પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – મુકુલ ચોક્સી

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું ?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું ?

ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.

– મુકુલ ચોક્સી

આદિલ સાહેબ લખી ગયા કે રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! પણ આજે આ ભીંત થોડી વધુ આગળ વિસ્તરી ગઈ છે…  વ્યવસાય, મકાનો અને ગાડીઓના કારણે મારા જેવા ઘણા બધાના નસીબમાંથી તો પલળવાનો એકડો જ નીકળી ગયો છે.  અને એમાંય સાથે પળળવાની વાત? જાવેદ અખ્તર સાહેબ યાદ આવે છે: तब हम दोनों वक्त चुरा कर मिलते थे, अब मिलते हैं जब भी फुरसत होती है | પછી બિચારી બોગનવેલ હસે નહીં તો શું કરે?

4 Comments »

  1. હેમંત પુણેકર said,

    June 28, 2012 @ 2:18 AM

    મુકુલભાઈની ગઝલોની તો વાત જ શું કરવી! કંઈ કહેવા માટે હું બહુ નાનો કહેવાઉં. એકદમ અલગ જ વિચારો/કલ્પનો અથવા બહુ જૂના કે ચવાયેલા વિચારો/કલ્પનોની બહુ જ નોખી-નીરાળી રજૂઆત એમની ગઝલોમાં જોવા મળે. સવારસવારમાં આવું કંઈક વાંચીએ એટલે દિવસ સુધરી જાય!

    તમામ શેર સુંદર છે પણ બોગનવેલ વાળા શેરની મજા જ અલગ છે!

  2. M.D.Gandhi, U.S.A. said,

    June 28, 2012 @ 11:56 AM

    ગઝલ સારી છે, પણ નિરાશાવાદી છે. રડકું છે. જોકે સાચી વાત લખી છે, જિંદગી હસ્તાં હસ્તાં જીવવાની, જિન્દગી સન્માનપૂર્વક જીવવાની.

  3. pragnaju said,

    June 28, 2012 @ 2:15 PM

    અ દ ભૂ ત ગ ઝ લ
    ટ્રકવાળાને કે રીક્ષાવાળાને પણ નિરાશ ન કરનાર કવિશ્રી જાતે આ ગઝલનું પઠન એવં રસાસ્વાદ કરાવે તો મઝા ઔર!
    ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
    કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું
    યાદ આવે… હવે તો લકવાગ્રસ્તના મગજના મોટર કોર્ટેક્સમાં એક નાના કેપ્સૂલ આકારની ચિપ પ્રત્યારોપિત કરે છે,જેમાં ૯૬ સેંસર લાગેલા છે. જ્યારે પણ તે કોઈ પણ વસ્તુ ઉઠાવવા અંગે વિચારે છે તો તે સેંસર નજીકમાં રહેલ કોમ્પ્યુટરને સંબંધિત રોબોટિક અંગમાં હલનચલન કરવાનો સંકેત મોકલે છે.
    લકવાગ્રસ્ત ગાલિબસાહેબે તો કહ્યું હતું
    गो हाथ को जुम्बिश नहीं, आंखों में तो दम है,
    रहने दो अभी सागरो-मीना मेरे आगे।
    અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
    વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.
    કોઇ અકળામણ થાય તેવા વખાણ કરે ત્યારે કહેવાઇ જાય કે હ્જુ તો જીવીએ છીએ !

  4. Maheshchandra Naik said,

    June 28, 2012 @ 6:18 PM

    અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનુ,
    વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનુ
    શ્રી મુકુલભાઈએ બધા જ શેરોમા જીવનનો મર્મ સમજાવી ગયા છે……..
    શ્રી મુકુલભાઈને કેનેડાથી એક સુરતીની સલામ અને શુભકામનાઓ………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment