ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’

(શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે) – નયન હ. દેસાઈ

છાતીને વીંધી જે સોંસરવો નીકળ્યો એ શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે;
અગ્નિ ને વાયુ બે ભેગા થયા પછી સૃષ્ટિનો મોટામાં મોટો નિહાકો છે.

ટાવરનો દરવાજો ખોલીને કોઈ માણસ ભાગ્યો તો આખા શહેર સાથે પકડાયો
પૂછ્યું તો ‘હેં હેં’ એ બોલ્યો કે ખિસ્સામાં થોડી મિનિટો ને થોડા કલાકો છે.

એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં જઈએ તો માણસને બદલે દીવાલો મળે છે,
આખી ને આખી આ શેરીઓ જાણે કે ફાંસીના કેદીની તોતિંગ બરાકો છે.

બારીમાં આવીને હડુડુડુ બેઠા ને સળિયામાં ભચ્ચક ભચ્ચક ભીંસાયા,
ખિસ્સામાં નાંખેલા આ દિવસો પણ જાણે કે, ઊઠતી એકલતાના બાંધ્યા ઘરાકો છે.

મારા ગ્રીટિંગ કાર્ડ પર સાંજનું પીળુંપચ્ચ ચિત્ર, આખું વરસ સૂર્ય થઈને ડૂબ્યું,
તું માને છે જેને ‘નયન’ નામનો શખ્સ, આંસુમાં ડૂબેલો એ તો ઈલાકો છે.

– નયન હ. દેસાઈ

ગણતરી માંડવા બેસીએ તો નયન દેસાઈએ જેટલી ગઝલો લખી છે, એનાથી ત્રીજા ભાગનાં જ ગીતો લખ્યાં હશે, પણ નયનસમગ્રમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે ભલે કવિએ નિજી અભિવ્યક્તિની નૌકા બહુધા ગઝલસાગરમાં કેમ ન તરાવી હોય, મૂળે તો એ જીવ ગીતોનો જ હતો. નયન દેસાઈની જેમ જ છ અક્ષરનું નામ ધરાવતા રમેશ પારેખ વિશે પણ આવું જ કહી શકાય. ર.પા. પણ મૂળે ગીત અને લયનામાણસ હોવાથી ગઝલના રુઢ છંદોને એમણે લયથી જ તોળ્યા હતા અને એ જ કારણોસર ર.પા.ની ગઝલોમાં અનેકાનેક છંદદોષ જડી આવે છે.

નયન દેસાઈની આ ગઝલની વિશેષતા એ છે કે એમણે ગઝલમાં પ્રયોજાતા આઠ માત્રાના છંદના સ્થાને ગીતમાં વપરાતો ષટકલનો લય ખપમાં લીધો છે. એટલે ગઝલની છંદપટ્ટી લઈને માપવા બેસીશું તો મેળ જ નહીં ખાય.

ખેર, આ તો થઈ ગઝલકાર-ગીતકારો માટેની માહિતી. આપણને તો ગઝલ આસ્વાદવા સાથે મતલબ છે ને! કવિતાને સૃષ્ટિનો મોટામાં મોટો નિઃસાસો ગણાવતો મત્લા કેવો અફલાતૂન થયો છે. હૈયાની આગ અને શ્વાસોની હવા જ્યારે કાગળ પર શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો બનીને ઉતરે છે ત્યારે જ ખરી કવિતા થાય. સુરતના ભાગળ ચાર રસ્તા પાસેનો એક વિસ્તાર હજી આજેય ટાવરના નામે ઓળખાય છે. ટાવર તો આજેય છે, પણ ઘડિયાળ દાયકાઓથી બંધ પડી છે. જાણે શહેરનું ઋણ ઉતારવા ન માંગતા હોય, એ રીતે કવિએ સુરતને એમની કૃતિઓમાં ક્યાંક ને ક્યાંક ધબકતું રાખ્યું છે. જે ટાવર એક સમયે આખા શહેરની ઓળખ હતો, એ ટાવરનો દરવાજો ખોલીને ભાગી નીકળેલ માણસના ખિસ્સામાં તો થોડી મિનિટો અને કલાકો છે, પણ એ પકડાયો છે આખા શહેર સાથે… કેવી સૂક્ષ્મ વાત!

* નિહાકો – નિઃસાસો

16 Comments »

  1. જયેશ ભટ્ said,

    September 4, 2025 @ 11:14 AM

    વાહ

  2. જયેશ ભટ્ said,

    September 4, 2025 @ 11:15 AM

    વાહ, સરસ

  3. જ્યોતિ રામાણી said,

    September 4, 2025 @ 11:17 AM

    આવા ભડાકાને અને નિહાકા તો છંદ તોડીને જ ઉગી નીકળે 👌👌

  4. Rashmi Agnihotri said,

    September 4, 2025 @ 11:18 AM

    આખી ગઝલ લાગણીઓના વિસ્ફોટકોથી ભરેલી છે… સુંદર ગઝલ.. મને એમાં શેરીઓ/ બરાકો વાળો શેર ખૂબ ગમ્યો. વાહ… આસ્વાદ પણ ખૂબ સુંદર..👌 આભાર, વિવેકભાઈ 🙏

  5. Neela sanghavi said,

    September 4, 2025 @ 11:22 AM

    નિહાકો
    ભચ્ચક
    વાહ

  6. Hiren K Mungla said,

    September 4, 2025 @ 11:36 AM

    શું કહું..? શબ્દો નથી મારી પાસે.

  7. Varij Luhar said,

    September 4, 2025 @ 11:50 AM

    વાહ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ

  8. Jigna Vohra said,

    September 4, 2025 @ 12:29 PM

    આખી રચના જ કમાલ છે પરંતુ મુક્ત અને મથલા તો ગજબ!!
    આ છંદની ફૂટપટ્ટી તો બહુ ભારે પડે છે. અભિવ્યક્તિ અને શબ્દોની પસંદગીનું સ્વાતંત્ર્ય છીનવી લે છે .. સારું છે આપે નીચે ચોખવટ કરી છે બાકી હું પણ લય અને છંદ ઓળખવા વચ્ચે ગોથાં ખાઈ રહી હતી
    આવા ઉદાહરણ વધુ મુકાવા જોઈએ.🙏.

  9. Dr. Vrajlal Savaliya said,

    September 4, 2025 @ 12:55 PM

    છંદ વગર પણ કવિતાનો રસાસ્વાદ માણવાનું ગમે છે.
    ભડાકો
    નિહાકો
    કલાકો
    બરાકો
    ઘરાકો
    ઇલાકો
    તળપદી ભાષાનો અંત્યાનુપ્રાસ કેટલો સરસ અને મીઠો લાગે છે.

  10. Aasifkhan Pathan said,

    September 4, 2025 @ 1:05 PM

    બસ વાહ ને વાહ

  11. Ramesh Maru said,

    September 4, 2025 @ 1:41 PM

    વાહ…

  12. વિવેક said,

    September 4, 2025 @ 3:23 PM

    @જિજ્ઞા વહોરા:

    છંદની ફૂટપટ્ટી અભિવ્યક્તિ અને શબ્દોની પસંદગીનું સ્વાતંત્ર્ય છીનવી લે છે એ વાત સાચી નથી. છંદ આત્મસાત કરાયો હોય તો અભિવ્યક્તિ અને શબ્દોની પસંદગીનું સ્વાતંત્ર્ય આપોઆપ છંદોની ગાડીમાં બેસીને કવિ કને આવે… નયન દેસાઈની આ ગઝલમાં પણ છંદ છે જ, પણ એમણે ગીતોના લય અને ગઝલના છંદનું ફ્યુઝન કરીને રચના નિપજાવી છે.

  13. Daxa sanghavi said,

    September 4, 2025 @ 5:15 PM

    ગઝલ ગીતના સીમાડે ખીલેલું નોખી ભાતનું કાવ્ય

  14. Pragna vashi said,

    September 5, 2025 @ 4:23 AM

    નયનભાઈએ ખૂબ ઉત્તમ ગીતો લખ્યાં છે.એમણે ગઝલ અને ગીતોમાં સુરતને જીવંત રાખ્યું છે. લયમાં છંદને ઝબોળીને એમણે ગીત રચનાને એક નવી રીતે ‌શણગારી આપણી સમક્ષ મુકી આપ્યું છે. અહીં મને ‘ સુરતનો એવો વરસાદ ‘ યાદ આવે છે .
    ગીત હો કે ગઝલ એમની રચના હંમેશા સ્પર્શી જાય છે. નયનભાઈ તો નયનભાઈ.
    —પ્રજ્ઞા વશી .

  15. વિપુલ કાંતિભાઈ વાઘેલા said,

    September 5, 2025 @ 7:40 AM

    નાનકડો પ્રયાસ…

    ખુલ્લા ભડાકાને, મોટા નિહાકાને, કેટલા કલાકો રાખ્યો તો બોલ ?
    કેદી બરાકોમાં, બેઠા ઘરાકોના, નિશ્ચિત ઈલાકાને પાંખ્યો તો બોલ ?

    એવી નથી કોઈ ઘટના ઘટી જેમાં એકલતા વેચાતી શહેરમાં,
    ભેગા થયેલા આ ખિસ્સાના અનુભવને કેટલા લોકોએ ચાખ્યો છે બોલ ?
    -✍️વિપુલ વાઘેલા…

  16. Amish Trivedi said,

    September 5, 2025 @ 11:29 AM

    ખૂબ ગમી. કવિતા મનને ચોટ કરે છે. સૂતેલી સંવેદનાઓ ને જગાડે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment