લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.
– કિરણસિંહ ચૌહાણ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાવ્યપ્રકાર

કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વસંતનું પરોઢ – મેંગ હો-જાન

સુતો છું વસંતમાં, પરોઢથી અજાણ  
સંભળાય બધે  પક્ષીઓનો અવાજ 
ગઈ રાતના પવન ને વરસાદ થકી 
વિચારું: ખર્યાં હશે કેટલા પુષ્પ પછી

– મેંગ હો-જાન

કવિતા ચીનની છે. કવિ વસંતની પરોઢે પંખીઓના કલરવથી સહસા જાગે છે. પણ વસંતના ઉલ્લાસસભર વાતાવરણમાં પણ એમને પહેલો વિચાર ગઈકાલે રાતના તોફાનમાં કેટલા ફૂલ ખરી ગયા હશે એનો જ આવે છે. કવિનું મન આપમેળે જ દુ:ખતી રગને શોધી લે છે. મનનું એવું  જ છે: ભારે સુખમાં પણ ગમતી વ્યક્તિનું જરા જેટલું દુ:ખ પણ આપણને સુવા દેતું નથી. એક કોમળ અનુભૂતિ કેટલી સહજ રીતે કવિતા થઈ જાય છે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે.

Comments (6)

દીવાને-ખાસ – હેમેન શાહ

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ્ય લાવ્યો છું.

– હેમેન શાહ

અલગ ગઝલ લખવાનો પોતાની હઠ કવિ ગઝલ લખીને જ સમજાવે છે. જેના ખોળે માથું મૂક્યું તે ગઝલમાં તો વળી કઈ રીતે બાંધછોડ કરી શકાય ?

(પ્રાગડ=પ્રભાત)

Comments (7)

ગઝલ-મરીઝ

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

– મરીઝ

ત્રીજા શેરમાં કોઈક મુદ્રણ-ક્ષતિ હોઈ શકે. પુસ્તકમાં જેમ છે તેમ જ અહીં પ્રસ્તુત કર્યું છે.

Comments (8)

મન ગાવું હો તે ગા-શેખાદમ આબુવાલા

મન ગાવું હો તે ગા
જે કૈં તુજમાં હોય છતું તું તેને કરતું જા

સરવરલહરી સર… સર… કરતી
ગૂંજી રહે સંગીત
ડોલી ડોલી કમલ વહે કંઈ
વાય સમીરણ શીત
પ્રીતની ઘેરી મસ્તી થૈને અંતર અંતર છા
મન ગાવું હો તે ગા

કોમલ હૈયાં ઘાયલ થઈને
છલકાવે નિજ પ્રીત
અમરત દેવી પી ને હલાહલ
એય તો તારી રીત
પહેલા પૂર્ણ છલોછલ થા ને પછી ભલે છલકા
મન ગાવું હો તે ગા.

– શેખાદમ આબુવાલા

Comments (8)

વીર પસલી – કૃષ્ણલાલ શ્રીધરાણી

“વીર પસલી આપે જો વીર!
કેવાં કેવાં દેશે, ચીર ?
મેઘધનુની સાડી કરું,
પહેરી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા કયારે પાળે કોલ? ”

” સપ્તર્ષિના તારા સાત,
પાંચીકડાની કેવી જાત ?
હમણાં લાવું, ગમશે બે’ન?
મૂકીશ ને તું તારું વેણ?
સાથે, બહેની, રમશું રોજ!
છલકાશે હૈયાના હોજ.”

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આમ તો રક્ષાબંધન બે દિવસ પહેલાં થઈ ગયું પણ કેટલાક સંબંધમાં ક્યારેય એક્સપાયરી ડેટ નથી હોતી. પંચમ શુક્લએ પ્રેમભાવે મોકલાવેલ આ રચના લયસ્તરોના તમામ ભાઈ-બહેનોને સમર્પિત કરું છું…

Comments (9)

પૂર્વગ્રહ – શમ્સુર રહેમાન (અનુ. ઉત્પલ ભાયાણી)

ઘાસમાં સંતાઈ રહેલા ઝેરીલા સાપને હું ચાહું છું.
લુચ્ચા દોસ્તોથી એ કંઈ વધુ ક્રૂર નથી.
આંધળી વાગોળને હું ચાહું છું,
ટીકા કરનારાથી એ વધુ ભલી છે.
રોષે ભરાયેલા વીંછીના ડંખને હું ચાહું છું,
એનો દઝાડતો ઘા, પ્રેમમાં હોવાનો દાવો કરતી,
બેવફા સ્ત્રીના ચુંબનથી વધુ સારો હોય છે !
ગાઢ જંગલમાં છુપાયેલા દેખાવડા વાઘને હું ચાહું છું,
સરમુખત્યારની જેમ એ એની હત્યાઓની યોજના ઘડતો નથી.

– શમ્સુર રહેમાન (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)

ભલે “પૂર્વગ્રહ”નો અર્થ “આગળથી બાંધેલો ખોટો મત” થતો હોય, દરેક પૂર્વગ્રહની પાછળ એક કારણ જરૂર હોવાનું. કવિ સાપ, વાગોળ, વીંછી અને વાઘને ચાહે છે પણ મનુષ્યથી દૂર રહે છે. આ પૂર્વગ્રહની પાછળના કારણો ચર્ચવાની કોઈ જરૂર ખરી?

Comments (5)

ઓળખાણ – પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)

જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,
કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં.

આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,
કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં !

આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થ – પારકાં,
કોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં.

ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.

– પ્રભા ગણોરકર
(અનુ. જયા મહેતા)

આ કવિતા વાંચતાવેંત આદિલ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ તરત આંખ સામે આવી ચડે.  પણ આ કાવ્ય મનસૂરીના કાવ્યથી ખાસ્સું અલગ પડે છે… અહીં કવિતા વિશ્વથી શરૂ થઈને સ્વ સુધી આવે છે. ગામ છોડવાનું થાય- કારણ ગમે એ હોય- એ ઘટના જ હૃદયવિદારક છે. જે તારાઓ સામું જોઈને હસતા હતા એ હવે હસશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ મૂળ પ્રશ્ન પ્રકૃતિનો નહીં, આપણી પોતિકી જાત વિશેનો છે… મરાઠી કવયિત્રીને શંકા છે કે આજે ભલે આ બધું મારી આંખો ભીંજવી રહ્યું છે પણ આવતીકાલે હું જાતે જ આ બધાને ભૂલી ગઈ તો?

Comments (9)

(બોલાવ મા) – અહમદ મકરાણી

આભને તું સાવ નીચું લાવ મા,
પાંખને તું આટલી ફેલાવ મા.
પાર મારાથી ગયો છું નીકળી,
સાદ દઈને તું મને બોલાવ મા.

– અહમદ મકરાણી

કોશિશ પર તારી ભરોસો છે કે તું કંઈ પણ કરી જઈશ. પણ આજે મારો વારો છે. સમયનો તકાજો છે. નીકળી જવું – ને નીકળવામાંથી પણ નીકળી જવું – એ જ એક રસ્તો છે. હવે આ વિદાયની આમન્યા રહેવા દે. સાદ કરવાનું રહેવા દે.

Comments (10)

ખુદા મળે-શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

– શૂન્ય પાલનપુરી

Comments (13)

મુક્તિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.નગીનદાસ પારેખ

વૈરાગ્યસાધને મુક્તિ, સે આમાર નય.

અસંખ્ય બન્ધન-માઝે મહાનન્દમય
લભિબ મુક્તિર સ્વાદ. એઇ વસુધાર
મૃત્તિકાર પાત્રખાનિ ભરિ વારમ્વાર
તોમાર અમૃત ઢાલિ દિબે અવિરત
નાનાવર્ણગંધમય. પ્રદીપેર મતો
સમસ્ત સંસાર મોર લક્ષ વર્તિકાય
જ્વાલાયે તુલિબે આલો તોમારિ શિખાય
તોમાર મન્દિર-માઝે.

ઇન્દ્રિયેર દ્વાર
રુદ્ધ કરિ યોગાસન,સે નહે આમાર.
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.

મોહ મોર મુક્તિ રૂપે ઉઠિબે જ્વલિયા,
પ્રેમ મોર ભક્તિ રૂપે રહિબે ફલિયા.

 

વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી.

અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય
મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.
આ વસુધાના માટીના પાત્રને વારે વારે
નાના વર્ણગંધમય તારું અમૃત
તું અવિરત રેડતો રહેશે.
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.

 

ઇન્દ્રિયોના દ્વાર રૂંધીને યોગાસન જમાવવું
એ મારું કામ નથી.
દ્રશ્યમાં, ગંધમાં, ગીતમાં
જે કાંઈ આનંદ રહેલો છે,
તેમાં તારો આનંદ વ્યાપી રહેશે.

મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ.

 

અત્યંત ક્રાંતિકારી વાત છે – જરાક સૂક્ષ્મતાથી તપાસશો તો રજનીશના ચર્ચાસ્પદ વિધાન ‘સંભોગથી સમાધિ સુધી’ નો ધ્વનિ પ્રતિપાદિત થાય છે ! કોઈ દમનની વાત નથી,કોઈ અકુદરતી ત્યાગના માયાવી મૃગ પાછળની દોટની વાત નથી. વિશ્વમાં જ વિશ્વાત્માના દર્શનની વાત છે….સર્જનમાં જ સર્જકની ઝાંખી કરવાની વાત છે. સર્જન અને સર્જક જુદા નથી,માત્ર આપણી દ્રષ્ટિ સીમિત હોવાથી તે દર્શન આપણને સહજ નથી – આ ધ્વનિ છે……

Comments (6)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

– વિવેક કાણે ‘સહજ’

ખાલી ચાર જ શેરની ગઝલ પણ ચારેચાર શેર જાણે મકાનના ચાર પાયા… એકેય હલાવી ન શકાય એવા નક્કર… આજે મોટા ભાગના ગઝલકારો (મારા સહિત) સારા શેરની વચ્ચે ફસાઈ ગયેલા એક-બે નબળા શેર કાઢી-કાપી શકતા નથી પણ વિવેક કાણેની આ ખાસિયત છે કે એ કશું નબળું ચલાવી લેતા નથી…

Comments (11)

મોર સાથે રમતી કન્યા – વિદ્યાપતિ (અનુવાદ: સુરેશ દલાલ)

આવતી કાલે પાછો આવીશ એવું મને કહીને ગયો
મેં મારા ઘરની બારી પર
ફરી ફરીને લખ્યા કર્યું, બસ લખ્યા કર્યું
આવતી કાલે, આવતી કાલે…
આ શબ્દોથી ઢાંકી દીધી જમીન.
જયારે સવાર ઊગી ત્યારે તો
બધા મને બસ પૂછ્યા કરે :
સખી ! કહેને…એટલું તો કહેને
આવતી કાલ તારી આવશે ક્યારે?
કાલની મેં તો છોડી દીધી તમામ આશા
મારો પ્રિયતમ પાછો નહીં આવ્યો તે નહીં આવ્યો.
વિદ્યાપતિ કહે : સાંભળ સુંદરી : કટુવચન આ, ક્રૂર
અન્ય સ્ત્રીઓએ લલચાવીને એને રાખ્યો દૂર.

– વિદ્યાપતિ (ભાષા: મૈથિલી)
(અનુવાદ: સુરેશ દલાલ)

(સૌજન્ય: ક્રિષ્ણા તારા નામનો આધાર)

ગયા અઠવાડિયે ચૌદમી સદીમાં મૈથિલિ ભાષાના કવિ વિદ્યાપતિની એક રચના આપણે માણી. આજે એમની વિરહરસભરી એક રચનાનો આનંદ લઈએ.  “ઇસ જમીં પે લિખ દૂઁ નામ તેરા, આઅસમાઁ પે લિખ દૂઁ નામ તેરા” જેવા ગીતો આજે આપણે સાંભળીએ છીએ પણ છસો વર્ષ પહેલાંનો આ કવિ તારું નામ લખીને આખી જમીન ઢાંકી દીધી જેવી કલ્પના કરે છે એ જાણીએ ત્યારે કેવું લાગે ! કવિતા પોતે પણ આખી આસ્વાદ્ય છે…

 

 

Comments (9)

ગઝલ – ડૉ. કેતન કારિયા

હવા સ્પર્શ જ્યારે કરે છે ત્વચાને,
ત્વચા જેટલું સુખ મળે છે હવાને !

સખત તાપ, વરસાદ, ઠંડક છતાં પણ,
ગગન ખુદ અડી ક્યાં શક્યું છે ધરાને !

ઘણા સાંભળીને મજા પણ કરે છે,
ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

ભલે જિંદગીભર તરસતાં રહે પણ,
અહીં સૌ છલોછલ ભરે છે ઘડાને !

અપેક્ષા કરે લોક દુનિયા હું બદલું,
શરત એમ રાખે ન બદલું પ્રથાને !

બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

– ડૉ. કેતન કારિયા

પાણીદાર ગઝલ…

Comments (18)

જળબંબોળ – ભગવતીકુમાર શર્મા

મને વીંધતો ચોમાસનો મિજાજ જળબંબોળ;
મુશળધાર પડે સાટકા; રુદિયે ભીના સૉળ.

વીજ-દોરથી આભ-ધરા બંધાયા મુશ્કેટાટ;
મેઘ-ઝરૂખે જળકુંવરીએ માંડી છે ચોપાટ.

કરી સોગઠી ગાંડી, કીધો નભનો નરદમ તોડ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

કુંવરીએ ભીના કાગળના ઠલવ્યા ટપાલથેલા;
મઘમઘ કવિતાના રુદિયેથી ફૂટતા દડદડ રેલા.

જળ-સ્થળની હોંસાતોંસીમાં પળપળ ડામાડોળ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

– ભગવતીકુમાર શર્મા

ચોમાસું ફળે કે ન ફળે, આ ગીત  તો ચોક્કસ ફળે એવું છે. સૂરતને અત્યારે આ જળકુંવરીની ચોપાટની જ જરૂર છે. (આડવાતમાં: જળબંબોળ – ને એનો ભાઈ – જળબંબાકાર બન્ને શબ્દ વિચારી જુઓ. ગુજરાતી ભાષાની બરછટ મીઠાશ આવા મઝાના શબ્દોને આભારી છે. આ શબ્દો ક્યાંથી આવ્યા છે એ શોધતા મળ્યું નથી. તમને ખબર હોય તો જણાવજો. )

Comments (12)

સૂની હવેલી છે – રમેશ પારેખ

હું જ્યાં વસું છું એ એવી સૂની હવેલી છે,
ભીંતોની જેમ હવા સ્તબ્ધ થઈ ઊભેલી છે.

શ્વેત કાગળનું સરોવર અવાક્ ઊભું છે,
બબડતી આંગળી કાંઠા ઉપર ઝૂકેલી છે.

કશું બચ્યું નથી ચારે દિશાના હોવામાં,
તમામ માર્ગને શેરી ગળી ગયેલી છે.

પ્રકાશ એટલે અંધારું માત્ર અંધારું,
આંખમાં દ્રશ્યની અફવા ઊડી રહેલી છે.

નનામો પત્ર લખું છું મને હું એવો કે-
‘તું પીવે છે તે નદીઓ તો ચીતરેલી છે.’

છે,પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે ?

ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં,
મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.

-રમેશ પારેખ

Comments (8)

ગઝલ-ખલીલ ધનતેજવી

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

-ખલીલ ધનતેજવી

Comments (9)

યુવાન ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘર પછીતેની લાકડાની દીવાલો વચ્ચે
પાતળા ગાઉનમાં આંટા મારી રાહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, માથાના
ખુલ્લા વાળને અંદર દબાવતી, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
તડતડ અવાજ સાથે દોડી રહ્યા છે
સૂકા પાંદડા પરથી અને હું નમું છું અને સ્મિત આપતો પસાર થઈ જાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પહેલી નજરે સાવ સાદું દેખાતું આ દૃશ્ય જરા હળવા હાથેથી ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની ખરી ભાતો ઉપસી આવે છે. ‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી હજી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી ઝાઝા વર્ષો પણ નથી થયા. શરૂઆતનું દામ્પત્યજીવન તો બાકી પ્રેમના વાવાઝોડા જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ એક જ શબદનો પ્રયોગ તમામ શક્યતાઓનો છેદ ઊદાડી વાચકને શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની રીતે કેદમાં છે.

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. વિખરાઈ ગયેલી લટોને સરખી કરે છે. નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું ક્ષણિક ચારિત્ર્ય સ્ખલન તરફ સંકેત કરે છે. જેમ પહેલા ફકરામાં husband’s house શબ્દપ્રયોગ તેમ અહીં uncorseted શબ્દ આંચકો આપે છે. (corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર કસીને પહેરે છે. અહીં કાવ્યનાયિકાને આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ એના પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે.)

કાવ્યાંતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં કચડાતા સૂકા પાંદડાના અવાજને મૂકીને કવિ આપણને સરી જતા અટકાવે છે. એકવાર કાવ્યનાયિકાની સરખામણી પાંદડા સાથે કર્યા બાદ તરત જ કવિ નાયકની ગાડી નીચે કચડાતા પાંદડાનો નિર્દેશ સાયાસ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એ નમે છે કેમકે બંને જણ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આ સ્મિત બંનેજણ વચ્ચે જન્મેલા ક્ષણિક આકસ્મિક sexual tensionને ઈંગિત કરે છે અને ખરેલા પાંદડાને પોતાની ગાડી તળે કચડીને નાયક એકીસાથે આ તણાવનું નિર્મૂલન પણ કરતો જાય છે.

*

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams

Comments (21)

(મારો તમામ સંકોચ) – વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)

ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.

સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !

– વિદ્યાપતિ
(અનુ. વિવેક મનહર ટેલર)

બિહારના મધુબની જિલ્લાના બિષ્પી ગામમાં ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલા મૈથિલિના કોકિલ તરીકે જાણીતા વિદ્યાપતિની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે…

આ કવિતા વાંચો… સાતસો-આઠસો વર્ષ પહેલાંના કોઈ કવિએ લખી હોય એવું સહેજે લાગે છે?!

Comments (10)

જળઘાત -સંજુ વાળા

પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?

પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા ભરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

– સંજુ વાળા

જળની કવિતા તમે હાથમાં લો અને તમારી આંખ-કાન-મન સામે જળનો ખળખળાટ ખળખળાટ ખળખળાટ કરી દે એ કવિ સાચો… આ ગીત વાંચીએ… જળનો ઘુઘવાટ નજરે પણ ચડે છે, કાને પણ સંભળાય છે અને ભીંજાતા હોવાની સાહજિક અનુભૂતિ પણ થાય છે…

તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ ચગડોળાતું – એક શ્વાસે વાંચી જુઓ તો…
ડાળી લળે જળ છળે જળપરી જળઘાત જળ પળી પાવળે – જળનો ‘ળ’ સંભળાયો?

ઇન્દ્રિયોને અડી શકે એ કવિતા…

Comments (12)

(ઉસ્તાદ) – જયશ્રી ભક્ત

તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો..!

– જયશ્રી ભક્ત

સારી કવિતા ક્યારે કઈ જગ્યાએથી મળી આવે એ કહેવું અશક્ય હોય છે. શબ્દ અને સંગીતની દિવસ-રાત આરાધના કરતાં કરતાં ટહુકો.કોમની સંચાલિકા જયશ્રી અચાનક જ આ કવિતા મને મેલમાં મોકલે છે અને હું તાત્ક્ષણિક જવાબ આપું છું કે આ હું લયસ્તરો માટે રાખી શકું? બરાબર બે અઠવાડિયા પછી એ સંમતિ આપે છે…

સાવ સરળ કવિતા પણ કેવી મર્મવેધક ! દરિયાના મોજાંની જેમ પ્રેમમાં લાગણીઓ અને મન-મેળ પણ આવ-જા અને ભરતી-ઓટને અનુસરતા હોય છે. ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ ના પહોંચાડે એ સાચો પ્રેમ અને એ શબ્દાતીત અવઢવને સામે ચાલીને સમજી-વાંચી લે એ વળી સાચા પ્રેમની જ ઉત્કટતા…

મને તો કવિતામાં વચ્ચે વચ્ચે આવતી ખાલી જગ્યા પણ સતત બોલતી હોય એમ લાગી…

Comments (68)

તરસતો ગયો છું – ડૉ. મનોજ જોષી ‘મન’

તરસતો ગયો છું, કણસતો ગયો છું,
હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

સતત જાણી જોઈ લપસતો ગયો છું,
તમારા તરફ એમ ખસતો ગયો છું.

બધા કારણો શોધવામાં રહ્યા, બસ !
હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું.

વિચારો બનીને તપ્યો, ઓગળ્યો હું,
પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું.

હવે ભોગવીશું પરિણામ બંને,
તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું !

– ડૉ. મનોજ જોષી ‘મન’

Comments (24)

મૃત્યુ – જયંત પાઠક

જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

– જયંત પાઠક

મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…

Comments (8)

હું મારી આસપાસ – હરિકૃષ્ણ પાઠક

હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.

શબ્દો સકળ છે એક વ્યર્થ અર્થથી ભર્યા ;
એ જાણતો છતાંય વાતમાં વણ્યા કરું.

સ્વપ્નો નિહાળવાની ટેવ તો રહી નથી;
જાગું છું એમ વ્હેમથી ત્વચા ખણ્યા કરું.

આ રાત ને દિવસ બધુંય એક છે છતાં
પાડીને એના ભેદ કાળને ગણ્યા કરું.

આશાનાં ફૂલ કોક સવારે ખરી પડે,
તો રાત નો ઉજાગરો કદી લણ્યા કરું.

-હરિકૃષ્ણ પાઠક

Comments (6)

જિન્દગી-મકરંદ દવે

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ,
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હાસ નો કિનારો,
ઊંચા અવિનાશને ઘાટે ગમે છે મને
દુનિયાનો ડૂબતો ઉતારો ;
જિન્દગી તો જંગલમાં કુન્તાનું હેત
અને જિન્દગી તો હિંસક હિડિંબ.

કાદવની ઝંખના ને ઝંખનાની આગમાં
ઊગે કમલ શુચિ અંગે ,
ઘેરા તમસની વેદના તો તેજના
ઊછળે તરંગે તરંગે ;
જિન્દગી તો રગરગમાં કડવો નિતાર
ને શીળી મહેકભર્યો નિંબ

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

[ નિંબ = લીમડો; લીંબડાનું ઝાડ.]

-મકરંદ દવે

કસાયેલી કલમ અને ચિંતન-સમૃદ્ધ ચિત્તમાંથી જ આવો ઝંકાર નીકળી શકે…

Comments (4)

ગીત – પુષ્પા વ્યાસ

રાંધણિયામાં મોહન મળિયા,
હળવે હળવે હરજી હળિયા !
જીવનભર જે દળણાં દળિયાં,
રાંધણિયામાં કેવાં ફળિયાં !

માળા કે ના મંતર જપિયા,
અગનિ સાખે અંતર ધરિયાં,
અંતર ધરતાં અંતર ટળિયાં,
એમ નિરંતર અંતર મળિયાં !

અંતરગુહમાં જંતર બજિયાં,
સુરતા વાધી સુધબુધ તજિયાં,
ઉભયે કોણે કોને ભજિયાં,
પાર ન એનો કોઈ સમજિયાં.

રાંધણિયામાં રસ ને રસિયા,
સકલ પદારથમાં એ વસિયા –
રાંધી રાંધી જો કુછ રખિયાં,
કઈ હાથોંસે ઉસને ચખિયાં !

– પુષ્પા વ્યાસ

(કવિતા (દ્વિમાસિક- સંપાદક શ્રી સુરેશ દલાલ)ના અંક 267ની સમીક્ષા કરવાનું મારે ભાગે આવ્યું. આખા અંકમાંથી આ કવિતા ઉપર મેં પસંદગીનો કળશ ઢોળ્યો જે અંક 268માં છપાયો. આ સમીક્ષાનો એક ભાગ આપ સહુ માટે)

કોઈ પણ કવિતા વાંચી જવા કરતાં એના વિશે બે વાત લખવાનું કાર્ય મને હંમેશા આકર્ષતું આવ્યું છે. કવિતા ગમે એટલી સુંદર કેમ ન હોય, એના વિશે લખવાની ફરજ જ્યાં સુધી ન પડે, ત્યાં સુધી તમે એને એક-બે કે બહુ બહુ તો ત્રણવાર વાંચીને, એનો આનંદ અનુભવીને, આત્મસાત્ કરીને આગળ જ નીકળી જવાના. પણ કવિતા વિશે જો થોડું લખવાનું હોય તો તમારે એ કવિતાને અલગ-અલગ બધા આયામથી અને વારંવાર જોવાની જરૂર પડે છે – કવિતાનો છંદ-લય, પ્રાસની ગુંથણી, કલ્પન વૈવિધ્ય, ભાષાકર્મ, ભાવસૃષ્ટિ, પ્રત્યાયનક્ષમતા, કેન્દ્રવર્તી વિચાર અને એ વિચારની માવજત, કવિતામાંથી નિષ્પન્ન થતો નિર્ભેળ આનંદ તથા શાતા અને સરવાળે કવિતાનું કાવ્યત્ત્વ. કવિતામાં પ્રવેશવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.
“કવિતા” અંક નં. 267ની મારી ગમતી કોઈ એક કવિતા વિશે લખવાનું કામ મારા ભાગે આવ્યું ત્યારે આ વિચારે જ મને ઉત્તેજિત કર્યો. બધી કવિતાઓમાંથી અવારનવાર પસાર થયા પછી મારી પસંદગીનો કળશ પુષ્પા વ્યાસની ગીતરચના પર ઊતર્યો.

મથાળે નામ ન લખ્યું હોય તો કવિવર રાજેન્દ્ર શુક્લની રચના હોવાનો ભાસ થઈ શકે. ટૂંકી બહેરનું આ ગીત મુખડું અને બંધના પારંપારિક ચીલાથી થોડું હટીને ચાલે છે. દરેક પંક્તિ સાથે આવતો અંત્યાનુપ્રાસ, મોટાભાગની પંક્તિઓમાં અવાર-નવાર ડોકિયું કરતા આંતર્પ્રાસ તથા વર્ણાનુપ્રાસ આ ગીતને લયમાધુર્યથી છલક છલક છલકાવે છે.

આમ તો આ વાત લગ્ન કરીને સાસરે આવેલ પત્ની અને એના પતિ વચ્ચેના પ્રેમની છે. આ વાત ઈશ્વર વિશે પણ હોઈ શકે. પણ પતિ કે પરમેશ્વર કે પછી પતિ એ જ પરમેશ્વર એ તો ભાવકે નક્કી કરવાનું. રસોડું અહીં કેન્દ્રસ્થાને છે કેમકે શયનકક્ષ ભલે સંસારચક્રમાં કેન્દ્રસ્થાને કેમ બિરાજતો ન હોય, કુશળ સ્ત્રી જાણે છે કે A way to man’s heart begins from his tummy! (પુરુષના હૈયા તરફનો રસ્તો એના ઉદરથી શરૂ થાય છે). કર્મને જીવનનું કેન્દ્ર બનાવનારને કોઈ માળા કે જંતર-મંતરની જરૂર પડતી નથી. એનું કર્મ એ જ એની ખરી પૂજા. એ જ એનું સાચું તપ. અંતરના શ્લેષની રમત પણ આ ગીતમાં સરસ થઈ છે. જે ઘડીએ અંતર પૂરેપૂરું સમર્પિત થાય એ ઘડીએ અંતર પૂરેપૂરું ટળી જાય છે. સોનેટની જેમ જ આ આખા ગીતની ખરી મજા એની આખરી બે પંક્તિઓમાં છે જ્યાં પ્રેમ, સમર્પણ અને ભક્તિ એની ચરમસીમાએ પહોંચે છે…

Comments (8)

ગઝલ – પ્રણય જામનગરી

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે !

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.

– પ્રણય જામનગરી

બધા જ શેર પાણીદાર…

Comments (5)

ગઝલ – અરુણ દેશાણી

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો,
ઓછપ-હવેલી-દ્વાર-અભાવોની સાંકળો.

દિવસો-વિહંગ-નીલ ગગન પાંખ-ફડફડાટ,
દિવસો-દીવાલ-બિંબ-નર્યા ખાલી મૃગજળો.

પીંછા-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય,
ટહુકો-મરણ-હથેળી-રેખા સ્વપ્ન વાદળો.

રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ,
ફૂલોના પ્રેમપત્ર ઉપર બાઝે ઝાકળો.

રેતી-વમળ-વહાણ-કિનારાની… સ્તબ્ધતા,
લિખિતંગ અટકળોથી લખાયેલા કાગળો.

– અરુણ દેશાણી

ભાવનગરના કવિ અરુણ દેશાણીનું આજે દેહ-નિધન થયું. પણ કવિ કદી મરતો નથી. એ જે એક્ષર કાગળ પર પાડે છે એ એને અ-ક્ષર કરી મૂકે છે… શબ્દ-ગુચ્છોની વચ્ચે મૂકેલા ‘ડેશ’ વડે આખી ગઝલમાં એક નિઃસ્તબ્ધતાનો ભાવ ઘુંટાતો અનુભવાય છે. બે શબ્દોની વચ્ચેના આ ડેશ જાણે આપણા ખાલીપાનો આકાર ન હોય એમ ભોંકાય છે… આખી ગઝલ વાંચીએ ત્યારે મન ભારઝલ્લું બની રહે છે… બધા જ શેર આપણી શૂન્યતા અને અવાકતાને ચાબખા મારતા હોય એવું અનુભવાય છે…

લયસ્તરો ટીમ તરફથી કવિશ્રીને હાર્દિક શબ્દાજંલિ !

Comments (5)

માતૃભાષા – પન્ના નાયક

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’

અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)

– પન્ના નાયક

આટલા વરસ અમેરિકામાં રહીને  અમને તો ભાઈ સબટાઈટલવાળા સપનાંની આદત પડી ગઈ છે. ઓરીજીનલ સપનાં કેવા હતા એ તો કોઈ વાર સપનામાં જોવા મળે તો ખરું 🙂

Comments (5)

રાહ જોઉં છું – પ્રફુલ્લ રાવલ

હું તો તૈયાર જ બેઠો છું
બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.

મારે ક્યાં કોઈની રાહ જોવાની છે ?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ ?

વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,

પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.

– પ્રફુલ્લ રાવલ

આત્મખોજની યાત્રા એ ન નીકળવાના બહાનાઓ અનેકવિધ છે….. મગજ અત્યંત ચાલક અંગ છે. મગજની ચાલ સમજવી અને સમજીને પછી તેને અતિક્રમવી તે પ્રજ્ઞા….

Comments (6)

ગીત – મુકેશ જોષી

એને મૂળમાંથી ઝાડવું ઉખાડવું હતું,
મારે માળામાં બુલબુલને પાળવું હતું.

પંખી બનીને એ ઊડી જો હોત તો
જીવતરની ફેર કરત માગણી
બત્તીના થાંભલેથી બલ્બ ઊડી જાય એમ
ઊડી ગઈ ઓચિંતી લાગણી.
એને સૂરજથી જળને દઝાડવું હતું,
મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું.

એક એક કિરણોને જીવ જેમ સાચવું
તોય તૂટી જાય રોજ સાંજ,
એક દિવસ સ્વરપેટી જાતે ઉઘાડી,
તો અંદર તૂટેલો અવાજ.
એને મૃગજળથી સપનું પલાળવું હતું
મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.

– મુકેશ જોષી

 

કલાપીની અમર પંક્તિ યાદ આવે છે …..’સાકી જે શરાબ મુજને દીધો,દિલદારને દીધો નહીં; સાકી જે નશો મુજને ચઢ્યો, દિલદાર ને ચઢ્યો નહીં……. ‘

Comments (6)

ગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

બધા જ શેર સરસ થયા છે પણ પુષ્પ અને હસ્તરેખાવાળા બે શેર ઊંડું મનન માંગી લે એવા મજાના થયા છે….

Comments (10)

આજકાલ – યોગેશ પંડ્યા

શૂન્યતા જ્યાં વિસ્તરે છે આજકાલ,
દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ.

એક તારી યાદનું વળગણ રહ્યું,
જે થકી આ દિલ ઠરે છે આજકાલ ?

વાયરો ફૂંકાય છે Romanceનો,
કોણ કોનાં દિલ હરે છે આજકાલ ?

કો’કની મીઠી નજરનું લક્ષ્ય છો,
કો’ક તારા પર મરે છે આજકાલ !

ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
પોપડા કેવા ખરે છે આજકાલ !

શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ,
કોણ સહારા વિણ તરે છે આજકાલ ?

– યોગેશ પંડ્યા

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું ?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું ?

ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.

– મુકુલ ચોક્સી

આદિલ સાહેબ લખી ગયા કે રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! પણ આજે આ ભીંત થોડી વધુ આગળ વિસ્તરી ગઈ છે…  વ્યવસાય, મકાનો અને ગાડીઓના કારણે મારા જેવા ઘણા બધાના નસીબમાંથી તો પલળવાનો એકડો જ નીકળી ગયો છે.  અને એમાંય સાથે પળળવાની વાત? જાવેદ અખ્તર સાહેબ યાદ આવે છે: तब हम दोनों वक्त चुरा कर मिलते थे, अब मिलते हैं जब भी फुरसत होती है | પછી બિચારી બોગનવેલ હસે નહીં તો શું કરે?

Comments (4)

આગવી છે – જલન માતરી

જીવનભોગે મેં મેળવેલી આ સિદ્ધિ
કયામત સુધી સાચવી રાખવી છે;
જમાનાને કહી દો, નહીં ભાગ આપું
મરણ આગવું છે, કબર આગવી છે.

– જલન માતરી

Comments (5)

રંગીન પરપોટા થયા – ગની દહીંવાળા

અટકી અટકી શ્વાસના કટકા થયા,
હેડકીના ઓરતા પૂરા  થયા.

ભ્રમ કશા રવનો થયો સૂનકારને,
સ્થિત સમયના કાન પણ સરવા થયા.

ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,
ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.

ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,
પોપચાં એકાંતના ઊંચા થયાં.

રોમે રોમે થઈ અચાનકતા ઊભી,
નાડીના ધબકારા પણ અથરા થયા.

ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,
એના આ રંગીન પરપોટા થયા.

આછું આછું ઓગળ્યા તો યે ‘ગની’,
ના ચણોઠીભાર પણ ઓછા થયા.

– ગની દહીંવાળા

મીણના ટાંકણાના માલીક ગનીચાચા જ મરણ વિશે આટલી કોમળ ગઝલ કંડારી શકે.

(ઓસાણ=સ્મરણ, અથરા=અધીરા)

Comments (10)

બે ભાગમાં – મનોજ ખંડેરિયા

શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં

દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં

કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મૂકયું’તું તરતું તારી આંખમાં

હસ્ત-રેખા એટલે રેતી કહો
વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં

આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
શું લીધું તડકા સમું આ શ્વાસમાં

-મનોજ ખંડેરિયા

Comments (8)

વાયરા ધીરા ધીરા કળપે – ઊજમશી પરમાર

કોકડ મોકડ વળી અમસ્તો પડ્યો ક્યારનો સોપો,
સવળે નહીં લગરીકે, મારો ડંગોરો કે તોપો.

લહલહ કરતો હાંફે, લાંબી જીભ લટકતી હેઠે,
જરીય પડખું ફેરવવાની તસ્દી ના’વે નેઠે.

હવે વાયરો ફરકે ક્યાંથી, સૂતો હેઠ દબાવી,
કિયા ગુનામાં ઝાડ નમીને ઊભાં પાંદડાં ઢાળી ?

વાટેઘાટે એદી અજગર સમો પડ્યો જળ-સ્થળમાં,
કરે જાગતું પડ એને તો ધરબી દઉં હું તળમાં.

જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા,
સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા.

– ઊજમશી પરમાર

સન્નાટાની કવિતા… લય અને શબ્દની બાંધણી એવી ચસોચસ થઈ છે કે ભારીખમ્મ સુનકાર આપણી છાતી પર ચડી બેસતો હોય એમ લાગે. કૂકડું વાળીને સોપો એ રીતે પડ્યો છે કે લાકદીથી ફટકારો કે તોપ ફોડો, એ જરાય સવળવાનો નથી. આળસુ અજગર પેઠે જાણે જીભ લટકાવીને એ હાંફી રહ્યો ન હોય… વાયરાને એ જાણે પોતાની નીચે દબાવી બેઠો ન હોય એમ એ વાતો અટકી ગયો છે. ઝાડના પાંદડા પણ વાયરાની ગેરહાજરીમાં નીચા ઢળી પડ્યાં છે. શોકાતુર વાયરો ધીમે ધીમે ઝૂરી રહ્યો છે…

Comments (9)

વરસો પછી – અઝીઝ ટંકારવી

બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.

એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.

જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.

આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.

બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.

લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.

– અઝીઝ ટંકારવી

Comments (11)

આખરી વેળાનું – રાજેન્દ્ર શુક્લ

આખરી વેળાનું આ આખર પ્રસારું,
તારી ઇચ્છા છે તો લે આ કર પ્રસારું !

તું ન હો વાકેફ એવું તો નથી કંઈ,
તે છતાં તારી કને ભીતર પ્રસારું !

તું કહે તો લે સકળ સંકોચ છોડું,
તું કહે તે રીતે સચરાચર પ્રસારું !

તું તો આપે પણ બધું હું ક્યાં સમાવું ?
જર્જરિત ઝોળી સમો અક્ષર પ્રસારું !

તું કદી આવે તો આસન શું બિછાવું !
ઝાંખી ઝાંખી આંખનો આદર પ્રસારું !

હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું
એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !

એક વીતી ક્ષણ ફરી આપી શકે તું
હું ફરીથી એનો એ અવસર પ્રસારું !

ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,
શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !

-રાજેન્દ્ર શુક્લ

એક મજાની ગઝલ… જેટલી વધુ મમળાવો એટલી જ વધુ મીઠી લાગશે…

Comments (6)

ગીતો વસંતનાં – ચંદ્રેશ ઠાકોર

ઘંટ નથી શંખ નથી ગૂંજે છે સૂર આ તો ફાગના
ઘેલી હું તો સાંભળું છું હળુહળુ પગલાં વસંતનાં.

આયખાની બપ્પોરે ક્યાં મને પડી’તી
કે લીલાં પણ થઈ જશે પીળાં
અને રાચું છું આજે હું પાનખરી મેળામાં
જોઈ જોઈ ડોકિયાં વસંતનાં
આંજી એનો જાદુ મારી આંખમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

ઉજ્જડ બેઠી બધી ડાળીઓ ઉદાસી
ને સોરાતાં વનરાજી નીર
ફેંકે એક કંકર જોને ટીખળી વસંત
પાંખે લીલાં સ્પંદનનાં ચીર
ઘોળી ચૈતન્ય આ નખરાળા ઠાઠમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

નીંદરેથી જાગી ઊઠી શરણઈઓ લીલી
ને માલણના છાબ જાણે ખૂટ્યા
મહિયરને માણવા દીકરી આવી
એવાં આંગણનાં ચ્હેરા છે મલક્યા
મોજીલી હું તો લઈ લીલાં ઓવારણાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

– ચંદ્રેશ ઠાકોર

વસંતને વધાવતું પ્રસન્ન ગીત.

Comments (3)

વચમાં જ્યાં થાય – મનોજ ખંડેરિયા

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….

ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….

સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….

– મનોજ ખંડેરિયા

એક એક પંક્તિ ખૂબ માવજતથી સર્જાઈ છે…. સંવેદનનું અત્યંત નાજુક આલેખન……

Comments (9)

અનંતે સરું – મકરંદ દવે

મારા નાનકડા ખોરડાની બારી પ્રભુ !
આજ વાસી દઉં
મારા નાનકડા દીવડાને ઠારી પ્રભુ !
આજ બ્હારે જઉં.

જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે
તારી જ્યોતિસભા
જ્યારે રેલે અસીમ શ્યામ રાત બધે
તારી સ્મિત પ્રભા.

મારા બારણિયાં બ્હાર ત્યારે બેસી પ્રભુ !
મૂક વંદી રહું
એક ખૂણે અનંતને પ્રવેશી પ્રભુ !
ધનભાગી થઉં.

મારી નાનકડી બારી વચાળે સદા
તને જોવા મથ્યો
મારે દીવાને ઝાંખે અજવાળે વૃથા
તને ખોવા રહ્યો.

હવે એવી તે ભૂલ કદી ના રે કરું
નાથ, વસી બારી
તારી જ્યોતિ અનંતમાં હું જાતે સરું
મારો દીવો ઠારી.

-મકરંદ દવે

ઇન્દ્રિયોરૂપી બારી અને mind – મનરૂપી દીવડો….. આ બે ને અતિક્રમીને વિશ્વચેતનામાં ભળી જવાની ભાવના અહીં નાજુકાઈથી વ્યક્ત થઈ છે…..

Comments (5)

રાતે વરસાદ – જયન્ત પાઠક

નભના ઘનઘોર કાનને
ચઢી અશ્વે નીકળ્યો કુમાર છે;

કર ભાલો વીજળી સમો ઝગે,
પગ ગાજે પડછંદ ડાબલે.

તિમિરો ગુહકોટરે સૂનાં
અહીંથી ત્યાં ભયભીત ભાગતાં;

પગ અધ્ધર લૈ વટી જવા
હદ મૃત્યુની, શિકારીની તથા.

પવનો વનની ઘટા વિશે
થથરે સ્તબ્ધ છૂપાછૂપા જુએ

બચવા દૃગથી શિકારીનાં
દૃગ મીંચી ત્રસ્ત તારકો !

પડ્યું લો, ઘાવથી છાતી સોંસરા
ઊડી છોળો, તરબોળ દ્યો-ધરા !

– જયન્ત પાઠક

ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા. ચોમાસાની કાજળઘેરી રાતના ફાટફાટ સૌંદર્યનિબદ્ધ આ કવિતા વિશ્વકવિતાની કક્ષાએ બેસી શકે એમ છે.

આકાશના ઘનઘોર જંગલમાં વરસાદ હાથમાં વીજળીનો ભાલો લઈ ઘોડે ચડી શિકારે નીકળ્યો છે. વાદળોનો ગગડાટ એના ઘોડાના ડાબલા સમો સંભળાય છે. ગુફા અને કોતરોમાં એકબાજુ અંધારું પોતે ભયભીત થઈને ભાગતું ભાસે છે તો બીજી તરફ પવન પણ છુપાઈને મૃત્યુની હદ પણ વટી જવા આતુર આ શિકારીને નિહાળી રહ્યો છે. વરસાદની રાતે વાદળોના કારણે નજરે ન ચડતા તારાઓને કવિ જાણે વરસાદની આંખમાં આંખ પરોવી શકતા ન હોય એમ આંખો મીંચી ગયેલા કલ્પે છે… અને તીર જેવો વરસાદ ધરતીની છાતી સોંસરો નીકળી જાય છે. કેવું મનહર દૃશ્ય…

(કાનન = જંગલ, ગુહકોટર = ગુફાની કોતર, દૃગ = આંખ)

Comments (7)

ના જોઈએ – ગુણવંત ઉપાધ્યાય

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.

રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.

જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.

અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.

એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.

– ગુણવંત ઉપાધ્યાય

આમ તો બધા જ શેર મજાના અને સ્વયંસ્પષ્ટ છે પણ મને તકલાદી સમય વધુ ગમી ગયો. સમયના તકલાદીપણાને કવિએ કાચના અંજળ ગણાવીને કમાલ કરી છે. છેલો શેર પણ જેટલી વાર વાંચો, વધુ ને વધુ ખુલતો જણાય છે…

Comments (6)

ગઝલ – અરુણ દેશાણી

કોઈ તો એકાદ એવું સ્થળ હશે,
દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે.

શું ખબર એ પંથ ક્યારે આવશે !
જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે.

જળ હશે, પથ્થર હશે, વાદળ હશે,
હોવું પણ હોવાનું કેવળ છળ હશે.

સૂર્યની છાયા ભલેને ના મળે !
લોહીમાં અજવાસની સાંકળ હશે.

સંચરો ભાથાં લઈને કર્મનાં,
એ જ તો બસ આપણાં અંજળ હશે.

-અરુણ દેશાણી

હોવાની વિધાયક શક્યતાઓને ઉજાગર કરતી ગઝલ…

Comments (4)

સપનાં – નીતિન મહેતા

ક્યારેક આપણા સપનાંને
ઝાંખપ વળે
કરચલીઓ પડે
વળી ક્યારેક સપનાં
થરથર કાંપે
ડગુમગુ ચાલે
પણ પ્રવાસ ન છોડે

ક્યારેક આ સપનાં
રોજરોજ સૂર્યપ્રકાશમાં
આપણા કેટલાયે
વિચારોને તરછોડી દે
ને કયારેક
સૂર્યકિરણની જેમ એક ડાળેથી
બીજી ડાળે ફર્યા કરે

જોકે સપનાં
ક્યારેક બરફ
ક્યારેક ધુમ્મસ
ક્યારેક વરાળ
ક્યારેક તરસ
ક્યારેક સત્તા
ક્યારેક શોષણ
સપનાં
ક્યારેક સજાવાય
ક્યારેક દેખાડાય
ક્યારેક ડહોળાય
ક્યારેક છીનવાય

તો સપનાં
ક્યારેક છબીમાં તડ પાડે
ક્યારેક વાતોમાં રંગ પૂરે
ક્યારેક મોઢાનું નૂર હરે

આ સપનાંઓની કોઈ ઓળખ?
હા, એ થોડા સાઈકોસોમેટિક
ને એના મરણની પણ વસંત.

– નીતિન મહેતા

સપનાં-પુરાણ એ માનવીપણાનો આખોય ઈતિહાસ છે. સપનાં જોતા શીખ્યા પહેલા જે પ્રાણી હતો, એ સપનાં જોતા શીખ્યા પછી માનવ થયો. સપનાંએ આપણને અઢળક આશાથી ભરી દીધા અને એ સપનાંએ જ નિરાશા શું એ સોટી મારીને શીખવાડ્યું. સપનાં બધા સુખોમાં ઉત્તમ સુખ છે અને સપનાં જ બધા દુ:ખોમાં સૌથી તીણું દુ:ખ છે. જે એને પાર કરી જાય એ તો ઓલિયો થઈ જાય.

(સાયકોસોમેટિક = એવી બિમારી જેનું કારણ ખાલી માનસિક જ હોય)

Comments (5)

અસંખ્ય ઝાંઝવા – રમેશ પારેખ

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

ઉઘાડી આંખમાં છલકે અસંખ્ય શમણાંઓ,
ભીડેલી પાંપણો વીંધી તમામ છટકે છે.

મરણગતિએ મળી લઈએ એકબીજાને-
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે.

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

– રમેશ પારેખ

આ ગઝલના ત્રણ શેર પહેલા પણ ખબર હતા. આજે અચાનક આખી ગઝલ હાથ લાગી ગઈ. ર.પા.ના શબ્દચિત્રોની વાત જ અલગ છે. ઝાંઝવા એમના ગીત અને ગઝલ બન્નેમાં વારંવાર આવે છે. અહીં તો ઘરની હવામાં ભટકતા ઝાંઝવાની કલ્પના એક જ લસરકે અતૃપ્ત ઈચ્છાઓની આખી ભૂતાવળને તાદૃશ કરી દે છે. એ પછી એ અતુપ્ત ઈચ્છાઓનું ‘લેંડિગ’ કવિ હાથની રેખાનોના ‘રન વે’ પર કરાવે છે. અપ્રાપ્ય ભવિષ્યમાં કેદ સઘળી અતૃપ્ત ઈચ્છાઓ ! પાનખરનો ભાર ઝીલી જતું વૃક્ષ વસંતનો ભાર જીરવી શકતું નથી. દિવસે જે સપના કનડે છે એ બધા રાત્રે ઊંઘને સૂનકાર કરીને છટકી જાય છે. ત્રીજા શેરને ઊંચે લઈ જતો શબ્દ છે – મરણગતિ. આ મરણગતિ એટલે શું ? મરણગતિ એટલે મરણની જેમ, એટલે કે એકવાર મળીએ તો પછી કદી છૂટા ન પડે એવું મિલન. પણ આવા મિલન માટેના બીજા બધા શબ્દોને બદલે આ શબ્દ વાપરીને કવિ શેરને કાળીમેશ ધાર કાઢી આપે છે. ને છેલ્લા શેરમાં, નિરાંત જોઈતી હોય તો દીવાલ પરના ફોટામાં જ મળશે એવો ટાઢો ડામ હળવી ભાષામાં આપીને કવિ ગઝલ પૂરી કરે છે.

Comments (12)

ગઝલ – હરીન્દ્ર દવે

બેચેન છે વસંત ને લાચાર પાનખર,
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.

બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.

આગળ હતી વસંતની માદક હવા, છતાં,
હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો.

આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.

-હરીન્દ્ર દવે

Comments (9)

અ-પ્રતિભાવ – જગદીશ જોષી

તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.

થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.

તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે.

-જગદીશ જોષી

જે અંતરમાં નથી, તે ક્યાંય નથી…..

Comments (3)

અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ અજાણ્યા, ન સમજી શકાય એવા વિશ્વમાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે જે વાત તેમનું હૃદય કદી અનુભવવા તૈયાર નહોતું એ તેઓ જાણવા ન માંગતા હોય – માતૃભૂમિનું એ દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ ચુપચાપ કામ કરે છે. કેદીઓ છે – તેઓ પણ ! પણ શું એ લોકો આ સમજી શક્શે ? આવતી કાલે ? પછીથી ? કદી પણ ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

*

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

*

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળીએ કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

Comments (9)