ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!
– હર્ષા દવે

સપનાં – પ્રતિષ્ઠા પંડ્યા

હું હજી આંખ ખોલતી નથી
એક સપનું ચાલ્યા કરે છે મનમાં
આંખના કમાડ પર હલ્લો બોલતી
કાળીડિબાંગ રાતોને સાવ અવગણીને
એ ભર્યે રાખે છે
ઝીણીઝીણી ટીલડીઓ
ફાટેલા આકાશમાં
રાતને અંદર ધસી આવતી રોકવા
ધણધણતા કમાડ પર પીઠ ટેકવીને ઊભી છું
ઊંડા શ્વાસ ભરતી રાહ જોઉં છું
પણ રાત મૂકતી નથી છેડો
ચાંપે છે અંધારાભરી મશાલ
મારા ઘરના છાપરા પર
એની કાળી જ્વાલાઓની લપેટમાં
ઇચ્છે છે મને ભસ્મ કરવા
નરસિંહના હાથની જેમ બળું છું
આખેઆખી મશાલ ભેગી
ને તોય જોયે રાખું છું સપનાં
કોઈ ઝાંખા અજવાળાનાં
જેમાં જોવાં મારે પરવાળાં ખીલતાં
મારા બાળની આંખોમાં.

– પ્રતિષ્ઠા પંડ્યા

લયસ્તરો પર આજે કવયિત્રીના નવ્ય સંગ્રહ ‘નરસંહારના સમયમાં પ્રેમ’ને સ્નેહપૂર્વક આવકારીએ…

સ્ત્રી અને પુરુષ સર્જકોને અલગ વિભાગમાં ન વહેંચીએ, તોય સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યાનું કવિકર્મ નોખી નિજી તરેહ પાડતું અને હાંસિયામાં ધકેલી ન શકાય એવું બળકટ છે. જે સંગ્રહમાંથી આજની રચના ઉદ્ઘૃત કરી છે, એ સંગ્રહમાંથી પસાર થતાં મારે નવ નેજાં પાણી ઉતર્યાં છે. માનવસ્વભાવની કાળી બાજુ અને શોષણખોરીને હળવા પણ મક્કમ હાથે મીઠામાં બોળેલ ચાબખા મારતાં આ કાવ્યો એકી બેઠકે વાંચવા શક્ય જ ન બને. વારંવાર છાતીમાં ભરાઈ આવતો ડચૂરો પુસ્તકને બાજુમાં મૂકાવીને જ જંપે. આ કવિતા જ જુઓ ને…

12 Comments »

  1. Daxa sanghavi said,

    September 5, 2025 @ 11:56 AM

    સ્વાગત રાજીપો શુભકામનાઓ

  2. Dr. Vrajlal Savaliya said,

    September 5, 2025 @ 12:09 PM

    ભયંકર કાળી રાત્રી સમા દુઃખો વચ્ચે બાળકની આંખમાં આશાના કિરણો તો કવયિત્રી જ જોઈ શકે.

  3. હર્ષદ દવે said,

    September 5, 2025 @ 1:04 PM

    સ્વાગત. સરસ કવિતા. સાંપ્રત કવિતામાં એક અલગ અવાજ. અભિનંદન.

  4. Niranjana Joshi said,

    September 5, 2025 @ 1:16 PM

    કાવ્ય એ હ્રદયની સંવેદનાઓને શબ્દરૂપી આપી ભાવકને હ્દયને સ્પર્શી ઝકઝોરી જાય- એ વિધાનની પ્રતીતિ આ કાવ્ય કરાવે છે. સાંપ્રત કાળની જ્વલંત સમસ્યાને આત્મસાત્ કરનાર સર્જક જ આવી સંવેદનશીલ રચના રચી શકે. ધન્યવાદ!

  5. Ramesh Maru said,

    September 5, 2025 @ 1:51 PM

    વાહ…સંવેદના👌🏻🙏

  6. મનોજ શુક્લ said,

    September 5, 2025 @ 4:43 PM

    વાહ, સરસ કાવ્ય 👌

  7. Pragnya shah said,

    September 5, 2025 @ 6:53 PM

    ધણધણતા દરવાજા જેવું ધણધણતુ કાવ્ય. એક ક્ષણ સ્તબ્ધ કરી દે એવું. સલામ.

  8. Barin Dixit said,

    September 5, 2025 @ 8:21 PM

    ખૂબ સરસ કાવ્ય. એમનો એક બીજો સંગ્રહ પણ છે અત્યારે નામ યાદ નથી આવતું . પણ હા ખૂબ બળકટ કવિયત્રી છે. પ્રણામ 🙏🙏

  9. Himadri Dave said,

    September 5, 2025 @ 10:36 PM

    ખૂબ સરસ કાવ્ય

  10. રિયાઝ લાંગડા (મહુવા) said,

    September 6, 2025 @ 8:32 AM

    વાહ

  11. Hiren K Mungla said,

    September 6, 2025 @ 11:25 AM

    વાહ

  12. Poonam said,

    January 3, 2026 @ 12:27 PM

    …ને તોય જોયે રાખું છું સપનાં
    કોઈ ઝાંખા અજવાળાનાં… 👍🏻
    – પ્રતિષ્ઠા પંડ્યા –

    Aasaws thi swad !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment