કેટલા સાચા છે એ પડશે ખબર,
આયનાની સામે રાખો આયના.
– જુગલ દરજી

(બે વૃદ્ધ) – કમલ વોરા

એક વૃદ્ધ અને
સરખામણીએ થોડો ઓછો વૃદ્ધ
ક્યારના
પાસપાસે મૂંગેમૂંગા બેઠા છે
હવે
કહેવા-સાંભળવાનું કંઈ બચ્યું નથી
અમથી અમથી આડીઅવળી વાતો
હોઠોને ફફડાવે તે અગાઉ તો
ઓસરી જાય છે
વૃદ્ધો ખાલી નજરથી
એકમેકને સતત જોયા કરે છે
એમને એ
વસ્તી ઉચાળા ભરી ગઈ હોય તે પછીના
વેરાન જેવી લાગે છે
ક્યારેક કંપ—વાથી ધ્રૂજતો એક હાથ આગળ વધી
બીજો હાથ હાથમાં લેવા જાય છે
એટલું જ
પાસપાસે બે ખડક પડ્યા હોય એમ
બન્ને બેસી રહે છે
થોડી વારે
એક વૃદ્ધ બીજાને પથારી સુધી
દોરી જાય છે
માથે હાથ પસવારતો કોઈ ગીત ગણગણે છે
ઘેરા અંધારામાં
નિસ્તેજ આંખો
બિડાવા માટે મથ્યા કરે છે

– કમલ વોરા

ગુજરાતી સાહિત્યજગતમાં કેટલીક ઘટનાઓ એમની અભૂતપૂર્વતાના કારણે નોંધનીય બની છે, એમાંની એક તે કવિનો ‘વૃદ્ધશતક’ નામે અછાંદસસંગ્રહ. સંગ્રહમાં વૃદ્ધ અને વૃદ્ધત્વને કેંદ્રમાં રાખીને લખાયેલ એક-બે નહીં, સો-સો રચનાઓ છે. સમજી શકાય એવી વાત છે કે કવિએ વૃદ્ધાવસ્થાના તમામ પાસાંઓને બે પૂઠા વચ્ચે આવરી લેવાની કોશિશ કરી હશે. સંગ્રહમાંથી એક રચના અહીં રજૂ કરીએ છીએ. રચના વિશે એકેય શબ્દ મારે કહેવો નથી. રચના આપના ભાવવિશ્વને જે રીતે સ્પર્શે એ જ કવિની અને આપની –ઉભયની ઉપલબ્ધિ!

10 Comments »

  1. Hiren K Mungla said,

    September 19, 2025 @ 11:42 AM

    અદ્ભુત ભાવ

  2. Dr. Vrajlal Savaliya said,

    September 19, 2025 @ 12:03 PM

    મૌન પણ ઘણું કહી જાય છે, આયખું પસાર કર્યા પછી કંઈ બાકી ન રહેતા માત્ર લાગણીઓ સિવાય કશું રહેતું નથી
    સુંદર અભિવ્યક્તિ.

  3. Jigisha Desai said,

    September 19, 2025 @ 12:05 PM

    Saras

  4. Jigisha Desai said,

    September 19, 2025 @ 12:06 PM

    Khubsaras

  5. Jigisha Desai said,

    September 19, 2025 @ 12:06 PM

    અભિવ્યક્તિ સરસ

  6. Harihar Shukla said,

    September 19, 2025 @ 6:49 PM

    નિસ્તેજ આંખો બીડવાની મથામણ!👌

  7. વિપુલ વાઘેલા said,

    September 19, 2025 @ 10:43 PM

    આજે
    એક બાળકને
    એકલા એકલા રમતું જોયું
    ઘડીમાં બોલે કે
    આ ગાડી ચોકલેટની દુકાને લઈ જઈશ
    બોલતા બોલતા થોડું મલકાય
    તરત જ કહે
    જેસીબી ચલાવી લઉં
    અચાનક હેલીકૉપ્ટર ઉડાડે
    અને ધડામ દઈ
    બરાણે અથડાઈ જાય
    થોડું રડવા લાગે પણ ત્યાં કોઈ ના દેખાય
    એટલે જાતે જ છાનું થઈ હેલીકૉપ્ટર પછાડે
    પછી રીક્ષા જોઈ એમાં બેહવા પ્રયત્ન કરી
    પાછું ટ્રેનના પાટા ગોઠવે અને ટેમ્પો એમાં ફેરવે
    અને બોલે કે આ કેમ નહીં ચાલતી
    છુક છુક બોલ્યા કરે પણ
    ટેમ્પો ના હાલે એટલે અકળાઈ જાય.
    -✍️વિપુલ વાઘેલા…

  8. Varij Luhar said,

    September 20, 2025 @ 1:17 PM

    સરસ

  9. જ્યોતિ રામાણી said,

    September 21, 2025 @ 4:49 PM

    સચોટ નિરૂપણ… સંબંધનું, વૃદ્ધત્વનું…

  10. Viren Mehta said,

    September 24, 2025 @ 1:39 PM

    કોઈપણ ટિપ્પણીને અતિક્રમી જતી કવિતા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment