકાય. ર.પા. પણ મૂળે ગીત અને લયનામાણસ હોવાથી ગઝલના રુઢ છંદોને એમણે લયથી જ તોળ્યા હતા અને એ જ કારણોસર ર.પા.ની ગઝલોમાં અનેકાનેક છંદદોષ જડી આવે છે.

નયન દેસાઈની આ ગઝલની વિશેષતા એ છે કે એમણે ગઝલમાં પ્રયોજાતા આઠ માત્રાના છંદના સ્થાને ગીતમાં વપરાતો ષટકલનો લય ખપમાં લીધો છે. એટલે ગઝલની છંદપટ્ટી લઈને માપવા બેસીશું તો મેળ જ નહીં ખાય.

ખેર, આ તો થઈ ગઝલકાર-ગીતકારો માટેની માહિતી. આપણને તો ગઝલ આસ્વાદવા સાથે મતલબ છે ને! કવિતાને સૃષ્ટિનો મોટામાં મોટો નિઃસાસો ગણાવતો મત્લા કેવો અફલાતૂન થયો છે. હૈયાની આગ અને શ્વાસોની હવા જ્યારે કાગળ પર શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો બનીને ઉતરે છે ત્યારે જ ખરી કવિતા થાય. સુરતના ભાગળ ચાર રસ્તા પાસેનો એક વિસ્તાર હજી આજેય ટાવરના નામે ઓળખાય છે. ટાવર તો આજેય છે, પણ ઘડિયાળ દાયકાઓથી બંધ પડી છે. જાણે શહેરનું ઋણ ઉતારવા ન માંગતા હોય, એ રીતે કવિએ સુરતને એમની કૃતિઓમાં ક્યાંક ને ક્યાંક ધબકતું રાખ્યું છે. જે ટાવર એક સમયે આખા શહેરની ઓળખ હતો, એ ટાવરનો દરવાજો ખોલીને ભાગી નીકળેલ માણસના ખિસ્સામાં તો થોડી મિનિટો અને કલાકો છે, પણ એ પકડાયો છે આખા શહેર સાથે… કેવી સૂક્ષ્મ વાત!

* નિહાકો – નિઃસાસો

Comments (16)