કવિતા વિશેની કવિતા: ૦૧ – કવિતાની કળા – આર્ચીબાલ્ડ મેકલીશ
કવિતા હોવી જોઈએ અડકી શકાય એવી અને મૂંગી,
જેમ કોઈ ભરાવદાર ફળ,
અવાચક,
જેમ અંગૂઠાની નીચે કોઈ જૂનો સિક્કો,
ચૂપ જેમ કે ઘસાઈ ગયેલો પથ્થર
ઝરૂખાની ધારનો, જેના પર લીલ ઊગી નીકળી છે—
કવિતા હોવી જોઈએ શબ્દહીન,
પંખીઓના ઉડ્ડયન જેવી.
*
કવિતા હોવી જોઈએ સમયમાં અચળ,
જેમ ઊગે છે આકાશમાં ચંદ્ર,
છોડતો જાય છે, જેમ ચંદ્ર મુક્ત કરે છે
રાત્રિમાં ગૂંચવાયેલા વૃક્ષોની એક-એક ડાળીને,
છોડતો જાય છે, જેમ શિયાળે પાંદડાં પછેતનો ચંદ્ર મુક્ત કરે છે,
મનની એક-એક સ્મૃતિને—
કવિતા હોવી જોઈએ સમયમાં અચળ,
જેમ ઊગે છે આકાશમાં ચંદ્ર.
*
કવિતા આને બરાબર હોવી જોઈએ:
નથી ખરું.
શોકના સમગ્ર ઇતિહાસ માટે
એક ખાલી દરવાજો અને એક ખરી પડેલું પાંદડું.
પ્રેમ માટે
ઝુકેલું ઘાસ અને દરિયા ઉપર ચમકતા બે દીવા—
કવિતાનો કોઈ અર્થ ન હોવો જોઈએ,
કવિતા માત્ર હોવી જોઈએ.
– આર્ચીબાલ્ડ મેકલીશ
આધુનિક કવિતાના આત્મા અને કલેવરની વ્યાખ્યા કરતી આ કવિતા છે
કવિતાનું કામ છે એક શબ્દચિત્ર દોરવાનું જે એક સંવેદના અને અનુભૂતિનું વહન કરી શકે. પણ એની સાથે જ એની ફરજ છે કારણ વગર બોલકી બનવાનું ટાળવાની. કવિતાને જરૂર નથી બહુ બોલવાની; કવિતાએ જરૂર છે એની અનુભૂતિને વફાદાર રહેવાની. નથી એણે લાંબી સમજૂતીઓ આપવાની જરૂર કે નથી એણે મોટા વર્ણનો કરવાની જરૂર. એણે ખાલી બને એટલા ઓછા શબ્દોમાં, બને તેટલી સાદગીથી, સંવેદના અને અનુભૂતિને વહન કરવાની છે.
કવિતા 3 ભાગમાં વહેંચાયેલી છે. આપણે એક પછી એક ભાગ જોઈએ.
ભાગ 1. :
અહીં વિરોધાભાસ જુઓ: કવિતા આમ તો પૂર્ણતઃ શબ્દ ઉપર નિર્ભર છે. છતાં કવિ એને મૂંગી, અવાચક. ચુપ અને શબ્દહીન બનવાનું આવાહન કરે છે.
કવિ કહેવા માંગે છે કે.કવિતા એ અમૂર્ત વિચારને બદલે જેને અડકી શકાય, જેને અનુભવી શકાય, જેને જોઈ શકાય એવી ચીજ બનવું જોઈએ. ફળ, સિક્કો, પથ્થર ને પંખીનું ઉડ્ડયન આવી મૂર્ત વાસ્તવિક ચીજો છે.
ભાગ 2.:
કવિ અહીં બે બહુ સશક્ત શબ્દો ચિત્રોની મદદથી કવિતાની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે.
કવિતા સમયથી પર હોવી જોઈએ, આકાશમાં ચંદ્રની હાજરી સમાન. એનો મૃદુ પ્રકાશ માત્ર પર્યાપ્ત હોય; આંખને આંજી દે તેવો નહીં.
રાત્રિના અંધકારમાં વૃક્ષની ડાળીઓ જોઈ શકાતી નથી. પણ જ્યારે ચંદ્ર એમની પાછળથી પસાર થાય છે, ત્યારે એક-એક ડાળીઓની રૂપરેખા પ્રગટ થતી જાય છે. આ જ રીતે, કવિતા જ્યારે પસાર થાય છે, ત્યારે મનમાંની એક-એક સ્મૃતિને પ્રગટ કરતી જવી જોઈએ. કેટલી અદભુત વાત!
ભાગ 3. :
પહેલી પંક્તિમાં કવિ વિધાન કરે છે:, “કવિતા આને બરાબર હોવી જોઈએ:” અને પોતે જ એનો ઉત્તર આપે છે, ‘નથી ખરું’. એટલે કવિતાની કશાને બરાબર હોવાની કોઈ જવાબદારી નથી. કવિતા = x, એવું સમીકરણ મૂકશો તો x નો કોઈ ઉત્તર મળવાનો નથી.
પછી કવિ કવિતા વાચાળ ન બની જાય એ માટે બે ઉદાહરણો આપે છે. સમગ્ર ઇતિહાસના શોકને દર્શાવવા માટે એક ખાલી દરવાજો અને એક ખરી પડેલું પાંદડું કાફી છે. પ્રેમ દર્શાવવા માટે ઝુકી ગયેલું ઘાસ અને સાગર પર ચમકતા બે દીવા બતાવવા કાફી છે. કવિતાનું કામ છે માત્ર ઈશારો કરવાનું, અને બાકીનું વાંચક પર છોડી દેવાનું.
છેલ્લી બે પંક્તિઓ કવિતાની ધ્રુવપંક્તિઓ છે.
A poem should not mean
But be.
આ બે પંક્તિઓ આધુનિક કવિતાની ચળવળમાં ચાવીરૂપ બની ગયેલી પંક્તિઓ છે.
કવિતા પોતે એટલી સત્ય અને સશક્ત હોવી જોઈએ કે એમાંથી કોઈ એક જ અર્થ નીચોવવાની જરૂર પડે નહીં. કવિતાને અર્થ હોવો જરૂરી નથી; કવિતા માત્ર ‘હોવી’ જરૂરી છે.


Dhaval said,
October 12, 2026 @ 10:38 AM
Ars Poetica
By Archibald MacLeish
A poem should be palpable and mute
As a globed fruit,
Dumb
As old medallions to the thumb,
Silent as the sleeve-worn stone
Of casement ledges where the moss has grown—
A poem should be wordless
As the flight of birds.
*
A poem should be motionless in time
As the moon climbs,
Leaving, as the moon releases
Twig by twig the night-entangled trees,
Leaving, as the moon behind the winter leaves,
Memory by memory the mind—
A poem should be motionless in time
As the moon climbs.
*
A poem should be equal to:
Not true.
For all the history of grief
An empty doorway and a maple leaf.
For love
The leaning grasses and two lights above the sea—
A poem should not mean
But be.