અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – અરુણ દેશાણી

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો,
ઓછપ-હવેલી-દ્વાર-અભાવોની સાંકળો.

દિવસો-વિહંગ-નીલ ગગન પાંખ-ફડફડાટ,
દિવસો-દીવાલ-બિંબ-નર્યા ખાલી મૃગજળો.

પીંછા-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય,
ટહુકો-મરણ-હથેળી-રેખા સ્વપ્ન વાદળો.

રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ,
ફૂલોના પ્રેમપત્ર ઉપર બાઝે ઝાકળો.

રેતી-વમળ-વહાણ-કિનારાની… સ્તબ્ધતા,
લિખિતંગ અટકળોથી લખાયેલા કાગળો.

– અરુણ દેશાણી

ભાવનગરના કવિ અરુણ દેશાણીનું આજે દેહ-નિધન થયું. પણ કવિ કદી મરતો નથી. એ જે એક્ષર કાગળ પર પાડે છે એ એને અ-ક્ષર કરી મૂકે છે… શબ્દ-ગુચ્છોની વચ્ચે મૂકેલા ‘ડેશ’ વડે આખી ગઝલમાં એક નિઃસ્તબ્ધતાનો ભાવ ઘુંટાતો અનુભવાય છે. બે શબ્દોની વચ્ચેના આ ડેશ જાણે આપણા ખાલીપાનો આકાર ન હોય એમ ભોંકાય છે… આખી ગઝલ વાંચીએ ત્યારે મન ભારઝલ્લું બની રહે છે… બધા જ શેર આપણી શૂન્યતા અને અવાકતાને ચાબખા મારતા હોય એવું અનુભવાય છે…

લયસ્તરો ટીમ તરફથી કવિશ્રીને હાર્દિક શબ્દાજંલિ !

5 Comments »

  1. મીના છેડા said,

    July 5, 2012 @ 2:53 AM

    રેતી-વમળ-વહાણ-કિનારાની… સ્તબ્ધતા,
    લિખિતંગ અટકળોથી લખાયેલા કાગળો.
    ………

    હવે આ કાગળની અટકળો પણ સ્ત્બ્ધ રહેશે….

  2. pragnaju said,

    July 5, 2012 @ 8:46 AM

    સુંદર ગઝલ
    અમારી પણ કવિશ્રીની અમને ગમતી ગઝલથી શ્રધ્ધાંજલી
    ચારે તરફ છે આગ છતાં ઠારતો નથી,
    માણસ વખતા આવે તો અહીં જાગતો નથી.

    વ્યંઢળની જેમ કેમ એ ફરે છે ગામમાં?
    ’સબ ખૈરિયત’ ની હાક હવે પાડતો નથી.

    આંજી શકાશે કેમ ઊઘડતા ઉજાસને?
    માણસ જ્યાં બંધ આંખને ઉઘાડતો નથી.

    આકાશ તાકવાથી કશુંયે થશે નહીં,
    પથ્થર છે હાથમાં તો કાં ઉછાળતો નથી?

    કંઈ કેટલા યુગોથી આજાણ્યો રહ્યો ‘અરુણ’
    માણસ તો માણસાઈ વિશે જાણતો નથી.

  3. sudhir patel said,

    July 5, 2012 @ 9:38 PM

    ભાવનગરના કવિ-મિત્ર શ્રી અરુણ દેશાણીના દેહાવસાનના દુઃખદ સમાચાર જાણી મન ભારે ખિન્ન થઈ ગયું. એમના આત્માની શાંતિ માટે પ્રભુને અંતરની પ્રાર્થના.
    સુંદર ગઝલ અને ગીતો દ્વારા એમનો અક્ષરદેહ હમેશા ગૂંજતો રહેશે.
    સુધીર પટેલ.

  4. P Shah said,

    July 6, 2012 @ 4:41 AM

    કવિશ્રીને હાર્દિક શબ્દાજંલિ !

  5. Dr Niraj Mehta said,

    July 16, 2012 @ 1:39 AM

    વાહ. કવિ ને સુંદર શબ્દાંજલિ આપી આપે વિવેકભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment