હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રણય જામનગરી

પ્રણય જામનગરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વિચાર્યું હોત તો – પ્રણય જામનગરી

મન તો મન છે, મનને માર્યું હોત તો ?
જે મળ્યું, એને સ્વીકાર્યું હોત તો ?

તીર પાછું કઈ રીતે વાળ્યું વળે ?
છોડતાં પહેલાં વિચાર્યું હોત તો ?

ઘર ખરેખર ઘર મને પણ લાગતે
કોઈ મારે ત્યાં પધાર્યું હોત તો ?

ભારેલા અગ્નિ સમું ધખતું રહ્યું,
એવું મન, ક્યારેક ઠાર્યું હોત તો ?

આજીવન, જીવન બની રહેતે જીવન:
આપણે સાથે ગુજાર્યું હોત તો.

પ્રેમ નફરતમાં કદી પલટાત ના,
આપણું વર્તન સુધાર્યું હોત તો.

રણ તો આખર હોય છે રણ આમ પણ,
એટલું તેં પણ વિચાર્યું હોત તો.

ઘાત ગઈ તારા હૃદય પરથી ‘પ્રણય’
હળવું-મળવું તેં વધાર્યું હોત તો ?

– પ્રણય જામનગરી

મજાની ગઝલ… ત્રણેક શેર નબળા થયા છે, કવિએ એ શેર પડતા મૂકવાનું વિચાર્યું હોત તો આખી ગઝલ સંઘેડા ઉતાર થઈ શકી હોત એમ લાગે છે.

Comments (5)

ગઝલ – પ્રણય જામનગરી

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે !

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.

– પ્રણય જામનગરી

બધા જ શેર પાણીદાર…

Comments (5)