સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.
વિવેક ટેલર

અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો – નીરવ પટેલ

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ –
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.

એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.

એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.

હુંય કાંઈ ઓછો વરણાગિયો નથી –
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.
બિચ્ચારા…
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઑડ-સાઈઝનું પીટર ઈંગ્લૅન્ડ છે!

અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.

– નીરવ પટેલ

કવિતા વાંચી ત્યારે ત્રણ બાંયના ખમીસે ખૂબ ગૂંચવાડો સર્જ્યો. ત્રણબાંયવાળું ખમીસ કોઈ પ્રકારનું રૂપક હશે કે સાચે જ એવા ખમીસ કોઈક જમાનામાં અસ્તિત્વમાં હશે કે પછી આ કોઈ પ્રકારનો રુઢિપ્રયોગ હશે? મુરબ્બી કાનજી પટેલે દલપત ચૌહાણ જેવા કવિઓ સુધી પહોંચ લંબાવી બે-ત્રણ સંપર્કોના આધારે તારણ આપ્યું કે, દલિત બંડી સીવે ત્યારે બે હાથ માટે બે બાય, અને વધારામાં પીઠ પર ત્રીજી લટકતી બાય રાખવી પડતી. જેથી પાછળથી પણ દલિત ઓળખાઈ જાય. દલિતો માટે શહેરમાં તો પરિસ્થિતિ થોડી સુધરી છે, પણ અંતરિયાળ ગમાડાઓમાં કદાચ આજેય અસ્પૃશ્યતાનો અજગર જનમાનસને ભરડો લઈ ગૂંગળાવી રહ્યો છે. એક જમાનામા દલિતોએ જાહેરમાં જવાનું થાય ત્યારે પાંચ વાનાં ધારણ કરવાં પડતાં- ૧) માથે કાચા સૂતરની આંટી પાઘડી તરીકે બાંધવાની રહેતી, ૨) પીઠે ત્રીજી બાંય હોય એવી બંડી કે ખમીસ પહેરવાનાં રહેતાં, ૩) થૂંકવા માટે ગળામા કુલડી લટકાવી રાખવાની રહેતી, ૪) જમીન પર પોતાનાં જે પગલાં પડે એને સતત ભૂંસતા રહેવા માટે કમરે ઝાંખરાં લટકાવવાના રહેતા, અને ૫) સવર્ણ વ્યક્તિ ભૂલથી પણ પોતાને અડી ન લે એ માટે મોટેથી પોશ પોશ બોલતા રહેવું. નેટવિહાર કરવાનું ચાલુ રાખતાં અંતે કવિએ પોતે લખેલ પાદટીપ પણ જડી આવી: In medieval Gujarat, untouchables, now known as dalits, were forced to wear 3-sleeved shirt so that caste-Hindus could identify them easily and keep away from them. The local dalit folklore has a hero called Mayo Dhed who sacrificed his life for doing away with such humiliating practice.

The Song Of Our Shirt – Neerav Patel

We are a fashionable caste
Or tribe you may call :
Our forefather Mayo Dhed
Had a shirt of 3 sleeves,
His father had a shroud as his shirt
And his father wore a shirt of his own skin.
I am no less fashionable –
Just got a pocketless, sleeveless, buttonless
Peter England, the second
From the pavements I sweep.

Every passerby is tempted to pay his respects
To the label of the lords
But without touching my collar-bone.
Our shirt has a song to sing.
Of bizarre fashions.

– Neerav Patel
(Eng. Translation from Gujarati by poet himself)

12 Comments »

  1. વ્રજેશ said,

    September 25, 2025 @ 11:03 AM

    વેધક

  2. Varij Luhar said,

    September 25, 2025 @ 11:07 AM

    માનવ તરીકે જીવવું કેટલું દોહ્યલું હશે તેનો પીડાદાયક અણસાર આપતું કાવ્ય

  3. Dr. Vrajlal Savaliya said,

    September 25, 2025 @ 11:11 AM

    દલિતની આગળની પેઢીમાં વડવાઓના વડવાઓના શબ્દ રીપીટ કરીને ઘણી બધી પેઢીઓની પરિસ્થિતિ વધારેને વધારે ખરાબ સ્થિતિનું વર્ણન હ્રદયને હચમચાવી નાંખે છે.

  4. Daxa sanghavi said,

    September 25, 2025 @ 12:10 PM

    કમરે બાંધેલ ઝાંખરા એમના પગલાં ભૂંસતા રહે પણ અભિશાપ ભૂંસાયો નથી એની વેધક રજુઆત

  5. Ramesh Maru said,

    September 25, 2025 @ 12:25 PM

    કદાચ રીત કે પ્રકાર બદલ્યો હશે,પણ હજી પણ એવી જ માનસિકતા ધરાવતો સમાજ છે,જ્યાં આજે પણ હલકાપણું ગમે ત્યાં દેખાઈ આવ્યા વિના રહેતું નથી.ખરેખર વેધક છે.

  6. Shabnam khoja said,

    September 25, 2025 @ 2:41 PM

    ખૂબ ખૂબ વેધક રજૂઆત… એમની પીડાની કલ્પના કરીએ તો પણ કમકમાટી આવી જાય.. હજી પણ ઘણાય આવા ભણેલા અભણ લોકો જોવા મળે જ છે જે ઉંચનીચમાંથી ઊંચા નથી આવતા.

  7. Pinki Pathak said,

    September 25, 2025 @ 5:53 PM

    દલિતની વ્યથાને જાણે યોગ્ય વાચા મળી છે!

    દક્ષિણ ભારતમાં પણ આવી જ કંઈક પ્રથા જોવા મળતી હતી.
    ખાસ કરીને કમરે તેઓ પીંછા બાંધી રાખતા – પગલાં ભૂંસાઈ જાય તે માટે અને દલિત સ્ત્રીઓ ઉપરના ભાગે વસ્ત્ર પણ બાંધી શકતી નહીં.

    જોકે, અંગ્રેજો અને અન્ય white supremacy હજુ પણ ભારતને
    આ બાબતે અને caste system માટે નીચું દેખાડવામાં પાછી પાની કરતું નથી- તે એટલું જ પીડાદાયી છે.

  8. રેણુકા દવે said,

    September 25, 2025 @ 7:22 PM

    ખૂબ જ સરસ, સંવેદનશીલ અને સચોટ રજૂઆત. ભવની ભવાઈ ફિલ્મના કમરે પાછળ લટકતી સાવરણી બાંધેલા ઓમ પૂરી યાદ આવ્યા.

  9. Sejal Desai said,

    September 25, 2025 @ 7:28 PM

    અત્યંત સંવેદનશીલ
    વેધક

  10. Uma Parmar said,

    September 29, 2025 @ 3:22 PM

    આ માનસિકતા આજેય અકબંધ છે.. સટિક.. એ વેદના જે ઝીલે તે જ જાણે. શહેરમાં પણ સ્થિતિ ખાસ નથી બદલાઈ, બસ, હવે તે શહેરી પરિવેશે દેખા દે છે.

  11. Mohamed Jafer Mansuri said,

    September 30, 2025 @ 7:24 PM

    Waah bahot khub he

  12. Himadri Dave said,

    October 8, 2025 @ 5:20 PM

    કવિતા વેધક.. દલિતોનું જીવન કેટલું દર્દનાક હશે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment